એન્થોસીરોટી (એન્થોસીરોટોપ્સીડા) : દ્વિઅંગી વિભાગની વનસ્પતિઓનો એક નાનો વર્ગ. આ વનસ્પતિઓનો જન્યુજનક (gametophyte) પૃષ્ઠવક્ષીય (dorsiventral), ખંડમય (lobed) અને સરળ સુકાય ધરાવે છે. સુકાયની આંતરિક રચનામાં પેશી-વિભેદન (tissue-differentiation) જોવા મળતું નથી. મૂલાંગો લીસી દીવાલવાળાં હોય છે અને વક્ષીય શલ્કો (scales) હોતા નથી. સુકાયની રચનામાં વાયુકોટરો (air chambers) કે વાયુછિદ્રો (air pores) હોતાં નથી, પરંતુ કેટલીક જાતિઓમાં આંતરકોષીય (intercellular) અવકાશો જોવા મળે છે, જેઓ સુકાયની વક્ષસપાટીએ ફાટ જેવાં છિદ્રો દ્વારા ખૂલે છે. સુકાયનો પ્રત્યેક કોષ એક મોટું હરિતકણ ધરાવે છે. આ હરિતકણમાં એક સ્પષ્ટ પ્રોભૂજક (pyrenoid) હોય છે. સુકાયની પૃષ્ઠ બાજુએ આવેલા અધ:સ્તરીય (hypodermal) કોષોમાંથી પુંધાનીઓ (antheridia) ઉત્પન્ન થાય છે. આમ, પુંધાનીઓ અંતર્જાત (endogenous) છે અને અર્ધ-ખચિત હોય છે. તેઓ બંધ કોટરમાં એકાકી કે સમૂહમાં ઉદભવે છે અને એકબીજાથી મુક્ત રહે છે. સ્ત્રીધાની (archegonium) સુકાયની પૃષ્ઠ સપાટીએ આવેલી પેશીમાં ખૂંપેલી હોય છે.
બીજાણુજનક (sporophyte) એક કંદમય પાદ (foot), વર્ધનશીલ (meristematic) પ્રદેશ અને લાંબું, નળાકાર પ્રાવર (capsule) ધરાવે છે. આંતર્વિષ્ટ (intercalary) વર્ધનશીલ પેશીને કારણે બીજાણુજનકની વૃદ્ધિઋતુ દરમિયાન સતત વૃદ્ધિ થાય છે. પ્રાવરની દીવાલના કોષો પુષ્કળ પ્રમાણમાં હરિતરસ (chlorophyll) ધરાવે છે. બીજાણુજનક જન્યુજનક પર પોષણ માટે અર્ધ પરાવલંબી છે. મધ્યસ્થ સ્તંભિકા (columella) ઉપર ઘુમ્મટાકારે આદિબીજાણુક પેશી (archesporium ગોઠવાયેલી હોય છે. આદિ બીજાણુક પેશી બહિ:સ્તર(amphithecium)માંથી ઉત્પન્ન થાય છે. આદિબીજાણુક પેશીમાંથી બીજાણુઓ અને સરળ કે શાખિત વંધ્ય કોષો ઉદભવે છે.
આ વર્ગ એક જ ગોત્ર – એન્થોસીરોટેલીસમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. આ ગોત્રમાં બે કુળ – એન્થોસીરોટેસી અને નોટોથાયલેસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એન્થોસીરોટેસી કુળ Aspiromitus, Anthoceros, Phaeoceros Megaceros અને Dendroceros પ્રજાતિઓ અને નોટોથાયલેસી કુળ Notothylas પ્રજાતિ ધરાવે છે. આ વર્ગ લગભગ 300 જેટલી જાતિઓનો બનેલો છે; તે પૈકી 200 જેટલી જાતિઓ Anthocerosની છે.
એન્થોસીરોટી વર્ગનું વિતરણ સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય પ્રદેશથી સમશીતોષ્ણ પ્રદેશ તરફ થયેલું છે. Anthoceros જેવાં લક્ષણો ધરાવતી દ્વિઅંગી વનસ્પતિઓમાંથી Rhynia જેવી અશ્મીભૂત ત્રિઅંગી વનસ્પતિઓની ઉત્ક્રાંતિ થઈ હશે તેમ પ્રા. એફ. ઓ. બૉવરે પ્રતિપાદિત કર્યું છે.
એમ. આર. ચિંચલીકર
બળદેવભાઈ પટેલ