શેષાદ્રિ, એચ. વી. (. 26 મે 1926, બૅંગાલુરુ, કર્ણાટક; . 14 ઑગસ્ટ 2005, બૅંગાલુરુ) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચારક, પૂર્વ સહસરકાર્યવાહ, પૂર્વ સરકાર્યવાહ, ભાષાવિદ તથા લેખક. મૂળ વતન બૅંગાલુરુ. પૂરું નામ હોંગસાન્દ્ર વેંકટરમય્યા શેષાદ્રિ. વિદ્યાવ્યાસંગી પરિવારમાં જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધું હતું. મૈસૂર યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં બી.એસસી. અને ત્યારબાદ તે જ વિષયમાં એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી હતી. એમ.એસસી.ની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ તેમને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષણ બાદ પોતાની જ યુનિવર્સિટીમાં થોડોક સમય રસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું. તે જ અરસામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દક્ષિણ ક્ષેત્રના તત્કાલીન પ્રચારક યાદવરાવ જોશીના સંપર્કમાં આવ્યા જેને પરિણામે તેમણે પોતાનું સમગ્ર જીવન સંઘના કાર્યને સમર્પિત કરવાનો નિર્ણય લીધો. 1946-60 દરમિયાન કર્ણાટકમાં સ્થાનિક પ્રચારક (1947), જિલ્લાપ્રચારક, વિભાગપ્રચારકનું કાર્ય કર્યા બાદ 1960માં કર્ણાટક રાજ્યના પ્રાંતપ્રચારક બન્યા (1960-80). 1980માં તેમને દક્ષિણાંચલ ક્ષેત્રના પ્રચારક તરીકેની જવાબદારી સોંપવામાં આવી. આ ક્ષેત્રમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ તથા તામિલનાડુ – આ ચાર રાજ્યોનો સમાવેશ થતો હતો. થોડોક સમય અખિલ ભારતીય સહસરકાર્યવાહની ફરજો બજાવ્યા પછી 1987માં તેમને સર- કાર્યવાહની જવાબદારી સોંપવામાં આવી જે તેમણે 2000 સુધી નિભાવી. આ પદ પર કામ કરતા હતા ત્યારે તેમણે સંઘના કાર્યના પ્રચાર માટે સમગ્ર દેશનો પ્રવાસ ખેડ્યો હતો. કે. આર. સુદર્શન સરસંઘચાલક બન્યા તે પૂર્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંનું આ સર્વોચ્ચ પદ શેષાદ્રિને સોંપવાની પહેલ કરવામાં આવી હતી, પરંતુ નબળા સ્વાસ્થ્યને કારણે તેમણે આ જવાબદારી સ્વીકારવાની ના પાડી હતી. જીવનના છેલ્લા તબક્કામાં તેઓ અખિલ ભારતીય પ્રચાર પ્રમુખનું પદ ધરાવતા હતા.

એચ. વી. શેષાદ્રિ

તેઓ કુલ 6 ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા; જેમાં અંગ્રેજી, માતૃભાષા કન્નડ ઉપરાંત મલયાળમ, તમિળ, હિંદી અને મરાઠીનો સમાવેશ થાય છે. તેમણે કન્નડ અને અંગ્રેજી ભાષાઓમાં પુસ્તકો લખ્યાં છે. જેનો અન્ય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. તેમણે લખેલાં પુસ્તકોમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને કાર્ય વિશે ‘યુગાવતાર’ તથા ‘ચિંતનગંગા’, ‘ઔર દેશ બટ ગયા’ (હિંદી), ‘આર.એસ.એસ. વિઝન ઇન ઍક્શન’, ‘ટ્રેજિક સ્ટૉરી ઑવ્ પાર્ટિશન’ જેવા ગ્રંથો તથા ‘અમ્મા બાગીલુ તેગે’ અને ‘તાર્બેરાલુ’ જેવા નિબંધોનો સમાવેશ થાય છે. આર. એસ. એસ.ના પૂર્વ સરસંઘચાલક માધવરાવ સદાશિવ ગોળવલકર ‘ગુરુજી’ના ચિંતન પર આધારિત ‘બંચ ઑવ્ થૉટ્સ’ ગ્રંથનું સંપાદન પણ તેમણે કર્યું હતું. તેમનાં 100 ઉપરાંત પુસ્તકો અને પુસ્તિકાઓ પ્રકાશિત થયાં છે. કેટલાંક સામયિકોમાં વિવિધ વિષયો પર તેમના પ્રકીર્ણ લેખો પ્રકાશિત થતા રહ્યા છે. ભારતની ઘણી ભાષાઓમાં તેમના ગ્રંથોનો અનુવાદ થયો છે. કન્નડ અને અંગ્રેજી વૃત્તપત્રોમાં નિયમિત કટારલેખક તરીકે તેમનાં લખાણો પ્રસિદ્ધ થતાં રહ્યાં છે. 1982માં તેમની સાહિત્યસેવા બિરદાવતાં કર્ણાટક સાહિત્ય અકાદમીએ તેમના લેખસંગ્રહ ‘તોરેબાલુ’ને પુરસ્કાર એનાયત કર્યો હતો.

1984માં ન્યૂયૉર્કમાં આયોજિત વિશ્વ હિંદુ સંમેલન તથા તે જ વર્ષે ઇંગ્લૅન્ડના બ્રેડફૉર્ડ ખાતે આયોજિત થયેલા હિંદુ સંગમમાં વિશેષ આમંત્રિત તરીકે તેમણે હાજરી આપી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે