હેમ્પશાયર સ્ટુઅર્ટ

February, 2009

હેમ્પશાયર સ્ટુઅર્ટ (જ. 1 ઑક્ટોબર 1914; અ. 13 જૂન 2004) : અંગ્રેજ તત્વચિંતક. સ્ટુઅર્ટ ન્યૂટન હેમ્પશાયર બેલિયૉલ કૉલેજ, ઑક્સફર્ડ(ઇંગ્લૅન્ડ)માંથી 1936માં સ્નાતક થયા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940માં તેમને લશ્કરમાં જોડાવું પડ્યું હતું. શારીરિક ક્ષમતાના અભાવમાં મિલિટરી ઇન્ટેલિજન્સ ખાતામાં તેઓએ કામ સ્વીકાર્યું હતું. 1947થી 1960 સુધી તેમણે યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. 1960માં તેઓ લંડન યુનિવર્સિટીમાં ‘ગ્રોટ પ્રોફેસર ઑવ્ ફિલૉસૉફી’ તરીકે નિયુક્ત થયા. 1963થી 1970 સુધી તેમણે અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં તત્ત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે કામ કર્યું. 1970માં તેઓ વૉડહામ કૉલેજ, ઑક્સફર્ડના વૉર્ડન તરીકે નિયુક્ત થયા. 1984માં ત્યાંથી તેઓ નિવૃત્ત થયા અને પછી અમેરિકાની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા હતા.

હેમ્પશાયર સ્ટુઅર્ટ

સાહિત્ય-વિવેચક તરીકે અને ચિન્તક/સમીક્ષક તરીકે તેમણે ‘ટાઇમ્સ લિટરરી સપ્લિમેન્ટ’ (TLS) તેમજ ‘ન્યૂયૉર્ક રિવ્યૂ ઑવ્ બુક્સ’માં સમીક્ષાલેખો લખ્યા છે. હેમ્પશાયર મુજબ સૌંદર્યવિચાર, નૈતિકતા વિચાર અને રાજકીય ચિંતન – એ ત્રણે એક જ સંશોધનક્ષેત્રના ભાગ છે અને તે છે – મનવિષયક તત્ત્વજ્ઞાન.

1961માં હેમ્પશાયરનું લગ્ન પ્રખ્યાત ફિલસૂફ એ. જે. એયરની ભૂતપૂર્વ પત્ની રેની સાથે થયું હતું. 1980માં રેની(Rene’e)નું અવસાન થતાં, લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના તત્વજ્ઞાનના પ્રોફેસર નાન્સી કાર્ટરાઇટ સાથે 1985માં હેમ્પશાયરના બીજાં લગ્ન થયાં હતાં.

હેમ્પશાયરને મનોવિશ્લેષણ, સાહિત્ય-સિદ્ધાંત અને કલાવિષયક વિવેચનમાં રસ હતો.

હેમ્પશાયરના મુખ્ય ગ્રંથો આ પ્રમાણે છે : સ્પિનોઝા (1951), થૉટ ઍન્ડ ઍક્શન (1959), ફ્રિડમ ઑવ્ ધ ઇન્ડિવિડ્યુઅલ (1965), ફ્રિડમ ઑવ્ માઇન્ડ ઍન્ડ અધર એસેઝ (1971), ઇનોસન્સ ઍન્ડ એક્સ્પિરિયન્સ (1989).

અહીં તેમના પ્રખ્યાત ગ્રંથ ‘જસ્ટિસ ઇઝ કૉન્ફિલક્ટ’(1999)ના કેટલાક મુદ્દા રજૂ કર્યા છે. હેમ્પશાયરના મત પ્રમાણે સ્વભાન ઇરાદાપૂર્વકનાં કાર્યો મનુષ્યો કરી શકે છે તે જોતાં મનુષ્યનાં કાર્યોની કેવળ શારીરિક/યંત્રવાદી કે વર્તનવાદી સમજૂતી આપી શકાય તેમ નથી. નૈતિક શબ્દો અને નૈતિક વિધાનોના તાર્કિક કે ભાષાકીય સ્વની ચર્ચા કરવાને બદલે કાર્યોના મુક્ત અને જવાબદાર કર્તા તરીકે મનુષ્યોએ કઈ રીતે વર્તવું જોઈએ તેની ચર્ચા મહત્વની છે.

