સ્પેન્સર, હર્બર્ટ (જ. 27 એપ્રિલ 1820, ડર્બી, ઇંગ્લૅન્ડ; અ. 1903) : વિક્ટોરિયન યુગના બહુમુખી પ્રતિભા ધરાવતા ચિંતક. સ્પેન્સરે વિક્ટોરિયન યુગ તરીકે જાણીતા સમયમાં જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ખૂબ અસરકારક રીતે ભજવી પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. એ રીતે તેઓ 19મી સદીના એક ઉત્કૃષ્ટ પ્રતિભાવંત ચિંતક ગણાયા છે.

હર્બર્ટ સ્પેન્સર

તેમને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ઘરે જ પિતા અને કાકા દ્વારા પ્રાપ્ત થયું અને ઉચ્ચ શિક્ષણ તો મુખ્યત્વે પ્રાકૃતિક વિજ્ઞાનોના તેમના પોતાના સઘન વાચનનું જ પરિણામ હતું. એ અર્થમાં તેઓ મહદંશે ‘સ્વશિક્ષિત’ (self-taught) હતા.

વ્યવસાયે શરૂઆતમાં થોડા માસ શિક્ષક બન્યા. 1837થી 1841 દરમિયાન રેલવેમાં સિવિલ એન્જિનિયર રહ્યા. ત્યાર બાદ ‘ધ નૉનકન્ફર્મિસ્ટ’, ‘ધ ઝોઇસ્ટ’ અને ‘ધ પાઇલટ’ પત્રોમાં લેખો લખી તેમણે પ્રગતિશીલ પત્રકારત્વમાં પદાર્પણ કર્યું. 1848માં તેઓ ‘ધી ઇકૉનૉમિસ્ટ’ના ઉપસંપાદક બન્યા અને 1853માં આ પદેથી રાજીનામું આપ્યું. તે પછી તેમની લેખિની દ્વારા સામાજિક વિજ્ઞાનોમાં તેમનો વિચારપ્રવાહ સતત વહેતો થયો. તેમની વિચારસરણી પર અસર કરનારાઓમાં જે. એસ. મિલ પણ હતા. ચિંતક તરીકે તેઓ વ્યાપક પ્રસિદ્ધિ પામ્યા; પરંતુ વિજ્ઞાની તરીકે તેમની ઘણી વિભાવનાઓ ખોટી પુરવાર થયેલી. વિવિધ ક્ષેત્રે તેમના દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક હોવાને બદલે મૂલ્યલક્ષી રહ્યા છે.

1851માં તેમનું પ્રથમ પુસ્તક ‘Social Statics’ પ્રગટ થયું. તેમાં મુખ્યત્વે રાજકીય તત્વજ્ઞાન હતું. તદુપરાંત તેમાં સરકારી હસ્તક્ષેપ-મુક્ત આર્થિક અને સામાજિક ‘સ્વૈરવિહાર’ (laissez faire) સિદ્ધાંત સહિતના પાછળથી પ્રસિદ્ધ થયેલા તેમના ઘણા વિચારોનો ગર્ભિત નિર્દેશ પણ હતો. 1852માં, અર્થાત્ ડાર્વિનનું ‘Origin of Species’ (1859) પ્રકાશિત થયું તેનાં 7 વર્ષ અગાઉ ‘The Leader’માં સ્પેન્સરનો યાદગાર લેખ ‘Development Hypothesis’ પ્રગટ થયો. તેમાં તેમણે ‘સજીવોની ઉત્ક્રાંતિ’(organic evolution)ના પોતાના સિદ્ધાંતની રૂપરેખા આપી હતી અને આવી ઉત્ક્રાંતિ અસ્તિત્વ માટેની મથામણ(struggle for survival)માં દર્શાવી હતી.

