શર્મા, ગિરધર આર. (જ. ?) : અલ્લાહાબાદની આસપાસનાં સ્થળોનો પુરાતત્વીય ઇતિહાસ પ્રકાશમાં લાવનાર પુરાતત્વવિદ અને ઇતિહાસકાર. ડૉ. શર્મા ગિરધરે અલ્લાહાબાદ યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ-સંસ્કૃતિ-પુરાતત્વ ભવનના અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. અધ્યાપન દરમિયાન સહકાર્યકરો અને વિદ્યાર્થીઓના સહકારથી ડૉ. શર્માએ અલ્લાહાબાદની આસપાસનાં ઘણાં પુરાતત્વીય સ્થળોનું નિરીક્ષણ અને તેમની તપાસ કરેલાં અને કેટલાંકનું તો પ્રારંભિક ઉત્ખનન પણ કરાવેલું; જેમ કે, બેલાન ખીણનો વિસ્તાર. આ સ્થળેથી એમણે પાષાણયુગીન ઓજારો શોધી કાઢ્યાં હતાં. તેમના આ કાર્યની ડૉ. હસમુખ સાંકળિયાએ પ્રશંસા સાથે નોંધ લીધી હતી. મહાધ્ધા ગામ નજીકના ટીંબાના ખોદકામમાંથી 15 માનવ-હાડપિંજરો શોધી કાઢ્યાં હતાં. એમનું પ્રસિદ્ધ ઉત્ખનનકાર્ય પ્રાચીન કૌસામ્બી નગરનું છે. આનો વિસ્તૃત અહેવાલ અલ્લાહાબાદ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત ‘ધી એક્સકેવેશન ઑવ્ કૌસાંબી (1957-59)’માં આપવામાં આવ્યો છે. કૌસામ્બીમાંથી મળી આવેલ માટીનાં વાસણો બીજાં સ્થળેથી મળતાં પૂર્વ-ઐતિહાસિક માટીનાં વાસણોથી તદ્દન ભિન્ન હોવાનો અને એ રીતે વિશિષ્ટ હોવાનો ડૉ. સાંકળિયાએ અભિપ્રાય આપ્યો હતો. એમનો ‘પરફૉર્મન્સ પ્રોગ્રામ : અ સિનોપ્સિસ’ નામનો ગ્રંથ પણ આ જ યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ થયો છે. વિંધ્યાચલ અને ગંગા ખીણના પુરાતત્વીય અન્વેષણને રજૂ કરતો તેમનો ગ્રંથ ‘હિસ્ટરી ટુ પ્રિ-હિસ્ટરી’ પણ જાણીતો છે. ઉત્તરપ્રદેશના મિરજાપુર જિલ્લાના પ્રાચીન પાષાણ કાલનાં ઓજારો તેમણે શોધ્યાં હતાં, જે હાલ અલ્લાહાબાદ યુનિવર્સિટીના મ્યુઝિયમમાં સંગૃહીત છે.
હસમુખ વ્યાસ