સિક્કાશાસ્ત્ર (ભારતીય)

સિક્કાના અભ્યાસ અને ઓળખ અંગેનું શાસ્ત્ર. રોજિંદા વ્યવહારમાં ડગલે ને પગલે વિનિમય-માધ્યમ તરીકે વપરાતો સિક્કો સહુને સુપરિચિત છે. ભારતમાં એને માટે સંસ્કૃતમાં શરૂઆતમાં ‘રૂપ’ અને આગળ જતાં ‘મુદ્રા’ શબ્દ પ્રયોજાતો. લેખ (લેખન), રૂપ (મુદ્રા) અને ગણના (હિસાબ) – એ બુનિયાદી શિક્ષણના મુખ્ય વિષય ગણાતા. હાલ ‘રૂપ’ કે ‘મુદ્રા’ને બદલે અરબી શબ્દ ‘સિક્કો’ વધુ પ્રચલિત છે. ‘સિક્કો’ એટલે નિયત ધાતુ અને તોલનું શાસક-અધિકૃત વિનિમય-માધ્યમ.

જુદા જુદા દેશોમાં જુદા જુદા કાલમાં જુદી જુદી ધાતુઓના સિક્કા પ્રચલિત હતા. એમનું સર્વાંગીણ શાસ્ત્રીય નિરૂપણ કરતી વિદ્યા તે ‘સિક્કાશાસ્ત્ર’.

ઉત્પત્તિ : માનવવિદ્યાના અભ્યાસ પરથી માલૂમ પડે છે કે પ્રાગૈતિહાસિક કાલમાં માનવ આરણ્યક અવસ્થામાં તેમજ ગ્રામીણ અવસ્થામાં લગભગ સ્વાવલંબી હતો. આગળ જતાં ધાતુની શોધ થતાં ધાતુ-હુન્નરકલા વિકસી ને ગામોનો નગરોમાં વિકાસ થયો, ત્યારે વિવિધ વર્ગોમાં વિનિમય-પદ્ધતિ પ્રચલિત થઈ ને માનવસમાજમાં પરસ્પરાવલંબન પ્રવર્ત્યું. વેપારવણજનો વિકાસ થતાં સીધા વિનિમયની અટપટી પદ્ધતિને બદલે વિનિમયના માધ્યમની સગવડભરી પદ્ધતિ પ્રચલિત થઈ. શરૂઆતમાં પશુચર્મ, પશુઓ અને ધાન્ય જેવાં સુલભ માધ્યમ અપનાવાયાં. સમય જતાં ધાતુનાં ઘરેણાંનો વિનિમય-માધ્યમ તરીકે ઉપયોગ થયો. વેદકાલના સાહિત્યમાં ‘નિષ્ક’ વગેરે શબ્દ આ સંદર્ભમાં પ્રયોજાયા છે. વળી સોનું, ચાંદી અને તાંબાના મુકરર તોલના ટુકડા માધ્યમ તરીકે વપરાતા. એમાં એ ટુકડાના તોલની અને ધાતુની શુદ્ધિ ચકાસવી પડતી. આ રોજિંદી અગવડ નિવારવા માટે શાસક તરફથી ધાતુના મુકરર તોલના ચિહનાંકિત સિક્કાની પદ્ધતિ પ્રયોજાઈ. સમય જતાં એના સપ્રમાણ આકાર પણ અપાયા. આગળ જતાં એમાં શાસકનું નામ, સિક્કાનું મૂલ્ય, તે પડાયાનું વર્ષ, ટંકશાળનું સ્થળ વગેરે વિગતો ઉમેરાઈ. વિવિધ સિક્કાઓના આ ઉત્તરોત્તર વિકાસનું નિરૂપણ તે તે દેશ કે રાજ્યના સિક્કાશાસ્ત્રમાં કરાયું છે.

સિક્કાશાસ્ત્રનો વિકાસ : વૈદિક સાહિત્યમાં ‘નિષ્ક’ વગેરે શબ્દના પ્રાસંગિક ઉલ્લેખ આવે છે, પરંતુ એ સિક્કાના અર્થમાં પ્રયોજાયા હોય એવું લાગતું નથી. પાણિનિકૃત ‘અષ્ટાધ્યાયી’માં ભારતના પ્રાચીન સિક્કાઓને લગતા અનેક ઉલ્લેખ આવે છે. કૌટિલ્યકૃત ‘અર્થશાસ્ત્ર’માં સિક્કાઓનું કોષ્ટક તેમજ લક્ષણાધ્યક્ષ(ટંકશાળનો ઉપરી)ની ફરજો વગેરેને લગતી માહિતી આપેલી છે. ‘મનુસ્મૃતિ’માં પણ ભારતના પ્રાચીન સિક્કાઓ વિશે માહિતી આપેલી છે. ગણિત અને જ્યોતિષને લગતા પ્રાચીન ગ્રંથોમાં પણ સિક્કાઓ વિશે વિપુલ માહિતી છે.

ખલજી સલ્તનતના સમયમાં દિલ્હીની ટંકશાળના અધિકારી ઠક્કુર ફેરૂએ લખેલી ‘દ્રવ્યપરીક્ષા’માં ભારતીય સિક્કાશાસ્ત્રને લગતી વિપુલ માહિતી આપેલી છે. અબુલ ફઝલે ‘આઈને અકબરી’માં અકબરના સોનાના અનેકાનેક સિક્કાઓનું નિરૂપણ કરેલું છે.

અર્વાચીન સિક્કાશાસ્ત્ર ઇતિહાસના એક મહત્વના સ્રોત તરીકે વિકસ્યું છે. ભારતમાં સિક્કાશાસ્ત્રના પદ્ધતિસર અભ્યાસનો આરંભ 19મી સદીના પહેલા ચરણમાં થયો. ર્ક્ધાલ ટૉડે બારેક વર્ષના ગાળામાં 20 હજાર જેટલા નાનામોટા સિક્કા એકઠા કર્યા. વિલ્સન પ્રિન્સેપ વગેરેએ પણ સિક્કાઓના અધ્યયનમાં વિપુલ પ્રદાન કર્યું.

ભારતીય સિક્કાશાસ્ત્રનો વિકાસ થયો 19મી સદીના ઉત્તરાર્ધમાં. એમાં વિપુલ પ્રદાન કર્યું સર ઍલેક્ઝાંડર કનિંગહામે. પં. ભગવાનલાલ ઇન્દ્રજીએ ગુજરાતના ક્ષત્રપ રાજાઓના સિક્કાઓના અધ્યયનમાં પ્રગતિ સાધી. ઇલિયટે દક્ષિણ ભારતના સિક્કાઓ વિશે પુસ્તક પ્રસિદ્ધ કર્યું. મુસ્લિમ રાજાઓના સિક્કાઓ વિશે ટૉમસે વિપુલ પ્રદાન કર્યું. રોજર્સે લાહોર તથા કોલકાતાનાં મ્યુઝિયમોના સિક્કાઓના સૂચિગ્રંથ તૈયાર કર્યા. રેપ્સને ભારતીય સિક્કાઓ વિશે વિસ્તૃત પુસ્તક લખ્યું.

વીસમી સદીના પહેલા ચરણ દરમિયાન બંગાળની એશિયાટિક સોસાયટીના જર્નલમાં ‘ન્યૂમિઝમૅટિક સપ્પ્લીમેન્ટ’ અપાયું. અલ્લાહાબાદમાં ન્યૂમિઝમૅટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયા સ્થપાઈ. ભારતની યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં ભારતીય સિક્કાશાસ્ત્રના વિષયનો સમાવેશ થયો. વળી આ સમય દરમિયાન ભારતીય સિક્કા-સંગ્રહોના વધુ વર્ગીકૃત સૂચિગ્રંથો પ્રકાશિત થયા. શ્રી અળતેકરે બયાના સિક્કાનિધિનો વિગતવાર અભ્યાસ કરી ગુપ્ત સમ્રાટોના વિવિધ સિક્કાઓ વિશે અમૂલ્ય સૂચિગ્રંથ તૈયાર કર્યો. શ્રી પરમેશ્વરી-લાલ ગુપ્ત જેવા અન્ય અનેક વિદ્વાનોએ ભારતીય સિક્કાઓ વિશે પુસ્તક લખ્યાં. ભારતનાં ઘણાં પુરાતત્ત્વીય મ્યુઝિયમોમાં સિક્કાઓના વિભાગ વિકસ્યા.

ભારતના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સિક્કા દેશના રાજકીય, આર્થિક અને ધાર્મિક ઇતિહાસ ઉપરાંત તે તે પ્રદેશ તથા તે તે કાલની ભાષા તથા લિપિ પર તેમજ તે તે સમયના સામાજિક જીવન પર પણ પ્રકાશ પાડે છે.

સિક્કાની પ્રાચીનતા : ચીનમાં સિક્કાનો આરંભ ઈ. પૂ. 7મી સદીથી પ્રચલિત હોવાની પ્રતીતિ થાય છે. ઈરાનમાં સિક્કાનો આરંભ ઈ. પૂ. 6ઠ્ઠી સદીમાં થયો. પશ્ચિમ એશિયામાં લિડિયા દેશમાં તેમજ ગ્રીક નગર-રાજ્યોમાં સિક્કા ઈ. પૂ. 7મી સદીથી પ્રચલિત થયા. વળી ગ્રીસમાં ચાંદીના સિક્કા એ સમયથી પ્રચલિત થયા હતા. ઈ. પૂ. 5મી સદી સુધીમાં સિક્કાનું ચલણ પશ્ચિમના સર્વ વિકસિત દેશોમાં પ્રસર્યું હતું.

ભારતમાં સિક્કા પર વર્ષ આપવાની પ્રથા ઈ. સ.ની બીજી સદીમાં શરૂ થઈ. એ પહેલાંના લખાણવાળા સિક્કા ઈ. પૂ. 3જી સદીથી પ્રચલિત થયા હતા, જ્યારે લખાણ વગરના ચિહન-અંકિત સિક્કા લગભગ ઈ. પૂ. 6ઠ્ઠી સદી સુધીની પ્રાચીનતા ધરાવે છે.

ભારતીય સિક્કાની વિકાસગાથા અને સિક્કા પાડવાની ક્રિયાપદ્ધતિઓ : ભારતમાં સહુથી પ્રાચીન પ્રકારના જે સિક્કા પ્રચલિત હતા, તેને આગળ જતાં ‘પુરાણ’ કે ‘ધરણ’ કહેતા. પહેલાં એને ‘કાર્ષાપણ’ કે ‘પણ’ પણ કહેતા. એ સમયના સાહિત્યમાં તો સોનાના કર્ષ એ 16 માષનો અર્થાત્ 80 ગુંજાનો સિક્કો હતો. એને ‘સુવર્ણ’ પણ કહેતા. કર્ષને દક્ષિણ ભારતમાં ‘કાસુ’ કહેતા. દક્ષિણ ભારતમાં કળંજુને કાર્ષાપણ કહેતા. ચાંદીના અને તાંબાના સિક્કાઓના ઉલ્લેખ છે; પરંતુ એ સમયના જે સંખ્યાબંધ સિક્કા મળ્યા છે તેમાંના ઘણા ચાંદીના ને થોડાક તાંબાના છે, કોઈ સોનાના નથી. બિંબ-ટંક ચિહનિત સિક્કાને ‘આહત’ તરીકે ઓળખવામાં આવે છે. ચાંદીના આહત સિક્કા 32 રતીનું તોલમાન ધરાવતા. આવા સિક્કા ભારતના લગભગ બધા પ્રદેશોમાં મળ્યા છે. બિંબિસારના સમયથી મૌર્યકાલ સુધી ભારતમાં આવા સિક્કા પ્રચલિત હતા. ઉત્તર ભારતમાં એ ઈ. પૂ. 2જી સદી સુધી પ્રચલિત રહ્યા, જ્યારે દક્ષિણ ભારતમાં એ વધુ ત્રણચાર સદી સુધી પ્રચલિત રહ્યા હતા. આ સિક્કા સામાન્યત: મૂળમાં સમચોરસ કે લંબચોરસ હોય છે; પરંતુ તોલ સરખો કરવા માટે એના ખૂણા ગમે તેમ કપાતાં એ વિષમ આકારના બની ગયા હોય છે. એમાં પ્રાચીન સિક્કા પાતળા અને મોટા હતા. પછીના સિક્કા જાડા અને નાના હતા.

