ફિનલૅન્ડ

ઉત્તર યુરોપમાં આવેલો દેશ. ભૌ. સ્થાન : 58° 30´થી 70° 05´ ઉ. અ. અને 19° 07´થી 31° 35´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ દેશનો 66% ભૂમિભાગ ગાઢ જંગલોથી આચ્છાદિત હોવાથી તથા કુલ 33,522 ચોકિમી. જળવિસ્તાર ધરાવતાં, ઠેકઠેકાણે આવેલાં હજારો સરોવરોથી ભરાયેલો રહેતો હોવાથી તેનું સમગ્ર સ્થળર્દશ્ય રમણીય બની રહેલું છે. દેશને મળેલો લાંબો, ખાંચા-ખૂંચીવાળો, ઊંડો કિનારો, કિનારા નજીકના રાતા અને રાખોડી ગ્રૅનાઇટ ખડકો તથા કિનારાથી દૂર દૂર સુધી અખાતમાં પથરાયેલા અસંખ્ય ટાપુઓ દેશનાં કુદરતી ર્દશ્યોની સુંદરતામાં ઉમેરો કરે છે.

ફિનલૅન્ડની ઉત્તરે નૉર્વેનો ઉત્તર ભાગ, પશ્ચિમે સ્વીડન અને બોથનિયાનો અખાત, નૈર્ઋત્ય અને દક્ષિણે ફિનલૅન્ડનો અખાત તથા પૂર્વમાં રશિયાનો પ્રદેશ–કૉમન વેલ્થ ઑવ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ આવેલા છે. દેશનો કુલ વિસ્તાર 3,38,145 ચોકિમી. જેટલો છે. ભૂમિભાગની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 1,030 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 515 કિમી. તથા કિનારાની લંબાઈ 2,353 કિમી. જેટલી છે. ઊંચાં શિખરોને બાદ કરતાં સ્થાનભેદે સરેરાશ પ્રાદેશિક ઊંચાઈ સમુદ્રસપાટીથી 120થી 180 મીટરની છે. છેક ઉત્તર સરહદે આવેલો લૅપલૅન્ડ ઉત્તર ધ્રુવવૃત્તની અંદર આવી જાય છે, તેને કારણે આ દેશ પણ નૉર્વેની જેમ મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીં ઉનાળાના લાંબા ગાળા દરમિયાન સૂર્ય ચોવીસે કલાક દેખાય છે. દેશના દક્ષિણકિનારે આવેલું હેલ્સિન્કી દેશનું પાટનગર છે.

પ્રાકૃતિક રચના : ફિનલૅન્ડ મુખ્ય ચાર પ્રાકૃતિક વિભાગોમાં વહેંચાયેલું છે : 1. કિનારાનો નીચી ભૂમિનો પ્રદેશ, 2. સરોવરોનો પ્રદેશ, 3. ઉત્તર તરફનો ઉચ્ચ ભૂમિનો પ્રદેશ અને 4. ટાપુઓ.

યુરોપ ખંડમાં ફિનલૅન્ડનું ભૌગોલિક સ્થાન

1. કિનારાનો નીચી ભૂમિનો પ્રદેશ : તે બોથનિયાના અને ફિનલૅન્ડના અખાતો વચ્ચે આવેલો છે. અહીં અસંખ્ય ટાપુઓ છે. 2,353 કિમી. લાંબી કિનારારેખાથી સમાંતર અંદર તરફના ભૂમિભાગમાં નાનાં નાનાં ઘણાં સરોવરો તથા ઓછાં ગીચ જંગલો આવેલાં છે. બાકીના પ્રાકૃતિક વિભાગોની તુલનામાં અહીંની આબોહવા માફકસરની રહે છે. અહીંની જમીનો પ્રમાણમાં ફળદ્રૂપ અને ઉપજાઉ છે. તે ખેતી માટે અનુકૂળ હોવાથી દેશની મોટાભાગની વસ્તી અહીં રહે છે.

2. સરોવરનો પ્રદેશ : આ પ્રદેશનું કુલ ક્ષેત્રફળ આશરે 33,522 ચોકિમી. જેટલું છે. મધ્ય અને પૂર્વ ફિનલૅન્ડનો મોટો ભાગ અસંખ્ય સરોવરોથી છવાયેલો છે. અહીંની ભૂમિનો લગભગ 50% ભાગ સરોવરોથી બનેલો છે. ઘણાખરાં સરોવરો ટૂંકી નદીઓ અને સાંકડી નાળોથી જોડાયેલાં છે. આશરે 1,760 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતું, દેશના અગ્નિકોણમાં આવેલું સાઇમા (saimaa) સરોવર અહીંનું મોટામાં મોટું સરોવર છે. નજીકનાં ઘણાં સરોવરોને પણ તે સાંકળી લે છે. લગભગ 300 કિમી. લંબાઈવાળું આ સરોવર-સંકુલ કિનારે આવેલાં નગરોના લોકોની, વહાણો-હોડીઓ મારફતે થતી રહેતી, અવરજવર અને માલની હેરફેર માટે ખૂબ જ ઉપયોગી બની રહેલું છે. આજુબાજુની ભૂમિ પર બર્ચ, પાઇન અને સ્પ્રૂસનાં જંગલો આવેલાં છે તથા નૈર્ઋત્ય ભાગમાં લોકો ખેતી કરે છે.

