બેસ્મર, હેન્રી (સર) (જ. 1813, ચાર્લટન, ઇંગ્લૅન્ડ; અ. 1898) : મહત્વના સંશોધક અને ઇજનેર. તેઓ આપમેળે શિક્ષણ પામ્યા હતા. ઉત્કટ સંશોધકવૃત્તિ ધરાવતા હતા. પોતાના પિતાની ટાઇપફાઉન્ડ્રીમાં જ તેમણે ધાતુવિજ્ઞાન આપમેળે શીખી લીધું હતું.

1853થી ’56 દરમિયાન ક્રિમિયન યુદ્ધના પ્રસંગે તોપની તાતી જરૂરત પડવાનો પ્રસંગ ઊભો થયો. આથી તેમને સંખ્યાબંધ શોધો કરવાનો મોકો મળી ગયો અને તે માટે તેમણે શ્રેણીબંધ પેટન્ટ મેળવી લીધી. પીગળેલા કાચા લોખંડમાંથી, તેમણે શોધેલા રૂપાંતર-સાધન (convertor) વડે હવા ફૂંકવાથી બારોબાર સ્ટીલ બનાવી શકાતું હતું. આ પદ્ધતિ ‘બેસ્મર પ્રક્રિયા’ તરીકે ઓળખાવા લાગી. 1859માં શેફીલ્ડ નજીક તેમણે સ્ટીલનું મોટું કારખાનું સ્થાપ્યું. પ્રારંભમાં તેમણે તોપનું ઉત્પાદન કર્યું, પણ પાછળથી એક વિશિષ્ટ ઉત્પાદન તરીકે તેમણે સ્ટીલ રોલ બનાવવાનું શરૂ કર્યું.

મહેશ ચોકસી