શેષ નમસ્કાર (1971) : બંગાળી લેખક. સંતોષકુમાર ઘોષ (જ. 1920) રચિત નવલકથા. તેને કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1972ના વર્ષનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
આ નવલકથા તેમની માતાને ઉદ્દેશીને પત્રાવલિ રૂપે લખાયેલી છે. એ તેમની મહત્ત્વાકાંક્ષી રચના છે. તેમાં પશ્ચાદ્વર્તી અને ભાવિલક્ષી અભિગમથી જીવનને સમજવા-પામવાની અવિરત ઝંખના વ્યક્ત કરવામાં આવી છે.
આ નવલકથામાં અવળે માર્ગે ચઢી ગયેલા એક યુવાનની કથા છે. કિશોરાવસ્થામાં તે નિર્દોષ અને સદ્ગુણી હોય છે, પરંતુ યુવાવસ્થામાં પ્રવેશતાં તે દુષ્કૃત્યો તરફ વળે છે. એવામાં તેને પોતાની જીવનદાત્રી માતાનું સ્મરણ થાય છે. તેમાંથી તેને આત્મદર્શન તથા આત્મશુદ્ધિ માટેની એક આંતરિક પ્રેરણા સાંપડે છે. હૃદયશુદ્ધિ, કબૂલાત અને જીવનપરિવર્તન માટે તે પોતાની માતાને પત્ર લખવાનું શરૂ કરે છે. એ રીતે તે પોતાની માતાને સંખ્યાબંધ પત્રો લખે છે અને એમ કરતાં પોતાના મૂળ વ્યક્તિત્વને પામવા મથે છે.
સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે તેમનું પ્રદાન વિપુલ અને વૈવિધ્યપૂર્ણ રહ્યું છે. પ્રસ્તુત નવલકથામાં વ્યક્ત થયેલ તેમના દૃષ્ટિબિંદુની તાજગી તથા પ્રયોગશીલતાથી તેમણે સાહિત્યજગત તથા વાચકવર્ગ પર ઊંડો પ્રભાવ પાડ્યો છે.
આ પુરસ્કૃત કૃતિ ‘શેષ નમસ્કાર’ તેની ઊંડી તર્કસંગતતા અને યથાર્થ ચિત્રાંકનને કારણે તત્કાલીન બંગાળી સાહિત્યમાં ઉત્કૃષ્ટ લેખાઈ છે.
મહેશ ચોકસી