હૉબ્સ, થોમસ (જ. 5 એપ્રિલ 1588, વેસ્ટ પૉર્ટ, વિલ્ટશાયર, ઇંગ્લૅન્ડ; અ. 4 ડિસેમ્બર 1679, હાર્વીક હોલ, ડર્બિશાયર) : અંગ્રેજ તત્વચિંતક તથા રાજકીય સિદ્ધાંતકાર અને રાજ્યની ઉત્પત્તિના સામાજિક કરારના સિદ્ધાંતનો પાયાનો ચિંતક. દાર્શનિક ચિંતન અને નૈસર્ગિક વિજ્ઞાન વચ્ચેની આંતરક્રિયા થકી જગતનો ગાણિતિક યંત્રવાદી અભિગમ વિકસાવનારા જે ગણ્યાગાંઠ્યા ચિંતકો 17મી સદીમાં થઈ ગયા, તેમાં હૉબ્સ મોખરાનું સ્થાન ધરાવે છે. ડી. ડી. રાફેલના મત અનુસાર ‘જ્ઞાનના તત્વજ્ઞાનના ક્ષેત્રે ક્રાંતિ’નો આરંભ કરવાનું માન જેમ દ’ કાર્તેને ફાળે જાય છે તેમ નૈતિક અને રાજકીય તત્વજ્ઞાનના ક્ષેત્રે વિચારક્રાન્તિનો આરંભ કરવાનું માન હૉબ્સને ફાળે જાય છે.

તેમણે ચારની વયે શાળામાં અને 15ની વયે ઑક્સફર્ડમાં જવાની શરૂઆત કરી. ત્યાં તે મોટા ભાગનો સમય પ્રવાસવર્ણનનાં પુસ્તકો વાંચવામાં અને નકશાઓના અભ્યાસમાં વિતાવતા હતા. 20ની વયે 1608માં તેઓ સ્નાતક થયા. ટૂંકા સમયમાં જ તેઓ ડેવોનશાયરના ઉમરાવ વિલિયમ કેવેન્ડીશના ખાનગી શિક્ષક નિમાયા. તે પછી ક્રમશ: ઉમરાવ કુટુંબો સાથેના તેમના ખૂબ જ નજદીકના સંબંધો વિકસ્યા. વયમાં તેમનાથી થોડાક જ નાના આ વિદ્યાર્થી સાથે તેમણે ફ્રાંસ અને ઇટાલીનો પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાનના વાચનથી તેમને સમજાયું કે એરિસ્ટોટલનું ચિંતન જેનો તેમણે ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો હતો તેના કરતાં ગૅલિલિયો અને જ્હૉન કેપ્લર (જેણે ગ્રહોની ગતિના નિયમો સમજાવેલા) કંઈક જુદું જ સૂચવતા હતા.

થોમસ હૉબ્સ

આથી વિજ્ઞાનના ચિંતનમાં તેઓ ઊંડા ઊતર્યા. ઇંગ્લૅન્ડ પાછા ફરી તેમણે ‘થુસીડાઇસ’નો અનુવાદ કર્યો. એથી ઍથેન્સની લોકશાહી અને તેની સામે ઊભા થયેલા પડકારોને તેઓ સમજ્યા. આ જ વર્ષે તેમણે ફરી વિદેશપ્રવાસ કર્યો. તે દરમિયાન યુક્લિડના ‘ઍલિમૅન્ટ્સ’નો અભ્યાસ કર્યો, જે તેમના બૌદ્ધિક વિકાસનું સીમાચિહન બન્યું. (ડેવોનશાયર કુટુંબ સાથેની તેમની ઘનિષ્ઠતા મજબૂત બની હતી.) તેમાંથી તેઓ ભૂમિતિનો અને ત્યારબાદ વિજ્ઞાનનો અભ્યાસ કરવા પ્રેરાયા. આ અભ્યાસથી ગતિના સિદ્ધાંતો અંગેની દૃષ્ટિ અને સમજ – બંને વિકસ્યાં. આ અભ્યાસને આધારે વિકસેલી નવી દૃષ્ટિના પરિપાક રૂપે તેમની પ્રથમ ચિંતનાત્મક કૃતિ ‘અ શોર્ટ ટ્રૅક્ટ ઑન ફર્સ્ટ પ્રિન્સિપલ્સ’ પ્રકાશિત થઈ. આથી યુરોપના બુદ્ધિજીવીઓ સાથેના તેમના સંપર્કો વિસ્તર્યા અને ગાઢ બન્યા. ‘ગતિ’ના સિદ્ધાંતોએ તેમના મનોરાજ્યમાં જડ નાંખી. બૌદ્ધિક વર્તુળોમાં તેઓ તેમના મનોરાજ્યના નવા વિચારો ચર્ચતા. 1636માં ગૅલિલિયો સાથે પણ તેની ચર્ચા કરી. પરિણામે હૉબ્સની ચિંતનત્રિપુટીના ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા : (1) કન્સર્નિંગ બૉડી (1655); (2) કન્સર્નિંગ મૅન (1685) અને (3) કન્સર્નિંગ સિટિઝનશિપ (1642).