(1) ગંધાર (વળેલી લગડી), (2) દક્ષિણ પંચાલ, (3, 4) કોસલ, (5) કાશી, (6) મગધના આહત સિક્કાઓ

સામાન્યત : આ સિક્કા વેપારીઓની શ્રેણીઓ કે નિગમ સંસ્થાઓ દ્વારા પાડવામાં આવતા હશે ને સિક્કા પરનાં ચિહન એ શ્રેણીઓએ પડાવ્યાં હશે.

આ સિક્કાઓમાં સામાન્યત: અગ્રભાગ પર ચાર કે પાંચ ચિહન અંકિત કરેલાં હોય છે, જ્યારે એનો પૃષ્ઠભાગ તદ્દન કોરો હોય છે અથવા એના પર કેટલાંક નાનાં ચિહન અંકિત કરેલાં હોય છે, જે એની ઉપર સમયે સમયે પાડેલાં જણાય છે, અગ્રભાગ પરનાં ચિહ્નોમાં સૂર્યબિંબ, ષડરચક્ર, ત્રિકૂટ પર્વત, હાથી, વૃષભ વગેરેનો સમાવેશ થાય છે.

આહત સિક્કાઓ પર કંઈ લખાણ હોતું નથી, માત્ર ચિહ્નો હોય છે. આ ચિહ્નો સેંકડો પ્રકારનાં મળે છે. તે દરેક ચિહનનું કંઈ તાત્પર્ય રહેલું હતું, જે હાલ નક્કી કરવું મુશ્કેલ છે.

બિંબટંક-ચિહ્નિત આહત સિક્કાઓ પછી સિક્કા પાડવાની એક બીજી પદ્ધતિ પ્રચલિત થઈ. એ હતી સાંચામાં ઢાળીને સિક્કા પાડવાની પદ્ધતિ. ભારતનાં પ્રાચીન નગરોનાં ખંડેરોમાંથી સાંચાના કેટલાક નમૂના મળ્યા છે. સાંચામાં ઢાળેલા સિક્કા વૃત્તાકાર હોય છે. એ સામાન્ય રીતે તાંબાના મળ્યા છે.

સમય જતાં આહત સિક્કાની પદ્ધતિમાં સુધારો થયો. હવે સિક્કાની એક આખી બાજુનું સળંગ બીબું બનાવી ધાતુના નિયત તોલના તપાવેલા ટુકડા ઉપર એ બીબાની છાપ પાડવાની પદ્ધતિ પ્રયોજાઈ. સમય જતાં સિક્કાની બંને બાજુઓ પર બે જુદા જુદા ટંકની છાપ પડે તેવી બેવડા ટંક-આહત સિક્કાની પદ્ધતિ અપનાવાઈ.

યંત્રકલાનો વિકાસ થતાં સિક્કા પાડવાની ક્રિયાપદ્ધતિ પૂર્ણ વિકાસ પામી. એમાં સિક્કાના નિયત આકારના અને નિયત કદના ટુકડા કપાતા જાય છે ને બંને બાજુની છાપની અડી વચ્ચે દબાવતાં તરત જ ભારે હથોડા વડે એની બંને બાજુ પર છાપ પડી જાય છે ને છાપ પડેલ સિક્કા એક પછી એક નીચે પડે છે.

ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં તથા પંજાબમાં યવન (ગ્રીક) રાજાઓનું રાજ્ય સ્થપાતાં તેઓના સિક્કાઓએ ભારતની સિક્કાપદ્ધતિમાં નવી ભાત પાડી. બૅક્ટ્રિયા(બલ્ખ)ના ગ્રીક રાજા દિમિત્રે છેક પંજાબ સુધી વિજયકૂચ કરી ‘ભારતીય રાજા’નું બિરુદ ધારણ કર્યું. આ વંશના રાજાઓને ભારતીય-યવન (ઇન્ડો-ગ્રીક) તરીકે ઓળખવામાં આવે છે. આ સિક્કાઓના આધારે આ ભારતીય-યવન શાસકોમાં 38 રાજાઓ અને બે રાણીઓની માહિતી ઉપલબ્ધ થઈ છે. ભારતીય-યવન રાજાઓએ ઈરાની તોલમાન અપનાવ્યું હતું. તેઓના સિક્કાઓ પરનું લખાણ ગ્રીક ભાષામાં અને ખરોષ્ઠી લિપિમાં છે. આ સિક્કાઓના અગ્રભાગ પર પ્રાય: તે તે રાજાના મુખની ને ઉત્તરાંગની આકૃતિ અપાતી. આ સિક્કાઓના પૃષ્ઠભાગ પર કોઈ ને કોઈ ગ્રીક દેવ કે દેવીની આકૃતિ અંકિત કરાતી. ભારતમાં સિક્કાઓ પર લખાણ આપવાની પ્રથા આ સિક્કાઓથી શરૂ થઈ. આ લખાણ અગ્રભાગ પર ગ્રીક ભાષા અને ગ્રીક લિપિમાં છે અને પૃષ્ઠભાગ પર પ્રાકૃત ભાષામાં અને ખરોષ્ઠી લિપિમાં છે. આ રાજાઓએ પડાવેલા ચાંદીના સિક્કા ‘દ્રકમ’ કહેવાતા અને એમાંથી ‘દ્રમ્મ’ અને ‘દામ’ શબ્દો રૂપાંતર પામીને થયા.

ભારતીય-યવન રાજાઓ (1) સોફુતીસ, (2) દિમિત્ર અને (3) હેરમયના સિક્કાઓ

આ પ્રદેશમાં પછી શક-પહલવ રાજાઓની સત્તા પ્રવર્તી. શક અને પહલવ – એ બે જાતિઓ વચ્ચે સગાઈનું અને સંસ્કૃતિનું એવું મિશ્રણ થતું કે તેઓને ‘શક-પહલવ’ તરીકે ઓળખવામાં આવે છે. ગંધાર પ્રદેશનો પ્રથમ શક રાજા મોઅ હતો. એના સિક્કા ભારતીય-યવન સિક્કાઓ સાથે સામ્ય ધરાવે છે. એના ચાંદીના કેટલાક સિક્કા ગોળ અને બીજા કેટલાક ચોરસ છે. એના તાંબાના સિક્કા ચોરસ હોય છે. એના ઘણા સિક્કા દ્વિભાષી છે. મોઅના ઉત્તરાધિકારી અજ (અય) 1લાએ ચાંદીના ગોળ તેત્રા દ્રમ્મ અને દ્રક્મ તથા તાંબાના ગોળ અને ચોરસ સિક્કા પડાવ્યા. એમાં બંને બાજુ પર એના નામનું લખાણ હોય છે. અગ્રભાગ પર ગ્રીક ભાષામાં અને પૃષ્ઠભાગ પર ખરોષ્ઠી લિપિમાં તથા ગ્રીક ભાષામાં.

અઝ 1લા પછી અઝિલિષ ગાદીએ આવ્યો. એણે લક્ષ્મીની આકૃતિ પણ અપનાવેલી. ગૉદોફર 1લો પહલવ હતો. એના સિક્કા સામાન્યત: તાંબાના કે બિલનના છે. એના તાંબાના સિક્કા ગોળ હોય છે. આ રાજા ઈ. સ.ની 1લી સદીના પૂર્વાર્ધમાં થયો.

તેઓના સમયમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ક્ષત્રપોની પદવી પ્રચલિત થઈ હતી. પશ્ચિમ ભારતમાં સત્તારૂઢ થયેલા ક્ષત્રપ રાજાઓ પશ્ચિમી ક્ષત્રપો તરીકે ઓળખાય છે. એમાંના ક્ષહરાત કુલમાં બે રાજા થયા – ભૂમક અને નહપાન. બીજો વંશ કાર્દમક કુલનો છે. તેઓના સિક્કાઓના પૃષ્ઠભાગ પર ચંદ્ર અને તારાનાં ચિહન અપાયાં છે. આગળ જતાં એ બેની વચ્ચે ત્રિકૂટ પર્વતનું ચિહન ઉમેરાયું. એ પર્વતની ટોચ પર ચંદ્ર અને નીચે નદી કે સમુદ્ર દર્શાવતી તરંગાકાર રેખા હોય છે. એના પરનું લખાણ બ્રાહ્મી લિપિમાં અને પ્રાય: પ્રાકૃતસંસ્કૃત ભાષામાં હોય છે. આ લખાણમાં સિક્કા પડાવનાર રાજાનાં નામ-બિરુદ ઉપરાંત એના પિતાનાં નામ-બિરુદ પણ અપાયાં છે. આ રાજાઓમાં સંયુક્ત રાજશાસનની પદ્ધતિ પ્રચલિત હતી. એમાં મુખ્ય રાજા ‘મહાક્ષત્રપ’ અને ગૌણ રાજા ‘ક્ષત્રપ’ કહેવાતો. રુદ્રસિંહ 1લાના સમય(ઈ.સ. 140-178)થી સિક્કા પર તે સિક્કો પડાવ્યાનું વર્ષ પણ અપાતું. આ વર્ષ શક સંવતનાં હતાં. આવું વર્ષ અગ્રભાગ પર રાજાની મુખાકૃતિની પાછળ આપવામાં આવતું. આ બે મહત્વની વિગતોને આધારે ઇતિહાસના સાધન તરીકે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સિક્કા ઘણા અગત્યના નીવડ્યા છે. ગુપ્ત સમ્રાટોના સોનાના મોટા સિક્કાઓમાં પણ આવી અગત્યની વિગત નથી. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સિક્કાઓ પરના લખાણની વિગતોના આધારે એ રાજાઓની વંશાવળી તથા સાલવારી બંધ બેસાડી શકાઈ છે.

ક્ષત્રપોના સિક્કાઓ પર વર્ષ 102થી 320 સુધીનાં મળ્યાં છે. કાર્દમક ક્ષત્રપ રાજાઓના સિક્કા સામાન્યત: ચાંદીના અને ગોળ આકારના મળ્યા છે. ચષ્ટન અને રુદ્રસેન 3જાના તાંબાના ચોરસ સિક્કા, કેટલાક ક્ષત્રપ રાજાઓના પૉટનના સિક્કા અને બીજા કેટલાક ક્ષત્રપ રાજાઓના સીસાના સિક્કા પણ મળ્યા છે. ઈશ્વરદત્ત નામે કોઈ રાજાના મહાક્ષત્રપના ચાંદીના ગોળ સિક્કા પ્રાપ્ત થયા છે.

રાજા મહાક્ષત્રપ શર્વ ભટ્ટારકના ચાંદીના સિક્કા ક્ષત્રપ સિક્કાઓના જેવા છે. એના પૃષ્ઠભાગ પર ત્રિશૂલનું ચિહન હોય છે. એ મૈત્રક રાજાઓનો પૂર્વજ હોવાનું મનાય છે.