3. ઉત્તર તરફનો ઉચ્ચભૂમિનો પ્રદેશ : દેશનો આશરે 40% વિસ્તાર આવરી લેતો ઉત્તર તરફી આ વિભાગ 100થી 300 મી. ઊંચી ટેકરીઓથી બનેલો છે. ફિનલૅન્ડ-નૉર્વે સરહદે આવેલું, 1,324 મીટર ઊંચાઈ ધરાવતું માઉન્ટ હલ્તિયા અહીંનું સર્વોચ્ચ શિખર છે. ટેકરીઓની વચ્ચે વચ્ચે કળણ અને પંકભૂમિના વિભાગો જોવા મળે છે. અહીં ઘણી નદીઓ આવેલી છે, જ્યાંથી જળવિદ્યુત મથકો ઊર્જા પૂરી પાડે છે. છેક ઉત્તર ભાગમાં એક મોટું સરોવર ઇનારી આવેલું છે. અહીંની જમીનો ઓછી ફળદ્રૂપ છે. આબોહવા વિષમ રહે છે. દક્ષિણથી ઉત્તર તરફ જતાં વનસ્પતિજીવન ઘટતું જાય છે. માત્ર ધ્રુવવૃત્તીય બર્ચનાં વૃક્ષો તથા બુઠ્ઠાં પાઇન વૃક્ષોથી બનેલાં પાંખાં જંગલો અહીંતહીં નજરે પડે છે. વધુ ઉત્તર તરફનો ભાગ હિમાચ્છાદિત, વૃક્ષવિહીન ટુન્ડ્રપ્રદેશ છે. આ બધાં કારણોથી અહીં વસ્તીનું પ્રમાણ ઓછું છે.

4. ટાપુઓ : ફિનલૅન્ડ-બોથનિયાના અખાતોમાં હજારોની સંખ્યામાં ટાપુઓ આવેલા છે, તે પૈકી ઘણાખરા તદ્દન નાના અને વસ્તીવિહીન છે. ત્યાંની જમીનો ખડકાળ, તદ્દન પાતળા આવરણવાળી અને ઓછી ફળદ્રૂપ હોવાથી વનસ્પતિજીવન માટે અનુકૂળ નથી. માત્ર મોટા ટાપુઓ પર જુદી જુદી વનસ્પતિ ઊગે છે. જ્યાં વસવાટ છે ત્યાં લોકો તેમનો જીવનનિર્વાહ માછીમારી પર નિભાવે છે. ઘણાખરા ટાપુઓ ઉનાળામાં મુખ્યત્વે મનોરંજન-સહેલગાહ માટે ઉપયોગી બની રહે છે. ત્યાં આવતા પ્રવાસીઓ માટે રહેઠાણના આવાસોની વ્યવસ્થા ઊભી કરેલી છે.

ફિનલૅન્ડના મુખ્ય ભૂમિભાગથી નૈર્ઋત્ય તરફ બોથનિયા અખાતના મુખભાગ પર લગભગ 1,480 ચોકિમી. વિસ્તાર ધરાવતો 6,500 જેટલા ટાપુઓને આવરી લેતો ઍલૅન્ડ ટાપુસમૂહ આવેલો છે, તે પૈકીના 738 ચોકિમી. ક્ષેત્રફળવાળા મુખ્ય ટાપુનું નામ પણ ઍલૅન્ડ છે. અહીં વસતા 80% લોકો સ્વીડિશ ભાષાનો ઉપયોગ કરે છે. આ ટાપુઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલા છે. તે ઉપરાંત વહાણવટાના કેન્દ્રીય મથક તરીકે પણ તે ઉપયોગમાં લેવાય છે. ઍલૅન્ડ ટાપુ પર 1830–40 દરમિયાન રશિયન લોકોએ બાંધેલા કિલ્લા જોવા મળે છે. અહીંથી પાષાણ-કાંસ્ય- અને લોહ-યુગના ઘણા અવશેષો પણ મળી આવેલા છે.

નદીઓ : રશિયાની સરહદેથી નીકળતી અને નૈર્ઋત્યમાં બોથનિયાના અખાતને મળતી, આશરે 550 કિમી. લંબાઈમાં વહેતી કેમીજોકી ફિનલૅન્ડની મોટામાં મોટી નદી છે. ઔનાસજોકી તેની શાખાનદી છે. નૉર્વે, સ્વીડન, ફિનલૅન્ડની ભેગી થતી સરહદથી 100 કિમી. અંતરે અગ્નિ દિશામાં આવેલા સ્થળેથી મુઓનિયો નદી નીકળે છે, તે સ્વીડન-ફિનલૅન્ડની સરહદ રચે છે અને 180 કિમી. લંબાઈમાં દક્ષિણ તરફ વહી બોથનિયાના અખાતને મળે છે. આશરે 130 કિમી. લંબાઈમાં વહેતી ઔલુજોકી નદી સરોવર પ્રદેશના ઉત્તર ભાગમાંથી નીકળે છે, તે પણ બોથનિયાના અખાતને મળે છે. તેના પરનો 32 મીટર ઊંચાઈથી પડતો ધોધ જળવિદ્યુત મથક ધરાવે છે અને ઊર્જા પૂરી પાડે છે. આ ત્રણેય નદીઓ લાકડાંની હેરફેર માટે ઉપયોગી બની રહેલી છે.

ફિનલૅન્ડમાં જેને ‘‘લીલું સોનું’’ તરીકે ઓળખવામાં આવે છે
તેવા ગોળવા ઇમારતી લાકડાંનો વિપુલ જથ્થો

આબોહવા : ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર તરફ આવેલા અન્ય વિસ્તારોની વિષમ આબોહવાની તુલનામાં આ દેશની આબોહવા નરમ ગણાય છે. હેલ્સિન્કીનું જાન્યુઆરીનું તાપમાન એટલા જ અક્ષાંશ પર આવેલા કૅનેડાના ભાગો કરતાં સરેરાશપણે જોતાં 14° સેથી. 18° સે. જેટલું ઊંચું રહે છે. નૉર્વેના પશ્ચિમ કિનારા નજીકથી પસાર થતો ગરમ અખાતી પ્રવાહ અહીંની આબોહવાને સમધાત રાખે છે, આ ઉપરાંત અહીંના બંને અખાત તથા સરોવરો પણ આ પ્રકારની હૂંફાળી આબોહવા જાળવી રાખવામાં એક મહત્વના પરિબળ તરીકે ભાગ ભજવે છે. ફિનલૅન્ડનું જુલાઈનું સરેરાશ તાપમાન 13° સે.થી 17° સે. વચ્ચેનું રહે છે. દેશના દક્ષિણ તરફના ભાગોમાં વર્ષ દરમિયાન 110થી 122 દિવસો માટે અને ઉત્તર તરફના ભાગોમાં 50થી 85 દિવસો માટે તાપમાન 10° સે. કે તેથી થોડુંક વધુ ઊંચું રહે છે. અહીં ફેબ્રુઆરી માસ ઠંડામાં ઠંડો ગણાય છે, તે દરમિયાન તાપમાન સરેરાશ –3°થી –22° સે. જેટલું થઈ જાય છે, જ્યારે ઉત્તરના ભાગોમાં તો તે –30° સે. સુધી પણ પહોંચે છે.

ફિનલૅન્ડના ઉત્તર તથા દક્ષિણના ભાગોમાં વર્ષાનો પ્રકાર (જળવર્ષા, હિમવર્ષા, ભેજ, ધુમ્મસ) જુદો જુદો રહે છે. દક્ષિણમાં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 700 મિમી. અને ઉત્તરમાં 400 મિમી. જેટલો પડે છે. અહીં ઑગસ્ટ માસમાં ભારે વરસાદ પડે છે. દક્ષિણમાં ડિસેમ્બરથી એપ્રિલ સુધી અને ઉત્તરમાં ઑક્ટોબરથી એપ્રિલ સુધી થતી હિમવર્ષાને કારણે ભૂમિ હિમાચ્છાદિત બની રહે છે. દેશનો મોટોભાગ શિયાળા દરમિયાન બરફના થરવાળો બની જાય છે. બરફ તોડવા માટેની વિશિષ્ટ પ્રકારની સજ્જ હોડીઓની મદદથી મુસાફરો તથા વહાણોની અવરજવર ચાલુ રહે અને બંદરો કાર્યરત રહે તે માટે પૂરતું ધ્યાન અપાય છે.

ફિનલૅન્ડનો ઉત્તર ધ્રુવવૃત્તથી ઉત્તર તરફનો ભાગ ઉનાળાની ઋતુમાં મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ તરીકે ઓળખાય છે. હેલ્સિન્કીથી ઉત્તર તરફ જતાં દિવસની લંબાઈ તથા સૂર્યપ્રકાશિત રહેતા દિવસોની સંખ્યા વધતી જાય છે. ઉત્તર ધ્રુવવૃત્ત નજીક અમુક દિવસો પૂર્ણપણે ચોવીસે કલાક સૂર્યપ્રકાશિત બની રહે છે અને છેક ઉત્તરના ભાગમાં સતત લગભગ 75 દિવસ સુધી તેની ક્ષિતિજ પર સૂર્ય દેખાતો રહે છે. દક્ષિણ ફિનલૅન્ડમાં પણ સરેરાશ 19 દિવસો માટે આ પરિસ્થિતિ પ્રવર્તે છે. આથી ઊલટું, શિયાળા દરમિયાન અહીં અંધકારની સ્થિતિનું નિર્માણ થાય છે. ઉત્તરના ભાગોમાં લગભગ બે માસ માટે સૂર્ય ક્ષિતિજથી ઉપર તરફ દેખાતો જ નથી, જોકે દક્ષિણ ફિનલૅન્ડમાં મધ્ય શિયાળામાં રોજ થોડો થોડો સૂર્યપ્રકાશ મળી રહે છે, દિવસના આશરે 6 કલાક માટે પ્રકાશ મળે છે. ફિનલૅન્ડમાં ઉત્તર ભાગનું રાત્રિઆકાશ શિયાળાની મોસમ દરમિયાન ધ્રુવીય જ્યોતિ(aurora borealis)થી દેદીપ્યમાન બની રહે છે.

અર્થતંત્ર : ફિનલૅન્ડનું અર્થતંત્ર ધંધા કે વ્યવસાયક્ષેત્રે ખાનગી માલિકીપણા પર મહદંશે નિર્ભર છે. અહીંની રાષ્ટ્રીય સરકાર રેલ અને ટપાલ જેવી અમુક સેવાઓ પર ઇજારાશાહી ધરાવે છે. જંગલ-આધારિત વ્યવસાયો તેમજ અન્ય કેટલાક ઉદ્યોગોમાં સરકારી માલિકીપણું ખાનગી કંપનીઓ સાથે સ્પર્ધામાં રહે છે. ફિનલૅન્ડમાં ઉત્પન્ન થતી બધી ઉપભોક્તા પેદાશોમાં ઉદ્યોગોનો ફાળો 62% જેટલો છે, આ 62% પૈકીની ઉત્પાદન-ક્ષેત્રની પેદાશો 24%, બાંધકામ-પેદાશો 8% તથા ખેતપેદાશો-જંગલપેદાશો અને મત્સ્યપેદાશો સંયુક્ત રીતે 6% જેટલી છે.

કડકડતા શિયાળામાં ફિનલૅન્ડના હિમાચ્છાદિત ભૂમિપ્રદેશોનું એક ર્દશ્ય

કુદરતી સંપત્તિ : ફિનલૅન્ડની અતિ મહત્વની કુદરતી સંપત્તિ તેનાં પાઇન, સ્પ્રૂસ અને બર્ચ વૃક્ષોથી આચ્છાદિત વિસ્તૃત જંગલો છે. અહીંની કુલ ભૂમિનો 66% જેટલો પ્રદેશ તે આવરી લે છે. અન્ય કોઈ પણ યુરોપીય દેશની તુલનામાં આ ટકાવારી ઊંચી છે. અન્ય કુદરતી સંપત્તિ મર્યાદિત છે. દેશની જમીનો હલકી હોવાથી ઉપજાઉ નથી, વળી કૃષિમોસમ પણ ટૂંકી હોય છે. દેશમાં કોલસો, ખનિજતેલ કે વાયુના કોઈ જથ્થા નથી. સરોવર-પ્રદેશમાંથી થોડોક કોલસો મળે છે અને શેવાળમાંથી થોડો પીટ બને છે. દેશને વીજપુરવઠાનો મોટો ભાગ જળવિદ્યુત મથકોમાંથી પૂરો પડાય છે. ગણનાપાત્ર ખનિજજથ્થાઓમાં જસત (મુખ્ય), તાંબું, કોબાલ્ટ અને લોહખનિજોનો સમાવેશ થાય છે.

જંગલો : દેશના અર્થતંત્રમાં જંગલોનો હિસ્સો અગત્યનો છે. 33% જંગલો સરકાર હસ્તક છે. જંગલ-પેદાશો દેશની નિકાસનો 35% જેટલો ભાગ પૂરો પાડે છે. ઉત્તર તરફનાં જંગલો ત્યાંની ટૂંકી મોસમને કારણે માત્ર 15% જેટલો જ પેદાશી હિસ્સો આપી શકે છે. ખાનગી ક્ષેત્ર હેઠળનાં જંગલો કેટલાક ખેડૂતોને હસ્તક છે. દેશમાં લાકડાં કાપવાનો વ્યવસાય પણ વિકસ્યો છે. ફિનલૅન્ડ વાર્ષિક 370 લાખ ઘનમીટર લાકડાંનું ઉત્પાદન કરે છે. આ પૈકી પાઇનનાં લાકડાં 50% છે. તે પછી સ્પ્રૂસ અને બર્ચનો ક્રમ આવે છે.

સેવા-ઉદ્યોગો : શિક્ષણ, સ્વાસ્થ્ય, લોકવહીવટ, નાણાં, વીમો, મિલકતો, જથ્થાબંધ તથા છૂટક વેપાર, પરિવહન, મનોરંજન, સંદેશ-પ્રસાર માધ્યમો જેવા સામાજિક, સરકારી કે ખાનગી ધંધા-વ્યવસાયોમાં લોકો રોકાયેલા હોય છે. દેશના ઉત્પાદક ઉદ્યોગોમાં મુખ્યત્વે લાકડાં કાપવાના, કાગળ અને કાગળની પેદાશો બનાવવાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. પ્લાયવુડ, કાગળ, કાગળનો માવો, કાગળનાં પૂંઠાંના ઉત્પાદનમાં આ દેશ દુનિયાભરમાં મોખરે છે. અન્ય અનુષંગી પેદાશોમાં લાકડાનાં પાટિયાં તથા મકાનો બનાવવા માટેનાં તૈયાર માળખાંનો સમાવેશ થાય છે. માછીમારી પણ મહત્વનો ઉદ્યોગ છે.

1940–50ના ગાળામાં ઝડપથી વિકસેલા ધાતુકાર્ય–ઉદ્યોગમાં કૃષિયંત્ર–સાધનસામગ્રી, વીજળીની મોટરો, જનરેટર, લાકડાં વહેરવાનાં સાધનો અને કાગળ-ઉદ્યોગમાં ઉપયોગી સાધનોનો સમાવેશ થાય છે. પ્રવાસી બસો, વહાણો, પરિવહન-ક્ષેત્રનાં સાધનો, રસાયણો, ધાતુઓ, પ્રક્રમિત ખાદ્યસામગ્રી, ટેલિફોન, કાપડ તથા કપડાં વગેરેનું પણ ઉત્પાદન થાય છે.

ખેતી : ફિનલૅન્ડમાં મોટાભાગની ખેતી દક્ષિણ તથા પશ્ચિમ ભાગોમાં થાય છે. ખેતરો નાના કદનાં (સરેરાશ 12 હેક્ટરનાં) હોય છે. 20 % ખેતભૂમિ સરકાર હસ્તક છે. દેશની ભૂમિના માત્ર 9 % વિસ્તારમાં જ ખેતી થઈ શકે છે. દૂધ, માખણ, ઈંડાં અને માંસપ્રાપ્તિ માટે ખેતીની સાથે સાથે જ પશુપાલન પણ થાય છે, જેમાંથી 70 % જેટલી આવક મળી રહે છે. અહીંની મોટાભાગની જમીનો માટી, રેતી અને કંકરથી બનેલી હોઈ હલકી કક્ષાની તથા ઓછી ફળદ્રૂપ છે.

વિદેશી વેપાર : ફિનલૅન્ડમાં વિદેશી વેપારને વધુ મહત્વ અપાય છે. ફળો, શાકભાજી, ઉદ્યોગો માટેનો કાચો માલ, ખનિજતેલ અને તેની પેદાશોની આયાત કરવામાં આવે છે; જ્યારે લાકડાં અને તેની પેદાશો–કાગળ, કાગળનો માવો વગેરેની નિકાસ થાય છે, જે દેશની કુલ નિકાસનો 35 % ફાળો આપે છે. અન્ય નિકાસી ચીજોમાં ધાતુકાર્ય, યંત્રસામગ્રી, તૈયાર કરેલી રુવાંટી તથા વહાણોનો સમાવેશ થાય છે. 80 % જેટલો વિદેશી વેપાર ગ્રેટ બ્રિટન, સ્વીડન, જર્મની અને રશિયા સાથે થાય છે. પશ્ચિમી યુરોપીય દેશો જંગલ-પેદાશોના અને રશિયા યંત્રસામગ્રીનું ગ્રાહક છે. ફિનલૅન્ડ યુરોપીય મુક્ત વેપારી સંઘનું તેમજ આર્થિક વ્યવસ્થાતંત્રનું સભ્ય પણ છે.

પરિવહન : અહીં રેલમાર્ગો અને હવાઈ સેવા સરકારને હસ્તક છે. દેશમાં 6,038 કિમી.ના રેલમાર્ગો તથા કુલ 73,000 કિમી. લંબાઈના રસ્તાઓ પૈકી 29,600 કિમી.ના પાકા રસ્તા છે. દેશમાં કુલ 10 લાખ વાહનો પૈકી 87% મોટરો છે, મોટાભાગના લોકો પોતાનું મોટરવાહન ધરાવે છે. સરોવરપ્રદેશમાં આવેલાં નગરો જળમાર્ગોથી જોડાયેલાં છે. દેશમાં ઘણાં સરોવરો હોવાથી મુસાફરી માટે આંતરિક હવાઈ સેવાનો વિકાસ કરવામાં આવ્યો છે. દેશમાંનાં 112 વિમાનમથકો પૈકી 36 કાયમી ઉપયોગમાં લેવાય છે. હેલ્સિન્કી દેશનું ખૂબ જ વ્યસ્ત રહેતું હવાઈ મથક છે. શિયાળાની ઋતુ સિવાય ઉપયોગમાં રહેતા આંતરિક જળમાર્ગોને પરસ્પર જોડીને તેમને બંદરો સાથે પણ સાંકળી લેવામાં આવ્યા છે. હેલ્સિન્કી અને સ્કોલ્ડવીક દેશનાં મહત્વનાં ધમધમતાં બંદર છે.

સંદેશાવ્યવહાર : દેશમાં આશરે 65 જેટલાં દૈનિક-સમાચાર પત્રો બહાર પડે છે. રેડિયો, ટેલિવિઝન તથા ટેલિફોન-સેવાઓ મહદંશે સરકાર હસ્તક છે, જ્યારે ટેલિગ્રાફ સેવા સંપૂર્ણપણે સરકાર હસ્તક છે. દેશના લગભગ બધા જ ભાગોને આ સેવાઓથી સાંકળી લેવામાં આવેલા છે. દેશનાં મોટાભાગનાં કુટુંબો રેડિયો, ટેલિવિઝન અને ટેલિફોનની સુવિધાઓ ધરાવે છે.

