સભરવાલ, યોગેશ કુમાર (. 14 જાન્યુઆરી 1942) : ભારતના 36મા સર્વોચ્ચ ન્યાયાધીશ.

યોગેશ કુમાર સભરવાલ

1લી નવેમ્બર 2005થી 14 જાન્યુઆરી 2007 સુધી તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ ન્યાયાધીશના હોદ્દા પર રહ્યા. આ કાર્યકાળ દરમિયાન બંધારણીય બાબતોને સ્પર્શતા કેટલાક નોંધપાત્ર ચુકાદા તેમણે આપ્યા છે. ઑક્ટોબર, 2005માં બિહારના રાજ્યપાલ બુટાસિંઘની ભલામણના આધારે રાષ્ટ્રપ્રમુખે બિહાર વિધાનસભાનું વિસર્જન કર્યું હતું. આ અંગે થયેલા કેસમાં તેમણે વિધાનસભાના વિસર્જનને ગેરબંધારણીય ઠેરવેલું; પરંતુ આ નિર્ણયનું પુન:સ્થાપન મુશ્કેલ હોવાથી નવી ચૂંટણીઓ માન્ય રાખી હતી. 11 જાન્યુઆરી, 2007માં સભરવાલના વડપણ હેઠળ નવ ન્યાયાધીશોની એક બંધારણીય ખંડપીઠ રચાઈ હતી. આ ખંડપીઠે એક ઐતિહાસિક ચુકાદો આપીને બંધારણના નવમા પરિશિષ્ટ હેઠળના કાયદાઓથી જો નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો તેવા કાયદાઓને ન્યાયતંત્રની સમીક્ષાને પાત્ર બનાવ્યા. 1951માં નવમું પરિશિષ્ટ પ્રથમ બંધારણીય સુધારા તરીકે આમેજ થયું હતું. તદનુસાર તે હેઠળ મુકાતા કાયદા અદાલતી સમીક્ષાના સંદર્ભે પડકારી શકાતા નહોતા. મુખ્યત્વે આ કાયદાઓ અનામત ક્વોટાને લગતા હતા; જેમાં 280 કાયદાઓ છે. તેમાં તામિલનાડુ સરકારનો એક કાયદો 69 ટકા અનામત અંગેનો છે. ઉપર્યુક્ત ચુકાદાને કારણે નવમા પરિશિષ્ટમાં મુકાતા કાયદાઓની ન્યાયિક સમીક્ષા સભરવાલના ચુકાદાને કારણે શક્ય બની છે.

નિવૃત્તિ બાદ ઑગસ્ટ-સપ્ટેમ્બર 2007માં તેમની ઉપર ભ્રષ્ટાચારના ખોટા આરોપ ઇલેક્ટ્રૉનિક મીડિયા દ્વારા મુકાયેલા. આ અંગે દિલ્હીની વડી અદાલતમાં કેસ ચાલ્યો અને અદાલતે ઇલેક્ટ્રૉનિક મીડિયાના જવાબદાર ખબરપત્રીઓને સજા કરી સભરવાલને નિર્દોષ જાહેર કર્યા હતા.

રક્ષા મ. વ્યાસ