સભા અને સમિતિ 1 : ધર્મ, રાજ્ય, સમાજ, ન્યાય વગેરેનું માર્ગદર્શન કરનારી વિદ્વાનોની મંડળી. વેદમાં સભા, સમિતિ અને વિદથ નામની સંસ્થાઓના ઉલ્લેખ મળે છે. વિદથનો સંબંધ વિદ્યા, જ્ઞાન અને યજ્ઞ સાથે છે. તે સાર્વજનિક સંસ્થા છે. તેમાં જ્ઞાનગોષ્ઠિ, વાદવિવાદ અને વિચાર-વિનિમયને સ્થાન હતું, જ્યારે સભા અને સમિતિને રાજ્યશાસન સાથે સંબંધ છે.

રાજ્યમાં સુચારુ શાસન કરે તે માટે રાજનૈતિક સિદ્ધાંતો અને તેના વ્યાવહારિક અધ્યયન અને નિયમન માટે સભા અને સમિતિનો વિકાસ થયો હતો. વૈદિક રાજનૈતિક સંસ્થાઓમાં સભા મુખ્ય છે. તેને એક રાષ્ટ્રીય સંસ્થા કહી શકાય. સભામાં સભ્ય બનવું મુશ્કેલ ગણાતું હતું. આ માટે સભાસદે યજ્ઞ કે લોકોપકારી કાર્ય કરી યશસ્વી બનવું પડતું હતું ને ભદ્રવાણી બોલનાર, વર્ચસ્વી અને જ્ઞાની હોય તે જરૂરી હતું. (ઋ.વે. 10-71-10; 6-28.6; 3-13-7). સભાના સભ્ય બનવામાં વર્ણ, રંગ – વાન, આકૃતિ વગેરે મહત્ત્વનાં ન હતાં. કોઈ પણ વ્યક્તિ ‘सभेय’ બનવા લાયક હતો. (ઋ.વે. 3-13-7).

સભામાં સભ્ય સ્વતંત્ર રીતે પોતાનો મત દર્શાવી શકતો હતો. (અથર્વવેદ 3-13-3). સભાપતિનું પદ અતિ મહત્ત્વનું અને પ્રતિષ્ઠિત ગણાતું હતું. (યજુ. 24-16). સભાની બધી બેઠકો સભાપતિની અધ્યક્ષતામાં મળતી હતી. સભાનું મુખ્ય કામ વિવાદપૂર્ણ વિષયો ઉપર વિચાર કરીને સમુચિત નિર્ણય કરવાનું હતું. યજુર્વેદના એક મંત્ર પ્રમાણે મનુષ્ય ધર્મનિર્ણય કે ન્યાય મેળવવા સભામાં આવી શકતો હતો. (યજુ. 18-30). સભાનો સભ્ય બીજાના અધિકાર ઉપર આક્રમણ કરનારની વિરુદ્ધ નિર્ણય આપી શકતો હતો. આમ, સભા એક ન્યાયાલયનું સ્વરૂપ પણ હતું. તેનું મુખ્ય કાર્ય ધર્મનિર્ણય કે ન્યાય આપવાનું હતું.

અથર્વવેદ (7-12.3-4) ઉપરથી સભાની કામ કરવાની પદ્ધતિનો ખ્યાલ આવી શકે છે. વાદી પોતાના વાદને સભાની સમક્ષ રજૂ કરવા પ્રાર્થના કરતો હતો કે ‘પિતા પુત્રનું રક્ષણ કરે તેમ સભા (તેના સભ્યશ્રીઓ) તેનું રક્ષણ કરે’. અહીં સભાના સભ્યો માટે સર્વસંમતિ મેળવવા પ્રાર્થના કરવામાં આવી છે. (અથર્વ. 7-12-2). આ ઉપરથી સમજાય છે કે સભામાં નિર્ણય સર્વસંમતિથી થાય એવું ઇચ્છાતું. સભાની કાર્યવહી ઉપર સભાપતિનું નિયંત્રણ રહેતું હતું. તેના ચોક્કસ નિયમો દ્વારા સભાપતિનું અનુશાસન રહેતું હતું.

યજુર્વેદમાં યજમાને ‘सभेय: पुत्र:’ પ્રાપ્ત થાય તેવા આશિષ અપાયા છે. તો કદી સભાના સભ્યો અને સભાપતિમાં રુદ્રનાં દર્શન કરવામાં આવ્યાં છે.

ધર્મશાસ્ત્રોમાં व्यवहारनिर्णय કરવા માટે સભાનું મહત્ત્વ દર્શાવાયું છે. રાજા કે ધર્માધ્યક્ષ સમક્ષ પ્રથમ મૌખિક પછી લેખિત ફરિયાદ થતી. આરોપીને જરૂર પડ્યે બોલાવાતો. ફરિયાદીની સમક્ષ આરોપીના ઉત્તરના આધારે પ્રમાણો તપાસી નિર્ણય લેવાતો હતો. આમાં સભાસદ અને બ્રાહ્મણ સહાયભૂત થતા હતા.

