સબુજ સાહિત્ય : વીસમી સદીમાં કટકની રેવેન્સા કૉલેજના તરુણ ધીમાન વિદ્યાર્થી અન્નદાશંકરની નેતાગીરીમાં બીજા ચાર સહપાઠી યુવાન સાહિત્યકારોએ ભેગા મળીને રચેલા સબુજદળ નામના સાહિત્યિક વર્તુળનું સાહિત્ય. સબુજ યુગનો આવિર્ભાવ પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછીની ઘટના છે. ઈ. સ. 1921માં સત્યવાદી દળના કવિ કરતાં ઉંમરમાં નાના તરુણ કવિઓ-લેખકોનો અભ્યુદય થયો. આ સાહિત્યિક દળ વીસમી સદીમાં ‘સબુજદળ’ના નામથી જાણીતું બન્યું. સબુજદળના લેખકો છે અન્નદાશંકર, વૈકુંઠનાથ, કાલિન્દીચરણ, શરતચન્દ્ર મુખર્જી અને છેલ્લે તેમાં ભળ્યા હરિહર મહાપાત્ર. આ દળના નેતા હતા અન્નદાશંકર. પણ પછી તેઓ આઇ. સી. એસ. પરીક્ષામાં ભારતમાં પહેલા આવ્યા અને બંગાળ જતા રહ્યા; પણ જતાં પહેલાં એમણે જેટલું લખ્યું તેનું સાહિત્યિક મૂલ્ય આ બધા લેખકોમાં સર્વોચ્ચ હતું. આ લોકોએ સાથે મળીને લખેલું સાહિત્ય સબુજ સાહિત્ય નામે જાણીતું છે.

પ્રથમ વિશ્વયુદ્ધની વિભીષિકામાં વિશ્વનો માનવસમાજ અને માનવ-જીવનની પરિસ્થિતિ વિકટ બન્યાં. આ યુદ્ધના અગ્નિકુંડમાંથી નવી વિચારધારા જન્મી. પ્રાચીન રહેણીકરણી બદલાઈ, માનવજીવનનાં સુખશાંતિની શોધના સંદર્ભમાં પૃથ્વીનો પરિવેશ સાંકડો લાગ્યો. એટલે કવિઓએ નૂતનયુગની શોધમાં પોતાનો આગવો કલ્પનાલોક રચ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિજ્ઞાનની અભૂતપૂર્વ પ્રગતિથી માનવસમાજ વિસ્મિત બન્યો. પરિણામે ઈશ્વર પ્રત્યેના વિશ્વાસે જુદું રૂપ ધારણ કર્યું. સબુજદળનો કવિગણ આ નૂતન યુગનો વાહક, માનવધર્મી બન્યો. તેઓ વ્યક્તિ-સર્વસ્વવાદી અને વસ્તુવાદી સમાજના સર્વશ્રેષ્ઠ ઉદ્ગાતા હતા. વિશ્વ-ઐક્યની ભાવનાથી અનુપ્રાણિત બની અતીતનાં અન્યાય, અવિચાર અને સંરક્ષણાત્મક નીતિરીતિ વિરુદ્ધ તેમણે વિદ્રોહ જાહેર કર્યો. ઊડિયા સાહિત્યમાં સબુજદળની આ વાણી વિપ્લવનું આહ્વાન હતું.

પડોશી રાજ્ય બંગાળના રવીન્દ્રનાથ ટાગોર આ દળના પ્રેરણાસ્રોત હતા. ઈ. સ. 1913માં રવીન્દ્રનાથને વિશ્વકવિનું ગૌરવ મળ્યું હતું. રવીન્દ્રનાથની ‘સબુજ પત્ર’ના આદર્શથી રંગાઈને આ તરુણ કવિદળે સ્વતંત્ર સાહિત્યધારાની શરૂઆત કરી.