બીજા વિશ્વયુદ્ધને અંતે નાઝી જર્મન અધિકારીઓના યુદ્ધ-ગુનાઓની તપાસ કરવાની પ્રક્રિયામાં હેમ્પશાયરે ભાગ લીધો હતો. જર્મન ગેસ્ટાપો (Gestapo) કમાન્ડર અર્નેસ્ટ કાલ્ટનબ્રૂનરની તપાસ દરમિયાન હેમ્પશાયરે અનુભવ્યું કે જગતમાં બુરાઈ કે અનિષ્ટ(evil)ની ક્રૂર વાસ્તવિકતાનો સહુ કોઈએ સ્વીકાર કરવો જોઈએ.

પોતાના યુદ્ધ સમયના અનુભવો દરમિયાન હેમ્પશાયરને નૈતિક સંઘર્ષના પણ ઘણા અનુભવો થયા હતા. ફ્રેન્ચ સ્વાતંત્ર્યવાદીઓે જર્મનીના પક્ષે સક્રિય થયેલા ફ્રેન્ચ દેશદ્રોહીઓને પકડી તેમને સજા કરતા હતા. આવા એક ફ્રેન્ચ દેશદ્રોહીની ઊલટતપાસ કરવાના કામમાં હેમ્પશાયરે જોડાવું પડ્યું હતું. પેલા ફ્રેન્ચ કેદીએ એવી માગણી કરી કે તેને જીવતો છોડી દેવામાં આવે તો જ તે કેટલીક કબૂલાતો કરી શકશે. બીજી બાજુ, હેમ્પશાયર જાણતા હતા કે તેને નજીકના ભવિષ્યમાં જ મૃત્યુદંડ દેવાનો જ છે. તેથી હેમ્પશાયર સમક્ષ પ્રશ્ન એ થયો કે તેને મારી નાખવાનો નથી તેવું તેની સામે જૂઠું બોલીને તેની કબૂલાતો લઈ લેવી કે જૂઠું ન બોલીને ફ્રેન્ચ પ્રતિકારક દળોના લોકોની જિંદગીને જોખમમાં મૂકવી ? આવા અતિ કઠોર સંઘર્ષોમાં ગમે તે પક્ષે તમે નિર્ણય કરો તોપણ તેનો અફસોસ તો તમને જિંદગીભર રહેવાનો છે. યુદ્ધ દરમિયાન અસત્ય બોલવું પણ યોગ્ય (right) છે તેમ કહેવામાં પણ નૈતિક બેચેની તો અનુભવાય છે જ.

ન્યાયવિષયક વિચારણામાં હેમ્પશાયર સ્પષ્ટ કરે છે કે પ્લૅટો અને એરિસ્ટોટલે તર્કસંગતતા(rationality)નો વ્યક્તિના તેમજ સમાજ/રાજ્યના સંદર્ભમાં ઘણો મહિમા કર્યો છે તે ખરું, પણ વ્યક્તિના આત્માના જુદા જુદા ભાગો (parts of soul) અને સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે પ્રવર્તતું ગ્રીક ચિન્તકોએ દર્શાવેલું સરખાપણું હેમ્પશાયર નવી રીતે વિચારવા માગે છે. હેમ્પશાયરનું સૂચન છે કે દરેક સમાજમાં કેટલીક સંસ્થાઓ / પ્રથાઓ અને જાહેર હિતની કેટલીક પ્રક્રિયાઓ હોય છે તે બાબતથી પહેલાં શરૂઆત કરીને પછી વ્યક્તિના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. પહેલાં જાહેર સંસ્થાઓની પ્રથાઓનો વિચાર જરૂરી છે.