દક્ષિણ ગુજરાતના ત્રૈકૂટક વંશના રાજા દહ્સેનના તથા વ્યાઘ્રસેનના સિક્કા પણ ક્ષત્રપ-પ્રકારના છે.

ક્ષત્રપોના સિક્કાને ‘કાર્ષાપણ’ કહેતા. એ અર્ધ-દ્રમ્મનો તોલ ધરાવતા. આ રાજાઓના અઢારેક નિધિ પ્રાપ્ત થયા છે.

યુએહ-ચી નામે જનજાતિ ઈ. પૂ. 2જી સદીમાં બૅક્ટ્રિયામાં સ્થિર થઈ હતી. તેઓની પાંચ શાખાઓ પૈકી કુષાણ શાખાનું આધિપત્ય જામ્યું. કુષાણોના અગ્રણી કુજુલ કદફિસે ઈ. સ.ની પહેલી સદીમાં હિંદુકુશ ઓળંગી ભારતીય પહલવ રાજ્ય જીતી લીધું ને ગંધાર સુધી પોતાની સત્તા પ્રસારી. એના ઉત્તરાધિકારીઓએ ઉત્તર ભારતમાં છેક વારાણસી સુધી રાજ્ય વિસ્તાર્યું.

કુજુલ કદફિસના સિક્કા તાંબાના છે; જૂજ ચાંદીના છે. કુજુલ કદફિસના ઉત્તરાધિકારી વિમ કદફિસે પણ તાંબાના સિક્કા પડાવ્યા. એના અગ્રભાગ પર લાંબો ડગલો, ઊંચા જાડા બૂટ અને શંકુ આકારનો ટોપો પહેરેલા અને અગ્નિકુંડમાં હોમ કરતા ઊભેલા રાજાની આકૃતિ હોય છે; જ્યારે પૃષ્ઠભાગ પર શિવની આકૃતિ કે ત્રિશૂળનું ચિહન હોય છે.

વિમ કદફિસનું મુખ્ય પ્રદાન સોનાના સિક્કાઓનું છે. એ ત્રણ મૂલ્યના હતા – 2 દીનાર, દીનાર અને પા (3) દીનાર.

એનો ઉત્તરાધિકારી કણિષ્ક 1લો (ઈ. સ. 128થી) કુષાણ સામ્રાજ્યનો ખરો સ્થાપક હતો. એણે પણ સોનાના અને તાંબાના સિક્કા પડાવ્યા હતા. કુષાણ સિક્કાઓમાં એના સિક્કા સહુથી વધુ સંખ્યા ધરાવે છે. એના સિક્કાઓ પરનું બધું લખાણ ગ્રીક લિપિમાં છે.

કણિષ્ક 1લાના ઉત્તરાધિકારીઓમાં હુવિષ્ક્ધા તથા વાસુદેવના અનેક સિક્કા પ્રાપ્ત થયા છે. હુવિષ્કના સોનાના સિક્કાઓના અગ્રભાગ પર મુખ્યત્વે રાજાનું ઉત્તરાંગ (પ્રાય: વામાભિમુખ) હોય છે. ક્યારેક એ ગજારૂઢ હોય છે. તાંબાના સિક્કાઓના અગ્રભાગ પર આ ઉપરાંત સંમુખ બેઠેલા રાજાની ગાદી પર પાર્શ્ર્વાભિમુખ બેઠેલા રાજાની કે પર્યંક (પલંગ) પર ચઢેલા રાજાની આકૃતિ અંકિત થઈ છે. પૃષ્ઠભાગ પર ઈરાની દેવદેવીઓ, ગ્રીક દેવો અને ભારતીય દેવો (શિવ, કાર્તિકેય વગેરે દેવો) પણ દેખા દે છે. હુવિષ્કના સિક્કા પરનું લખાણ ગ્રીક ભાષામાં અને ખરોષ્ઠી કે બ્રાહ્મી લિપિમાં હોય છે. વાસુદેવના સમયમાં કુષાણ રાજાઓનું ભારતીયકરણ અધિક પ્રમાણમાં થયું.

કુષાણ રાજાઓ (1) કુજુલ કદફિસ, (2) વિમ કદફિસ, (3) કણિષ્ક 1લો, (4) વાસુદેવના સિક્કાઓ

કુષાણ સિક્કાઓનું તોલમાન શરૂઆતમાં રોમન સિક્કાઓ પરથી અપનાવવામાં આવેલું. આર્થિક તંગીને લીધે કુષાણ રાજાઓએ તેઓના દીનારનો તોલ જાળવી રાખ્યો પણ તેઓ એની ગુણવત્તા ઘટાડતા ગયા. અગાઉ શક સંવત કણિષ્ક 1લાએ શરૂ કરેલો એવું મનાતું; પરંતુ હવે એ સંવત પશ્ચિમી ક્ષત્રપ રાજા ચષ્ટનના સમયથી શરૂ થયો જણાય છે. કણિષ્ક હવે ઈ. સ.ની બીજી સદીમાં થયો હોવાનું મનાય છે. કુષાણોના સોનાના સિક્કા 2 દીનાર, 1 દીનાર અને 3 દીનારના મળે છે. કણિષ્કે તાંબાના સિક્કાઓ તેત્રા-દ્રક્મ, હાઈ-દ્રક્મ અને દ્રક્મ ઉપરાંત હેમી-દ્રક્મ પણ પડાવેલા.

મૌર્ય સામ્રાજ્યના અંત પછી ભારતમાં અનેક નાનાંમોટાં રાજ્ય સ્થપાયાં. એમાં કેટલાંક રાજતંત્રાત્મક હતાં, તો કેટલાંક ગણતંત્રાત્મક હતાં.

મગધમાં મૌર્ય વંશ પછી શુંગ વંશની સત્તા પ્રવર્તી. બિહારમાં વિવિધ સ્થળોએ તાંબાના કેટલાક ચોરસ કે લંબચોરસ આહત સિક્કા મળ્યા છે. એ પુષ્યમિત્ર શુંગે પડાવ્યા લાગે છે. એના ઉત્તરાધિકારીઓએ વિદિશા(પૂર્વ માળવા)માં સ્થળાંતર કર્યું. ત્યાં મળેલા તાંબાના આહત સિક્કા પ્રાય: પછીના શુંગ અને તેઓના ઉત્તરાધિકારી કાણ્વ રાજાઓના છે.

આ કાલના લખાણ વગરના તાંબાના સિક્કા ગંધાર, વત્સ અને અવંતિ જનપદના છે. આ કાલના લખાણવાળા સિક્કા ચાર પ્રકારના છે : નૈગમો (વેપારીઓની શ્રેણી), સ્થાનિક, ગણરાજ્યોના અને રાજતંત્રીય જનપદોના. આ સમયના કેટલાક સિક્કા નગર-રાજ્યોના છે. ઈ. પૂ. 2જી સદીનાં ગણરાજ્યો પોતાના સિક્કાઓ પર બ્રાહ્મી લિપિમાં પોતાનાં નામ અંકિત કરાવતાં. કેટલાંક ગણરાજ્યો પોતાના નામ ઉપરાંત ગણમુખ્યનું નામ પણ આપતાં. આ સર્વ ગણરાજ્યોના સિક્કા મુખ્યત્વે તાંબાના હોય છે. દરેક ગણરાજ્ય સિક્કાઓ માટે પોતપોતાનું તોલમાન અપનાવતું.

માલવો પહેલાં પંજાબમાં વસતા. ત્યાંથી તેઓ રાજસ્થાનમાં જઈ રહ્યા ને છેલ્લે મધ્ય પ્રદેશમાં સ્થિર થયા. વિક્રમ સંવત મૂળમાં માલવગણનો હતો ને વિક્રમાદિત્ય પ્રાય: માલવોના ગણમુખ્ય હતા. તેમનું સ્વાતંત્ર્ય ઈ. પૂ. 57થી ઈ. સ. 78 સુધી રહ્યું. તેમના સિક્કા સતલજ અને નર્મદા વચ્ચેના સમસ્ત પ્રદેશમાં મળે છે. આ સિક્કા તાંબાના છે. એમાં પ્રાચીન સિક્કા મોટા અને ગોળ છે. એના પર પ્રાકૃતમાં ‘માલવોનો જય’ લખેલું છે. આગળ જતાં પ્રાકૃતને બદલે સંસ્કૃત પ્રયોજાયું છે. આ સિક્કા ઈ. પૂ. 2જી સદીથી ઈ. સ.ની 2જી સદીના ગાળાના છે. કેટલાક સિક્કા ચોરસ છે. એના પર ગણમુખ્યનું નામ છે.

યૌધેયોના સિક્કા બહોળા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મળે છે. એમાં નાના કદના સિક્કા ઈ. પૂ. 2જી સદીના છે, જ્યારે મોટા કદના સિક્કા ઈ. સ.ની 3જી સદીથી શરૂ થાય છે. યૌધેયો અને માલવોની જેમ અર્જુનાયનોનું ગણરાજ્ય હતું. તેઓના સિક્કા પણ તાંબાના અને ગોળ છે. આ સિક્કા ઈ. સ.ની 2જી સદીના છે.

ઈ. પૂ. 2જી સદીમાં રાજન્યોએ પણ તાંબાના ગોળ સિક્કા પડાવ્યા હતા. તેઓના ઘણા સિક્કાઓના અગ્રભાગ પર લક્ષ્મીની અને પૃષ્ઠભાગ પર વૃષભની આકૃતિ છે. વૃષ્ણિઓના ચાંદીના ગોળ સિક્કા મળ્યા છે.

ગંગા-યમુના પ્રદેશમાં રાજતંત્રવાળાં અનેક નાનાંમોટાં રાજ્ય પ્રવર્ત્યાં. એમાં ચાર મોટાં રાજ્ય હતાં – શૂરસેન, પંચાલ, વત્સ અને કોસલ. શૂરસેનના સિક્કા તાંબાના અને ક્યારેક ચોરસ અને પ્રાય: ગોળ છે. આ બધા સિક્કા ઈ. પૂ. 3જીથી 1લી સદીના ગાળાના છે. પંચાલ રાજ્યના સિક્કા ઘણી લાંબી શ્રેણીના છે. એ તાંબાના અને ગોળ છે. વત્સદેશના સિક્કાઓ પરથી 18 જેટલા રાજાઓનાં નામ મળ્યાં છે. આ સિક્કા ઈ. પૂ. 2જી અને 1લી સદીના ગાળાના છે. એ તાંબાના અને ગોળ છે.

(1) પંચાલ અને (2) કૌશાંબીના સિક્કાઓ

કોસલના પ્રાચીન સિક્કા તાંબાના અને સાંચામાં ઢાળેલા તેમજ લખાણ વગરના છે. પછીના કેટલાક સિક્કા ચોરસ છે.

અંધ્ર તથા પાંડ્ય પ્રદેશમાં ટંકઆહત સિક્કા પાડવામાં આવેલા. મૌર્ય સામ્રાજ્યના અંત પછી ‘મહારઠી’ (મહારાષ્ટ્રીય) સ્થાનિક રાજ્યપાલોએ પોતાના નામે સિક્કા પડાવ્યા. કર્ણાટકમાં મળેલા તેઓના સિક્કા સીસાના છે. દક્ષિણ ભારતમાં ત્યારથી સીસાના સિક્કા પ્રચલિત થયા. આ રાજાઓ સિક્કા પર ‘રાજ’ બિરુદ પ્રયોજવા લાગ્યા.

