સુન્નામી અમીદ (જન્મ : 1204) : દિલ્હી સલ્તનતના સુલતાન નાસિરૂદ્દીન મેહમૂદ (1246-1265) અને સુલતાન ગ્યાસુદ્દીન બલ્બન(1266-1287)ના સમકાલીન ફારસી કવિ. તેમનું વતન ઉત્તર હિન્દના એક સ્થળ સુન્નામને બતાવવામાં આવે છે. વતન અથવા જન્મસ્થળ ઉપરથી તે સુન્નામી અને તેમના વડવાઓ ઈરાનના ગીલાન પ્રાંતના એક ગામ લૂયકથી સ્થળાંતર કરીને હિન્દ આવ્યા હતા તેથી તેઓ લૂયકી પણ કહેવાય છે. તેઓ સુલતાન નાસિરૂદ્દીનના સમયમાં સમગ્ર રાજ્યના મુસ્તવફી અને સુલતાન બલ્બનના સમયમાં મુશર્રફ હતા. આ નામના પદાધિકારીઓ રાજ્યના ઑડિટર તથા એકાઉન્ટન્ટ ગણાતા હતા. અમીદે બહુ પ્રામાણિકતાથી પોતાની ફરજો બજાવી હતી અને તે કારણે તેમને સહન પણ કરવું પડ્યું હતું. અમીદ સુન્નામી ફારસી ભાષાના ઉચ્ચ કોટિના કસીદા(પ્રશસ્તિકાવ્ય)-કવિ હતા. તેમણે સુલતાન નાસિરૂદ્દીન મેહમૂદ, અમીર તાજુદ્દીન સન્જર અને સુલતાન બલ્બનની પ્રશંસામાં જે કાવ્યો લખ્યાં છે તે કાવ્યકલામાં તેમની નિપુણતાની સાક્ષી પૂરે છે. તેમણે પોતાનાં કાવ્યોમાં નાખુન, કરતી અને આહૂ જેવા તદ્દન અપ્રચલિત પ્રાસોનો ઉપયોગ કરીને નવીન અર્થો તારવ્યા છે. આ પ્રકારની કવિતા તેમની ઉત્તમ કલ્પનાશક્તિની પ્રતીતિ કરાવે છે. તેઓ પોતાની કવિતામાં નવા નવા શબ્દપ્રયોગો માટે પણ જાણીતા છે. સુલતાન બલ્બનના સમયમાં અમીદને કોઈ કારણસર કેદ કરવામાં આવ્યા ત્યારે તેમણે સુલતાનને સંબોધીને બહુ પ્રભાવી શૈલીમાં બંદીખાનામાંથી કાવ્યો લખીને વિદ્વાનો પ્રત્યે આવું વર્તન નહિ રાખવાની શિખામણ આપી હતી. આ રીતે બંદીખાનામાં રહીને રચવામાં આવેલાં કાવ્યો ભાષા તથા વર્ણન ઉપરની તેમની પકડ, નવા વિષયો, નવા અંદાઝ અને ઉત્સાહથી ભરપૂર છે. તેમણે પોતાના કસીદાઓમાં ઈશ્વર-સ્તુતિ પણ અસરકારક અને સુંદર શૈલીમાં કરી છે. ફારસી કવિઓની જીવનચરિત્રાવલીઓના લેખકોએ મહદ્અંશે અમીદની મુક્ત કંઠે પ્રશંસા કરી છે અને તેમને ‘મલિકુલ કલામ’ તથા ‘ફખ્રુલ મુલ્ક’ જેવાં અલંકૃત ઉપનામોથી નવાજ્યા છે. અમીદે ફારસીના અનવરી અને મવલાના શિહાબ મેહમરા જેવા પુરોગામી કવિઓનું પણ અનુકરણ કર્યું હતું. અમીદે કસીદા-કાવ્યોની પ્રસ્તાવનામાં કોઈ વખત હમ્દ (ઈશ્વર-પ્રશંસા) તો કોઈ વખત ગઝલના સ્વરૂપમાં પણ સુંદર કાવ્યપંક્તિઓ રચી છે. તેમણે કટાક્ષકાવ્ય હઝલ અને તુલનાત્મક કાવ્ય મનાઝિરા પણ લખ્યાં છે. તેઓ પહેલા હિન્દુસ્તાની ફારસી કવિ છે જેમણે મનાઝિરા-કાવ્ય લખ્યાં હતાં. આ પ્રકારનાં તેમનાં કાવ્યોમાં તલવાર અને કલમ તથા ભાંગ અને શરાબ વચ્ચેના મુકાબલાનું રસપ્રદ વર્ણન જોવા મળે છે. અમીદને તેમની જિન્દગીમાં ખ્યાતિ મળી ન હતી તેથી કોઈએ તેમનાં કાવ્યોનો સંગ્રહ પણ તૈયાર કર્યો ન હતો. પાછળનાં તઝકિરા લેખકોએ તેમની કવિતા-કલાથી પ્રભાવિત થઈને તેમનાં ઉચ્ચ કોટિનાં કાવ્યોને પોતાના સંગ્રહોમાં સ્થાન આપીને સાચવ્યાં છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી