હોમર (જ. ઈ. પૂ. 9મી અથવા 8મી સદી, આયોનિયા ? ગ્રીસ; અ. ?) : પ્રાચીન ગ્રીસના, સૌથી પહેલાં રચાયેલાં મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસિ’ના સર્જક. તેમના જીવન વિશેની પ્રમાણભૂત માહિતી મળતી નથી. એક મત મુજબ મૌખિક પરંપરાને આધારે તેમણે ઉપર્યુક્ત મહાકાવ્યોનું સર્જન કરેલું. જોકે પ્રાચીન ગ્રીક પ્રજાની પરંપરાની શ્રદ્ધા તો કહેતી આવી છે કે હોમર નામના એક પ્રજ્ઞાચક્ષુ મહાકવિએ ઉભય મહાકાવ્યોનું સર્જન કરેલું. ગ્રીક ‘સંસ્કૃતિ’ અને ‘રસિક ટેકીપણું’, ‘નૈતિકતા’ અને ‘વ્યાવહારિક આદેશો’નાં પ્રતીકો તેમનાં મહાકાવ્યોમાંથી પ્રાપ્ત થાય છે. પશ્ચિમના વિવિધ સાહિત્યકારો પર તેમની પ્રબળ અસર જણાય છે. દેવો અને માનવોની વીર યશોગાથા અને માનવતાનાં ઉદાત્ત દૃષ્ટાંતોનું નિરૂપણ કરતા પ્રસંગોથી આ મહાકાવ્યો સભર છે.

હોમરના જીવન અને કવનને વર્ણવતાં પ્રાચીન જીવનચરિત્રોમાં અનેક વિરોધાભાસો અને કિંવદંતીઓ છે. જુદાં જુદાં નગરોએ હોમર પોતાને ત્યાં જન્મ્યા હોવાનો દાવો કરેલ છે. જોકે હોમર પોતાના નગરમાં ભીખ માંગતા હોવા વિશે સાત નગરોએ કહ્યું હોવાની વાત એક કાવ્યપંક્તિમાં રજૂ થઈ છે. કેટલાક નિર્દેશોમાં હોમરને ટ્રોજન યુદ્ધના સમકાલીન બતાવ્યા છે. જોકે ઇતિહાસકાર હીરોડૉટસ તેમને ઈ. પૂ. નવમી સદીના હોય તેમ ગણે છે. આધુનિક સંશોધકો અને તજ્જ્ઞો હોમરનો સમય ઈ. પૂ. આઠમી કે સાતમી સદીનો બતાવે છે. માયનરના કિયોસ કે સ્માયર્નામાં કોઈ આયોનિક પ્રજાની વસ્તી વચ્ચે તેમનું રહેઠાણ હશે તેવો પણ એક મત છે. મહાકાવ્યમાં નિરૂપાયેલ સ્થાપત્યના ઉલ્લેખો એવો નિર્દેશ કરે છે કે હોમરે આ કાવ્યોનું સર્જન પાછળથી કરેલું હશે. આ કાવ્યોમાં પૌરસ્ત્ય કે આયોનિયન અને ગ્રીસ વિશેના સંદર્ભો ઉપરાંત તે તે પ્રદેશની બોલીઓનો ઉપયોગ પણ થયો છે. આથી મોટા ભાગના તજ્જ્ઞો એવો મત ધરાવે છે કે હોમર ઈ. પૂ. આઠમી કે નવમી સદીના આયોનિયન કવિ હતા. કાવ્યોમાં વપરાયેલી ઉપમાઓમાં ખેડૂતો અને કારીગરોનો ઉલ્લેખ વારંવાર થતો હોવાથી એમ પણ માનવામાં આવે છે કે હોમર કાં તો ખેડૂત અથવા કારીગરના સંતાન હશે. મેડ્રિક એચ. વ્હિટમેન તેમના ‘હોમર ઍન્ડ ધ હીરોઇક ટ્રેડિશન’(1958)માં અને ટી. બી. એલ. વેબ્સ્ટર તેમના ‘ફ્રૉમ માયસીને ટુ હોમો’(1958)માં હોમર આઠમી સદીમાં હયાત હતા તેવો મત રજૂ કરે છે. જોકે હોમરે પોતાના વિશે મહાકાવ્યોમાં નજીવો પણ ઉલ્લેખ કર્યો નથી.

