સિક્કિમ : ભારતના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય. દેશનાં નાના કદનાં રાજ્યો પૈકી તે બીજા ક્રમે આવે છે. ભૌગોલિક સ્થાન : તે 27° 35´ ઉ. અ. અને 88° 35´ પૂ. રે.ની આજુબાજુનો 7,096 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિબેટ અને ચીન, પૂર્વ તરફ ભુતાન, દક્ષિણે પશ્ચિમ બંગાળ તથા પશ્ચિમે નેપાળ આવેલાં છે. ગંગટોક તેનું પાટનગર છે.

સિક્કિમ

ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : સિક્કિમનું સમગ્ર ભૂપૃષ્ઠ પહાડી છે. અહીં હિમાલય વિભાગના પર્વતો, અવરજવર માટેના ઘાટ, ખીણપ્રદેશો તેમજ કોતરો આવેલાં છે. સિક્કિમનું ભૂપૃષ્ઠ પૂર્વ હિમાલયની ઉન્નત ગિરિમાળામાં મધ્યસ્થાને પથરાયેલું છે. ભારતનું પ્રથમ ક્રમે આવતું અને દુનિયામાં ત્રીજા ક્રમે ગણાતું ઊંચામાં ઊંચું શિખર કાંચનજંઘા અહીં આવેલું છે. હિમાલયની કેટલીક હિમનદીઓ પણ અહીં જોવા મળે છે. હિમાચ્છાદિત શિખરો પરની હિમરેખાનું સ્તર આશરે 4,200 મીટરની ઊંચાઈએથી શરૂ થાય છે.

બ્રહ્મપુત્ર નદીની સહાયક તિસ્તા નદીનો ઉપરવાસનો ખીણપ્રદેશ આ રાજ્યમાં આવેલો છે. તેની ઉત્તરમાં રહેલો જળવિભાજક તિબેટ, ચીન અને નેપાળની સીમા બનાવે છે. રંગીત અને રેંગપો નદીઓ પશ્ચિમ બંગાળ સાથે સીમા બનાવે છે. તિસ્તા નદી રાજ્યને ઉત્તર-દક્ષિણ વીંધીને પસાર થાય છે. ચોમાસામાં પડતા વરસાદથી નદીનાં પાણી ઉત્તર તરફના ભાગોમાં પ્રવેશે છે. તિસ્તાની સહાયક નદીઓએ દક્ષિણ ભાગમાં સ્લેટ જેવા નરમ ખડકોને કોરી કાઢીને સંખ્યાબંધ ઊંડી ખીણોની રચના કરી છે.

સિક્કિમમાં આબોહવાનું વૈવિધ્ય જોવા મળે છે. નદીઓના હેઠવાસના પ્રદેશમાં ઉપઅયનવૃત્તીય સમકક્ષ આબોહવા, 1,000 મીટરની ઊંચાઈએ સમધાત આબોહવા, જ્યારે ઊંચા પહાડી ભાગોમાંનાં શિખરો હિમાચ્છાદિત રહેતાં હોવાથી ત્યાં ઠંડી આબોહવા પ્રવર્તે છે. સામાન્ય રીતે જોતાં, સિક્કિમ-હિમાલયનો વિસ્તાર ખૂબ ભેજવાળો રહે છે. પાટનગર ગંગટોકના સંદર્ભમાં, ત્યાંની 1,500 મીટરની ઊંચાઈએ જાન્યુઆરી માસ ઠંડામાં ઠંડો ગણાય છે, ત્યારે ત્યાંનું લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 4° સે. અને 14° સે. જેટલું રહે છે. એપ્રિલથી ઑક્ટોબર સુધીના ગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં ઝાઝો ફેર પડતો નથી. મે માસમાં લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 14° સે. અને 22° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 3,500 મિમી. જેટલો પડે છે.