1857માં ‘પ્રગતિ : તેનાં કાનૂનો અને કારણો’ શીર્ષકવાળા લેખમાં તેમણે સ્પષ્ટતા કરી કે ‘પ્રગતિ’ (progress) શબ્દમાં એક માનવશાસ્ત્રીય અર્થચ્છાયા અભિપ્રેત હોવાથી તેનાથી સ્વતંત્ર અર્થધ્વનિવાળો શબ્દ જરૂરી બન્યો છે. તેથી તેને સ્થાને તેમણે ‘ઉત્ક્રાંતિ’ (evolution) શબ્દ અને વિભાવના સ્વીકારી, પ્રચલિત કર્યાં. ત્યાર બાદ તેમણે ‘ઉત્ક્રાંતિ’ની સર્વસામાન્ય પ્રક્રિયાની કંઈક વ્યાપક અર્થસૂચક વ્યાખ્યા આ પ્રમાણે કરી હતી : ‘ઉત્ક્રાંતિ – evolution – એકંદરે મોઘમ/અચોક્કસ (indefinite), અસંબદ્ધ (incoherent) અને એકવિધતા(homogeneity)ની સ્થિતિમાંથી એકંદર ચોકસાઈભરી સ્પષ્ટ (definite), સુસંબદ્ધ (coherent) અને વિવિધતા(heterogeneity)ભરી સ્થિતિમાં પરિવર્તન થવાની પ્રક્રિયા છે.’ તદુપરાંત તેમાં સાદા(simple)માંથી વધુ જટિલ સ્વરૂપ તરફના પરિવર્તનનો પણ તેમણે નિર્દેશ કર્યો છે. ઉત્ક્રાંતિની વિભાવનાને આ વ્યાપક અર્થમાં સ્પેન્સરે સૌપ્રથમ વાર પદ્ધતિસર પૃથ્વીની ભૂસ્તરશાસ્ત્રીય તથા આબોહવાની સ્થિતિઓ, જીવોના પ્રકારોની અનેકવિધતા તેમણે માનવજાતો(human races)ને લાગુ પાડી; એટલું જ નહિ, પરંતુ ઉત્ક્રાંતિની આ વિભાવનાને સૌપ્રથમ વાર માનવ-સમાજનાં રાજકીય, ધાર્મિક, આર્થિક તથા સામાજિક પાસાંઓ, બલકે માનવ-પ્રવૃત્તિઓની મૂર્ત–અમૂર્ત તમામ પેદાશો–આડપેદાશોને પણ લાગુ પાડી છણાવટ કરી છે. વળી, તેમના દર્શાવ્યા મુજબ ‘જીવનનાં તમામ સ્વરૂપો આવી સતત પ્રગતિશીલ સતત ચાલતી ઉત્ક્રાંતિની પ્રક્રિયામાંથી ઉદય પામ્યાં છે.’ તેમાં જે તે પ્રાકૃતિક કારણો તત્કાલીન સાધનરૂપ બન્યાં છે. આવાં ઉત્ક્રાંતિજન્ય તમામ વિવિધ સ્વરૂપોની ચાવી અજ્ઞાત અને અજ્ઞેય અમૂર્ત બળો-પરિબળોની સતત સક્રિયતાને કારણે પ્રવર્તતા ‘અસરોના ગુણાકારાત્મક નિયમ’(The law of multiplication of effects)માં રહેલી છે.

1859માં ચાર્લ્સ ડાર્વિનની વિખ્યાત કૃતિ ‘Origin of Species’ પ્રગટ થઈ. સ્પેન્સરે તેને ઉષ્માપૂર્વક આવકારી. જૈવિક ઉત્ક્રાંતિના કારણ તરીકે ડાર્વિને દર્શાવેલા ‘natural selection’ના સિદ્ધાંતને પણ સ્પેન્સરે સ્વીકાર્યો ખરો; પરંતુ અનેક કારણોમાંના એક તરીકે. તેમના મતે તો વધતી અનેકવિધતા અને જટિલતા સાથે સંસાધનો (resources) સંબંધી તીવ્ર સ્પર્ધામાં સમર્થ/લાયક નીવડે તે ટકી જાય અને વિકસે તેવી સમજને પાછળથી (1864) તેમણે ‘survival of the fittest’નું નામ આપ્યું.

સ્પેન્સરનું વિજ્ઞાનસમન્વયનું તત્વજ્ઞાન : સ્પેન્સર તત્વજ્ઞાનને વિશેષ (special) વિજ્ઞાનોના પાયારૂપ સર્વસામાન્ય સિદ્ધાંતોનો સમન્વય કરનાર એક પ્રકારનો વિદ્વત્તાપૂર્ણ સર્વગ્રાહી પ્રબંધ (summa) માને છે. તદનુસાર વ્યાપક અર્થમાં ઉત્ક્રાંતિની વિભાવના અને તેના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખી તેમણે જીવશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર તથા માનવશાસ્ત્ર (anthropology) જેવાં વિજ્ઞાનો અને નૈતિકતાના સમન્વય માટે ચિંતન અને મથામણ કર્યાં છે. તેને જ તેમના ‘સમન્વયાત્મક તત્વજ્ઞાન’ (synthetic philosophy) તરીકે ઓળખવામાં આવે છે. આ સમન્વયાત્મક શ્રેણીમાં સામાન્ય રીતે 1862થી 1896 સુધીમાં પ્રગટ થયેલા તેમના મુખ્યત્વે નીચેના ગ્રંથોનો સમાવેશ કરવામાં આવે છે : First Principles (1862); The Principles of Biology, બે ગ્રંથો (1864–1867); The Principles of Psychology(1855)ના બે ગ્રંથો – પુનરાવૃત્તિ (1870–1872); The Principles of Sociology, ત્રણ ગ્રંથો (1872–1896); The Principles of Ethics, બે ગ્રંથો (1892–93).

