ફિનલૅન્ડનો અખાત

February, 1999

ફિનલૅન્ડનો અખાત : બાલ્ટિક સમુદ્રનો પૂર્વ તરફ વિસ્તરેલો ફાંટો. તે ઉત્તરમાં ફિનલૅન્ડ અને પૂર્વ તથા દક્ષિણે ઍસ્તોનિયા વચ્ચે આવેલો છે. તે પૂર્વ-પશ્ચિમ 400 કિમી. લંબાઈમાં તથા ઉત્તર-દક્ષિણ સ્થાનભેદે 19થી 128 કિમી. જેટલી પહોળાઈમાં પથરાયેલો છે. તે પૂર્વ તરફ છીછરો, પરંતુ પશ્ચિમ છેડા તરફ તેની મહત્તમ ઊંડાઈ 115 મીટર જેટલી છે. આ અખાતનો કુલ વિસ્તાર આશરે 30,000 ચોકિમી. જેટલો છે. તેનાં જળની ક્ષારતા ઘણી ઓછી (6 ppt.) છે. શિયાળામાં ત્રણથી પાંચ માસ માટે તેનાં પાણી થીજેલાં રહે છે. પૂર્વ તરફથી આવતી તથા લેનિનગ્રાડ પાસેના સંગમ નજીક ફાંટાઓમાં વિભાજિત થતી નેવા નદી તથા દક્ષિણ તરફથી આવતી નર્વા નદી નર્વા નજીક આ અખાતને મળે છે. વળી ઘણાં સરોવરો સાથે સંકળાયેલી, ઈશાન તરફથી આવતી સાઈમા નહેર પણ તેને મળે છે. માલસામાન ભરેલાં વહાણોની અવરજવર માટે આ નહેરનો ઉપયોગ ફિનલૅન્ડના અખાત મારફતે થાય છે. આ અખાતમાં ગોગલૅન્ડ (હૉગલૅન્ડ અથવા સુર-સારી), મૉશ્ની (અથવા લવણસારી) અને કોટલીન જેવા ટાપુઓ આવેલા છે. આ અખાત તેનાં ફિનલૅન્ડના કિનારા પર આવેલાં હેલ્સિન્કી, પોર્કલા અને કોટકા બંદરો તથા રશિયાના કિનારા પર આવેલાં લેનિનગ્રાડ, વાયબર્ગ, ક્રૉન્શ્ટાડ અને ટેલીન બંદરો માટે મહત્વનો દરિયાઈ માર્ગ બની રહેલો છે.

ગિરીશભાઈ પંડ્યા