એન્થુરિયમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલી એરેસી કુળની એક પ્રજાતિ. જળશૃંખલા, સૂરણ, અળવી, એરીસીમા વગેરે તેના સહસભ્યો છે. તેની સંકરિત જાતિઓ આકર્ષક હોય છે. Anthurium crystallinum Lind. & Andre; A. veitchii Mast., A. magnificum Lind.ના લાંબા પર્ણદંડ ઉપર ઢાલાકાર ઝૂકેલાં, લીલા રંગનાં કે તેની જુદી જુદી ઝાંયનાં પર્ણો આવેલાં હોય છે. સ્પષ્ટ દેખાતી નસોને કારણે તે સુંદર લાગે છે. અન્ય વવાતી જાતિઓમાં નાગફેણ જેવા આકારનાં આછા ગુલાબી રંગનાં નિપત્રો વચ્ચે સફેદ-પીળાં પુષ્પોની કલગી સુંદર લાગે છે. ઠંડા પ્રદેશોમાં અને શિયાળામાં A. andreanum Lind; A. schezerianum Schoff. વગેરે જાતિઓ પ્રચલિત છે.

ઘણો છાંયો અને ભેજવાળું હવામાન આ પ્રજાતિને ખૂબ અનુકૂળ હોય છે.

મ. ઝ. શાહ