આ તરુણકવિગણે જીવનને સુંદર બનાવવા માટે એક નૂતન સમાજજીવનનાં સ્વપ્ન અને સંભાવનાને કવિતાના સ્વરૂપમાં રૂપાયિત કરી હતી. સબુજદળનું ધ્યેય ગણચેતના-અભિમુખી અને સંપૂર્ણપણે આત્મજાગૃતિનું હતું. આ દેશના શ્રમજીવી, ખેડૂત-મજૂરોના દુ:ખમાં સમદુ:ખી બની એ લોકોએ કવિતા રચી, ગીત-કાવ્યો, નાટક, નવલકથા, ટૂંકી વાર્તા, ચર્ચાસાહિત્ય સાહિત્યના દરેક ક્ષેત્રમાં સબુજ-યુગીય નવીનીકરણના પદધ્વનિ સંભળાયા હતા. ટૂંકી વાર્તામાં એક નવી શૈલી તેમની કલમ વડે પ્રકટ થઈ હતી. નારી-સ્વાતંત્ર્યનો ઝંડો આ લોકોએ સૌથી પહેલો ફરકાવ્યો હતો. નવલેખકોના સંયુક્ત ઉદ્યમથી રચાયેલી ‘વાસન્તી’ નવલકથા આ દળનો એક નવો પ્રયોગ હતો. આ લોકોની કેટલીક કવિતા સૌપ્રથમ 1931માં ‘સબુજ કવિતા’ નામે સંકલિત અને પ્રકાશિત થઈ હતી. ‘સબુજ સમિતિ’ નામક એક સાંસ્કૃતિક સંગઠન આ લોકોએ સ્થાપ્યું હતું અને એના મુખપત્ર તરીકે ‘યુગવીણા’ નામનું એક માસિક પ્રકાશિત કર્યું હતું. આ કવિગણને ‘સબુજ કવિ’ અને એ લોકોની રચનાને ‘સબુજ સાહિત્ય’ કહેવાયું. ‘સબુજ કવિતા’માં કાવ્યરચનાઓની પસંદગી યોગ્ય નથી. કાવ્યરચનાઓ અનવદ્ય લાગતી નથી અને તેમાં કોઈ રાજનૈતિક કે સામાજિક સંદેશ પણ મળતો નથી. ઓરિસામાં આ પુસ્તક લોકપ્રિય બન્યું નહિ, એટલે જ 3040 વર્ષ થયાં પણ એની બીજી આવૃત્તિ પ્રગટ થઈ શકી નથી.

વળી સબુજદળના મૂળમાં ઊડિયા સંસ્કૃતિ કે જાતિભાવના જરી પણ દેખાતી ન હતી. તેનો સૌથી મોટો પ્રતીકાત્મક પુરાવો તે આ ગ્રંથ. ‘મહાનદી’ નામનો ઉલ્લેખ એક જ વાર થયો છે તે સિવાય આખા સંગ્રહમાં ઉત્કલ દેશની પ્રકૃતિનો સ્પર્શ ક્યાંય પણ નથી. આ સબુજમિત્રોએ કોઈ જાણે લઘુતાગ્રંથિની પીડાઈને કેવળ પરી, મેઘ, વૃક્ષ, લતા વગેરેનું વર્ણન કર્યું હતું. ત્યાં સુધી કે કાલિન્દીચરણનું ‘પુરીમંદિર’ પણ એટલું અસ્પષ્ટ છે કે તે ગમે તે ધર્મ કે પીઠનું વર્ણન સમજી શકાય. કાલિન્દીચરણની રચના છંદદોષથી યુક્ત પણ છે.

ઉપર્યુક્ત દોષ છતાં, એક વાત તો સ્વીકારવી જ પડે કે સબુજની સાહિત્યસાધનાએ તે વખતના અને તે પછીના લેખકોને પ્રેરણા આપી હતી. આ લોકોની મહેનતથી ઊડિયા સાહિત્યની ક્ષીણ ધારા વેગવંતી બની હતી. સાહિત્ય બહુમુખી બન્યું હતું. રચનાઓની મૂળ પ્રેરણા માનવતા હતી. દેશ-જાતિની ચિંતાના કારણે આ સાહિત્ય આદર પામ્યું. ઇતિહાસ અને વાસ્તવિકતાના મધુર સ્પર્શથી એમની રચનાઓને લોકોએ સ્વીકારી.