સમાજશાસ્ત્ર : ઉત્ક્રાંતિનાં વિભાવના અને સિદ્ધાંતને માત્ર જીવશાસ્ત્રીય ન રાખતાં માનવસમાજને લાગુ પાડી સૌપ્રથમ વાર સમાજશાસ્ત્રીય પરિવેશમાં મૂક્યાં. તદનુસાર અલ્પતમ કાર્યવિભાજન અને બળપ્રેરિત (secured by force) સહકારથી સંચારિત ટોળા-સ્વરૂપમાંથી વધુ ને વધુ કાર્યવિભાજન, સહકાર અને જટિલ સભ્યતાઓવાળા સમાજો ઉત્ક્રાંત થતા ગયા છે.

જ્યારે સમાજશાસ્ત્રનો વિજ્ઞાન તરીકેનો પૂરેપૂરો સ્વીકાર થતો નહોતો ત્યારે તેમણે The Study of Sociology(1873)માં સ્પષ્ટપણે પ્રતિપાદિત કર્યું કે સમાજશાસ્ત્ર વિજ્ઞાન-સ્વરૂપે શક્ય જ છે. કૂલેએ (Cooley –  1920) સ્પેન્સરની આ કૃતિને ત્યાર સુધીમાં પ્રકાશિત સમાજશાસ્ત્રની અન્ય કોઈ પણ કૃતિ કરતાં અમેરિકામાં આ વિષયમાં સૌથી વધુ રસ જગાડનારી ગણાવી છે. પોતાના આ પ્રતિપાદનના સંદર્ભમાં સામાન્યીકરણ કરી તારવી શકાય તેવી વર્ગીકૃત અને સુસંકલિત અઢળક માહિતી જરૂરી બનશે તેવી પ્રતીતિ તેમને થઈ ચૂકી હતી. તેને અનુલક્ષીને પોતે યોજેલાં સુનિશ્ચિત શીર્ષકો અને પેટાશીર્ષકો હેઠળ અનેકવિધ સમાજોની માહિતી એકત્રિત કરવા ઠેઠ 1867થી તેમણે ત્રણ સંશોધકોને રોક્યા હતા અને તેના ફળસ્વરૂપે એકત્રિત માહિતીને આધારે તેમણે ‘Descriptive Sociology’ના શીર્ષક હેઠળ લખેલા 8 ગ્રંથો 1873થી 1881 દરમિયાન અને અન્ય 9 ગ્રંથો તેમના મૃત્યુ બાદ 1934 સુધીમાં પ્રગટ થયા છે. અલબત્ત, આજકાલ આ શ્રેણી ભલે ઓછી જાણીતી છે; પરંતુ મરડોકે (1954) દર્શાવ્યું છે તેમ, આ શ્રેણીએ સ્પેન્સરની છાપ એકત્રિત માહિતી પરથી તારણ કાઢનારા (inductive), પદ્ધતિસરના અને તુલનાત્મક સમાજશાસ્ત્રનો પાયો નાખનાર તરીકે ઉપસાવી છે.

Principles of Sociologyની શ્રેણીમાં માનવસમાજને એક પ્રકારના જીવની ઉપમા આપી તેને એક દેહધારી જીવ (biological organism) સાથે સરખાવી સંખ્યાબંધ સમાનતાઓ દર્શાવી છે અને તે માટે તેમની આકરી ટીકા પણ થઈ છે. વળી, સામાન્ય રીતે એક ઉત્ક્રાંતિવાદી તરીકે જ પ્રચલિત સ્પેન્સર પૂરા કાર્યાત્મકવાદી (functionalist) પણ હતા તે બહુ ઓછું જાણીતું છે. તેમને મતે સામાજિક સંરચના (structure) સામાજિક કાર્યોમાંથી ઉદય પામે છે. કોઈ પણ સંગઠન(organization)નાં રચના અને વિકાસ સમજવા માટે પ્રારંભનાં અને તે પછીનાં જરૂરિયાતજન્ય કાર્યો અને તેમના સંદર્ભમાં જ રચાતી સંરચનાઓની પ્રક્રિયા – શૃંખલા સમજવી પડે. કાર્યોના વધતા જતા વિશેષીકરણ અને તે સાથે સંરચનાઓના સર્જાતા ગયેલા તફાવતોમાંથી પ્રગટેલી સાંસ્કૃતિક ઉત્ક્રાંતિની લાક્ષણિકતાઓ દર્શાવવા માટે તેમણે Principles of Sociologyનો ઘણો ભાગ ફાળવ્યો હતો.