વનસ્પતિજીવન-પ્રાણીજીવન : રાજ્યનો 3,127 ચોકિમી. જેટલો વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. પાઇન, ફર, ઓક અને હોલી અહીં જોવા મળતાં મુખ્ય વૃક્ષો છે. ઓછી ઊંચાઈવાળા પહાડી ભાગોમાં કઠણ ઇમારતી લાકડાં આપતાં સાલવૃક્ષોનાં જંગલો આવેલાં છે. અહીં 4,000થી વધુ જાતિનાં વિવિધ ઝાંખરાં અને છોડવા, 660 જુદી જુદી જાતિના ઑર્કિડ, રહોડોડેન્ડ્રૉન તેમજ ફૂલો થાય છે. 3,600થી 4,200 મીટરની ઊંચાઈવાળા પહાડી ભાગોમાં અયનવૃત્તીય સદાહરિત જંગલો તથા વર્ષાજંગલો જોવા મળે છે. ઉત્તર ભાગમાં હિમાલય અને તિબેટના ઉચ્ચપ્રદેશ વચ્ચે સંક્રાંતિવિભાગ રચતો આછા ઘાસથી આચ્છાદિત વિસ્તાર આવેલો છે. સિક્કિમનું વનસ્પતિજીવન આ રીતે ખૂબ જ સમૃદ્ધ છે. આ હરિયાળીને કારણે સિક્કિમ નિસર્ગપ્રેમીઓનું સ્વર્ગ બની રહેલું છે.

અર્થતંત્ર : ખેતી : રાજ્યનું અર્થતંત્ર મૂળભૂત રીતે જોતાં, કૃષિ-આધારિત છે, તેથી ખેતી એ સિક્કિમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. ખેડૂતો અહીંના ઊભા પહાડી ઢોળાવોને ખોતરીને સીડીદાર ખેતરો બનાવે છે, જ્યાં શક્ય હોય ત્યાં સિંચાઈનો ઉપયોગ કરે છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, જવ, ડાંગર, મકાઈ, બાજરી અને કઠોળનો સમાવેશ થાય છે; જ્યારે રોકડિયા પાકોમાં ચા, બટાટા, મોટી ઇલાયચી, આદું અને નારંગી મુખ્ય છે. ભારતમાં મળતી મોટા કદની ઇલાયચી સિક્કિમમાં થાય છે. વાડીઓમાં થતાં ફળ હવાચુસ્ત ડબ્બાઓમાં ભરી બહાર મોકલાય છે. એ રીતે અહીં ફળો પૅક કરવાનો નાના પાયા પરનો ઉદ્યોગ વિકસ્યો છે. રાજ્યની વાવેતર માટે ઉપયોગમાં લેવાતી કુલ ખેડાણલાયક જમીન આશરે 12 % જેટલી છે. બાગાયતી અને ફૂલોની ખેતી પર હવે વિશેષ ભાર મુકાઈ રહ્યો છે. સિક્કિમના ઉત્તર ભાગમાં પશુપાલનનો વ્યવસાય ચાલે છે. ઉનાળાની ઋતુમાં 3,500 મીટરની ઊંચાઈના ઢોળાવો પરનાં ગોચરોમાં યાક અને ઘેટાં ચરતાં જોવા મળે છે.

ખનિજો : સિક્કિમ ખનિજ ક્ષેત્રે સમૃદ્ધ છે. અહીં કોલસો, તાંબા-સીસા-જસત-લોહનાં ધાતુખનિજો મળે છે. આ ઉપરાંત અમુક પ્રમાણમાં સોના-ચાંદીનાં ખનિજો, ગાર્નેટ, ગ્રૅફાઇટ, પાયરાઇટ અને આરસપહાણ પણ મળે છે. એ માટેનું ખાણકાર્ય પણ થાય છે.