સાતવાહન વંશ(અન્ધ્ર વંશ)માં ત્રીસેક રાજા થયા. તેઓના ઘણાખરા સિક્કા છેલ્લા નવ રાજાઓના છે. પશ્ચિમ દખ્ખણમાં ‘સાતવાહન’ નામે રાજાના સીસાના અને તાંબાના સિક્કા મળ્યા છે. સાતવાહનોના સિક્કા દક્ષિણ તથા પશ્ચિમ ભારતના અનેક પ્રદેશોમાં પ્રાપ્ત થયા છે. આંધ્રપ્રદેશમાં મળેલા સિક્કાઓ પરનાં લખાણ પ્રાકૃત ભાષામાં છે. સાતવાહનોના સીસાના સિક્કા લગભગ 500 ગ્રેનના, પૉટનના સિક્કા 50થી 150 ગ્રેનના અને ચાંદીના સિક્કા લગભગ 32 ગ્રેનના (અર્ધદ્રક્મ) છે. ચાંદીના સિક્કાને ‘કાર્ષાપણ’ કહેતા. સાતવાહનોના સમયમાં રોમથી આયાત થયેલા સોનાના અને ચાંદીના સિક્કા દક્ષિણ ભારતમાં ઠેકઠેકાણે મળે છે. ત્રીજી સદીમાં દખ્ખણમાં સાતવાહન વંશની સત્તા અસ્ત પામતાં નવા રાજવંશ સ્થપાયા. પૂર્વ દખ્ખણમાં ઇક્ષ્વાકુ વંશના રાજાઓએ સાતવાહનોના પૉટનના સિક્કાઓ જેવા સિક્કા પડાવ્યા.

સાતવાહન રાજાઓ (1) શ્રીસાત, (2) વાસિષ્ઠિપુત્ર અને (3) શ્રીયજ્ઞ શાતકર્ણિના સિક્કાઓ

ઓરિસામાં મળેલા તાંબાના સિક્કા કુષાણ સિક્કાઓની ઢબના છે.

ભારતના ઇતિહાસમાં ગુપ્તકાલને સુવર્ણકાલ ગણવામાં આવે છે. આ હકીકત સિક્કાઓના ક્ષેત્રમાં બરાબર લાગુ પડે છે. મગધના ગુપ્ત વંશના પહેલા બે રાજાઓએ – ગુપ્ત અને ઘટોત્કચે સિક્કા પડાવ્યા નહોતા. ત્રીજો રાજા ચંદ્રગુપ્ત 1લો ઈ. સ. 319માં ગાદીએ આવ્યો એના સમયમાં ગુપ્ત રાજ્ય સામ્રાજ્ય બન્યું. ચંદ્રગુપ્ત 1લાના સિક્કા સોનાના અને એક જ પ્રકારના મળ્યા છે. એના અગ્રભાગ પર સામસામે ઊભેલાં રાજા-રાણીની આકૃતિ છે. એમાં ચંદ્રગુપ્ત અને કુમારદેવીનાં નામ આપેલાં છે. સિક્કાના પૃષ્ઠભાગ પર સિંહવાહિની દેવીની આકૃતિ હોય છે. એમાં ‘लिच्छवय:’ લખેલું છે.

ધ્વજદંડ પ્રકારના કેટલાક સુવર્ણ-સિક્કા ‘કાચ’ નામે રાજાએ પડાવેલા છે. આ કાચ સમુદ્રગુપ્તના સમયની નજીકમાં થયેલો ગુપ્ત રાજવી લાગે છે; પરંતુ એનું નામ અભિલેખોમાં આપેલી વંશાવળીઓમાં આવતું નથી. એ સમુદ્રગુપ્તનો પ્રતિસ્પર્ધી પુરોગામી હોઈ શકે.

ચંદ્રગુપ્તનો પુત્ર સમુદ્રગુપ્ત ઘણો પરાક્રમી હતો. એણે પોતાના લાંબા રાજ્યકાલ દરમિયાન અનેક પ્રકારના સુવર્ણ-સિક્કા પડાવ્યા. આમાં ઉત્પતાક પ્રકારના સિક્કા સહુથી વધુ સંખ્યા ધરાવે છે. એ ગુપ્ત સામ્રાજ્યના સમસ્ત વિસ્તારમાંથી પ્રાપ્ત થયા છે. એના અગ્રભાગ પર દક્ષિણાભિમુખ ઊભેલ રાજાની આકૃતિ છે. એ ડાબા હાથમાં પતાકાયુક્ત દંડ ધારણ કરે છે. રાજા જમણા હાથ વડે અગ્નિકુંડમાં આહુતિ આપે છે. બાજુમાં ગુપ્તવંશનું રાજચિહન ગરુડધ્વજ છે. જમણા હાથ નીચે ઊભી લીટીમાં ‘સમુદ્રગુપ્ત’ નામ લખેલું છે. અગ્રભાગની કિનારી પાસે વૃત્તાકારે પદ્યબદ્ધ લેખ છે. પૃષ્ઠભાગ પર દેવીની આકૃતિ અને ‘પરાક્રમ’ લખાણ દેખા દે છે. ધનુર્ધર પ્રકારના સિક્કાઓમાં ઊભેલો રાજા ડાબા હાથે ધનુષ્ય અને જમણા હાથે બાણ ધારણ કરે છે. અગ્રભાગ પર ‘સમુદ્ર’ નામ અને છંદોબદ્ધ લખાણ છે. પૃષ્ઠભાગમાં દેવીની આકૃતિ અને ‘અપ્રતિરથ’ શબ્દ છે. પરશુ પ્રકારના સિક્કાના અગ્રભાગમાં ઊભેલો રાજા ડાબા હાથમાં પરશુ ધારણ કરે છે. જમણો હાથ કમર પર ટેકવેલો છે. બાજુમાં પદ્યબદ્ધ લખાણ છે. પૃષ્ઠભાગમાં દેવીની આકૃતિ અને ‘કૃતાન્તપરશુ:’ એવું લખાણ છે. સમુદ્રગુપ્તે અશ્વમેધ કરાવ્યાના પ્રસંગની યાદગીરીમાં અશ્વમેધ પ્રકારના સિક્કા પડાવેલા. એના અગ્રભાગ પર યૂપની આગળ ઊભેલા અશ્વની અને પૃષ્ઠભાગ પર ચામર અને ઉપવસ્ત્ર ધારણ કરી ઊભેલી દીક્ષિત રાણીની આકૃતિ છે. અગ્રભાગ પર પદ્યબદ્ધ લખાણ અને પૃષ્ઠભાગ પર ‘અશ્વમેધી પરાક્રમ:’ લખેલ છે. વ્યાઘ્રહન્તા પ્રકારના સિક્કાના અગ્રભાગમાં સમુદ્રગુપ્તને વ્યાઘ્રનો શિકાર કરતો દર્શાવ્યો છે. ‘વ્યાઘ્રપરાક્રમ:’ અથવા ‘રાજા સમુદ્રગુપ્ત:’ એવું લખાણ છે. પૃષ્ઠભાગ પર દેવીની આકૃતિ છે. કેટલાક સિક્કાના અગ્ર ભાગ પર વીણા વગાડતા બેઠેલા રાજાની આકૃતિ અને ‘મહારાજાધિરાજ શ્રી સમુદ્રગુપ્ત:’ એવું લખાણ છે. આ સિક્કા ‘વીણાવાદક પ્રકારના’ કહેવાય છે.

ગુપ્ત રાજાઓ (1) ચંદ્રગુપ્ત 1લો, (2, 3, 4) સમુદ્રગુપ્ત, (5, 6, 7) ચંદ્રગુપ્ત 2જાના સિક્કાઓ

સમુદ્રગુપ્તના મોટા પુત્ર રામગુપ્તના તાંબાના સિક્કા મળ્યા છે. માળવામાંથી રામગુપ્તના તાંબાના નાના સિક્કા મળ્યા છે. રામગુપ્તને ધ્રુવદેવી નામે રાણી હતી, જે નિર્માલ્ય પતિનું મૃત્યુ થતાં એના નાના પ્રતાપી ભાઈ ચંદ્રગુપ્તની રાણી બની.

સમુદ્રગુપ્તનો આ પ્રતાપી પુત્ર ચંદ્રગુપ્ત 2જો ‘વિક્રમાદિત્ય’ તરીકે વિખ્યાત છે. એના સુવર્ણ-સિક્કા અનેક પ્રકારના પ્રાપ્ત થયા છે; જેમ કે, ધનુર્ધર, સિંહનિહન્તા, અશ્વારોહ, છત્ર, પર્યંક, પર્યંકાસીન રાજારાણી, ઉત્પતાક અને ચક્રવિક્રમ પ્રકારના. આ સિક્કાઓના પૃષ્ઠભાગ પર શ્રીવિક્રમ, સિંહવિક્રમ, અજિતવિક્રમ, વિક્રમાદિત્ય, શ્રીવિક્રમ, પરમભાગવત અને ચક્રવિક્રમ જેવાં બિરુદ કોતરેલાં છે. ચંદ્રગુપ્ત 2જાના તાંબાના કેટલાક સિક્કા મળ્યા છે; જે છત્ર, રાજા, ઉત્તરાંગ, ચક્ર, કલશ અને ધનુર્ધર પ્રકારના છે. આ રાજાના તાંબાના સિક્કા મૌલિક છે.

કુમારગુપ્ત 1લાના સિક્કા સહુથી વધુ વૈવિધ્ય ધરાવે છે; પરંતુ આકૃતિ-આલેખનમાં કલાકૌશલ ઘટ્યું છે. આ રાજાનું બીજું નામ ‘મહેન્દ્રાદિત્ય’ છે. એના સિક્કા (સોનાના) ધનુર્ધર, અશ્વારોહ, ખડ્ગહસ્ત, સિંહનિહન્તા, વ્યાઘ્રનિહન્તા, ગજારોહ, ગજારોહ-સિંહનિહન્તા, ખડ્ગ-નિહન્તા, અશ્વમેધ, કાર્ત્તિકેય, છત્ર અપ્રતિઘ, વીણાવાદક અને રાજારાણી – એવા અનેક પ્રકારના છે. એમાં ‘કુમારગુપ્ત’ અને ‘મહેન્દ્રાદિત્ય’ નામ અંકિત કરેલાં છે.

ગુપ્ત રાજાઓ (1, 2) કુમારગુપ્ત 1લો અને (3) સ્કંદગુપ્તના સિક્કાઓ

કુમારગુપ્તે પોતાની સત્તા માળવા અને ગુજરાત પર પ્રસારી હતી. એણે આ પ્રદેશો માટે ત્યાંના ક્ષત્રપ ઢબના ચાંદીના સિક્કા પડાવ્યા હતા. એના પૃષ્ઠભાગ પર ગરુડની આકૃતિ દેખા દે છે.

કુમારગુપ્તે મધ્યદેશ (ગંગાપ્રદેશ) માટે પણ ચાંદીના સિક્કા પડાવ્યા હતા. આ રાજાના તાંબાના સિક્કા પણ અનેક પ્રકારના છે. એના ચાંદીના સિક્કાઓ પર (ગુપ્ત સંવત) 90થી 136 સુધીનાં વર્ષ આપેલાં છે.

ઘટોત્કચગુપ્તનો એક સુવર્ણ-સિક્કો ધનુર્ધર પ્રકારનો અને બીજો સિક્કો છત્ર પ્રકારનો મળ્યો છે. આ રાજા કુમારગુપ્ત 1લો અને  સ્કન્દગુપ્તની વચ્ચે થોડો વખત ગાદીએ હોવાનું માલૂમ પડે છે.

