બેહરિંગ, એમિલ ઍડૉલ્ફ વૉન (Behring Emil Adolf Von)

January, 2000

બેહરિંગ, એમિલ ઍડૉલ્ફ વૉન (Behring Emil Adolf Von) (જ. 15 માર્ચ 1854, મૅન્સ ડૉર્ફ, પ્રશિયા (હાલ જર્મની) અ. 13 માર્ચ 1917, માર્બર્ગ, જર્મની) : ઈ. સ. 1901માં એનાયત થયેલા સૌપ્રથમ નોબેલ પુરસ્કારથી સન્માનિત જર્મન વૈજ્ઞાનિક. તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના આ પુરસ્કાર દ્વારા તેમની રુધિરરસ (blood serum) વડે કરી શકાતી ચેપી રોગોની સારવાર અંગેની શોધને બિરદાવવામાં આવી હતી. તેઓ રોગપ્રતિકારકતા વિજ્ઞાન- (immunology)ના સ્થાપક-પ્રણેતા લેખાય છે.

એમિલ ઍડૉલ્ફ વૉન બેહરિંગ

તેઓ શિક્ષકના પુત્ર હતા અને તેમના પિતા તેમને ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરાવવા માગતા હતા. એક લશ્કરી તબીબ મિત્રની સમજાવટને પરિણામે બેહરિંગ બર્લિનમાંની લશ્કરી ડૉક્ટર્સ એકૅડેમીમાં દાખલ થઈ શક્યા. તેઓ ખૂબ વ્યવસ્થિત રીતે જીવનાર વ્યક્તિ હતા. લેક્ચરની નોંધ પરથી તેમની સ્વભાવગત ચોકસાઈ જણાઈ આવે છે. માર્મિક વાણી તથા તીખાં વચનો માટે પણ તેઓ જાણીતા બનેલા. રોજ સવારે તેઓ 4 વાગ્યે ઊઠતા અને તેમના સહકાર્યકરો પ્રયોગશાળામાં આવે ત્યારે તેમનું અડધા દિવસનું કામ તો પૂરું કરી દેતા. તેમણે પહેલાં જર્મન આર્મી મેડિકલ કોરમાં સેવા આપી અને પછી તેઓ બર્લિનમાંના કોશઝ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હાઇજિનમાં જોડાયા.

જ્યારે તેઓ બર્લિનમાં રૉબર્ટ કોકના મદદનીશ તરીકે કાર્ય કરતા હતા ત્યારે તેમણે મુખ્યત્વે ડિફ્થેરિયા અંગે સંશોધનો કર્યાં હતાં. તેમણે શોધી કાઢ્યું હતું કે ઉંદરને ઍન્થ્રૅક્સના રોગ સામે મૂળથી જ રક્ષણ (પ્રતિરક્ષા, immunity) પ્રાપ્ત થયેલું હોય છે. વળી તેમણે એ પણ દર્શાવ્યું કે જે ગિની પિગમાં ઍન્થ્રૅક્સ કરતા સૂક્ષ્મજીવો પ્રવેશાવવામાં આવે અને જો તે આયોડિન ટ્રાઇક્લૉરાઇડની સારવાર પછી બચી જાય તો તેને ઍન્થ્રૅક્સનો રોગ ફરીથી થતો નથી. તેમણે એ પણ દર્શાવ્યું કે ઍન્થ્રૅક્સનો રોગ મટ્યો હોય તેવા પ્રાણીના લોહીનો પ્રવાહી ભાગ (રુધિરરસ, blood serum) જો બીજા પ્રાણીને આપવામાં આવે તો તેનો ઍન્થ્રૅક્સનો ચેપ મટે છે. આ પ્રકારની સારવારને રુધિરરસચિકિત્સા (serum therapy) કહે છે. સારવાર માટે રુધિરરસની જરૂરિયાત જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેમણે પ્રયોગો કર્યા અને ઘોડાના રુધિરરસનો ઉપયોગ પણ વિકસાવ્યો.

1884માં બેહરિંગ હૅલે યુનિવર્સિટીમાં અને 1885માં મૅરબર્ગ યુનિવર્સિટીમાં જોડાયા. વાછરડાને થતા ક્ષય માટે રોગપ્રતિકારકતાની રસી પણ તેમણે શોધી. તેઓ રૉબર્ટ કોકના સાથી હતા, પણ નોબેલ પુરસ્કાર તેમને કોક કરતાં ઘણો વહેલો મળ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે રાષ્ટ્રભક્તિનો જુવાળ આવ્યો ત્યારે પણ તેઓ આડંબરી દેશાભિમાનથી અલિપ્ત રહ્યા હતા.

ઈ. સ. 1917માં તેમના મૃત્યુના થોડા મહિના પહેલાં તેમણે ડિફ્થેરિયાની સામે અસરકારક રસી પણ શોધી હતી.

મૉસ્કોથી એક રશિયન માતાએ લખેલા પત્રમાં તેમની સિદ્ધિને અંજલી અપાઈ જણાય છે : ‘બીજી અનેક માતાઓએ તમારી પ્રત્યે આભારવશતા પ્રગટ કરી છે કે કેમ એની ખબર નથી પણ તમે જે જ્ઞાનકૌશલ્ય દર્શાવ્યું અને વિજ્ઞાન માટે ઝૂઝ્યા તેના પ્રતાપે જ મારું બાળક બચી જવા પામ્યું છે. મારા જેવી પ્રસન્ન થયેલી માતાઓના તમને આશીર્વાદ છે.’

મહેશ ચોકસી

શિલીન નં. શુક્લ