ઉદ્યોગો : ભારત સરકારે સિક્કિમને ઔદ્યોગિક દૃષ્ટિએ અલ્પ-વિકસિત રાજ્ય તરીકે જાહેર કરેલું છે, તેને લક્ષમાં રાખીને નાના પાયા પરના ઉદ્યોગોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. પરંપરાગત ચાલી આવતી કલાને જાળવી રાખવા માટે જરૂરી તાલીમ અપાય છે, તે પૈકી હસ્તકલા અને ગાલીચા-વણાટના એકમો મહત્ત્વના છે. આ માટે ગંગટોક ખાતે ડિરેક્ટરેટ ઑવ્ હૅન્ડલૂમ ઍન્ડ હૅન્ડિક્રાફ્ટ કાર્યરત છે. આટાની મિલો અને ખાદ્યપ્રક્રમણ, ફળજાળવણી, લાકડાં, લાકડાંનો માવો, હાથે બનાવેલ કાગળ, કાષ્ઠ-કોતરણી, ઘડિયાળો, સિગારેટ, દારૂ, ચર્મકામ, ચાંદીકામ જેવાના એકમો ચાલે છે. આ ઉપરાંત, ચા તૈયાર કરવાનાં કારખાનાં, સાબુ બનાવવાના તથા તારનાં દોરડાંના એકમો પણ વિકસાવવામાં આવ્યા છે. કુટિર-ઉદ્યોગો, હૉટેલો, હૉસ્પિટલો, નર્સિંગ હોમ અને ટૅક્સીઓ માટે લોન અપાય છે.

ઊર્જાસિંચાઈ : રાજ્યમાં કુલ ચાર વિદ્યુતમથકો કાર્યરત છે. ઉત્તર સિક્કિમમાં લાચૂંગ પરના જળવિદ્યુત-મથક પરથી 200 કિલોવૉટ વીજળીનું ઉત્પાદન મેળવાય છે. રાજ્યના પહાડી પ્રદેશોમાં અવારનવાર ભૂપાત થતા રહેતા હોવાથી ખરીફ અને રવી પાકોની ખેતી માટે પાણી પૂરી પાડતી ખુલ્લી નહેરો(નીકો)ને હવે કૉંક્રીટની પાઇપોમાં ફેરવવામાં આવી છે. અંદાજે 6,500 હેક્ટર જમીનને સિંચાઈ અપાય છે.

પરિવહન-સંદેશાવ્યવહાર : ગંગટોક સડકમાર્ગે દાર્જિલિંગ, કાલિમ્પોંગ, સિલિગુડી તેમજ રાજ્યનાં બધાં જિલ્લામથકો સાથે સંકળાયેલું છે. સડકમાર્ગોની કુલ લંબાઈ આશરે 2,400 કિમી. જેટલી છે. તેના પર પહાડી માર્ગો પર 18 જેટલા પુલ છે. રસ્તાઓની સુવિધા વગરનાં ક્ષેત્રોમાં પગદંડીઓનો ઉપયોગ થાય છે. આ રાજ્ય માટે નજીકનાં રેલમથકો સિલિગુડી 114 કિમી. અંતરે અને જલપાઇગુડી 125 કિગ્રા. અંતરે છે. આ રેલમથકો મારફતે કોલકાતા, દિલ્હી, ગુઆહાટી, લખનૌ જઈ શકાય છે. રાજ્યમાં હવાઈ મથક ઊભું કરવાનું વિચારાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળનું બાગડોગરા (ગંગટોકથી 124 કિમી.ને અંતરે) રાજ્યને હવાઈ મથકની સેવા પૂરી પાડે છે. બાગડોગરાથી હેલિકૉપ્ટર-સેવા ગંગટોક માટે ઉપલબ્ધ છે, ગંગટોક ખાતે હેલીપેડની સુવિધા છે. ગંગટોક ખાતે રેડિયો-પ્રસારણ-મથક તેમજ ટીવી-ટ્રાન્સમિટર મથકની સગવડ છે.

સમુદ્રસપાટીથી 1500 મીટરની ઊંચાઈએ આવેલું સિક્કિમનું પાટનગર ગંગટોક

પ્રવાસન : અહીંનાં મુખ્ય પ્રવાસ-સ્થળોમાં ગંગટોક, બખીમ (નૈસર્ગિક બાગ), યામથાંગ (ત્રણ મહાન લામાઓ માટેનું મિલનસ્થળ), દુબડી મઠ, તાશ્દિંગ મઠ, રામટેક મઠ, પેમાયાન્ત્સે મઠ, સોમગો મઠ તથા ફોડોંગ મઠનો સમાવેશ થાય છે. સિક્કિમમાં કુલ 200 જેટલા મઠ આવેલા છે. અહીંનો ખાન્ગચેન્દઝોન્ગ નૅશનલ પાર્ક દુનિયાભરમાં વધુમાં વધુ ઊંચાઈએ આવેલો છે. યાક અને કસ્તૂરીમૃગ આ રાજ્યમાં જોવા મળે છે. ઘણા લોકો અહીં ટ્રૅકિંગની મોજ માણે છે.

વસ્તી : 2001 મુજબ રાજ્યની વસ્તી 5,40,500 જેટલી છે. વસ્તીગીચતા દર ચોકિમી.દીઠ સરેરાશ 70 વ્યક્તિઓની છે. સ્ત્રી-પુરુષોનું પ્રમાણ અનુક્રમે 48 % અને 52 % જેટલું છે. શહેરી વસ્તી 11 % છે. રાજ્યનો સાક્ષરતાદર 70 % જેટલો છે. બારમા ધોરણ સુધીનું શિક્ષણ નિ:શુલ્ક છે. પાંચમા ધોરણ સુધીનાં પુસ્તકો વિના મૂલ્યે અપાય છે. પુખ્ત વયના લોકો માટે રાજ્યમાં 500 જેટલાં શિક્ષણમથકો છે. રાજ્યમાં બે સ્નાતક-કક્ષાની કૉલેજો, એક શિક્ષણની કૉલેજ અને પ્રાથમિક શિક્ષકો માટેની તાલીમી સંસ્થાઓ છે.

રાજ્યમાં હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી, મુસ્લિમ, શીખ અને જૈન લોકોની વસ્તી છે. અહીં લેપ્ચા અને ભૂતિયા લોકજાતિઓ અને નેપાળી લોકો વસે છે. આ બધામાંથી કેટલીક મિશ્ર જાતિઓ પણ અસ્તિત્વમાં આવી છે. લેપ્ચાઓ અહીંના સર્વપ્રથમ વસાહતીઓ હતા. ભૂતિયા લોકો તિબેટમાંથી અહીં ચૌદમી સદીમાં આવીને વસેલા છે. નેપાળી લોકો અઢારમી અને ઓગણીસમી સદીમાં અહીં આવેલા છે. લેપ્ચાઓ હવે લઘુમતીમાં મુકાયા છે.

રાજ્યને વહીવટી સરળતા માટે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ જિલ્લાઓમાં વહેંચેલું છે.

2001 મુજબ જિલ્લાઓનું વિતરણ નીચે મુજબ છે :

જિલ્લો વિસ્તાર (ચો.કિમી.) વસ્તી (2001 મુજબ) જિલ્લામથક
પૂર્વ 954 2,44,790 ગંગટોક
પશ્ચિમ 1,166 1,23,174 ગ્યાલશિંગ
ઉત્તર 4,226 41,023 મંગન
દક્ષિણ 750 1,31,506 નામ્ચી
કુલ 7,096 5,40,493

1975 સુધી સિક્કિમ એક અલગ રાજ્ય હતું. 1975માં તે ભારતીય સંઘનું 22મા ક્રમનું રાજ્ય બન્યું છે. સિક્કિમની સરકાર અન્ય રાજ્યોને સમકક્ષ છે. તે ચાર જિલ્લાઓમાં વહેંચાયેલું છે. દરેક ગામને એક મુખી અને એક ગ્રામપંચાયત હોય છે. સિક્કિમનો ચૂંટાયેલો એક સભ્ય સંસદની લોકસભામાં અને એક નિયુક્ત સભ્ય રાજ્યસભામાં મોકલાય છે. રાજ્ય એકગૃહી વિધાનસભા ધરાવે છે, જે 235 સભ્યોની બનેલી હોય છે.

