શેષગિરિ રાવ, એલ. એસ. (જ. 16 ફેબ્રુઆરી 1925, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ અને ભારતીય અંગ્રેજીના લેખક. તેમને તેમના સાહિત્યિક ઇતિહાસ ‘ઇંગ્લિશ સાહિત્ય ચરિત્રે’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ સ્થાને મેળવી. તેમણે 1944–68 દરમિયાન કર્ણાટક સરકારમાં અને 1968–85 દરમિયાન બગલોર યુનિવર્સિટીમાં સેવા આપી. 1993 –95 દરમિયાન કન્નડ બુક ઑથૉરિટીના અધ્યક્ષ; કર્ણાટક સાહિત્ય અકાદમીના સભ્ય; કન્નડ સાહિત્ય પરિષદના સેક્રેટરી અને પંપા ઍવૉર્ડ સમિતિના અધ્યક્ષ રહ્યા. તેઓ પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયા છે.

તેમણે 27 ગ્રંથો આપ્યા છે. તેમાં કન્નડમાં : ‘મુય્યી’ (1963, 1978) (વાર્તાસંગ્રહ) તથા ‘કાદમ્બરીસામાન્ય મનુષ્ય’ (1957), ‘ઇંગ્લિશ ભાષ્યેલ્લી આધુનિક સાહિત્યવિમર્શ’ (1972), ‘હોસગન્નડ સાહિત્ય’ (1975), ‘ફ્રાન્ઝ કાફકા’ (1982), ‘ગ્રીક રંગભૂમિ માતુ નાટક’ (1986), ‘વિલિયમ શેક્સપિયર’ (1987), ‘સાહિત્ય બડાકૂ’ (1988) અને ‘ઇંગ્લિશ સાહિત્ય ચરિત્રે’ (1996) – આ તમામ ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે. અંગ્રેજીમાં ‘એ હિસ્ટરી ઑવ્ કન્નડ લિટરેચર’ (1983) તથા ‘ટી. પી. કૈલાસમ્’ (1984) વિવરણાત્મક ગ્રંથ તેમણે આપ્યા છે.

એલ. એસ. શેષગિરિ રાવ

તેમને સાહિત્ય માટે રાજ્યોત્સવ ઍવૉર્ડ, કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, કન્નડ સાહિત્ય પરિષદ ડાયમન્ડ જ્યૂબિલી ઍવૉર્ડ, આ.ના.કૃ પ્રશસ્તિ, કર્ણાટક સન્માન, કારંત સન્માન, બી. એમ. પ્રશસ્તિ, વર્ધમાન ઍવૉર્ડ, કેમ્પે ગોવડા ઍવૉર્ડ તથા પ્રો. વી. એમ. ઇનામદાર ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇંગ્લિશ સાહિત્ય ચરિત્રે’ કન્નડમાં તેમના એકલા તરફથી પ્રાપ્ત થતો ગ્રંથ છે. તેમાં તેમણે અંગ્રેજી સાહિત્યના મહત્વપૂર્ણ સાહિત્યકારોની બાબતમાં વિસ્તારપૂર્વકનો ચિતાર આપ્યો છે. જોકે તેમાં ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક પરિવેશમાં એક વિશ્વસનીય આધાર-સામગ્રી સમાવિષ્ટ કરાઈ હોવાથી આ કૃતિ ક્ધનડમાં લખાયેલ ભારતીય ગદ્ય સાહિત્યનું મહત્વનું નજરાણું છે.

બળદેવભાઈ કનીજિયા