અલબત્ત, તેમાં સ્પેન્સરે ‘સંસ્કૃતિ’ શબ્દનો ક્યાંય ઉપયોગ કર્યો નથી. તે માટે તેમણે ‘અધિજૈવિક’ (super organic) શબ્દપ્રયોગ કર્યો છે. તેમણે આ શબ્દ જૈવિકતા ઉપરાંત કંઈક વિશેષ એટલે કે ‘સામાજિક’ના અર્થમાં પ્રયોજ્યો હતો. તેમાં જૈવિકતાની ભૂમિકા રહેલી હોવા છતાં ધોરણો, પ્રતીકો, ભાષાઓ/બોલીઓ, સાધનો, ચીજવસ્તુઓથી સંવર્ધિત એક નિરાળા સહજીવનનો નિર્દેશ છે. એ જ સંદર્ભમાં ક્રોબરે (Kroeber  1917) માનવ-વર્તનના આવા એક અનોખા તત્વને પ્રગટ કરતો હોવાથી ‘આધિજૈવિક’ને ‘સંસ્કૃતિ’ની સમાનાર્થી વિભાવના ગણાવી હતી.

ઘણા દેશોની સામાજિક સંસ્થાઓની એકત્રિત કરેલી માહિતીઓને આધારે લગ્ન અને કુટુંબનાં ઉત્ક્રાંત સ્વરૂપો અને વિકાસ અંગે પણ સ્પેન્સરે લંબાણપૂર્વક વિશદ ચર્ચાવિચારણા કરી છે. તેવી જ રીતે, રાજકીય ઉત્ક્રાંત સ્વરૂપોની પણ વિગતે ચર્ચા કરી છે. તેમને મતે જો દરેક વ્યક્તિને સ્વહિત પસંદ કરી લેવાની છૂટ રહેતી હોય અને તેનાથી કરારોના અમલ કે કોઈના હકમાં વિક્ષેપ ન પડતો હોય તો જ્યાં રાજ્ય હસ્તક્ષેપ ન કરતું હોય ત્યાં અર્થતંત્ર ઉત્તમ કામગીરી બજાવે છે. તેમાંથી પરિણમતી સ્પર્ધાઓમાં સૌથી સુયોગ્ય વેપારી સાહસો અને આર્થિક સંસ્થાઓ નભશે–વિકસશે. એ રીતે તેમણે આર્થિક અને સામાજિક ઉદારમતવાદિતા (libralization) અને સ્વૈરવિહાર-(lassez-faire)ના સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા છે.

સ્પેન્સરનાં લખાણો તેમના સમયમાં બ્રિટનમાં અને પાછલાં વર્ષોમાં અમેરિકામાં પણ એકંદરે સારાં એવાં લોકપ્રિય થયાં હતાં. હૉવાર્ડ બેકરે (Howard Becker – 1954) ટૂંકમાં દર્શાવ્યું છે તેમ, દરખાઇમ મારફત બ્રિટિશ અને બ્રિટિશ-પ્રભાવિત કાર્યાત્મક માનવશાસ્ત્ર તેમજ અમેરિકા(યુએસ)માં સંરચનાત્મક-કાર્યાત્મક સમાજશાસ્ત્ર સુધી સ્પેન્સરનો પ્રભાવ ઓછોવત્તો વ્યાપેલો છે. વર્તમાન માનવશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર પર તેમની સીધી અસર ભલે અલ્પ જોવા મળે છે; પરંતુ પરોક્ષ પ્રભાવ નોંધપાત્ર તો છે જ. અલબત્ત, આજકાલ તેમનાં લખાણો ઓછાં વંચાય છે તે સાચું; પરંતુ તેનું કારણ મિચેલ (Mitchell G. D. – 1968) જણાવે છે તેમ, તેમણે હાથ પર લીધેલા પ્રશ્નોના ખુલાસા કરવામાં તેમની નિષ્ફળતા નથી; પરંતુ તેમના સમયના પ્રશ્નોમાંથી બહુ ઓછા જ પ્રશ્નો વર્તમાન સમાજશાસ્ત્રીઓ માટે બાકી રહ્યા છે તે છે.

આમ, સમાજશાસ્ત્રને અનુલક્ષીને જ પોતાનાં વિપુલ લખાણો અને ચિંતન વડે સ્પેન્સર પોતાના સમયના તો એક અગ્રણી સમાજશાસ્ત્રી ગણાયા જ છે. તે સાથે પાછળ આછી-પાતળી પ્રત્યક્ષ-પરોક્ષ અસર મૂકી જનારા સમાજશાસ્ત્રી અને સામાજિક માનવશાસ્ત્રી પણ ગણાયા છે.