પણ આ ધારા સાહિત્યમાં વધારે વખત ચાલી નહિ. 1935માં નવી સામ્યવાદી વિચારધારાના કારણે તે અટકી પડી. સબુજધારાના ઘણા કવિઓ 1935 પહેલાં સબુજના જીર્ણ રંગમંચ પરથી વિદાય થયા; પણ એમાંથી બે જ લેખક રહ્યા : કાલિન્દીચરણ અને વૈકુંઠનાથ. 1935 પછી પણ આ બંનેની કલમ આ દેશના સાહિત્યને સમૃદ્ધ કરતી હતી.

કાલિન્દીચરણ પાણિગ્રહી (1901-1991) : સબુજદળના સાહિત્યકારોમાં કાલિન્દીચરણ એક શક્તિશાળી પ્રતિભાવાન કવિ હતા. પુરી જિલ્લાના વિશ્વનાથપુરમાં એમનો જન્મ થયો હતો. બાળપણથી તેઓ સાહિત્યપ્રેમી હતા. નિશાળમાં હતા, ભણતા હતા ત્યારે ‘છાત્રદર્પણ’ નામે એક હસ્તલિખિત પત્રિકા પ્રકાશિત કરી હતી. કૉલેજકાળમાં સબુજદળના મુખપત્ર ‘યુગવીણા’માં તેમની રચના પ્રકાશિત થતી. હિન્દી સાહિત્યના પ્રખ્યાત નવલકથાકાર ‘પ્રેમચંદ’ સંપાદિત ‘હંસ’ માસિકના તેઓ સહસંપાદક હતા. તેઓ એકીસાથે કવિ, નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાલેખક અને નિબંધકાર હતા. બાળસાહિત્યમાં પણ તેઓ સિદ્ધહસ્ત હતા. કાલિન્દીચરણની કવિ તરીકેની પ્રતિભાનાં દર્શન ‘સબુજ કવિતા’માં સૌપ્રથમ થયાં હતાં. એમની ‘માટિર મણિસ’ નવલકથાએ તેમને ભારતભરમાં પ્રખ્યાત કર્યા. તેમણે ‘લુહાર મણિસ’, ‘આજીર મણિસ’, ‘મુક્તાગડર ક્ષુધા’, ‘અમરચિતા’ વગેરે અનેક નવલકથાઓ લખી છે. ટૂંકી વાર્તામાં ‘રાશિફળ’, ‘શેષ રશ્મિ’, ‘સાગરિકા’, ‘દ્વાદશી’, ‘મોક થાટી’, ‘સરી નાહિ’ વગેરેનો ઉલ્લેખ કરી શકાય. કાવ્યસંગ્રહોમાં ‘મને નાહિ’, ‘મહાદીપ’, ‘ક્ષણિક સત્ય’, ‘છૂટ્ટીટીએ લોડા’, ‘મોકળિતા’ વગેરે પ્રસિદ્ધ છે. તેમની નવલકથા ‘માટિર મણિસ’ તેમની વાર્તાઓ અને કવિતા પર છવાઈ ગઈ છે. તેઓ સારા નાટ્યકાર, નિબંધકાર અને વિવેચક પણ છે. એમનાં ‘પ્રિયદર્શી’, ‘સૌમ્યા’, ‘પદ્મિની’ વગેરે નાટકોએ વાચકોને ઘેલું લગાડ્યું હતું. નિબંધમાં ‘સાહિત્ય સમાચાર’, ‘સાહિત્યિકા’, ‘નેતૃત્વ ઓ નેતૃત્વ’ વગેરે પ્રખ્યાત છે. ‘ભક્તકવિ મધુસૂદન’ અને ‘કર્મયોગી ગૌરીશંકર’ તેમનાં અમૂલ્ય જીવનચરિત્રો છે. ‘જાહા અંગે નિમાઈ છિ’ તેમનું ખૂબ વંચાયેલું આત્મકથાનું પુસ્તક છે. આમ તેઓ આ યુગના પ્રતિષ્ઠિત નવલકથાકાર અને કવિ છે.