વસ્તી–લોકો : 1991 મુજબ ફિનલૅન્ડની વસ્તી જે 49,76,000 હતી, તે 1996 સુધીમાં 50,29,000 જેટલી થવાની શક્યતા હતી. તે પૈકી 68 % વસ્તી શહેરી અને 34 % વસ્તી ગ્રામીણ છે. વસ્તીની ગીચતા દર ચોકિમી. મુજબ 15 વ્યક્તિની છે. ફિનલૅન્ડના અખાત પર આવેલું હેલ્સિન્કી દેશનું પાટનગર અને મોટામાં મોટું (વસ્તી 5 લાખ) શહેર છે. મધ્ય પશ્ચિમમાં આવેલું ટેમ્પિરે (વસ્તી 1.5 લાખ) અને નૈર્ઋત્યમાં આવેલું તુર્કુ (વસ્તી 1.5 લાખ) બીજાં મહત્વનાં શહેરો ગણાય છે. મોટાભાગની વસ્તી આબોહવાની અનુકૂળતાને કારણે દેશના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં વસે છે.

દેશનાં 90 %થી વધુ લોકો મૂળ ફિનિશ વંશના છે, 6 % જેટલા સ્વીડિશ છે. આશરે 6,000 જેટલા જિપ્સીઓ, યહૂદીઓ, ઇસ્તોનિયનો અને તુર્કો છે. ફિનિશ અને સ્વીડિશ લોકો ઊંચા, શ્વેત વર્ણના, આછા બદામી વાળવાળા તથા નીલી કે રાખોડી આંખોવાળા છે. ઉત્તર ફિનલૅન્ડમાં વસતા આશરે 6,000 જેટલા લૅપ લોકો કદમાં ઠીંગણા અને મજબૂત બાંધાના છે. હજારો વર્ષો પહેલાં અહીં ફિનવાસીઓ આવ્યા તે અગાઉ અહીં તેમનો વસવાટ હતો.

ભાષા : ફિનિશ અને સ્વીડિશ – એ બે ફિનલૅન્ડની સત્તાવાર ભાષાઓ છે. 95 % લોકો ફિનિશ અને 5 % લોકો સ્વીડિશ ભાષાનો ઉપયોગ કરે છે. લૅપ લોકો જે ભાષા બોલે છે તે ફિનિશ સાથે સંબંધ ધરાવતી ભાષા છે. દક્ષિણ અને પશ્ચિમ કિનારાવાસીઓ તથા ઍલૅન્ડ ટાપુસમૂહના લોકો સ્વીડિશ ભાષા બોલે છે.

ધર્મ : અહીં લોકોને જે ધર્મ પાળવો હોય તે પાળવાની છૂટ છે. મહદંશે લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. 95 % લોકો લ્યુથેરન, 1 % પૂર્વીય રૂઢિચુસ્ત પંથીઓ અને બાકીના પ્રૉટેસ્ટંટ તથા રોમન કૅથલિક તેમજ કેટલાક યહૂદી ને મુસ્લિમો છે.

રહેણીકરણી : શહેરોમાં મોટાભાગના લોકો પોતાનાં તો કેટલાક ભાડાનાં મકાનોમાં રહે છે. શહેરી લોકોનું જીવનધોરણ ઊંચું છે. ગ્રામવાસીઓ નાનાં ઘરોમાં અથવા ખેતરોમાં રહે છે. દેશના લોકોને સરકાર તરફથી ઘણા કલ્યાણકારી લાભો મળે છે. લોકોનો મુખ્ય ખોરાક માછલી, માંસ, બટાટા, માખણ અને દૂધ છે. ફિનિશ લોકોમાં એક વિશિષ્ટ પ્રકારનું સ્નાન ‘(સૌના – Sauna)’ લેવાનો રિવાજ તેમની રહેણીકરણીનું એક અવિભાજ્ય અંગ બની રહેલો છે. ઠંડી આબોહવા પ્રવર્તતી હોવાથી અહીં શારીરિક સ્વચ્છતા જાળવી રાખવા લોકો અઠવાડિયે એક વાર આ સ્નાનની મોજ માણે છે. સ્નાનઘરમાં રાખેલા પથ્થરોને સ્ટવ કે ભઠ્ઠી પર 80°થી 100° સે. સુધી તપાવે છે, તે પછી તે પથ્થરો પર પાણી છાંટે છે. તેમાંથી ઉદભવતી બાષ્પથી સ્નાનઘર ગરમ, હૂંફાળું બની રહે છે. આ દરમિયાન પાટલી પર બેસી કે સૂઈ જઈ શરીર પર પૂરતો પસીનો થવા દે છે. સાથે સાથે શરીરમાં પૂરતા પ્રમાણમાં રક્ત-અભિસરણ થાય તે માટે પાંદડાં સહિતની ડાળીઓથી શરીરનાં બધાં અંગો પર થપાટો મારે છે. પછીથી તેઓ શરીર પર ઠંડા પાણીનો પુષ્કળ છંટકાવ કરે છે, અથવા ફુવારાથી નહાય છે, અથવા નજીકના સરોવરમાં જઈને ડૂબકીઓ મારી આવે છે. બીજી વાર પણ આ જ પ્રમાણે કરે છે. છેલ્લે શરીરનું તાપમાન સામાન્ય થાય ત્યાં સુધી આરામની સ્થિતિમાં પડી રહે છે.

મનોરંજન : ફિનિશ લોકો મેદાની રમતોના ખૂબ જ શોખીન છે. શિયાળામાં તેઓ બરફહૉકી, બરફસ્કેટિંગ અને સ્કી-કૂદ જેવી, જ્યારે ઉનાળામાં બેઝબૉલ, તરણ, નૌકાસફર, હાઇકિંગ જેવી રમતો રમે છે. ઉનાળામાં તેઓ સરોવર કે સમુદ્રસ્નાનની મોજ પણ માણે છે. ઍથલેટિક્સ, જિમ્નૅસ્ટિક્સ અને બરફહૉકીની સ્પર્ધાઓ યોજે છે. આ ઉપરાંત નૃત્યગીતો, સંગીત-મહેફિલો, ફિલ્મ, નાટકો તથા ઑપેરાની મોજ પણ માણે છે. અહીંના લોકો કલાપ્રિય છે.

સમાજ-કલ્યાણ-પ્રવૃત્તિ : સરકાર તરફથી વિવિધ પ્રકારની સમાજ-કલ્યાણ-પ્રવૃત્તિઓ ચાલે છે. 1920 પછીથી પ્રસૂતિગૃહો તથા બાળ-કલ્યાણ-કેન્દ્રો દ્વારા ગર્ભવતી સ્ત્રીઓ, માતાઓ, શિશુઓ અને બાળકોને નિ:શુલ્ક સ્વાસ્થ્યસેવાઓ પૂરી પાડવામાં આવે છે. 1948થી દરેક બાળકના જન્મ બાદ તે 16 વર્ષનું થાય ત્યાં સુધી કુટુંબને ભથ્થું મળે છે. 1939થી 65 કે તેથી વધુ વયના વૃદ્ધો માટે પેન્શન તથા શ્રમિકો અને અપંગો માટે સહાયકારી યોજનાઓ કરેલી છે. 1963થી દરેક નાગરિકને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ આવરી લેવાયો છે. 1920 પછીથી દરેક કર્મચારીને વર્ષની અમુક રજાઓ મળે છે અને નોકરીના પૂરા થતા દર દસ વર્ષે વધારાની રજાઓનો પણ લાભ મળે છે.

શિક્ષણ : પુખ્ત વયના લગભગ બધા જ ફિનિશ લોકો લખી-વાંચી જાણે છે. દેશમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ સ્તરના શિક્ષણની પૂરતી વ્યવસ્થા છે. દેશભરમાં 13 યુનિવર્સિટીઓ અને 21 કૉલેજો છે. હેલ્સિન્કી યુનિવર્સિટી અહીંની મોટી યુનિવર્સિટી ગણાય છે. યુનિવર્સિટી કક્ષાએ વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, ઇજનેરી, મેડિકલ, દંતચિકિત્સા વગેરે જેવી જુદી જુદી વિદ્યાશાખાઓના શિક્ષણની સગવડ છે. વૉકેશનલ અને ટૅકનિકલ શિક્ષણ માટેની સંસ્થાઓ પણ છે. દેશમાં તમામ પ્રકારનું શિક્ષણ નિ:શુલ્ક છે.

કલા-સંસ્કૃતિ : ફિનલૅન્ડ સમૃદ્ધ કલા અને લોકસંસ્કૃતિ ધરાવે છે, જે તેના હુન્નરમાં, સાહિત્યમાં, સંગીતમાં અને ચિત્રોમાં રજૂ થાય છે. 1835માં અહીંના એક ડૉક્ટર ઇલિયાસ લૉનરોટે દેશભરમાં ફરીને લોકો અને ખેડૂતો પાસેથી પરંપરાગત ઊતરી આવેલાં, સદીઓજૂનાં લોકગીતો અને ધર્મગીતો એકત્ર કરી, જહેમત ઉઠાવીને ‘કાલેવાલા’ (Kalevala) શીર્ષકથી દળદાર સંગ્રહ પ્રકાશિત કરેલો છે. તે આજે ફિનલૅન્ડ માટે રાષ્ટ્રીય મહાકાવ્ય બની રહ્યો છે. 19મી અને 20મી સદીમાં ઘણા કવિઓ-કલાકારો-ચિત્રકારોને તેના વિષયવસ્તુમાંથી પ્રેરણા મળી છે. અક્સેલી ગૅબન કાબેલાનાં ચિત્રોમાં, જીન સીબેલિયસ તેમજ અમેરિકી કવિ હેન્રી વર્ડ્ઝવર્થ લૉન્ગફેલોનાં ઘણાં કાવ્યોમાં તે મૂર્તિમંત થાય છે. 19મી સદીના પ્રારંભમાં ફિનલૅન્ડના રાષ્ટ્રીય કવિ તરીકે જાણીતા બનેલા જોહાન લુડવિગ રૂનેબર્ગે રચેલું ‘વાર્ત લૅન્ડ’ કાવ્ય આજે રાષ્ટ્રગીત બન્યું છે. 19મી સદીના ઍલેક્સિસ કીવી અને મિન્ના કૅન્થ તેમજ 20મી સદીના મીકા વાલ્તેરી અને ફાન્સ એમિલ સિલ્લાનપા આંતરરાષ્ટ્રીય કક્ષાના ખ્યાતનામ નવલકથાકારો થઈ ગયા. 1939માં સાહિત્ય માટેનું નોબેલ પ્રાઇઝ મેળવનાર સિલ્લાનપા (Sillanpaa) સર્વપ્રથમ ફિનિશ હતા.