અજ્ઞેયવાદ (agnosticism) : સ્પેન્સરના મતે સૃષ્ટિની ઉત્પત્તિ અંગેના દરેક મતમાં આપત્તિ છે. જો એમ કહો કે ઈશ્વરે સૃષ્ટિ ઉત્પન્ન કરી તો પ્રશ્ન થશે કે ઈશ્વરને કોણે સર્જ્યા ? જો ઈશ્વર સ્વયંભૂ હોય તો સૃષ્ટિને જ સ્વયંભૂ માનવામાં શો વાંધો છે ? બીજી બાજુ, જો એમ કહો કે સૃષ્ટિ અનાદિ અને અનન્ત છે, તોપણ પ્રશ્ન એ રહે છે કે શા માટે તેવી પરિસ્થિતિ પ્રવર્તે છે ? આવા અન્તિમ પ્રશ્નોનો કોઈ ઉકેલ જ નથી. વિજ્ઞાન પણ આવા પ્રશ્નો સફળ રીતે ઉકેલી શકે તેમ નથી. વિજ્ઞાને કબૂલવું પડે કે તેના નિયમો આપણા દૃશ્યજગતને જ લાગુ પડે છે અને તે નિયમો સાપેક્ષ છે. ધર્મ પણ જો ઈશ્વરની સાબિતીના પ્રયત્નો પડતા મૂકે તો વિજ્ઞાન અને ધર્મ બંનેનો અજ્ઞેયવાદમાં સમન્વય થાય. મૂળ સદવસ્તુ કે વસ્તુતત્વ અજ્ઞેય છે તેવો મત માન્ય કરવાથી વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો વિરોધ પણ શમી જશે. માણસનું જ્ઞાન કેવળ દૃશ્ય જગત પૂરતું જ મર્યાદિત છે.

અજ્ઞેયવાદ સ્વીકારવાથી તત્વજ્ઞાન પણ વિજ્ઞાન પ્રત્યે અભિમુખ બને છે. વિજ્ઞાનો પોતાનાં ક્ષેત્રોનું આંશિક રીતે એકીભૂત જ્ઞાન આપે છે; તત્વજ્ઞાન સંપૂર્ણ રીતે એકીભૂત જ્ઞાન આપે છે; કારણ કે જ્ઞાનની સંરચના તેમાંથી જ સમજાય છે. વસ્તુતત્વ (reality) તેના પોતાના સ્વરૂપમાં કેવું છે તે કોઈ કદી પણ જાણી શકશે નહિ તેવું તત્વ છે એટલું જ કહી શકાય છે.

ઉત્ક્રાન્તિ : ઉત્ક્રાન્તિ એટલે ભૌતિક પદાર્થનું વધુ ને વધુ સંગઠિત થવું, એકીભૂત થવું. ભૌતિક દ્રવ્ય અનિયત, અસંવાદી એકરૂપતામાંથી નિયત, સંવાદી, અનેકરૂપતાને પામે તે સ્પેન્સર મુજબ ઉત્ક્રાન્તિ (evolution) છે. સરળમાંથી જટિલ, અવિભિન્નમાંથી વિભિન્ન એ ઉત્ક્રાંતિની દિશા છે.

જુદી જુદી બાબતો જુદી જુદી કક્ષાએ સંગઠિત થાય છે, એકીભૂત થાય છે. ગ્રહોની ઉત્પત્તિ, સાગર કે પર્વતોની રચના, વનસ્પતિ અને પ્રાણીની ઉત્પત્તિ વગેરેમાં આ જ તત્વ (principle) કામ કરે છે.

આવું એકીકરણ થાય ત્યારે જે જુદા જુદા ભાગોનું સંયોજન થયું હોય તે ભાગો પોતપોતાની મૂળ ગતિ ગુમાવે છે; દા. ત., કુટુંબો અને જૂથો જ્યારે રાજ્ય(state)માં સંગઠિત થાય છે ત્યારે રાજ્યના અંશરૂપે તેના ઘટકરૂપ વ્યક્તિઓ, કુટુંબો કે જૂથો ઉપર નિયંત્રણો આવે છે. જુદા જુદા અંશો આંતરસંબંધિત થઈને નવો સંગઠિત એકમ બનાવે છે. ઉત્ક્રાન્તિ દરેક પ્રકારની અપાર વિવિધતામાં પરિણમે છે. એક બાજુ જુદા જુદા ભાગો એકીભૂત થાય છે; બીજી બાજુ તેને લીધે જ જુદા જુદા ભાગો નવાં નવાં વિવિધ કાર્યોની ક્ષમતા પ્રાપ્ત કરે છે. પતન અને અપક્રાન્તિમાં તેનાથી વિરુદ્ધ ક્રિયા થાય છે અને અંતે ફરી પાછી મૂળ સ્થિતિ  આકારહીન એકરૂપતાની સ્થિતિ પ્રાપ્ત થાય છે.

જીવન (life) અને ઉત્ક્રાન્તિ : સ્પેન્સરની ખૂબ જાણીતી વ્યાખ્યા પ્રમાણે બાહ્ય સંબંધો સાથે આન્તરિક સંબંધોનું સતત સમાયોજન (adjustment) એટલે જીવન. દા. ત., ઠંડીથી બચવા અગ્નિ પ્રગટાવીને મનુષ્યો ગરમી ઉત્પન્ન કરે છે અને શિકારીને જોઈને પ્રાણીઓ દોડે છે તે પરિસ્થિતિ સાથેના પ્રાણીના સમાયોજનનાં જ રૂપો છે. જેમ વ્યક્તિનું જીવન સંયોગો સાથેનું સમાયોજન છે તેમ ખુદ પ્રાણીની ઉપજાતિઓ(species)નું જીવન પણ તે જ પ્રકારનું છે. ડાર્વિનના મતનો સ્પેન્સર સ્વીકાર કરે છે. જે પ્રાણી-જાતિઓ ટકી રહેવા માટે સહુથી સમર્થ હતી તે જાતિઓ પર્યાવરણ સાથે સમાયોજિત થઈને ટકી શકી.

મનોવિજ્ઞાનમાં પણ સ્પેન્સરે ઉત્ક્રાંતિલક્ષી (evolutionary) વિચાર રજૂ કર્યો. સ્પેન્સર કબૂલે છે કે ભૌતિક તત્વનું કે જીવનતત્વનું જ્ઞાન તો મનથી જ મળે છે. સાવ સાદી પ્રતિક્ષેપ ક્રિયા(reflex)થી માંડીને કલ્પના, વિચાર, સ્મૃતિ જેવી માનસિક પ્રક્રિયાઓ સુધીનો વિકાસ પણ જૈવીય ઉત્ક્રાંતિનું પરિણામ જ છે. તર્કબુદ્ધિ અને સહજવૃત્તિ બંને જૈવીય રીતે જ વિકસ્યાં છે. તર્કબુદ્ધિ અલૌકિક તત્વ નથી.

સ્પેન્સર, લેમાર્કને અનુસરીને માને છે કે પ્રાણી પોતાના વાતાવરણ સાથે આન્તરક્રિયા કરીને જે લક્ષણો પ્રાપ્ત કરે છે તે પણ જૈવીય વારસા રૂપે નવી પેઢીને મળે છે. બુદ્ધિનો આધાર પણ મજ્જાતંત્ર(nervous system)માં છે.

સ્વાતંત્ર્ય અને માનવપ્રગતિ : 25 જૂન, 2006ના કૅનેડાના એક જર્નલમાં ‘એકાઉન્ટન્સી’ અને ‘બિઝનેસ એડમિનિસ્ટ્રેશન’ના પ્રોફેસર એડવર્ડ ડબ્લ્યૂ. યુનકિન્સે (Younkins) તેમના એક લેખમાં ખાસ હર્બર્ટ સ્પેન્સરના વિચારોની જ ચર્ચા કરી છે. [www.quebecoislibre.org]

સ્પેન્સર પ્રમાણે સ્વાતંત્ર્ય સુખ પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે. જે સમાજોમાં લોકોના નૈતિક હક્કોનું રક્ષણ થતું હશે તે સમાજો વધુ સુખી અને વધુ સફળ સમાજો બનશે. મનુષ્યની શક્તિઓ અને ક્ષમતાનો મુક્ત ઉપયોગ જે સમાજો રૂંધે છે તે પાછળ રહી જાય છે. મનુષ્યની શક્તિઓનો મુક્ત ઉપયોગ થાય તો અને તો જ સમાજોની પ્રગતિ થાય; તેથી સરકારોનું મુખ્ય કાર્ય વ્યક્તિ-સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાનું છે. આંતરિક અને બાહ્ય આક્રમણ સામે સરકારોએ વ્યક્તિને રક્ષણ આપવું જરૂરી છે.

સ્પેન્સર સમાજવાદને માન્ય કરતા નથી. વ્યક્તિ રાજ્યને માટે નહિ, રાજ્ય વ્યક્તિને માટે અસ્તિત્વમાં છે.

રાજ્ય જ્યારે બીજા પાસેથી કશુંક લઈને બીજા કેટલાકને તે આપશે ત્યારે સમાજ નબળો પડશે; કારણ કે રાજ્યના આશ્રયથી નબળી વ્યક્તિઓ ટકી જશે. લોકોને રાજ્યાશ્રયથી મુક્ત કરીને પોતાનાં જ સાધનોને આધારે વિકસવાની સમાન તકો મળવી જોઈએ. બદલાતી પરિસ્થિતિઓ સાથે જ્યારે લોકો સમાયોજિત થવા માટે મુક્ત હશે ત્યારે પ્રગતિ અનિવાર્ય બનશે. સમાજ જેમ જેમ ઉત્ક્રાન્તિ પામશે તેમ તેમ સ્વૈચ્છિક સહકાર વધતો જશે. સ્વૈચ્છિક કરાર અને શ્રમવિભાજન ઉપર સ્થપાયેલો સમાજ વ્યક્તિનાં અને સમાજનાં હિતોની સંગતિ સાધશે.