મહાભારતના સભાપર્વમાં દ્રૌપદીના પ્રશ્ન પરત્વે સભાસદનો ધર્મ બતાવતાં કહ્યું છે કે ‘સભામાં ન જવું કે અથવા જવું તો અસમંજસ ન બોલવું, અન્યથા અપરાધીના ચોથા ભાગના પાપનો તે ભાગીદાર થાય છે.’ સ્મૃતિગ્રંથોમાં પણ સભાસદના આવા ધર્મો બતાવાયા છે. સભાનું સ્વરૂપ ન્યાયાલયમાં વાદવિવાદ જોનારા-સાંભળનારા સભ્યો માત્રનું છે.

આજની લોકસભા કે મુઘલ સમયની દીવાને આમ જેવું સભાનું સ્વરૂપ જણાય છે. સભાનું સ્થાન લોકશાહીમાં લોકસભા સમું છે.

‘सभा’ શબ્દની વિભાવના ‘सह भाति’ એવી વ્યુત્પત્તિ ઉપરથી સ્પષ્ટ થાય છે. બધા જ સભ્યો સભાસદ તરીકે સમાન અધિકાર ધરાવે છે. સમિતિ સભાથી ભિન્ન હતી. અથર્વવેદમાં સભા અને સમિતિને જોડિયા બહેનો અને પ્રજાપતિની દીકરીઓ કહી છે. (અથર્વ. 7-12-1). વૈદિક ઋષિઓએ સમિતિને ખાસ મહત્ત્વપૂર્ણ અને સક્રિય ઉપયોગી સંસ્થા ગણી છે (ઋગ્વેદ 6-12-10; 6-75-9). સમિતિના અભાવે કે તેની નિષ્ક્રિયતાથી લોકોમાં ભારે અનર્થ સર્જાતો હતો. અથર્વવેદમાં કહ્યું છે કે, રાષ્ટ્રમાં જ્યાં બ્રહ્મહત્યા થાય છે ત્યાં સમિતિ કામ કરતી નથી.

સમિતિ એ આર્યોની એક સાર્વજનિક સંસ્થા હતી. તેમાં રાજ્યના લગભગ બધા વયસ્ક નિવાસીઓ ભેગા થઈ સાર્વજનિક જીવનવિષયક સમસ્યાઓનું સમાધાન શોધતા હતા.

સભા અને સમિતિ વચ્ચે મહત્ત્વનો એટલો ભેદ હતો કે સભાના સભ્યમાં વિશિષ્ટ ગુણ અપેક્ષિત હતા, જ્યારે સમિતિના સભ્ય માટે તેવી કોઈ મર્યાદા ન હતી. રાષ્ટ્રના બધા જ લોકો તેમાં બેસી શકતા હતા અને ભાગ લઈ શકતા હતા.

ઋ. 10-19-13માં समानो मन्त्र​: समिति: समानी समानं चित्तमेषाम વગેરેમાં પ્રાર્થના કરવામાં આવી છે તેમ, ‘સમિતિના બધા સભ્યો એકમત હો. બધાંનો મંત્ર-વિચાર-નિર્ણય એક હો. બધાંનાં ચિત્ત એક હો.’

સાર્વજનિક સમસ્યાઓ સાર્વજનિક સાથે સંકળાયેલી હોય છે. આવી સમસ્યાઓનું સમાધાન સમિતિ દ્વારા સધાતું હતું. સમિતિમાં આ બાબતે ગંભીર ચર્ચા થતી હતી. તેના સમાધાન માટે વાદવિવાદ પણ થતા હતા. આ પછી જ જે તે બાબત વિશે અંતિમ નિર્ણય કરવામાં આવતો હતો.

સંભવત: રાજાનું વરણ આવી સમિતિ દ્વારા કરવામાં આવતું હતું. વેદોમાં કાઢી મૂકેલા રાજાના રાજ્યમાં પુન:સ્થાપનનો અધિકાર સમિતિને રહેતો હતો. આમ સમિતિને હસ્તક સર્વસત્તા રહેતી હતી. આ ઉપરાંત સમિતિનું મુખ્ય કામ રાજ્યની નીતિ નિશ્ચિત કરવાનું હતું. રાષ્ટ્રના લોકોના કલ્યાણ માટે પ્રસ્તુત થતી યોજનાઓ ઉપર ચર્ચાવિચારણા કરી તેનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો અધિકાર સમિતિને હસ્તક હતો.

સમિતિનું મૂળ स + मन्માં હોવાથી ‘સાથે વિચારણા કરવી’ એવી વિભાવના તેના મૂળમાં છે. મંત્રીમંડળની વ્યવસ્થા સમિતિ પ્રકારની ગણી શકાય. પાણિનિ અનુસાર सम् इच् आधारे क्तिन् અનુસાર ‘સમિતિ’ શબ્દ બન્યો છે.

સભાનું કદ સમિતિ કરતાં નાનું છે. સમિતિમાં કૅબિનેટની માફક મંત્રીઓને સ્થાન મળે એ જરૂરી મનાતું હતું. લોકહિતમાં સાર્વજનિક કાર્યોનાં આયોજનને પૂર્ણ સ્વરૂપ આપવાનું કામ આ સભ્યો કરતા હતા.

અથર્વવેદ 7-12 સૂક્તના ચાર મંત્રોના વિવેચનમાં પં. સાતવલેકરજી સભાને ગ્રામસભા કહે છે. તે પ્રજાપતિની પુત્રી (दुहिता) છે. दूरे हिता (નિરુ. 3-1-4) અનુસાર રાજા તેનો જનક છે. તેના ઉપર ધર્મપત્નીવત્ રાજાનો અધિકાર નથી. અર્થાત્ રાજા તેમના ઉપર પોતાનો અભિપ્રાય લાદી શકતો નથી. સભાસદોને ‘पितर:’ કહ્યા હોવાથી તેઓ રાજાના રક્ષક છે, રાજા તેમની પાસે માર્ગદર્શન મેળવે (उपशिक्षात्). સભાસદો સાથે રાજાએ સુમેળથી (संगतम्) રહેવું ઘટે. આ સભા नरिष्टा છે. नरिष्टा એટલે સભાસદો માટે ઇષ્ટ (नरै: इष्टा) છે. તેમાં હિંસાને સ્થાન નથી (न रिष्टा). રાજા અને સભાસદો પરસ્પર સમતાથી વર્તે. રાજા સભાસદોના વિશેષ જ્ઞાનનો લાભ લે તે અપેક્ષિત હતું. સભાસદો રાજાથી દૂર ન જાય. તેમનું મન અન્યત્ર ન વળે તે જોવાની ફરજ રાજાની રહેતી. જો એમ થાય તો તેમનું મન પાછું પોતાનામાં કેન્દ્રિત કરવાની તેની જવાબદારી હતી. (અથર્વવેદ 7-12-4). પં. સાતવલેકરજી સભાને ગ્રામસભા કહે છે. ગામના લોકો તેમને ચૂંટે છે. સભા લોકોના આરોગ્ય, ન્યાય, શિક્ષણ, ઉદ્યોગ વગેરે ગામના વિકાસને સ્પર્શતી બાબતોમાં સમુચિત નિર્ણય લે અને સાર્વજનિક હિત સાધે તે જરૂરી હતું.

ધર્મશાસ્ત્રના વ્યવહાર-પ્રકરણોમાં સભાને ન્યાયતંત્ર સાથે સાંકળવામાં આવતી હતી. જ્યાં વેદવિદ્યાપારંગત ત્રણ બ્રાહ્મણો રાજા દ્વારા નિયુક્ત થઈને બેસે છે તેને સભા કહે છે. મનુ તેમની લાયકાત વિશે કહે છે તેમ ત્રૈવિદ્ય, તર્કશીલ, નિરુક્તિના જ્ઞાતા, ધર્મપાઠક વિપ્રો 3થી 10ની સંખ્યામાં નિયુક્ત થતા હતા. આવું પૂર્વાભિમુખ સભાગૃહ દુર્ગમધ્યે બનાવવામાં આવતું હતું. કાત્યાયનના મતે ધર્મશાસ્ત્ર અનુસાર અર્થશાસ્ત્રનું વિવેચન આવા બ્રાહ્મણોએ કરી આપવાનું રહેતું હતું. મનુએ કહ્યું છે કે રાજાએ લોકોની ફરિયાદોનો નિકાલ લાવવા સભાગૃહમાં બ્રાહ્મણો અને મંત્રીઓ સાથે જવું. સભાસદો નિષ્પક્ષ હોય તે જરૂરી હતું. તેઓ બહુશ્રુત, અધ્યયન-સંપન્ન, ધર્મજ્ઞ અને સત્યવાદી હોય તે અપેક્ષિત હતું. આવી સભામાં સાત, પાંચ કે ત્રણ બ્રાહ્મણોને રાજા નિયુક્ત કરે. આવી સભા યજ્ઞ જેવી પવિત્ર ગણાતી હતી. યાજ્ઞવલ્ક્ય ચાર બ્રાહ્મણને સભામાં નિયુક્ત કરવા જણાવે છે. નારદ ગુણિયલ અને સદાચારી લોકોને નિયુક્ત કરવા કહે છે. સભાસદોએ પોતાનો અભિપ્રાય સ્પષ્ટપણે દર્શાવવાનો રહેતો હતો. આમ, સભા કૌરવસભાનું દ્રૌપદીના પ્રશ્ન પરત્વે વલણ જોતા આદર્શ કરતાં વ્યવહારમાં પરિસ્થિતિ જુદી જ રહેતી હતી. प्रियादपि हितं वदेत्ને બદલે हितादपि प्रियं वदेत्ને અનુસરી હિતના ભોગે સભાપતિ કે રાજા ગમે તેમ વર્તતા હતા. ભારવિએ આથી જ કહ્યું છે કે हितं मनोहारि च दुर्लभं वच: । હિતકારી અને મનોહર (પ્રિય) વચન મળવું મુશ્કેલ છે.

દશરથલાલ વેદિયા