ઍન્થ્રાકૉલિથિક રચનાઓ

January, 2004

ઍન્થ્રાકૉલિથિક રચનાઓ (anthracolithic systems) : કાર્બોનિફેરસ અને પરમિયન રચનાઓના સમૂહ માટે વપરાતી સંજ્ઞા. સોલ્ટરેઇન્જના પરમિયન કાળના પ્રૉડક્ટસ ચૂનાખડકસમૂહનો નીચેનો ભાગ કાશ્મીર, સ્પિટી અને ઉત્તર હિમાલયની પરમિયન કાર્બોનિફેરસ રચનાનો સમકાલીન છે. સ્તરવિદ્યાની ર્દષ્ટિએ તેમજ પ્રાચીન પ્રાણીવિદ્યાની ર્દષ્ટિએ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવતા વિસ્તારો સાથે પરમિયન રચનાને કાર્બોનિફેરસથી જુદી પાડવી મુશ્કેલ હોય ત્યાં કેટલાક ભૂસ્તરશાસ્ત્રીઓ ગાઢ સંબંધ ધરાવતી કાર્બોનિફેરસ અને પરમિયન રચનાઓનો સંયુક્તપણે ઉલ્લેખ કરવા માટેના એક અનુકૂળ પર્યાય તરીકે ‘ઍન્થ્રાકૉલિથિક’ શબ્દનો ઉપયોગ કરે છે. બિલકુલ આ જ પ્રમાણે બ્રહ્મદેશનાં શાન રાજ્યોમાં પણ વેટ્વીન શેઈલ ખડકો (ડેવોનિયન) પછીની સમગ્ર ખડકશ્રેણીમાં મળી આવતા જીવાવશેષ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે અને તેમને એક જ પ્રકારના ગણવામાં આવેલા છે. નિમ્ન કાર્બોનિફેરસના જીવાવશેષને ઊર્ધ્વ કાર્બોનિફેરસના જીવાવશેષથી તેમજ પરમિયન સમયથી પણ જુદા પાડી શકાય તેમ નથી. આ કારણને લીધે કાર્બોનિફેરસ અને પરમિયન સમયના બંને ખડકસમૂહને એન્થ્રાકોલિથિક સમૂહ તરીકે વર્ણવવામાં આવે છે. તેમના જીવાવશેષને અલગ પાડવામાં આવ્યાં તે પહેલા ભારતના બીજા કેટલાક ભાગના પર્મો-કાર્બોનિફેરસ ખડકોનો પણ આ સમૂહમાં સમાવેશ કરવામાં આવતો હતો.

વ્રિજવિહારી દીનાનાથ દવે

ગિરીશભાઈ પંડ્યા