હોમર

ઇલિયડ અને ઓડિસિ મહાકાવ્યોની રચના ક્યારે થઈ હશે તેના વિશે એકમત નથી. હોમર અને તેમનું શ્રોતાગણ મૌખિક પરંપરાના સમયમાં થઈ ગયા હશે. ત્યારપછી કોઈ સમયે આ બંને કાવ્યોનું લિખિત સ્વરૂપ તૈયાર થયું હશે. 19મી સદીના તજ્જ્ઞો તો ત્યાં સુધી કહે છે કે કોઈ એક વ્યક્તિ આટલું મોટું સર્જન કંઠસ્થ રાખી શકવા સમર્થ થાય નહિ. એટલે સંભવ છે કે કોઈ સંપાદકે આ બધા વિભાગોને એકઠા કરી તેમનું સંકલન કર્યું હશે. જોકે આ મતને કેટલાક સંશોધકોએ સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. હોમરે પોતાની યુવાન વયમાં ઇલિયડ અને પ્રૌઢ અવસ્થામાં ઓડિસિનું સર્જન કર્યું હોય તેવો ગ્રીક વિવેચક લોન્જાઇનસનો મત છે. બંને મહાકાવ્યોની નૈતિક અને ધાર્મિક ગુણવત્તા અલગ અલગ પ્રકારની છે. ઇલિયડ ઉદારચરિત ઍકિલસની કરુણ વીરગાથા છે. ઍકિલસ શૌર્યના પ્રાચીન ગ્રીક આદર્શને રજૂ કરે છે પણ સાથે સાથે તેની માનવીય અભિમાન અને ગુસ્સાની લાગણીઓ પણ એ કાવ્યમાં સુપેરે વ્યક્ત થઈ છે. ગ્રીક લશ્કરના મોવડીઓ નાના નાના ઝઘડા-કજિયાને લીધે વિભક્ત થાય છે. તેમાં આવતા દેવો પણ માનવીય દોષોથી ભરેલા હોવાથી માણસોની માફક જ લડે-ઝઘડે છે. આથી વિરુદ્ધ ‘ઓડિસિ’માં કેટલાક હાસ્યપ્રસંગો પણ જોવા મળે છે. તેનો નાયક ઓડિસિયસ અનેક સમર્થ દુશ્મનો પર વિજય મેળવે છે, તેના મૂળમાં તેની સર્વશ્રેષ્ઠ બુદ્ધિ છે. ઇલિયડમાં એક એવું વિશ્વ રજૂ થયું છે જેનો નાશ નૈતિક અવ્યવસ્થાને લીધે થાય છે, પરંતુ ઓડિસિમાં દેવો માનવોને તેમનાં પાપ માટે શિક્ષા કરે છે અને સારા માણસને તેની ભલાઈનો બદલો આપે છે.

પ્રાચીન ગ્રીસની પ્રજા હોમરને દેવ ગણે છે. તેનાં મહાકાવ્યોને ડહાપણનો ભંડાર અને વીરત્વ માટેની પ્રેરણાનો સ્રોત માને છે. ‘ઇલિયડ’ મહાકાવ્ય હેક્ઝામીટર છંદમાં, કુલ 15,693 પંક્તિઓમાં ટ્રોજન યુદ્ધના સંદર્ભમાં રચાયેલ છે. આ મહાકાવ્યમાં વીર નાયક ઍકિલસના ચરિત્રનું સવિસ્તર વર્ણન છે. ગ્રીક સેનાધિપતિ ઍગેમૅમ્નોન, ઍકિલસ, નેસ્ટર, ઓડિસિયસ, ટ્રોજન રાજકુમાર હેક્ટર, પૅરિસ, જેના માટે ટ્રોય અને ગ્રીસ વચ્ચે મહાયુદ્ધ થયું તે હેલન, પ્રાયામ, પેટ્રાક્લસ ઉપરાંત દૈવી પાત્રોમાં એથીના, ઝિયસ, એફ્રોડાઇટ, હીરા, થીટિસ, હિફેસ્ટસ, ઈરિસ વગેરેનાં ચરિત્રોનું નિર્માણ ઇલિયડમાં થયું છે. ઓડિસિ મહાકાવ્ય હેક્ઝામીટર છંદમાં 12,110 પંક્તિઓમાં થયું છે. તેમાં ઇથાકાના રાજવી ઓડિસિયસ અને તેની પત્ની પેનીલોપનું ચરિત્ર નિરૂપાયું છે. આ મહાકાવ્યમાં કેલિપ્સો, ઝિયસ, ટેલિમેક્સ, એથીના, પોઝીડોન, સાયક્લોપ્સ, નૌસિકા, રાણી આરેટ, રાજા આલ્સીનુઝ, સાયક્લોપ્સ, એઇઓલસ, સરસી, એન્ટિક્લીઆ, સાયરન્સ, સ્કાઇલા, ચેરિબ્ડીઝ, યુમેઅસ, યુરિક્લીઆ, લાયર્ટિસ વગેરે દૈવી અને માનવીય પાત્રોનું સર્જન મહાકવિ હોમરે કુશળતાપૂર્વક કર્યું છે.

હોમરની પ્રબળ અસર યુરોપના વિવિધ સાહિત્યકારો પર થઈ છે. આ મહાકાવ્યોના એક પાત્ર યુલિસિસની અસર અંગ્રેજ કવિ ટેનિસન અને નવલકથાકાર જેમ્સ જોઇસ પર સ્પષ્ટપણે વરતાય છે. ગ્રીક કવિ નાઇકોસ કાઝાન્ઝાકિસે ઓડિસિના સંદર્ભમાં 33,333 પંક્તિઓ રચી છે. તેનું અંગ્રેજી ભાષાંતર કિમોન ફ્રાયરે 1958માં કર્યું છે. શેક્સપિયરના નાટક ‘ટ્રોઇલસ ઍન્ડ ક્રેસિડ’ અને રેસિનની ‘ઇફિજેની’ ઉપર હોમરની અસર છે. કવિ પિન્ડાર, નાટ્યકાર ઇસ્કીલસ, સોફોક્લીસ, યુરિપિડીસ એનિયસ, ઓવિડ, પ્લુટાર્ક, કેલ્ડીરોન, ડ્રાયડન, વિકો, ગેટે, લેન્ડોર, પાસ્કોલી અને જીરૉડૉક્સ પર હોમરની અસર સ્પષ્ટ જણાય છે. હોમરનાં મહાકાવ્યોનાં ભાષાંતર જગતની અનેક ભાષાઓમાં થયાં છે. ગુજરાતીમાં જયંત પંડ્યાએ તેનો અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં ઈ. વી. રિયુ અને રિચમંડ લેટિમોરે આ મહાકાવ્યો માટે પ્રશંસનીય કાર્ય કર્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી