સિક્કા : ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં કચ્છના અખાતને પૂર્વ કિનારે આવેલું શહેર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : તે 22° 27´ ઉ. અ. અને 70° 07´ પૂ. રે. પર જામનગરથી 40 કિમી. પશ્ચિમ તરફ તથા ઓખાથી ઉત્તર-પૂર્વમાં 64 કિમી.ને અંતરે તથા બેડીની ખાડીના મુખથી 24 કિમી.ને અંતરે દક્ષિણ-પશ્ચિમ તરફ આવેલું છે.

તળકંઠારથી સાડા ચાર કિમી. દૂર સિક્કાની લંગરગાહ (ankorage) છે. તેની ખાડીનું મુખ 600 મીટર પહોળું છે. તેની નજીકમાં 5 કિમી.થી વધુ પહોળી પરવાળાંની ખડકશૃંખલા આવેલી છે. તેની ઉત્તરે એક કિમી. અંતરે રેતીનો એક ધડો છે. ‘ગુઝ રીફ’ની દક્ષિણ અને પશ્ચિમે સિક્કાની ઊંડી નાળ (ખાડી) આવેલી છે. અહીં ઓટ વખતે પણ 12 મીટર ઊંડું પાણી રહે છે. બંદર નજીક પરવાળાંના ખડકો છે. ડેરા, સેટી અને ગુઝ રીફને કારણે સમુદ્રનાં તોફાન અને વાવાઝોડાથી તેનું બારું સુરક્ષિત રહે છે. લંગરગાહ ખાતે સમુદ્ર 7 ફેધમ (= 12.5 મીટર) ઊંડો છે, પરંતુ ઓટ વખતે પાણી ઊતરી જાય છે.

અહીં જામનગર જેવી જ સમધાત આબોહવા પ્રવર્તે છે. અહીં ઉનાળા-શિયાળાનાં દિવસ-રાત્રિનાં સરેરાશ તાપમાન અનુક્રમે 36.3 સે. અને 25° સે. તથા 26° સે. અને 11.6° સે. જેટલાં રહે છે. અહીં સરેરાશ વરસાદ 466 મિમી. જેટલો પડે છે.

1945 સુધી સિક્કા માછીમારોનું એક નાનકડું ગામ હતું. ચૂના-ખડકો, ચિરોડી, બેન્ટોનાઇટ અને મીઠા પાણીની અહીં પૂરતી ઉપલબ્ધિ છે. આ કારણે 1944માં દિગ્વિજય સિમેન્ટ વકર્સની અહીં સ્થાપના થયેલી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની અને જાપાનની સબમરીનો(પનડૂબીઓ)ના ભયથી બચવા મુંબઈ અને કરાંચી વચ્ચે આવેલું આ સિક્કાનું સુરક્ષિત બારું ઉપયોગી થયું હતું. તેથી તત્કાલીન જામનગર રાજ્યે વ્યાપારી બંદર અને બ્રિટિશ સરકારે નૌકામથક સ્થાપવા વિચારણા કરેલી. અહીં નૌકા-તાલીમકેન્દ્ર પણ શરૂ કરાયું હતું. બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટના ઇજનેર અને બંદર અંગેના નિષ્ણાત જી. ઈ. બેનેટે ‘પાથ ફાઇન્ડર’ જહાજની મદદથી દરિયાઈ મોજણી કરી વિકાસ માટેના નકશા તેમજ ખર્ચના અંદાજો અંગેનો અહેવાલ તૈયાર કર્યો હતો. 1945માં ગોડફ્રે આર્મસ્ટ્રૉંગના પ્રમુખપણા નીચેની સમિતિએ, નાંદજિયાહ સમિતિએ અને કસ્તૂરભાઈ લાલભાઈ સમિતિએ બંદરને વિકસાવવા ભલામણ કરી હતી. 9 મીટર ડ્રાફ્ટવાળી 180 મીટર લાંબી સ્ટીમરો આ બંદરે આવી શકે છે. અહીં મોટી ભરતી 6 મીટરની અને આઠમની ભરતી 4 મીટરની આવે છે. 12થી 15 હજાર ટનનાં જહાજો ઊંડા પાણીને કારણે અહીં સહેલાઈથી આવે છે.

અહીંના આજુબાજુના પ્રદેશમાં ઘઉં, કપાસ, જુવાર, બાજરી, મગફળી અને લસણનું વાવેતર થાય છે. અહીં મીઠાના અગરો, કારખાનાં અને સિમેન્ટનું કારખાનું આવેલાં છે. 1952થી અહીં મત્સ્ય-ઉદ્યોગ વિકસ્યો છે. કંસારા છીપ તથા જુદી જુદી જાતની માછલીઓ અહીંના દરિયામાંથી પકડવામાં આવે છે. ગુજરાત વિદ્યુત બોર્ડનું થર્મલ પાવર સ્ટેશન અહીં આવેલું છે. રિલાયન્સ કંપનીએ અહીં ઑઇલ-રિફાઇનરી પણ સ્થાપી છે.

અહીંથી મીઠા અને સિમેન્ટની નિકાસ થાય છે. અહીંના 3,600 મીટર લાંબા રજ્જુમાર્ગ (ropeway) દ્વારા નિકાસ માટેનો સિમેન્ટ સ્ટીમરોમાં ચડાવાય છે. સિક્કા ખાતે કોથળા, લાકડાં વગેરેની આયાત થાય છે. કોલસાની આયાત કોલકાતાથી કરવામાં આવે છે.

સિક્કા રાષ્ટ્રીય ધોરી માર્ગ દ્વારા ઓખાજામનગર સાથે જોડાયેલું છે. 1955માં તે જામનગરરાજકોટઅમદાવાદ તથા ઉત્તર ભારતનાં શહેરો સાથે રેલમાર્ગથી સંકળાયું છે. જરૂરિયાત મુજબ બજરા, ટગ અને લૉન્ચ બેડીથી પૂરા પાડવામાં આવે છે. અહીંની સિમેન્ટ ફૅક્ટરીને પોતાનો ધક્કો (dock) અને 14 ટન સુધીની ક્ષમતાની ક્રેનો (ઊંટડા) છે.

2001 મુજબ સિક્કાની વસ્તી 17,699 છે. તે પૈકી સ્ત્રી-પુરુષોની વસ્તી લગભગ સરખી છે. અક્ષરજ્ઞાન ધરાવનારાનું પ્રમાણ 30 % જેટલું છે. અહીં છેલ્લાં 30 વર્ષ દરમિયાન થયેલો વસ્તીવધારો ઔદ્યોગિક વિકાસને આભારી છે. અહીં સિમેન્ટ કંપની સંચાલિત શિક્ષણસંસ્થાઓ કાર્યરત છે. વિવિધ સંપ્રદાયો અને ધર્મનાં સ્થળો તથા ચિકિત્સાલયો પણ અહીં આવેલાં છે.

1971-1981 દરમિયાન વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં લઈને સિક્કા અને દિગ્વિજયગ્રામ — એમ બે શહેરો અલગ થયેલાં છે.

શિવપ્રસાદ રાજગોર