સ્કન્દગુપ્તના સમયથી સિક્કા-પ્રકારોનું વૈવિધ્ય એકદમ ઘટી ગયું. આ રાજાનું બીજું નામ ‘ક્રમાદિત્ય’ હતું. ક્રમ એટલે વિક્રમ (પરાક્રમ). એના સુવર્ણ-સિક્કા ધનુર્ધર, રાજારાણી અને અશ્વારોહ પ્રકારના છે. કુમારગુપ્તની જેમ  સ્કન્દગુપ્તે પણ પશ્ચિમ ભારત તથા મધ્યદેશ માટે ચાંદીના સિક્કા પડાવેલા. એમાં ગુ. સં. 141થી 148નાં વર્ષ મળ્યાં છે. પૃષ્ઠભાગ પર કળા કરતો મોર દેખા દે છે.

સ્કન્દગુપ્તના ઉત્તરાધિકારીઓના સુવર્ણ-સિક્કા પ્રાય: ધનુર્ધર પ્રકારના છે. કુમારગુપ્ત 2જાના સિક્કાઓમાં એનું અપરનામ ‘ક્રમાદિત્ય’ આપેલું છે. કુમારગુપ્ત 1લાના પુત્ર પુરુગુપ્તના સિક્કા મળ્યા નથી. એના પુત્ર બુધગુપ્તે સોનાના તથા ચાંદીના સિક્કા પડાવેલા. એમાંના ઘણાખરા ગુ. સં. 175ના છે. ચંદ્રગુપ્ત 3જાના સોનાના સિક્કા પ્રાપ્ત થયા છે. અશ્વારોહ-સિંહનિહન્તા પ્રકારના સુવર્ણ-સિક્કાના પૃષ્ઠભાગ પર ‘શ્રીપ્રકાશાદિત્ય’ નામ કોતરેલું છે. એના પુત્ર વૈન્યગુપ્તના સિક્કાના પૃષ્ઠભાગ પર ‘શ્રીદ્વાદશાદિત્ય’ એવું અપરનામ આપેલું છે. બુધગુપ્તના પુત્ર નરસિંહગુપ્તના સિક્કાઓમાં સુવર્ણનું પ્રમાણ ઘણું ઓછું છે. એના પુત્ર કુમારગુપ્ત 3જાના સિક્કાઓમાં રાજાનું અપરનામ ‘શ્રીવિક્રમાદિત્ય’ આપેલું છે. એના પુત્ર વિષ્ણુગુપ્તનું અપરનામ ‘ચન્દ્રાદિત્ય’ હતું.

ગુપ્ત રાજવીઓના સુવર્ણ-સિક્કાઓના મોટા-નાના નિધિ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઓરિસામાંથી મળ્યા છે. એમાં 1946માં બયાના(રાજસ્થાન)માં મળેલો નિધિ ખાસ નોંધપાત્ર છે. મૂળ નિધિમાં 2000થી વધુ સિક્કા હતા; પરંતુ એમાંથી 1821 હાલ ઉપલબ્ધ છે. સિક્કાઓની સંખ્યા તેમજ એના પ્રકારોના વૈવિધ્યની બાબતમાં આ નિધિ સહુથી મહત્વનો નીવડ્યો છે. ગુજરાતમાં વિરમગામ તાલુકામાં સુવર્ણ-સિક્કાનો નાનો નિધિ મળેલો. આ પ્રદેશમાં ચાંદીના સિક્કાઓના નાનામોટા અનેક નિધિ પ્રાપ્ત થયા છે. એમાં અમરેલીમાંથી મળેલા લગભગ 2000 સિક્કાઓનો નિધિ ખાસ નોંધપાત્ર છે.

ત્રીજી સદીમાં ઉત્તરકાલીન કુષાણોના પ્રદેશો પર ઈરાનના સાસાની વંશનું શાસન પ્રસર્યું. તેઓના ક્ષત્રપોએ પોતાના નામે સિક્કા પડાવ્યા. આ સિક્કા બે પ્રકારના હતા : સાસાની પ્રકારના અને કુષાણ પ્રકારના. બીજા પ્રકારના સિક્કા ભારતની હદની અંદરના પ્રદેશમાં પ્રચલિત હતા.

પછી કિદારોની સત્તા પ્રવર્તી. તેઓના સિક્કા સાસાની તથા કુષાણ પ્રકારના હતા.

પાંચમી સદીમાં હૂણ જાતિના લોકોએ મધ્ય એશિયા તરફથી ઈરાન અને ગંધાર થઈ પંજાબ તથા કાશ્મીરમાં પોતાની સત્તા પ્રસારી. હૂણ રાજાઓએ પોતાના નામના સિક્કા પડાવ્યા છે; પરંતુ તેમાં તેઓએ પોતાનો કોઈ આગવો પ્રકાર પ્રયોજ્યો નથી. તોરમાણના ચાંદીના કેટલાક સિક્કા ગુપ્તોના સિક્કાઓના પ્રકારના છે. એણે આવા તાંબાના સિક્કા પણ પડાવેલા. મિહિરકુલના ચાંદીના સિક્કા સાસાની પ્રકારના છે. આગળ જતાં આ પ્રદેશમાં હૂણ-સાસાની લક્ષણ ધરાવતા સિક્કા પ્રચલિત થયા. એમાંથી ભારતીય-સાસાની સિક્કા ઉદભવ્યા. આવા સિક્કા રાજસ્થાન, ગુજરાત અને માળવામાંથી મોટી સંખ્યામાં મળ્યા છે. એ ‘દ્રક્મ’ તરીકે ઓળખાતા હતા. એ પાતળા અને ચપટા છે. ગધૈયા સિક્કા એનું વિકૃત સ્વરૂપ છે.

ગુપ્ત સામ્રાજ્યના અંત પછી છ સૈકાઓ દરમિયાન ઉત્તર તથા દક્ષિણ ભારતમાં અનેક રાજ્યોએ પોતપોતાના સિક્કા પડાવ્યા. આ સિક્કાઓમાં સોનાના સિક્કા એકદમ વિરલ છે. ચાંદીના સિક્કા ઘણા ઓછા છે ને તાંબાના સિક્કા પણ સંખ્યાબંધ નથી.

બંગાળમાં રાજા શશાંકે અશુદ્ધ સોનાના સિક્કા પડાવેલા. પછી પાલ વંશના રાજા દેવપાલના નામનો સોનાનો સિક્કો મળ્યો છે. કાશ્મીરમાં હૂણ રાજા પ્રવરસેનના સોનાના સિક્કા મળ્યા છે. ઉત્તર પ્રદેશમાં સોનાના સિક્કા અતિ વિરલ છે.

ત્રિપુરીના કલચુરિ વંશના પ્રતાપી રાજા ગાંગેયદેવના અશુદ્ધ સોનાના અને સોનાનો ઢોળ ચડાવેલ ચાંદીના સિક્કા મળ્યા છે. વળી ચાંદીના, ચાંદી-તાંબાના અને તાંબાના સિક્કા પણ મળે છે. ગાંગેયદેવના લક્ષ્મી-છાપ સિક્કા અન્ય રાજ્યોના કેટલાક રાજાઓએ પણ અપનાવેલા.

કાશ્મીરમાં લોહર વંશના રાજા હર્ષે સોનાના સિક્કા પડાવ્યા હતા. મૈખરિઓ તથા વર્ધનોએ ચાંદીના સિક્કા પડાવ્યા હતા. કલચુરિ વંશના રાજા કૃષ્ણરાજે ચાંદીના સિક્કા પડાવ્યા તે સ્કંદગુપ્તના વૃષભ પ્રકારના ચાંદીના સિક્કાઓને મળતા આવે છે.

ચાંદીના નાના સિક્કા મધ્ય તથા પશ્ચિમ ભારતમાં પ્રચલિત થયા. ભારતીય-સાસાની સિક્કા રાજસ્થાન, ગુજરાત અને માળવામાં મોટી સંખ્યામાં લાંબા કાળ લગી પ્રચલિત હતા. સમય જતાં એ કદમાં નાના અને જાડા થતા ગયા. એના અગ્રભાગ પર રાજાના ઉત્તરાંગની અને પૃષ્ઠભાગ પર અગ્નિકુંડની આકૃતિ અપાતી. આ સિક્કાઓ પરનું રેખાંકન આડી અને ઊભી રેખાઓના આલેખન દ્વારા એટલું બેઢંગ થતું ગયું કે એ આકૃતિ શાની છે તે ભાગ્યે જ ઓળખી શકાય ! આ સિક્કા ‘ગધૈયા સિક્કા’ તરીકે ઓળખાય છે. આવા સિક્કા મુખ્યત્વે મારવાડ, મેવાડ અને માળવાના રાજાઓએ પડાવેલા.

મારવાડના પ્રતીહાર વંશમાં ભોજ નામે પ્રતાપી રાજા થયો. એ ‘મિહિરભોજ’ તરીકે પણ ઓળખાતો. એનું અપરનામ ‘આદિવરાહ’ હતું. એના ચાંદીના સિક્કાના અગ્રભાગ પર વરાહાવતારની આકૃતિ અને પૃષ્ઠભાગ પર ‘श्रीमदाधिवराह’ લખેલું છે. આ સિક્કા ‘વરાહદ્રમ્મ’ કહેવાયા.

(1, 3) આદિવરાહ અને (2) ગધૈયા પ્રકારના સિક્કાઓ

રાજસ્થાનમાં ગધૈયા પ્રકારના સિક્કા પ્રાપ્ત થયા છે.

પંજાબમાં મળેલા તાંબાના સિક્કાઓમાં અગ્રભાગ પર કુષાણ સિક્કાની ઢબે વૃષભસહિત શિવની આકૃતિ હોય છે.

કાશ્મીરના પ્રાચીન સિક્કા કિદાર સિક્કાઓને મળતા આવે છે. આ સિક્કા ખરેખર તાંબાના છે ને એમાં થોડા પ્રમાણમાં સોનાનું કે ચાંદીનું મિશ્રણ કરેલું છે.

હિંદુ શાહી વંશના રાજાઓએ પોતાની આગવી ઢબના ચાંદીના સિક્કા પડાવ્યા. એના અગ્રભાગ પર અશ્વારોહ રાજાની અને પૃષ્ઠભાગ પર વૃષભની આકૃતિ લોકપ્રિય હતી. આ પ્રકારના સિક્કા સમસ્ત ઉત્તર ભારતમાં મળે છે. 12મી અને 13મી સદી દરમિયાન ઉત્તર ભારતના અનેક રાજવંશોએ આ પ્રકારના સિક્કા પડાવ્યા.

કલચુરિ રાજા ગાંગેયદેવના ચાંદીના તથા તાંબાના સિક્કા મળ્યા છે. એમાં અર્ધદ્રમ્મ, પાદ અને અર્ધપાદ મૂલ્યના નાના સિક્કાઓનો સમાવેશ થાય છે.

કાશ્મીરમાં હૂણ રાજાઓના સિક્કા પ્રચલિત હતા. એ કિદાર પ્રકારના અને તાંબાના છે. પછી ઉત્પલ વંશના રાજાઓએ પણ તાંબાના અસંખ્ય સિક્કા પડાવ્યા. લોહર વંશના રાજાઓએ ઉત્પલ વંશના તાંબાના સિક્કાઓ જેવા તાંબાના સિક્કા પડાવેલા.