શરતચન્દ્ર મુખર્જી (1902) : સબુજયુગના એક સહયોગી લેખક તરીકે સબુજ કવિતાગ્રંથમાં એમની કેટલીક કાવ્યરચનાઓ પ્રકાશિત થઈ હતી. એ રચનાઓએ સબુજધારાને પોષી છે. ‘પંચ પુષ્પ’ તેમનો કાવ્યસંગ્રહ છે.

અન્નદાશંકર રાય (1904-2002) : ‘સબુજદળ’ના પ્રતિભાશાળી લેખક અન્નદાશંકરે માત્ર થોડી કવિતા અને નિબંધો લખ્યાં છે અને તે વખણાયાં છે. મુક્તિનું સંગીત ગાવામાં, પ્રલયની પ્રેરણા જગાડવામાં, પ્રચલિત સમાજ વિરુદ્ધ વિદ્રોહ જગાડવામાં અન્નદાશંકરની અલૌકિક ભાષા અને છંદની માદકતા પ્રગટ થઈ છે, જે લોકોનું મન મોહી લે છે. ‘સબુજ અક્ષર’ ઊડિયામાં પ્રગટ થયેલો તેમનો ગદ્ય અને પદ્ય- સંગ્રહ છે. ‘સબુજ કવિતા’ના બીજા લેખકોની રચનાઓમાં જે સંપૂર્ણતા જોવા નથી મળતી તે અન્નદાશંકરની કેટલીક રચનાઓમાં જોવા મળે છે.

વૈકુંઠનાથ પટ્ટનાયક (1904-1979) : સબુજધારાના લેખકોમાં એક વિશિષ્ટ કવિ રૂપે વૈકુંઠનાથે પ્રતિષ્ઠા મેળવી છે. તરુણવયમાં તેમની કવિતામાં એવી ભાવોષ્મા અને સંગીત હતાં કે અંગ્રેજ કવિ શેલીની યાદ આવી જાય. પણ પાછળથી તેવી ભાવોષ્મા ચાલી ગઈ. ‘સબુજ કવિતા’માંની તેમની રચનાઓ એકદમ અસ્પષ્ટ હતી. તેમની તરુણાવસ્થાની કવિતા વાંચવી ગમે પણ તેમાં મેસેજ ક્યાં છે તે સહેલાઈથી સમજાય નહિ. પાછળથી વૈકુંઠનાથ અને કાલિન્દીચરણ – બંનેએ પોતાની રચનાનો બૌદ્ધિક સ્તર સુધારવાનો પ્રયત્ન કર્યો હતો. પછી કવિ વૈકુંઠનાથે પોતાના સંતાનના મૃત્યુથી દુ:ખી થઈ ચાલીસ સૉનેટ લખ્યાં. ‘મૃત્તિકાદર્શન’ નામનો તે સંગ્રહ તેમની સર્વશ્રેષ્ઠ કૃતિ ગણાય છે. એ સિવાય ‘કાવ્યસંચયન’ અને ‘ઉત્તરાયણ’ તેમના બીજા કાવ્યસંગ્રહો છે. ‘ઉત્તરાયણ’ માટે તેમને 1965ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે.

હરિહર મહાપાત્ર (1904-1991) : ‘સબુજ કવિતા’માંથી હરિહરનો કવિ તરીકેનો પરિચય મળે છે. ગણીગાંઠી કવિતા રચી સબુજ કવિતાના ક્ષેત્રમાં તેમણે ગૌરવ મેળવ્યું છે; પણ એ કાવ્યોમાં ભાવની અનુભૂતિ, રસ અને છંદની માદકતા જોવા મળે છે.

રેણુકા શ્રીરામ સોની