નાગરિકોના જીવનમાં ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરે તેને ‘ઉત્તમ રાજ્ય’ કહેવાય. રાજ્યે સમાજની ઉત્ક્રાન્તિ-પ્રક્રિયામાં આડે આવવાની જરૂર નથી. રાજ્યની બળજબરી કરતાં સ્વૈચ્છિક સહકારથી ઘણાં સહિયારાં લક્ષ્યો સિદ્ધ થઈ શકે છે. સમાજોના વ્યવહારો અને વ્યવસ્થાઓ સ્વયં ગોઠવાઈ જતાં હોય છે. તેને માટેની ‘ડિઝાઇન’ પહેલાં તૈયાર કર્યા પછી જ સમાજને તે મુજબનો આકાર આપવો તેવો વિચાર અયોગ્ય છે. બધાંને એકરૂપ બનાવવાની યોજનાઓ નિષ્ફળ જશે. પાર વગરની વિવિધતા જૈવીય અને સામાજિક ક્ષેત્રે પ્રવર્તે છે. તે સમરૂપતામાંથી અસમરૂપતા (heterogeneity) તરફની ઉત્ક્રાન્તિ છે. આવી ઉત્ક્રાન્તિ એ જ પ્રગતિ.

સ્પેન્સર લશ્કરી શાસનના ઉગ્ર વિરોધી હતા. સ્પેન્સરે સૂચવ્યું કે બધાં વ્યાપારલક્ષી નિયંત્રણો રાજ્યે રદ કરવાં જરૂરી છે. સરકારે શિક્ષણસંસ્થાઓ ચલાવવી ન જોઈએ, કલ્યાણ યોજનાઓ પડતી મૂકવી જોઈએ. ધાર્મિક ‘સબસિડી’ બંધ કરવી જોઈએ. આક્રમક યુદ્ધો અને સામ્રાજ્યવાદના પણ સ્પેન્સર વિરોધી હતા. બહુમતીના જોરે લઘુમતીઓ ઉપર રાજ્યે કશું લાદવું ન જોઈએ. યુદ્ધ તો વિકાસને માટે વિઘાતક છે.

સ્પેન્સર સ્વહિતવાદી, અહમવાદી નૈતિક ચિન્તક હતા. ન્યાયના સિદ્ધાંતને વળગી રહીને દરેક પોતપોતાનાં હિતોને સાધે તેમાં કશું ખોટું નથી. તેનાથી સહુને લાભ જ થાય; કારણ કે માનવહિતો હંમેશાં પરસ્પરને વિઘાતક જ હોય છે તેવું નથી. સ્વેચ્છાએ લોકો બીજાના કલ્યાણ માટે પ્રવૃત્ત થાય તે અશક્ય નથી; એટલું જ નહિ, પણ ઉત્ક્રાંતિલક્ષી સામાજિક વિકાસની તે નિશાની છે. સ્પેન્સરે ઉત્ક્રાંતિવાદી, અહમવાદી, સ્વાતંત્ર્યવાદી, સુખવાદી અને ઉપયોગિતાવાદી નીતિશાસ્ત્ર (ethics) રજૂ કર્યું છે તેવું પ્રોફેસર એડવર્ડ યુનકિન્સે તેમના લેખ(2006)માં સ્પષ્ટ કર્યું છે. સમાજવાદી લોકશાહી કરતાં મુક્ત બજારતંત્રવાળી ઉદારમતવાદી લોકશાહી સારી છે તેવું સ્પેન્સર માનતા હતા. જોકે સ્ત્રીઓને રાજકીય મતાધિકાર ન હોવો જોઈએ તેવું પણ તેઓ માનતા હતા.

રાજ્યશાસ્ત્રના ક્ષેત્રે તેમણે વ્યક્તિવાદનો મૂળભૂત રીતે સ્વીકાર કર્યો અને તેના સમર્થનમાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિક ખ્યાલોને પ્રયોજ્યા. તેમના વિચારો પર ઉપયોગિતાવાદના ટીકાકાર થૉમસ હોજસ્કીન અને ઉત્ક્રાંતિવાદના જનક ચાર્લ્સ ડાર્વિનના વિચારોનો પ્રભાવ છે. તેમના મતે જીવન સમગ્ર પ્રકૃતિના ભાગરૂપ છે અને સમાજ વૈયક્તીકરણ તરફ ઉત્ક્રાંતિ પામી રહ્યો છે. આ વિચારોના સંદર્ભમાં તેમણે પ્રખર વ્યક્તિવાદી વિચારો રજૂ કર્યા.