1637માં તેઓ ફ્રાંસથી ઇંગ્લૅન્ડ પાછા ફરે છે ત્યારે ઇંગ્લૅન્ડ આંતરવિગ્રહના આરે હતું. આ વેળા તેમણે તેમના અભ્યાસ અને વાસ્તવિક પરિસ્થિતિની સમજ રૂપે તેમણે શાસકો અને સત્તા – બંનેનો બચાવ કરતા વિચારો રજૂ કર્યા. તેમાં તેમણે જણાવ્યું કે સંપૂર્ણ અને અવિભાજિત સાર્વભૌમત્વનો સ્વીકાર કરીને જ શાંતિપૂર્વકનું વ્યવસ્થિત જીવન માનવસમૂહો જીવી શકે. આ જ વિચારો આગળ જતાં ‘લેવિયેથાન ઓર ધ મૅટર, ફૉર્મ ઍન્ડ ધ પાવર ઑવ્ ધ કૉમનવેલ્થ, એક્લેસ્ટિકલ ઍન્ડ સિવિલ’(1651)ની તેમની યશોદા કૃતિમાં પૂરી વિગતસભર વિચારણા સાથે પ્રકાશન પામ્યા. આ કૃતિએ તે યુગમાં ભારે ઊહાપોહ જન્માવ્યો. તેમાં કરાયેલું રાજાશાહીનું પરોક્ષ સમર્થન પ્રજાને માન્ય નહોતું. આથી હૉબ્સને દેશ છોડવો પડે તેવી સ્થિતિ પેદા થઈ. તેમણે પૅરિસમાં આશ્રય લીધો. ત્યારબાદ તેઓ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા પરંતુ તેમના વિચારોને કારણે તેઓ યુરોપના વિવાદાસ્પદ ચિંતક બની રહ્યા. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમને મહાન અંગ્રેજ રાજકીય ચિંતકોમાંના એક ચિંતક તરીકેની માન્યતા સાંપડી.

હૉબ્સનું ખરું અને ચિરસ્થાયી પ્રદાન તો સામાજિક સિદ્ધાંતના અને રાજકીય ચિંતનના ક્ષેત્રે છે. રાજ્યની સંપૂર્ણ અને અમર્યાદિત સાર્વભૌમ સત્તાની પૂર્ણ અને તર્કબદ્ધ રજૂઆત તેની શ્રેષ્ઠ કૃતિ ‘લેવિયાથન’માં જોવા મળે છે.

હૉબ્સના ચિંતનમાં જે નવું તત્વ છે તે માત્ર રાજ્યનો નિરકુંશ, એકહથ્થુ સત્તાવાદ નથી પણ જે પદ્ધતિઓ દ્વારા એ પોતાના સિદ્ધાંતને સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે, તે છે. ભૌતિકવિજ્ઞાનની પદ્ધતિ અને સંકલ્પનાઓનો સમાજવિદ્યાઓમાં ઉપયોગ કરનાર હૉબ્સ કદાચ પહેલો સામાજિક-રાજકીય સિદ્ધાંતકાર છે.

