શાકિરઅલી (. 1916, લખનૌ; . 1975, લાહોર, પાકિસ્તાન) : આધુનિક પાકિસ્તાની ચિત્રકાર. તેમણે 1938થી 1943 સુધી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો અને 1945થી 1946 સુધી દક્ષિણ ભારતનાં મંદિરોનાં પ્રાચીન શિલ્પોનો અભ્યાસ કર્યો. પછી તેમણે અમૃતા શેરગીલ, જામિની રૉય તથા અજંતાનાં ભીંતચિત્રોનો પ્રભાવ ઝીલ્યો. ભારત સ્વતંત્ર થતાં તેઓ લંડન ચાલ્યા ગયા અને ત્યાં તેમણે સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓએ ફ્રાંસ જઈ ખ્યાતનામ ચિત્રકાર આન્દ્રે લ્હોતે(Lhote)ના શાગિર્દ બની કલાસાધના કરી. લ્હોતેનાં ઘનવાદી ચિત્રોનો પણ શાકિર-અલી પર ઊંડો પ્રભાવ પડ્યો. એ પછી પ્રાગ (Prague) જઈ ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનનો તેમણે વધુ અભ્યાસ કર્યો. 1955માં પાકિસ્તાનમાં જઈ લાહોરમાં તેઓ સ્થિર થયા અને ઘનવાદી ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. પાકિસ્તાનના તત્કાલીન યુવા કલાકારોને તેમણે નેતૃત્વ પૂરું પાડ્યું. લાહોરની મેયો સ્કૂલ ઑવ્ આર્ટમાં તેઓ ચિત્રકલાના પ્રાધ્યાપક નિમાયા. 1962 પછી તેમની કલા અલ્પતમવાદી (minimalist) બની, જે સૂક્ષ્મ સંવેદનાને મુખર કરવામાં અસરકારક નીવડી.

અમિતાભ મડિયા