દક્ષિણ ભારતમાં ચાંદીના સિક્કા ભાગ્યે જ પડાતા. સોનાના અને તાંબાના ચિહ્નાંકિત સિક્કા કળંજુ તોલમાનના હતા. દક્ષિણ ભારતમાં પ્રાચીન કાળની બિંબ-ટંક આહત સિક્કાપદ્ધતિ પુન:પ્રચલિત થઈ. એની પહેલ કદંબ રાજાઓએ કરી. દક્ષિણ ભારતના પ્રાચીન સિક્કાઓમાં મુખ્ય ચિહન પ્રાય: વરાહનું હોવાથી આ સિક્કા ‘વરાહ’ નામે ઓળખાયા.

ઉત્તરકાલીન ચાલુક્ય રાજ્યના કેટલાક સિક્કાઓ પર દેવાલયનું ઘૂમટાકાર શિખર દેખા દે છે. પૂર્વી ચાલુક્ય વંશના સિક્કાઓ પર વરાહની આકૃતિ છે. દેવગિરિના યાદવોએ પણ સોનાના આહત સિક્કા પડાવેલા. ટંક-આહત સિક્કા મુખ્યત્વે ગોવાના કદંબ રાજાઓએ પડાવ્યા હતા. માયસોરના હોયસળ વંશના રાજાઓએ પણ સોનાના ટંક-આહત સિક્કા પડાવ્યા હતા.

(1) પ્રાચીન ચાલુક્ય અને (2) પૂર્વી ચાલુક્ય વંશના સિક્કાઓ

આ કાલ દરમિયાન કલિંગમાં પણ ગંગ વંશનું રાજ્ય હતું. આ પૂર્વી ગંગ વંશના સોનાના કેટલાક નાના-પાતળા સિક્કા મળ્યા છે.

તોણ્ડમણ્ડલમાં પલ્લવોનું રાજ્ય હતું. તેઓના સિક્કા સાતવાહન સિક્કાઓ પરથી તૈયાર થયા હતા.

પાંડ્ય રાજ્યના રાજાઓએ જુદા જુદા સમયે વિવિધ પ્રકારના સિક્કા પડાવ્યા. તેઓએ સાતમી સદી પછી પડાવેલા સિક્કા સોનાના તથા તાંબાના હતા. એના પર મત્સ્યનું ચિહન અને તેલુગુ લખાણ હતાં.

(1) કદંબ : જયકેશી 1લો, (2) હોયસળ : વિષ્ણુવર્ધન, (3) પલ્લવ અને – (4) ચોળ : રાજરાજના સિક્કાઓ

દસમી સદીમાં અહીં તાંજોરના ચોળવંશનું આધિપત્ય પ્રવર્ત્યું. તેઓએ દક્ષિણ ભારતમાં ચાંદીના સિક્કા પડાવવાની પહેલ કરી. આ સિક્કા-પ્રકાર મદુરાના નાયક રાજાઓએ અપનાવ્યો. તાંબાના સિક્કાઓમાં સમય જતાં સિક્કાનું કદ નાનું થતું ગયું.

13મી સદીમાં દક્ષિણ ભારતમાં પાંડ્ય રાજાઓનું આધિપત્ય પ્રવર્ત્યું. તેઓના સોનાના સિક્કાઓના અગ્રભાગ પર મત્સ્ય, ધનુષ, શંખ, ચક્ર વગેરે ચિહન અંકિત કરાતાં. પાંડ્ય રાજાઓના તાંબાના સિક્કાઓના અગ્રભાગ પર મત્સ્યનું ચિહન અપાતું.

કેરળ પ્રદેશમાં જૂજ સિક્કાઓ મળ્યા છે. એ ચાંદીના છે.

વિજયનગરના હિંદુ રાજ્યના સિક્કા મોટેભાગે સોનાના હતા. એ કદમાં નાના અને જાડા છે. ચાંદીના સિક્કા જૂજ અને નાના છે. તાંબાના સિક્કા પણ જૂજ સંખ્યામાં મળે છે. વિજયનગર રાજ્યે સોનાના સિક્કા પડાવ્યા હતા જે ‘પગોડા’ તરીકે ઓળખાય છે. પગોડાના 10મા ભાગના મૂલ્યના સિક્કાને ‘પણમ’ કહેતા.

વિજયનગર : ચિક્કરાયનો સિક્કો

આ પછી કર્ણાટ વંશની સત્તા પ્રવર્તી. તેઓના સિક્કાઓ પર વેંકટેશની આકૃતિ હોય છે. કદંબ વંશના રાજાઓએ પડાવેલા સોનાના સિક્કા પર પદ્મનું ચિહન અંકિત કરાતું તેથી તે સિક્કા ‘પદ્મટંક’ તરીકે ઓળખાય છે.

વિજયનગર રાજ્યના અંત પછી તાંજોર, મદુરા અને તિન્નેવેલ્લીના નાયક રાજાઓએ વિવિધ પ્રકારના સિક્કા પડાવ્યા.

આંધ્રપ્રદેશમાં તાંબાના કેટલાક સિક્કા મળ્યા છે. એ પ્રાય: ઓરિસાના ગજપતિ વંશના રાજાઓએ પડાવેલા.

ભારતના ઇતિહાસમાં ઈ. સ. 1206થી 1707નો કાલ ‘મુસ્લિમ કાલ’ તરીકે ઓળખાય છે. ઇસ્લામી કાનૂન મુજબ સુલતાન કે બાદશાહ બનતી વખતે એ વ્યક્તિના નામનો સિક્કો પડાતો. આથી બધા જ મુસ્લિમ શાસકોના સિક્કા મળે છે. મુસ્લિમ સિક્કા પર સામાન્યત; કલમો, ખલીફાનું નામ, સુલતાનનાં બિરુદ-નામ, હિજરી વર્ષ અને ટંકશાળનું નામ અપાતાં.

મુસ્લિમ સિક્કાઓ મુખ્યત્વે સોનું, ચાંદી અને તાંબાના બનેલા હોય છે. તાંબા અને ચાંદીના મિશ્રણવાળા બિલનના સિક્કા પણ પ્રચલિત હતા. મુસ્લિમ સિક્કાઓ શરૂઆતમાં 170થી 180 ગ્રેનના હતા. પછી 175 ગ્રેનનું તોલમાન વધુ પ્રચલિત થયું. શેરશાહે 100 રતી(180 ગ્રેન)નું તોલમાન પ્રચલિત કર્યું.

સોનાના મુસ્લિમ સિક્કાઓ શરૂઆતમાં ‘દીનાર’ કે ‘ટંકા’ નામે ઓળખાતા. અકબરના સમયથી સોનાનો મુખ્ય સિક્કો ‘મુહર’ નામે પ્રચલિત થયો. ચાંદીનો મુખ્ય સિક્કો શરૂઆતમાં ‘દિરહમ’ નામે ઓળખાતો. થોડા વખતમાં એ ‘ટંકા’ તરીકે ઓળખાવા લાગ્યો. શેરશાહે ચાંદીના ‘રુપૈયા’ લોકપ્રિય કર્યા. દિલ્હીની શરૂઆતની સલ્તનતોના બિલનના સિક્કા ‘જીતલ’ કહેવાતા. આગળ જતાં એ ‘ટંકા’ તરીકે ઓળખાયા. તાંબાનો મુખ્ય સિક્કો શરૂઆતમાં ‘દામ’ અને આગળ જતાં ‘પૈસા’ નામે ખ્યાતિ પામ્યો.

મુસ્લિમ સિક્કાઓ પ્રાય: ગોળ હતા. થોડાક ચોરસ ઘાટના હતા. અકબરે લંબચોરસ સિક્કા પડાવેલા. આ સિક્કાઓ પ્રારંભમાં અરબી અને આગળ જતાં ફારસી ભાષા અને અરબી-ફારસી લિપિમાં લખાણ ધરાવતા. શરૂઆતના સુલતાનોએ પ્રજાજનો સમજી શકે એ હેતુથી સંસ્કૃત કે હિંદી ભાષા અને નાગરી લિપિને સ્થાન આપેલું. મુસ્લિમ શાસકોના કેટલાક સિક્કાઓ પર પદ્યાત્મક લખાણ પણ અપાતું. મુસ્લિમ સિક્કાઓ પર અવનવી સુલેખન-શૈલીઓ પ્રયોજાઈ હતી. મુસ્લિમ સિક્કાઓ પર સામાન્યત: હિજરી સનની સાલ અપાતી. અકબરે એને બદલે ‘દીને ઇલાહી સન’ પ્રવર્તાવી. સિક્કાઓ પર ટંકશાળ-નગરનો નામનિર્દેશ એ મુસ્લિમ સિક્કાઓની અગત્યની વિશેષતા છે. મુસ્લિમ સિક્કાઓનો કેટલાંક તત્કાલીન હિંદુ રાજ્યોના સિક્કાઓ પર પણ પ્રભાવ પડેલો.

11મી સદીના આરંભમાં મહમૂદ ગઝનીએ પંજાબ સુધીનો કેટલોક પ્રદેશ જીતી લીધો ને ‘દીનાર’ નામે સોનાના સિક્કા તથા ચાંદીના ‘દિરહમ’ કે ‘ટંકા’ નામે સિક્કા પડાવ્યા. સિક્કાના પૃષ્ઠભાગે કલમાનો સંસ્કૃત તરજુમો આપેલો. આગળ જતાં મુહમ્મદ ઘોરીએ ભારતીય ઢબના સોનાના તથા બિલન અને તાંબાના સિક્કા પડાવ્યા.

(1) મુહમ્મદ બિન સામ, (2) અલાઉદ્દીન ખલજી, (3) મુહમ્મદ બિન તુગલુક, (4) ગુજરાત : અહમદશાહ 1લો, (5, 6) ગુજરાત : મહમૂદશાહ 1લાના સિક્કાઓ

દિલ્હીમાં ઈ. સ. 1206માં મમ્લૂક (ગુલામ) વંશની હકૂમત સ્થપાઈ. દિલ્હી સલ્તનતની શરૂઆતમાં ‘અરબી’ નામનો સિક્કો પ્રચલિત હતો. તાંબાના ભારે તોલના સિક્કાને ‘ટંકા’ કહેતા. ‘માષા’ એ ચાંદીનો સિક્કો હતો. ઇલ્તત્મિશના સોનું, ચાંદી, બિલન અને તાંબાના સિક્કા મોટી સંખ્યામાં મળ્યા છે. એણે ચાંદીના ટંકા અને બિલનના જીતલની પરંપરાને ઢ બનાવી. આ વંશના પછીના સુલતાનોના ચાંદીના સિક્કા મળે છે. આગળ જતાં ફરીથી સોનાના સિક્કા શરૂ થયા પછી રઝિયા, બહેરામ, મસૂદ, નાસિરુદ્દીન મહમૂદ, બલબન અને કૈકુબાદના સિક્કા પણ નોંધપાત્ર છે.

