શાકંભરી : મહાભારત અને પુરાણો અનુસાર એક દેવી. આ દેવીએ હજાર દિવ્ય વર્ષો સુધી, મહિનાના અંતે એક વાર શાકનો આહાર કરીને તપ કર્યું હતું. ઋષિઓ તેમની પાસે આવ્યા ત્યારે તેઓનું આતિથ્ય પણ શાકથી કર્યું હતું. ત્યારથી તેમનું નામ શાકંભરી પડ્યું.

ઉત્તરપ્રદેશના સહરાનપુર જિલ્લામાંના એક તીર્થમાં શાકંભરી દેવીની સ્વયંભૂમૂર્તિ છે. એવી માન્યતા છે કે શંકરાચાર્યે આ સ્થળે ભીમા ભ્રામરી તથા શતાક્ષીની મૂર્તિઓ પણ સ્થાપી હતી. સહરાનપુરથી આશરે 40 કિમી. દૂર આવેલા આ સ્થળની ચારે બાજુ પહાડીઓ આવેલી છે. નવરાત્રિમાં આ સ્થળે મેળો ભરાય છે.

(2) રાજસ્થાનમાં અજમેરની ઉત્તરે આવેલા સાંભર સરોવર નજીક આવેલું સ્થળ. ત્યાં ચાહમાન કે ચૌહાણ વંશના રાજપૂત સરદારો રાજ્ય કરતા હતા. તેઓ શાકંભરી દેવીને પોતાની કુળદેવી માનતા હતા. તેઓનું પ્રસિદ્ધ મંદિર અજમેર પાસે સાંભરમાં આવેલું છે.

હસમુખ વ્યાસ

જયકુમાર ર. શુક્લ