ફિનલૅન્ડ તેના વૈવિધ્યભર્યા કાચના માલસામાન, સિરૅમિક્સ, રાચરચીલાં અને ભાતચિત્રણ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધિ પામ્યું છે. રેખાઓ અને આકારોનું વૈવિધ્ય અહીંના ઇલિયેલ સારિનેન, અલ્વર આલ્તો જેવા સ્થપતિઓનાં સ્થાપત્યોમાં અલગ તરી આવે છે. હેલ્સિન્કીના રેલમથકની અને રાષ્ટ્રીય સંગ્રહાલયની ઇમારતોમાં સારિનેનનાં ભાતચિત્રોનું આલેખન અદભુત રીતે સ્થાન અને પ્રશસ્તિ પામ્યું છે. આલ્તો માત્ર તેમનાં સ્થાપત્યો માટે જ નહિ, પરંતુ નગર-આયોજન અને રાચરચીલાના હુન્નર માટે પણ પ્રસિદ્ધિ પામ્યા છે.

ઇતિહાસ : ફિનલૅન્ડમાં મૂળ લૅપ લોકો વસતા હતા. તેઓ શિકારીનું જીવન જીવતા હતા. હાલમાં વસતા ફિન લોકોના પૂર્વજોએ હજારો વર્ષ પહેલાં ફિનલૅન્ડના અખાતના દક્ષિણ કિનારેથી સ્થળાંતર કર્યું અને લૅપ લોકોને ઉત્તર તરફ જવાની ફરજ પાડી. તેઓ શિકાર, માછીમારી અને ખેતી કરતા હતા. ઈ. સ. 1100થી 1200 સુધીમાં સ્વીડને આખું ફિનલૅન્ડ જીતી લઈ ત્યાં કૅથલિક ધર્મ ફેલાવ્યો. સ્વીડિશ ભાષાને અધિકૃત ભાષાનું સ્થાન મળ્યું. ઈ.સ. 1500થી 1700 સુધી સ્વીડન અને રશિયા વચ્ચે ફિનલૅન્ડ જીતી લેવા કેટલીક લડાઈઓ થઈ. 1809માં રશિયાએ આખું ફિનલૅન્ડ જીતીને તેને પોતાનો પ્રદેશ બનાવ્યો. ત્યારબાદ ત્યાં રાષ્ટ્રવાદ જાગ્રત થયો. લોકો પોતાનો દેશ, લોકો, ભાષા અને સંસ્કૃતિનું ગૌરવ લેતા થયા. તેમના નેતાઓએ ફિનિશ ભાષાને અધિકૃત ભાષા બનાવવાની માગણી કરી. આ દરમિયાન ત્યાં સર્વક્ષેત્રોમાં રશિયાનો પ્રભાવ વધ્યો હતો. 1917માં રશિયામાં સામ્યવાદી ક્રાંતિ થયા બાદ, ફિનલૅન્ડે 6 ડિસેમ્બર 1917ના રોજ પોતાની સ્વતંત્રતા જાહેર કરી. તેમણે પ્રજાસત્તાક બંધારણ ઘડ્યું અને કાર્લો જુહો સ્તાલબર્ગ પ્રથમ પ્રમુખ બન્યા. કારેલિયાના પ્રદેશ માટે ફિનલૅન્ડ અને સોવિયેત સંઘ વચ્ચે તંગદિલી પ્રવર્તતી હતી. 1939 અને 1944માં બંને દેશો વચ્ચે અથડામણ થયા બાદ સપ્ટેમ્બર, 1944માં સંધિ કરવામાં આવી. ઉત્તર ફિનલૅન્ડમાં 1941માં જર્મનીએ રાખેલ સૈન્યો પાછાં લઈ જવાની ફરજ પડી. 1950માં પાસિકિવી પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે નૉર્વે, ડેન્માર્ક, સ્વીડન અને સોવિયેત સંઘ સાથે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો વિકસાવ્યા. ફિનલૅન્ડ 1955માં સંયુક્ત રાષ્ટ્રોમાં જોડાયું. ઉર્હો કેકોનને 1956થી 1981 સુધી ત્યાંનું પ્રમુખપદ ભોગવ્યું. તેમણે આંતરરાષ્ટ્રીય બાબતોમાં તટસ્થ અભિગમ અપનાવ્યો. જાન્યુઆરી 1973માં ત્યાંની પાર્લમેન્ટે ખાસ ખરડો પસાર કરી કેકોનની મુદત વધારી આપી હતી. તેણે બધા પડોશી દેશો સાથે મૈત્રીસંબંધો જાળવ્યા છે. તેમના પછી મોનો કોવિસ્તો ફિનલૅન્ડના પ્રમુખ બન્યા. કેકોનન અને કોવિસ્તોના અમલ દરમિયાન દેશનો નોંધપાત્ર આર્થિક વિકાસ થયો હતો.

શિવપ્રસાદ રાજગોર

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