સ્પેમન, હાન્સ (Spemann, Hans) (. 27 જૂન 1869, સ્ટુટગાર્ટ, જર્મની; . 9 સપ્ટેમ્બર 1941, ફ્રેબર્ગ, જર્મની) : સન 1935ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા(physiology)ના નોબેલ પુરસ્કાર-વિજેતા. તેમને આ સન્માન તેમના ભ્રૂણ(પ્રાગર્ભ, embryo)ના વિકાસમાં વ્યવસ્થાકારક (organising) અસર નામની પ્રક્રિયા કાર્ય કરે છે તે દર્શાવવા માટે મળ્યું હતું.

તેમના પિતા પુસ્તક-પ્રકાશક હતા. તેમના તેઓ જ્યેષ્ઠ પુત્ર હતા. સન 1888 સુધી શાળામાં ભણ્યા અને તે પછી એક વર્ષ તેઓ પ્રકાશનના વ્યવસાયમાં પિતા સાથે જોડાયા. 1889–90નાં વર્ષો તેમણે સૈન્યસેવામાં ગાળ્યાં અને ફરીથી પુસ્તકોના છૂટક વેચાણક્ષેત્રમાં પ્રવેશ્યા. સન 1893–94માં તેમણે તબીબીવિદ્યાનો અભ્યાસ કર્યો.

હાન્સ સ્પેમન

1894–1908 વચ્ચે તેમણે પ્રાણીશાસ્ત્રની સંસ્થામાં કાર્ય કર્યું. શરૂઆતમાં તેમણે પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. સન 1908માં તેઓ પ્રાણીશાસ્ત્રના પ્રોફેસર, સન 1914માં કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બાયૉલૉજીમાં સહાયક નિયામક અને સન 1919માં પ્રાણીશાસ્ત્રના પ્રોફેસર બન્યા. તેઓ સતત પ્રાયોગિક પ્રાગર્ભવિદ્યા(ભ્રૂણવિદ્યા, embryology)માં કાર્ય કરતા રહ્યા. તેઓ સૂક્ષ્મ શસ્ત્રક્રિયાના નિષ્ણાત બન્યા. સન 1924માં તેમણે અને મેન્ગોલ્ડે ઉભયજીવી (amphibian) પ્રાણીઓના ભ્રૂણ(પ્રાગર્ભ)માં વ્યવસ્થાકારક વિસ્તારો (organizing areas) શોધી કાઢ્યા. તેમને વ્યવસ્થાકારક કેન્દ્ર (organizing centre) અથવા વ્યવસ્થાકારકો (organisers) કહ્યા. પ્રાગર્ભમાં જુદે જુદે ઠેકાણે આવેલાં વ્યવસ્થીકારક કેન્દ્ર જુદું જુદું કાર્ય કરે છે, જેમ કે પ્રાગર્ભના આગળના ભાગમાં તેઓ માથું બનાવે છે તો પાછળના ભાગમાં તેઓ પુચ્છ બનાવે છે. અગ્રસ્થ (આગળના) વ્યવસ્થીકારકને પાછળ સ્થાપિત કરવામાં આવે તો ત્યાં પણ તે માથું જ બનાવે છે. તેમના આ કાર્યથી આધુનિક પ્રાયોગિક સ્વરૂપજનનવિજ્ઞાન(science of experimental morphogenesis)નો પાયો નંખાયો.

શિલીન નં. શુક્લ