હૉબ્સ જેટલો મહાન ચિંતક છે, એટલો જ વિવાદાસ્પદ ચિંતક પણ છે. રાજ્ય (વ્યવહારમાં રાજાની) સત્તા અબાધિત અને અમર્યાદિત હોવી જોઈએ, એવી એની માન્યતાને કારણે એ તેના જીવન દરમિયાન ઘણી વાર મુશ્કેલીમાં મુકાયો હતો. ઉપરાંત તેના ભૌતિકવાદી અને નાસ્તિક વિચારોને કારણે તેમ જ ધર્મતંત્રની ટીકાઓને કારણે તે ચર્ચ અને પાદરીઓના ઉગ્ર રોષનો ભોગ બન્યો હતો. એના આ વિચારોને કારણે ઇંગ્લૅન્ડથી ફ્રાન્સ અને ફ્રાન્સથી ઇંગ્લૅન્ડ એમ નાસભાગ પણ કરવી પડેલી.

કોઈ પણ ચિંતક ગમે તેટલો મહાન કે દૂરદ્રષ્ટા કેમ ન હોય, આખરે તો એના સમય, સંજોગો અને સમગ્ર સંદર્ભની પેદાશ હોય છે.

અસ્થિરતા, અનિશ્ચિતતા અને અંધાધૂંધી તેમજ મોટી ઊથલપાથલોવાળા જે સમયગાળા ઇંગ્લૅન્ડના ઇતિહાસમાં આવ્યા છે, તેમાં અંગ્રેજ ક્રાંતિનો સમય (1625થી 1660) તેના ઇતિહાસનો કદાચ સૌથી મહત્વનો અને ચિરસ્થાયી પરિણામો લાવનાર પુરવાર થયો છે. હૉબ્સનો જીવનકાળ આ સમયગાળાને આવરી લે છે. આ સમયગાળાની ઘટનાઓ અને તેમાંથી ઊભી થયેલી અસ્થિરતા, અરાજકતા, અંધાધૂંધી અને આંતરવિગ્રહમાંથી સ્થિરતા અને વ્યવસ્થાનું નિર્માણ કેવી રીતે કરવું, એ એના ચિંતનનો મુખ્ય વિષય બને છે.

રાજકીય સિદ્ધાંતના ક્ષેત્રમાં હૉબ્સનો સૌથી મહત્વનો ફાળો આધુનિક સમયમાં વ્યક્તિવાદી અને ઉપયોગિતાવાદી ચિંતનનો પાયો નાંખવામાં રહેલો છે. કુટુંબ, જૂથ, સમાજ, રાજ્ય, ચર્ચ જેવાં સામૂહિકતાનાં વિવિધ ઘટકોના અંગભૂત તરીકે નહિ પણ કેવળ ‘એક વ્યક્તિ તરીકે’ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને તેણે ચિંતન કર્યું છે અને તે દ્વારા રાજ્યની ઉત્પત્તિને સમજાવી છે. એ માટે તેણે સમાજ કે રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં વ્યક્તિ ‘કુદરતી અવસ્થા’માં કેવી રીતે જીવતી હશે અને એનું જીવન કેવું દુ:ખમય હશે, એનું એક કલ્પનાચિત્ર રજૂ કર્યું છે. આવું દુ:ખમય અને બિહામણું ચિત્ર રજૂ કરવાનો એનો મૂળ ઉદ્દેશ કોઈ ને કોઈ સાર્વભૌમ સત્તાના નિરંકુશ શાસન હેઠળ રહેવામાં જ વ્યક્તિની સલામતી અને સ્વતંત્રતા રહેલી છે એ સ્થાપિત કરવાનો હતો.

કુદરતી અવસ્થામાં માનવજીવન ટૂંકું, ક્ષણભંગુર, નાશવંત અસલામત અને સ્વાર્થી હોવાથી પ્રત્યેક વ્યક્તિ સમગ્ર સમૂહ સાથે કરાર કરે છે. એથી સલામત અને વ્યવસ્થિત જીવન પૂરું પાડતી રાજ્ય નામની સંસ્થા સર્જાય છે. સામાજિક કરારની અને તે દ્વારા સર્જાતી રાજ્યની તેની કલ્પના આ પ્રકારની સૌપ્રથમ રજૂઆત હતી જેને હૉબ્સના પાયાના પ્રદાન તરીકે માન્ય કરવામાં આવી છે.

હૉબ્સે કુદરતી અવસ્થામાં રહેતી વ્યક્તિઓ વચ્ચે થયેલ સામાજિક કરાર અને તેના પરિણામસ્વરૂપ સાર્વભૌમ(રાજ્ય)ની રચના સંબંધે મૂળભૂત ચિંતન વ્યક્ત કર્યું છે. સામાજિક કરારના સિદ્ધાંત દ્વારા એણે રાજ્યની ઉત્પત્તિ અને રાજ્ય પ્રત્યેના આજ્ઞાધીનતાના સંબંધ અગાઉના સિદ્ધાંતો જેવા કે રાજ્ય કુદરતી છે; રાજ્ય દૈવી સર્જન છે (અને રાજાઓ દૈવી હકો ધરાવે છે), રાજ્ય બળનું મૂર્તિમંત સ્વરૂપ છે, વગેરેનો છેદ ઉડાડ્યો અને રાજ્ય પરસ્પર સમજૂતીનું પરિણામ છે અને તેથી સૌએ રાજ્યને તાબે થવું જોઈએ, એવો સિદ્ધાંત સ્થાપિત કર્યો.

બીજું, વ્યક્તિઓએ પોતાની સલામતી, સ્વતંત્રતા, કુદરતી અધિકારો વગેરેના રક્ષણ માટે પારસ્પરિક કરાર કરીને રાજ્યનું સર્જન કર્યું છે. આમ, રાજ્ય ‘કૃત્રિમ’ છે. વ્યક્તિ માટે એક ઉપયોગી સાધન છે. એ જ એનું મૂલ્ય છે, એથી વિશેષ નહિ. રાજ્યનો આ સાધનલક્ષી વિચાર એ ઉપયોગિતાવાદી ચિંતનનો પાયો રચે છે.

વ્યક્તિવાદ અને ઉપયોગિતાવાદી ચિંતનથી હૉબ્સ આરંભ કરે છે, પણ તેની પરિણતિ નિરંકુશ એકાધિકારવાદમાં આવે છે, તેનું મુખ્ય કારણ મનુષ્યસ્વભાવ વિશેનું દર્શન છે. હૉબ્સની દૃષ્ટિએ મનુષ્ય મૂળભૂત રીતે સ્વાર્થી, સ્વહિત-પરાયણ, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની – આત્મરક્ષણની અદમ્ય ઇચ્છા ધરાવતો સતત સંઘર્ષમાં રચ્યોપચ્યો રહેનારો છે. અસ્તિત્વ ટકાવી રાખવાનો આ સંઘર્ષ વધુ ને વધુ શક્તિ (પાવર) પ્રાપ્ત કરવાના સંઘર્ષમાં પરિણમે. દરેકના બીજા દરેક સામે નિરંતર ચાલનાર આ સંઘર્ષનું પરિણામ તે કુદરતી અવસ્થા, જેમાં કોઈની સલામતી નહીં અને કોઈના રક્ષણની ખાતરી નહિ. આ બધાંથી ઊગરવા સામાજિક કરાર અને તેના પરિણામસ્વરૂપ નિરંકુશ, અબાધિત સર્વસત્તા ધરાવતા સાર્વભૌમના શાસન તળે રહેવાની સલામતીની ખાતરી. આમ હૉબ્સનો નિર્ભેળ વ્યક્તિવાદ તેના મનુષ્યસ્વભાવના દર્શનને કારણે તાર્કિક રીતે નિરંકુશ એકાધિકારવાદમાં પરિણમે, એ સમજી શકાય તેમ છે.

હૉબ્સે રાજકીય સિદ્ધાંતને મનોવૈજ્ઞાનિક આધાર પૂરો પાડ્યો છે, એ એનું મહત્વનું પ્રદાન છે. ભય અને સલામતીની ઇચ્છા એ મનુષ્યના અતિ પ્રબળ આવેગ છે. એના થકી મનુષ્યોનું વર્તન મહંદશે પ્રભાવિત થાય છે.

મનુષ્યસ્વભાવના આ એકાંગી ખ્યાલ ઉપર તેણે પોતાનો આખો રાજકીય સિદ્ધાંત રચ્યો છે, એવી ટીકા કરવામાં આવે છે. મનુષ્યવર્તનને પ્રભાવિત કરનારા બીજા આવેગો પ્રેમ, સહકાર, પરોપકાર, બીજાંને મદદ કરવાની વૃત્તિ વગેરેની તેણે ઉપેક્ષા કરી છે.

દિનેશ શુક્લ

રક્ષા મ. વ્યાસ