શર્મા, ગોવર્ધન (. 1 જુલાઈ 1927, જોધપુર, રાજસ્થાન) : હિંદી, ગુજરાતી અને રાજસ્થાનીના લેખક. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., પીએચ.ડી., અને ‘સાહિત્ય મહોપાધ્યાય’ની પદવી મેળવી. હિંદીના પ્રાધ્યાપક અને ગુજરાતમાં વિવિધ સરકારી કૉલેજોના પ્રાધ્યાપક તથા તેઓ પ્રિન્સિપાલ રહીને સેવાનિવૃત્ત થયા. તેઓ 1950-52 દરમિયાન ઑલ ઇન્ડિયા કુમાર હિંદી સાહિત્ય સંમેલનના જનરલ સેક્રેટરી રહ્યા અને ઑલ ઇન્ડિયા હિંદી સંતવાણીના કન્વીનર રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં હિંદી, ગુજરાતી અને રાજસ્થાનીમાં કુલ 26 ગ્રંથો આપ્યા છે. હિંદીમાં : ‘કુછ શૂલ કુછ ફૂલ’ (1960) વાર્તાસંગ્રહ; ‘કલા ઓર સાહિત્ય’ (1959); ‘પ્રાચીનો રાજસ્થાની કવિ’ (1958, 1968 બે ભાગમાં); ‘ચંદવરદાઈ ઔર પૃથ્વીરાજ રાસો’ (1970) તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે. ‘યહ દેશ હમારા હૈ’ (1968) એકાંકી; ‘ડિંગલ સાહિત્ય’ (1965) સંશોધનગ્રંથ છે. ગુજરાતીમાં ‘કચ્છ : લોક અને સંસ્કૃતિ’ (1988) નિબંધસંગ્રહ; ‘પ્રાચીન રાજસ્થાની દોહે’ (1987) વગેરે છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1964માં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ખાસ ઇનામ; 1965માં રાજસ્થાન સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ ઇનામ; 1991માં ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક; 1993માં સંસ્કૃતિ ઍવૉર્ડ અને 1994માં દુલેરાય ઍવૉર્ડ પ્રાપ્ત થયાં છે.

બળદેવભાઈ કનીજિયા