1975માં જન-મત જગાવી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેને ભારતમાં ભેળવી દીધું. કારણ તિબેટ અને ભારતને જોડતા ચુંબી-વેલીના માર્ગની અડોઅડ તે માર્ગને સ્પર્શીને સિક્કિમ આવેલું છે. ચીન ચુંબી ખીણ પાસે તેમજ સિક્કિમની ઉત્તરે લશ્કરી જમાવટ કરતું રહ્યું હતું. આથી ભારતીય અને સિક્કિમનાં હિતોને રક્ષવાં આવશ્યક હતાં. મે, 1975ના કાયદા દ્વારા સિક્કિમનો ભારતના ભાગ તરીકે સમાવેશ કરવામાં આવ્યો.

2006માં ભારત અને ચીન વચ્ચેનો સિક્કિમના સરહદી વિસ્તારનો નાથુલા વ્યાપાર-માર્ગ (જૂનો રેશમ-માર્ગ) ખોલવામાં આવ્યો છે. એથી એશિયાના આ બે મહાન દેશો વચ્ચે વ્યાપારવિકાસનાં નવાં સીમાચિહ્નો સ્થાપી શકાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે.

સિક્કિમની રાજધાની ગંગટોકથી 56 કિમી.ના અંતરે નાથુલા ઘાટ ભારત-ચીનની સીમારેખા પર 4,404.4 મીટર(14,450 ફૂટ)ની ઊંચાઈ પર આવેલો છે. મોટરવાહનોની અવરજવરની ક્ષમતા ધરાવતો પર્વતના પ્રદેશનો તે સૌથી ઊંચો યાંત્રિક વાહનમાર્ગ છે. આ માર્ગ ઘણા લાંબા સમય સુધી વપરાશ વિનાનો હતો. 6 જુલાઈ, 2006થી આ માર્ગ ખોલવામાં આવ્યો છે. સિક્કિમ-તિબેટ વચ્ચેથી પસાર થતો આ માર્ગ 563 કિમી. લાંબો છે.

ચીન સાથેની અડોઅડ સીમાને કારણે 1,000 સૈનિકોની એક બટાલિયન અહીં સ્થાયી ધોરણે કામ કરે છે. નાથુલા ઘાટ પર ભારતીય સીમાનું છેલ્લું ગામ ‘શેરાથાંગ’ અને તિબેટ સીમા પરનું છેલ્લું ગામ ‘ચુમા લહરી’ છે. યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોનું અહીં નાથુલા મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. તે સાથે બાબા હરભજનસિંહ સમિતિ અને મુલાકાત કક્ષનું નાનું મકાન છે. તેના મેદાનમાં ભારતના રાષ્ટ્રપતિભવન અને ઇન્ડિયા ગેટની આદમકદ તસવીરો મૂકવામાં આવેલી છે અને સાથેના દંડ પર લહેરાતો ભારતીય રાષ્ટ્રધ્વજ સમગ્ર ઘાટને વિશેષ ગરિમા પ્રદાન કરે છે. રાષ્ટ્રીય કવિ મૈથિલીશરણ ગુપ્તની પંક્તિઓ રાષ્ટ્રીય ભાવનાનું જતન કરતી શહીદોની સ્મૃતિને જીવંત રાખે છે.

‘જો ભરા નહીં હૈ ભયોં સે, બહતી જિસમેં રસધાર નહીં;

વહ હૃદય નહીં હૈ પત્થર હૈ, જિસમેં સ્વદેશ કા પ્યાર નહીં.’