તેમના મતે વ્યક્તિઓ આંતરિક ચેતના ધરાવતી, સમાનતા અને ન્યાયની ભાવના ધરાવતા જીવો છે. તેમને માનવીની અંદર રહેલી ન્યાયબુદ્ધિમાં શ્રદ્ધા છે. વ્યક્તિ પૂર્ણતા હાંસલ કરવા પ્રયત્નશીલ હોય છે. આથી જરૂરી મોકળાશ અને સ્વતંત્રતા મળવી જોઈએ એમ માણસો માને છે. તેમના મતે સ્ત્રીઓ, બાળકો – એમ પ્રત્યેકને સમાન હક્ક મળે અને જમીન સૌની સહિયારી માલિકીની હોય તે ઇષ્ટ છે.

રાજ્ય અનૈતિક અને અનિષ્ટ એકમ છતાં વર્તમાન જગતમાં આવશ્યક છે. તેમના મતે રાજ્યનું કાર્યક્ષેત્ર લઘુતમ હોય તે ઇચ્છનીય છે. બળ કેન્દ્રસ્થાને હોવા છતાં પ્રકૃતિમાં બળના સમતોલન માટેની પ્રક્રિયા સતત ચાલે છે. તે માને છે કે રાજ્યનું અસ્તિત્વ સાચવી રાખવા માટે (1) નાગરિકોને અસંમતિ પ્રગટ કરવાનો હક્ક હોય; (2) નાગરિકો પર સમાન નિયંત્રણો મૂકવાં જેથી વર્ગભેદ ન થાય; (3) રાજ્યનાં કાર્યોની ચોક્કસ મર્યાદા બાંધવામાં આવે. આમ રાજ્ય અંગે નકારાત્મક વિભાવના સાથે રાજ્યનું કાર્ય સીમિત રહે એમ તેઓ ઇચ્છે છે. તેમના મતે રાજ્ય ‘પરસ્પર બાંયધરી માટેની સંયુક્ત સુરક્ષા પેઢી’ (joint-stock protection company of mutual assurance) જેવું હોવું જોઈએ. રાજ્યે ઉદ્યોગો, ધર્મ, સંસ્થાનો, કલ્યાણ-કાયદા, જાહેર આરોગ્ય, શિક્ષણ, ટંકશાળ, ટપાલ, દીવાદાંડી જેવાં કાર્યોમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહિ.

સ્પેન્સરે વ્યક્તિ અને રાજ્યની કામગીરીનો મેળ બેસાડવા રાજ્યને દૈહિક એકમ ગણી આંગિક દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. વ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંબંધ સમજાવવાને બદલે તેઓ બંને વચ્ચેનાં સમાંતર અને સામ્ય ધરાવતાં લક્ષણો રજૂ કરે છે. રાજ્યને તેઓ દેહ-સ્વરૂપ અને વ્યક્તિઓને અંગ-સ્વરૂપ કલ્પે છે. વ્યક્તિઓને અંગ-સ્વરૂપ કલ્પીને તે આંગિક સિદ્ધાંત વિકસાવતી વ્યક્તિઓને રાજ્યનાં અંગો જેવી માની લે છે. આથી વ્યક્તિનાં હિત અને રાજ્યનાં હિત વચ્ચે તેમના મતે કોઈ સંઘર્ષ ન હોવો જોઈએ. અહીં તેઓ રાજ્યમાં જ સઘળું સમાઈ જાય છે તેવા ખ્યાલને ટેકો આપી હેગલની નજીક પહોંચી જાય છે. તેમનો આંગિક સિદ્ધાંત મોટી થાપ ખાઈ જાય છે અને તે વ્યક્તિવાદને બદલે રાજ્યસત્તા અને કેન્દ્રીકરણની વિચારસરણીને સમર્થન પૂરું પાડે છે. તેમના મૂળભૂત વ્યક્તિવાદી દૃષ્ટિકોણ સાથે આ તાર્કિક દલીલો અસંગત બની જાય છે. તેમના આ વિચારો ભારોભાર વિરોધાભાસથી ભરેલા છે. ‘આમાંથી જ સ્પેન્ગલરની નાઝીવાદી ફિલસૂફી જન્મી છે’ – એમ હોલોવેલ માને છે. આરંભે વ્યક્તિવાદનું સમર્થન કરતા સ્પેન્સર અંતમાં આપખુદશાહી જન્માવતા વિચારોની નજીક પહોંચી જાય છે.

હસમુખ હ. પટેલ

મધુસૂદન બક્ષી

જયંતિ પટેલ