દિલ્હીના મહાન સુલતાન અલાઉદ્દીન ખલજીનું સિક્કાક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. એના સમયના ટંકશાળના વડા ઠક્કુર ફેરૂએ ‘દ્રવ્યપરીક્ષા’ નામે ગ્રંથમાં એ સમયના હિંદુ તથા મુસ્લિમ સિક્કાઓની વિગતવાર માહિતી આપી છે. અલાઉદ્દીને સોનાના અને ચાંદીના 1 તોલા વજનના સિક્કા પડાવ્યા ને સિક્કા પરથી ખલીફાનું નામ દૂર કર્યું. ખલજી વંશ દરમિયાન ‘આધવી’ અને ‘ગાની’ પ્રકારના તાંબાના સિક્કા હતા. 1 આધવી =  ગાનીનું મૂલ્ય ધરાવતો. ખલજી સુલતાનોનો તાંબાનો નાનો સિક્કો ‘વિસુઆ’ કહેવાતો. પછી કુત્બુદ્દીન મુબારકશાહે પણ સિક્કાક્ષેત્રે અવનવા પ્રયોગ કર્યા. એમાંથી બિલનના સિક્કાઓમાં નવીન પદ્ધતિ પ્રયોજાઈ. પછી તુગલુક વંશના સુલતાન ગિયાસુદ્દીને સોના, ચાંદી અને તાંબાના સિક્કા પડાવેલા. મુહમ્મદશાહ 3જાએ સિક્કાક્ષેત્રે અવનવા પ્રયોગ કર્યા. એના સોનાના અને ચાંદીના સિક્કાનો વિનિમય-દર 10 : 1 હતો. એના તાંબાના સિક્કા 12 પ્રકારના છે. તેણે બિલનના સ્થાને તાંબા-મિશ્રિત હલકી ધાતુના 80 રતી વજનના સાંયોગિક (‘ટોકન’) સિક્કા પડાવ્યા હતા અને તેને ચાંદીના ટંકાનું સ્થાન આપવાનો અવ્યવહારુ પ્રયોગ કર્યો હતો.

ત્યારબાદ દિલ્હીમાં સૈયદ વંશની હકૂમત પ્રવર્તી. સુલતાન મુબારકશાહે 86 રતી વજનના તાંબાના સિક્કા પડાવ્યા.

બાદ દિલ્હીમાં લોદી વંશની હકૂમત સ્થપાઈ. શાહી ખજાનામાં સોનાની અને ચાંદીની ભારે ખેંચ વરતાતાં બહલૂલ લોદીએ સોના અને ચાંદીના સિક્કા પડાવવાનું બંધ કર્યું ને કેવળ બિલનના તથા તાંબાના સિક્કા પડાવ્યા. બહલૂલ લોદીએ પડાવેલા બિલનના સિક્કા ‘બહલૂલ’ તરીકે ઓળખાતા. સિકંદર લોદીએ 80 રતીના બિલનના પડાવેલા ટંકા ‘સિકંદરી’ તરીકે ઓળખાતા. સૈયદ-કાલમાં તાંબાના મુખ્ય સિક્કાને ‘જીતલ’ કહેતા. ખલજી કાળમાં તે ‘ગાની’ તરીકે ઓળખાતો. મુસ્લિમ સલ્તનતોમાં ચાંદીનો મુખ્ય સિક્કો ‘દિરહમ’ નામે ઓળખાતો. આગળ જતાં એ ‘ટંકા’ કહેવાયો.

(1) બંગાળ : સિકંદરશાહ અને (2) ગુજરાત : મુઝફ્ફરશાહના 3જાના સિક્કાઓ

દિલ્હીની સલ્તનત નિર્બળ બનતાં હિંદમાં અનેક સ્વતંત્ર સલ્તનતો સ્થપાઈ. બંગાળ, માળવા, જોનપુર, કાશ્મીર, બહમની, અહમદનગર, બિજાપુર, મદુરા અને ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતો સ્થપાઈ ને કાંગડા, મેવાડ, મિથિલા અને આસામમાં નવાં હિંદુ રાજ્ય સ્થપાયાં. આ સર્વ રાજ્યોએ પોતપોતાની ઢબના વિવિધ સિક્કા પડાવ્યા. ગુજરાતમાં 14 સુલતાનો પૈકી 12 સુલતાનોના સિક્કાઓ મળે છે. અહમદશાહ 1લાના ચાંદીના સિક્કાના પૃષ્ઠભાગ પર ચોરસની અંદર અને બહાર લખાણ આપેલું છે. સુલતાન મહમૂદ શાહ 1લા(બેગડા)ના સિક્કા સોનું, ચાંદી, બિલન અને તાંબું – એમ ચાર ધાતુઓનાં પાડેલા છે. તેના સોનાના સિક્કા માત્ર 11 મળ્યા છે.

બંગાળમાં સિકંદર શાહના સિક્કાઓમાં અગ્રભાગમાં વર્તુળમાં અને પૃષ્ઠભાગ પર ષટ્કોણમાં લખાણ આપેલું છે.

ઈ. સ. 1526માં કાબુલના તુર્ક બાદશાહ બાબરે દિલ્હીમાં મુઘલ વંશની સ્થાપના કરી. બાબરે અને હુમાયુએ ‘શાહરૂખી’ પ્રકારના સિક્કા પડાવ્યા. એ સોનાના અને તાંબાના હતા. ઈ. સ. 1540માં બિહારના અફઘાન સરદાર શેરશાહે દિલ્હીમાં પોતાની હકૂમત સ્થાપી. એણે સિક્કાક્ષેત્રે સર્વથા નવીન શૈલી યોજી. શુદ્ધ ચાંદીના સિક્કા ‘રુપૈયા’ નામે પ્રચલિત કર્યા. શુદ્ધ તાંબાના સિક્કા પ્રાય: ‘પૈસા’ નામે ઓળખાયા. મુઘલ કાળમાં એને ‘ફુલુસ’ કહેતા. બિલનના સિક્કા તદ્દન બંધ કર્યા. ઈ. સ. 1555માં હુમાયુએ દિલ્હીનું તખ્ત પાછું મેળવ્યું. એણે એના ઉત્તરાધિકારી શેરશાહની સિક્કાપદ્ધતિ અપનાવી એનો અપૂર્વ વિકાસ કર્યો. સોનાનો મુખ્ય સિક્કો ‘મુહર’ કહેવાતો. સોનાના સિક્કાઓમાં ‘શેહનશાહી’ સિક્કો સહુથી વધુ પ્રચલિત હતો. અબુલ ફઝલે ‘આઇને અકબરી’માં અકબરના સોનાના 26 પ્રકારના સિક્કા નિરૂપ્યા છે. ભારતીય સિક્કાશાસ્ત્રમાં ‘અકબરી સિક્કા’ વિશિષ્ટ મહત્વ ધરાવે છે. એના ચાંદીના નવ પ્રકારના અને તાંબાના ચાર પ્રકારના સિક્કા છે. તેણે ‘આત્મહ’ પ્રકારના સોનાના સિક્કા પડાવ્યા હતા. તેણે ‘શહેનશાહ’ નામના સોનાના સિક્કા પણ પડાવેલા.

(1) શેરશાહ (રુપૈયા), (2, 3, 4) અકબર, (5) જહાંગીર, (6, 7) જહાંગીર (રાશિઅંકિત), (8) ઔરંગઝેબના સિક્કાઓ

જહાંગીરના સમયમાં મુઘલ સિક્કા સર્વોચ્ચ કક્ષાએ પહોંચ્યા. એણે સિક્કાઓ પર પદ્યપંક્તિઓ કોતરાવી. પોતાનું ઉત્તરાંગ કંડારાવ્યું. વળી સિક્કાઓ પરથી મહિનાઓનાં નામ રદ કરીને જે તે મહિનાને સૂચવતી રાશિનું ચિહન અંકિત કરાવ્યું. તેના રાશિ-અંકિત સિક્કા ખાસ ઉલ્લેખનીય છે. જહાંગીરની ઉત્તરાવસ્થામાં એના સિક્કાઓ પર બેગમ નૂરજહાંનું નામ પણ ઉમેરાયું.

શાહજહાંએ નૂરજહાંનું નામ ધરાવતા સિક્કાઓ ગળાવી નાખ્યા. ઔરંગઝેબે સિક્કાઓ પરથી કલમો દૂર કરાવ્યો. એના સમયથી મુઘલ સામ્રાજ્યની આર્થિક અવનતિ શરૂ થઈ.

1803થી મુઘલ બાદશાહોની સત્તા ઘટવા લાગી. આરંભમાં મરાઠાઓનું ને પછી અંગ્રેજોનું આધિપત્ય જામ્યું. છત્રપતિ શિવાજી અને તેમના ઉત્તરાધિકારી છત્રપતિઓએ સોનાના અને તાંબાના સિક્કા પડાવેલા. પછી પેશવાઓની સત્તા પ્રવર્તી. હવે મુદ્રાનીતિ તેમજ સિક્કાપદ્ધતિમાં વિશિષ્ટ પરિવર્તન આવ્યું. તેઓના સિક્કાઓ પર મુઘલ સિક્કાઓનો પ્રભાવ વરતાય છે. દુર્રાનીઓના પંજાબના શીખોના તેમજ અવધ અને માયસોર રાજ્યોના પણ સિક્કા પાડવામાં આવ્યા. અહમદશાહ દુર્રાનીના સિક્કા મુખ્યત્વે મુઘલ શૈલીના છે. માયસોરના ટીપુ સુલતાનના તાંબાના સિક્કાના અગ્રભાગ પર હાથીની આકૃતિ આપેલી છે.

(1) શીખ રાજ્ય અને (2) માયસોરના ટીપુના સિક્કાઓ

16મી સદીથી યુરોપના કેટલાક દેશોની વેપારી કંપનીઓ ભારતમાં વસવાટ કરી વેપાર તથા વહીવટના અધિકાર હાંસલ કરવા લાગી. ફિરંગીઓએ ગોવા, દીવ, દમણ વગેરે સ્થળોએ સોના, ચાંદી અને તાંબાના સિક્કા પડાવ્યા એમાં 60 રેઇસ = 1 ટંગા અને 10 ટંગા = 1 રૂપિયો ગણાતો. તેમના તાંબાના સિક્કા ‘આતિયા’ તરીકે ઓળખાતા. 40 આતિયા = 10 ટાંગા = 1 રૂપિયો થતો. ગોવા અને દીવમાં તેમણે ‘ઈસ્પેશ’ નામના ચાંદીના સિક્કા પડાવ્યા હતા. ગોવાની ટંકશાળમાંથી પડાવેલા સોનાના સિક્કાને ‘ક્રૂઝેડો’ અથવા ‘મેનાઇલ’ કહેતા. તેમના ચાંદીના સિક્કા ‘ઝેરાફિમ’ તરીકે ઓળખાતા. ‘ટંગા’ નામના ચાંદીના સિક્કા પણ હતા. તેમના તાંબાના સિક્કા બઝારુકોઝ તરીકે ઓળખાતા.

વલંદાઓએ ચાંદી અને તાંબાના સિક્કા સ્વદેશી અને ભારતીય – એવી બે શૈલીઓમાં પડાવેલા. ચાંદીના સિક્કા ‘ગિલ્ડર’ અને ‘ડ્યૂકટૂન’ નામે ઓળખાતા ને તાંબાના સિક્કા ‘ડ્યૂઇટ’ અને ‘સ્ટ્રાઇવર’ નામે ઓળખાતા.

ડેન્માર્કના ડેનિશોએ ત્રાંકોબારમાંની ટંકશાળમાં સોના, ચાંદી, તાંબા અને સીસાના સિક્કા પડાવેલા. ચાંદીના સિક્કા ‘ફનો’ (ફણમ) અને તાંબાના તથા સીસાના સિક્કા ‘કેસ’ કહેવાતા.

(1) ફિરંગી, (2) વલંદા, (3) ઈસ્ટ ઇન્ડિયા કંપની અને (4) ઈસ્ટ ઇન્ડિયા કંપની(પૅગોડા)ના સિક્કાઓ

ભારતમાં ફ્રેંચોએ મુઘલ તેમજ દક્ષિણ ભારતની શૈલીના સિક્કા પડાવ્યા. દક્ષિણી શૈલીના ‘પૅગોડા’ અને ‘ફણમ’ મળ્યા છે.

બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શરૂઆતમાં મુઘલ શૈલીના સિક્કા પડાવ્યા. આ સિક્કા ચાર પ્રકારના છે : (1) મુંબઈ પ્રેસિડેન્સીના, (2) મદ્રાસ પ્રેસિડેન્સીના, (3) બંગાળ પ્રેસિડેન્સીના અને (4) સાર્વત્રિક. મુંબઈની ટંકશાળમાંથી ચાંદી-તાંબું અને કલાઈના સિક્કા પડાવ્યા. મુંબઈ ઇલાકા માટે ‘અગ્લિના’ નામના ચાંદીના સિક્કા અને ‘કોપરૂન’ નામના તાંબાના સિક્કા પડાવ્યા હતા. ચેન્નાઈની ટંકશાળના સિક્કા શરૂઆતમાં પૅગોડા પ્રકારના અને ત્યારબાદ ઉત્તરી પ્રકારના હતા. એમાં મોહર, રૂપિયો, આનો અને પૈસો લોકપ્રિય હતા. તાંબાના સિક્કાના અગ્રભાગ પર સિંહ – શીલ્ડ-સિંહની આકૃતિ આપેલી છે.

1857માં કંપનીના શાસનનો અંત આવ્યો ને બ્રિટિશ તાજની સીધી હકૂમત પ્રવર્તી. બ્રિટિશ રાજવીની છબી અને નામ ધરાવતા સિક્કા પ્રચલિત થયા. 1877માં રાણી વિક્ટોરિયાની તાજસહિતની આકૃતિ અને ‘વિક્ટોરિયા એમ્પ્રેસ’ નામ પ્રયોજાયાં. આ રાણીછાપ ચાંદીના સિક્કા શુદ્ધ ધાતુના સિક્કા તરીકે લોકપ્રિય થયા. સમ્રાજ્ઞી તરીકે રાણીએ મુગટ ધારણ કરેલ છે. બ્રિટિશ રાજ્યોના સોનાના સિક્કાઓ ‘મોહર’ તરીકે ઓળખાતા. એને સોનામોહર (સોનામહોર) પણ કહેતા.

એડવર્ડ 7માના સમયથી સિક્કા હલકી ધાતુના બનતા ગયા. જ્યૉર્જ 5માના સિક્કાઓમાં પરિસ્થિતિ સુધરી હતી. જ્યૉર્જ 6ઠ્ઠાના સમયમાં ચાંદીની ખેંચ પડતાં સિક્કાઓની ધાતુઓમાં પરિવર્તન લદાયાં. એડવર્ડ 7મા(1901-1910)ના 1 આના સિવાયના સિક્કાઓ પર શહેનશાહની તાજરહિત ખુલ્લા મસ્તકની આકૃતિ હોવાથી ગુજરાતમાં આ સિક્કાઓને ‘બોડિયા’ કે ‘બોડિયા રાજાના સિક્કા’ તરીકે ઓળખતા. 1943માં ચલણમાં મૂકવામાં આવેલો કાણાવાળો 1 પૈસો વિશિષ્ટ છે. તેમાં વચ્ચે કાણું હોવાથી તે ‘કાણિયા’ તરીકે પણ ઓળખાતો.

(1, 2) રાણી વિક્ટોરિયા, (3) જ્યૉર્જ 5મો અને (4) જ્યૉર્જ 6ઠ્ઠાના સિક્કાઓ

બ્રિટિશ કાળ દરમિયાન કેટલાંક દેશી રાજ્યોએ સિક્કા પાડવાનું ચાલુ રાખ્યું. આ કાળના બ્રિટિશ શહેનશાહોના નામવાળા સિક્કાઓ પૈકી જોધપુર અને કચ્છના સિક્કા ખાસ નોંધપાત્ર છે. જોધપુરના મહારાજાઓએ સોના, ચાંદી અને તાંબાના સિક્કા પડાવ્યા. કચ્છમાં ચાંદીની ‘કોરી’ એકમ હતી. 1 રૂપિયા = 21 કોરી ગણાતી. તાંબામાં ‘ઢીંગલો’, ‘દોકડો’, ‘આધિયો’ અને ‘ત્રાંબિયો’ નામે સિક્કા પ્રચલિત હતા.

જયપુરના સિક્કાઓમાં સોનામાં મોહરુ, ચાંદીમાં રૂપિયો અને તાંબામાં પૈસો મુખ્ય હતા. ઉદયપુરમાંથી સોનાનો મોહર, ચાંદીનો રૂપિયો અને તાંબાનો આનો વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ થયા છે. મહારાજા સ્વરૂપસિંહે ‘दोस्तिलंधन’ લખેલ નૂતન ચાંદેરી સિક્કા પડાવેલા. ઇંદોર રાજ્યે કેવળ ચાંદી અને તાંબાના સિક્કા પડાવેલા.

(1) ઉદેપુરના (2) કચ્છ : ખેાંગરજી 3જાના, (3) કચ્છ : મદનસિંહજીના અને (4) વડોદરા : સયાજીરાવ 3જાના સિક્કાઓ

ત્રાવણકોર રાજ્યમાંથી પ્રાચીન દક્ષિણ અને સમકાલીન યુરોપીય – એ બંને ઢબના સિક્કા ઉપલબ્ધ થયા છે. નવાનગર (જામનગર) રાજ્યમાં સોનાની તથા ચાંદીની કોરી અને તાંબાનો દોકડો મુખ્ય હતાં. જૂનાગઢના નવાબે સોનાની તથા ચાંદીની કોરી અને તાંબાનો દોકડો જેવા નાનામોટા સિક્કા પડાવેલા. દોકડો વ્યવહારમાં  પૈસા બરાબર ગણાતો. તાંબાના સિક્કાને ‘કાવડિયું’ કહેતા. ભાવનગર રાજ્યમાં તાંબાના ત્રાંબિયો, દોકડો અને ઢીંગલો પ્રચલિત હતા.

વડોદરા રાજ્યે સોનું, ચાંદી અને તાંબાના મોટા-નાના સિક્કા પડાવેલા. આ સિક્કાઓ પર ગાયકવાડ મહારાજાના નામને બદલે એ નામના પ્રથમ અક્ષર લખવામાં આવતા. બાબાસાહેબ ફત્તેહસિંહ રાવે પડાવેલો ચાંદીનો રૂપિયો ‘બાબાશાહી’ કહેવાતો. રાધનપુરના નવાબોએ પણ ત્રણેય ધાતુના નાના-મોટા સિક્કા પડાવેલા.

1947માં ભારત આઝાદ થયું. ત્યારપછી 1950ના આરંભ સુધી એણે બ્રિટિશ ઢબના સિક્કા ચાલુ રાખ્યા. નિકલના  રૂપિયાના પૃષ્ઠ-ભાગ પર હિંદી અને અંગ્રેજી લખાણ છે. 1950થી 1957 સુધીમાં પૈસો, આનો અને રૂપિયાના નાનામોટા સિક્કા પડાયા. 15મી ઑગસ્ટ, 1947ના રોજ ભારત આઝાદ થયું અને 26મી જાન્યુઆરી, 1950ના રોજ પ્રજાસત્તાક તંત્રની સ્થાપના થઈ. આ ગાળા દરમિયાન ભારતે નવા સિક્કા નહિ પડાવતાં જૂના ભારતીય-બ્રિટિશ સિક્કા ચાલુ રાખ્યા; પણ ભારત પ્રજાસત્તાક થતાં ભારતે એના પોતાના નવા સિક્કા પાડવાની શરૂઆત કરી. તેનાં નામ, તોલમાન, આકાર ભારતીય-બ્રિટિશ શૈલીના સિક્કા પ્રમાણે જ રખાયા : 1 પૈસો, 2 પૈસા (ઢબુ), 1 આનો, 2 આના, 4 આના (પાવલી), 8 આના (અધેલી) અને 1 રૂપિયો જેવા સિક્કા ચલણમાં હતા. સિક્કાની આગલી બાજુએ ભારતની રાષ્ટ્રમુદ્રા અને તેને ફરતું Government of India લખાણ અંકિત કરાતું. અંગ્રેજી ઉપરાંત હિંદી ભાષામાં – નાગરી લિપિમાં પણ લખાણ લખાતું. મોટા મૂલ્યના ત્રણ સિક્કાની પાછળની બાજુએ ભારતની કૃષિપ્રધાનતા સૂચવવા માટે ઘઉંનાં બે ડૂંડાંની આકૃતિ અંકિત કરવામાં આવતી હતી. 1957માં ભારત સરકારે તોલ અને માપમાં દશાંશપદ્ધતિ અપનાવી એ પદ્ધતિ સિક્કાઓમાં પણ લાગુ પાડી. હવે રૂપિયો અને પૈસો – એ બે જ એકમ રખાયા. આનાનું એકમ સદંતર રદ કરાયું. પૈસાને હવે રૂપિયાનો 64મો નહિ, પણ 100મો ભાગ ગણવામાં આવ્યો.

પ્રજાસત્તાક ભારતના સિક્કાઓ : (1) પૈસો (જૂનો), (2) 1 રૂપિયો, (3) નવો પૈસો (1957), (4) 2 નવા પૈસા અને (5) 20 રૂપિયા

1964થી સિક્કા પરથી नया શબ્દ દૂર કરવામાં આવ્યો. દશાંશ-પદ્ધતિ અનુસાર 1 પૈસો, 2 પૈસા, 3 પૈસા, 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા, 25 પૈસા, 50 પૈસા, 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયાના સિક્કા પાડવામાં આવેલા. 3, 25 અને 50 પૈસાના તથા 1 રૂપિયાના સિક્કાઓના પૃષ્ઠભાગે બે ડૂંડાંની આકૃતિ અપાતી.

સમય જતાં સિક્કાઓની ધાતુ અને એના વજનમાં અવારનવાર ફેરફાર થતા ગયા; દા.ત., 20 રૂપિયાના ચાંદીના સિક્કાના અગ્રભાગ પર રાષ્ટ્રમુદ્રા, એને ફરતું હિંદી અને અંગ્રેજી લખાણ અને સિક્કાનું મૂલ્ય આપેલું છે; જ્યારે પૃષ્ઠભાગ પર વચ્ચે હિંદી અને અંગ્રેજી લખાણ અને એની બે બાજુ ડૂંડું આપેલું છે.

ભારત સરકારે સ્મારક સિક્કા પ્રગટ કરવાની શરૂઆત 1964થી કરી હતી. જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા પ્રગટ કરવામાં આવ્યા હતા. એમાં અગ્રભાગે નહેરુના દક્ષિણાભિમુખ ખુલ્લા મસ્તકની આકૃતિ હતી. 1969-70ના ગાંધી શતાબ્દી વર્ષમાં ગાંધીજીની આકૃતિવાળા 25 પૈસા, 50 પૈસા, 1 રૂપિયો અને 10 રૂપિયાના સિક્કા પાડવામાં આવ્યા હતા. 1972માં ભારતની આઝાદીને 25 વર્ષ પૂરાં થતાં હોઈ 10 રૂપિયા અને 50 પૈસાના સિક્કા પ્રગટ કરવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીની સ્મૃતિમાં પણ આવા સ્મૃતિ-સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. 1997માં ભારતની આઝાદીને 50 વર્ષ થયાં ત્યારે પણ આ પ્રકારના સ્મારક-સિક્કા પાડવામાં આવ્યા હતા.

હરિપ્રસાદ શાસ્ત્રી