ઇતિહાસ : સિક્કિમના મૂળ વસાહતીઓ લેપ્ચા હતા. લેપ્ચા એટલે કોતરોમાં વસતું લોકજૂથ. તેઓ આસામ અને મ્યાનમારમાંથી આવેલા હોવાનું મનાય છે. ઉત્તર સિક્કિમ અને તિબેટ વચ્ચે તેરમી સદીમાં સંધિ થઈ, ત્યારે તિબેટના ભૂતિયા લોકો સિક્કિમમાં આવેલા. આમ સિક્કિમનો અધિકૃત ઇતિહાસ તેરમી સદીથી શરૂ થયો ગણાય. ભૂતિયા લોકોના જૂથમાં નામગ્યાલ વંશના લોકો પણ હતા. 15મી સદી સુધી નામગ્યાલ લોકો આવતા ગયા. તેમણે ક્રમે ક્રમે સિક્કિમનો રાજકીય કબજો લઈ લીધો.

1641માં અહીં ત્રણ મહાન સંતો ભેગા મળેલા. 1642માં ફૂંતસોગ નામગ્યાલ (જ. 1604; અ. 1670) ચોગ્યાલ (= રાજા) બન્યો. બૌદ્ધ ધર્મ-આધારિત સામાજિક પદ્ધતિનો પ્રમુખ પણ તે જ બન્યો. તેના વંશજોએ અહીં 330 વર્ષ સુધી શાસન કર્યું.

અઢારમી સદી દરમિયાન સિક્કિમ પર નેપાળ અને ભુતાનમાંથી આક્રમણો થયેલાં, તેને પરિણામે ઘણો વિસ્તાર ગુમાવવો પડેલો. સિક્કિમની વસ્તી જુદી જુદી જાતિઓથી બનેલી મિશ્ર પ્રકારની હોવાથી સંઘર્ષો થતા રહેતા. 1814-15માં સિક્કિમે નેપાળ સામેની લડાઈમાં અંગ્રેજોને મદદ કરેલી, નેપાળનો કેટલોક પ્રદેશ જીતેલો. 1835માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ દાર્જિલિંગનું આરોગ્ય વિહારધામ સિક્કિમ પાસેથી ખરીદી લીધેલું. 1839માં બ્રિટિશ સત્તાએ દાર્જિલિંગ લઈ લીધું. બ્રિટિશ રાજકીય અસર વધતાં તે ભારત અને તિબેટ વચ્ચે બફર રાજ્ય બની રહ્યું, તેમ છતાં નામગ્યાલ વંશનું રાજ્ય ચાલુ રહેલું.

ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં સિક્કિમે બ્રિટિશ શાસન હેઠળ ન રહેવા માટે હિંસાત્મક પ્રતિકાર કરેલો, પરંતુ 1861માં તે છેવટે બ્રિટિશ રક્ષિત પ્રદેશ બની રહ્યો. આમ અંગ્રેજો માટે સિક્કિમ મારફતે તિબેટ જઈ શકવાની અનુકૂળતા ઊભી થઈ. 1890માં બ્રિટન અને ચીને પરિષદ ભરીને સિક્કિમ અને તિબેટ વચ્ચેની સરહદ માટે માન્યતાના સહીસિક્કા કર્યા. પછીથી સિક્કિમના શાસનની અંતર્ગત અને બાહ્ય બાબતો પર ચોગ્યાલને મદદરૂપ થવા રાજ્યાધિકારી મૂક્યો.

1950માં ભારત સરકારે સિક્કિમની વિદેશનીતિની, રક્ષણની અને સંદેશાવ્યવહારની જવાબદારી સંભાળી. તે પછી સિક્કિમમાં લોકશાહી સરકાર સ્થાપવા માટે ચળવળ શરૂ થઈ. પરિણામે ચોગ્યાલની સત્તા નવા બંધારણ અન્વયે પૂરી થઈ. 1973માં સિક્કિમ એક રાજ્ય તરીકે ભારતીય સંઘમાં મુકાયું. 1975ના એપ્રિલની 26મી તારીખે તેને ભારતના રાજ્યનો દરજ્જો અપાયો અને ભારતનું 22મું રાજ્ય બન્યું.

ગિરીશભાઈ પંડ્યા

રક્ષા મ. વ્યાસ

નીતિન કોઠારી