વ્યક્તિઓ અને જૂથો જે જુદા જુદા નૈતિક દાવાઓ રજૂ કરે છે તે અંગે બંને પક્ષકારોને સાંભળીને પક્ષપાત વગર વિચારવિમર્શ કરવો એ જાહેર સંસ્થાઓની ન્યાયવિષયક પ્રણાલિઓનું હાર્દ છે. વિવાદમાં પક્ષકાર બનતી વ્યક્તિઓને તટસ્થ અને વાજબી પ્રક્રિયાઓની મદદથી પોતાનો પક્ષ રજૂ કરવા દેવો એ ન્યાયિક પ્રક્રિયાનું હાર્દ છે. આધુનિક સમાજોમાં ન્યાયતંત્ર, વહીવટીતંત્ર, આંતરરાષ્ટ્રીય અદાલતો, તપાસપંચો, અદાલતી સમિતિઓ વગેરે જાહેર હિતની સંસ્થાઓએ ન્યાય અંગેની વાજબી નિષ્પક્ષ પ્રક્રિયા (procedure) સ્થાપેલી હોય છે. કુદરતી આફતોનો ભોગ બનેલા લોકો વિશે પણ યોગ્ય વળતર પ્રક્રિયાઓ આવશ્યક બની છે.

‘બીજા પક્ષને બરાબર સાંભળો’ એ સૂત્ર તમામ જાહેર હિતને સ્પર્શતી રાજકીય સામાજિક સંસ્થાઓને લાગુ પડે છે.

હવે બરોબર આવી જ વિચારવિમર્શની અને નિર્ણયની જાહેર પ્રક્રિયાઓ (public procedures) વ્યક્તિના મનમાં પણ પોતાના નૈતિક સંઘર્ષો વિશે થતી હશે કે કેમ તે પ્રશ્ન છે : ખરેખર તો વ્યક્તિ પોતાના વિશે વિચાર કરીને નિર્ણય લે અને જાહેર સંસ્થાઓ સમાજના હિતમાં તટસ્થ નિર્ધારિત પ્રક્રિયાઓને અધીન થઈને નિર્ણય લે તે બંનેમાં ઘણો તફાવત છે તેમ હેમ્પશાયર માને છે. હેમ્પશાયર માને છે કે જાહેર હિતની સંસ્થાઓ/પ્રથાઓમાં જ તર્કસંગતતા(rationality)નું તત્વ ખૂબ મહત્વનું છે. તેથી તર્કબુદ્ધિને અને તાર્કિકતાને વ્યક્તિના આત્માની સર્વોચ્ચ શક્તિ તરીકે ઘટાવવાને બદલે સામાજિક/રાજકીય ક્ષેત્રે ન્યાયની જાહેર પ્રક્રિયાના અંગભૂત અનિવાર્ય ઘટક તરીકે ગણવાં જોઈએ.

હેમ્પશાયર તર્કબુદ્ધિ આધારિત પ્રવૃત્તિઓને મનુષ્યની અન્ય પ્રવૃત્તિઓથી જુદી પાડે છે. નીચેની કેટલીક પ્રવૃત્તિઓ મુખ્યત્વે તર્કબુદ્ધિ આધારિત પ્રવૃત્તિઓ (activities of reason) છે.

ગણિતનો અભ્યાસ; પ્રાકૃતિક વિજ્ઞાનોનો અભ્યાસ; ઐતિહાસિક સંશોધન કે ગુનાની તપાસમાં પ્રયોજાતી તાર્કિક પ્રવિધિઓ; જાહેરહિતના પ્રશ્નો અંગેની વાજબી નીતિઓમાં પ્રયોજાતી પ્રવિધિઓ : આ તાર્કિક પ્રવૃત્તિઓ છે; પરંતુ વાર્તા કરવી, ધાર્મિક વિધિઓમાં ભાગ લેવો, મૃત્યુ પછીના ક્રિયાકાંડમાં ભાગ લેવો, સંગીત સાંભળવું, કવિતા વાંચવી, નાટકમાં ભાગ લેવો વગેરે પ્રવૃત્તિઓને ગાણિતિક કે વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રયોજાતી અથવા તો અદાલતી તપાસના ક્ષેત્રે પ્રયોજાતી તાર્કિક પ્રવૃત્તિથી ભિન્ન સમજવી જોઈએ. સંગીત, કલા, શિલ્પ, સ્થાપત્ય, ધર્મ, કવિતા, કથાસાહિત્ય, પુરાણકલ્પનો વગેરે અંગેની ક્રિયાઓ વિચારહીન પ્રવૃત્તિઓ નથી, પણ તે ઇતિહાસ-વિશિષ્ટ અને સંસ્કૃતિ-વિશિષ્ટ (culture specific) પ્રવૃત્તિઓ છે. પ્રાણીઓથી મનુષ્યો તાર્કિક પ્રવૃત્તિને લીધે ભિન્ન ગણાય છે તે બરાબર છે, પણ મનુષ્ય સંગીત/કલા કે ધર્મને લીધે પણ પ્રાણીઓથી ભિન્ન છે તે બાબત હેમ્પશાયર નોંધે છે. ચીનમાં બિથોવનના જર્મન સંગીતને માણી શકાય ખરું, પણ જર્મની અને ચીનની સંગીતની પરંપરા સાંસ્કૃતિક રીતે ભિન્ન છે તે સ્વીકારવું પડે. ગણિત અને ભૌતિકવિજ્ઞાનને કે તર્કશાસ્ત્રને આવી સાંસ્કૃતિક વિશિષ્ટતાઓ નડતી નથી, જોકે બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિને અતાર્કિક ગણીને બાજુએ મૂકી શકાય નહિ.

હેમ્પશાયર માને છે કે કોઈ પણ સમાજમાં નૈતિક અને સામાજિક પ્રશ્નો વિશે કાયમી ધોરણે સર્વવ્યાપક સહમતિ સધાશે જ તેવું શક્ય જણાતું નથી. દરેક સમાજમાં ‘લિબરલ’ – ઉદારમતવાદી તેમજ અત્યંત રૂઢિચુસ્ત પરંપરાસંરક્ષક લોકો પણ હોવાના. તેથી, જૂની બાબતોને વળગી રહેનારાઓ પ્રગતિની નવી દિશાઓ તરફ અભિમુખ થનારા લોકોનો હંમેશાં ઘણી રીતે વિરોધ કરશે જ. ઝનૂનીઓ તરફથી ‘લિબરલ’ માનસ ધરાવનારા લોકોએ સહન કરવું પડે છે તે હકીકત છે. રાજકીય સંઘર્ષો અનિવાર્ય થઈ પડ્યા છે.

યુરોપીય પ્રબોધનયુક્ત (1700–1770) દરમિયાન એવી માન્યતા દૃઢ થઈ હતી કે તર્કબુદ્ધિની અબાધિત પ્રતિષ્ઠા સ્થપાતાં જૂના પુરાણા ખ્યાલો, પરંપરાઓ અને અસમર્થિત અને અતાર્કિક એવી માન્યતાઓ આપોઆપ બધે વિસર્જિત થઈ જશે અને બધા સમાજો ક્રમશ: તાર્કિકતા, માનવમુક્તિ અને સર્વદેશીય માનવવાદ તરફ આગળ વધશે; પરંતુ ખરેખર તેવું હજી પણ બન્યું નથી અને દરેક યુગમાં નવેસરથી નવાં અને જૂનાં મૂલ્યોના સંઘર્ષો શરૂ થયા કરે છે તેવું હેમ્પશાયરે દર્શાવ્યું છે.

મધુસૂદન બક્ષી