હૅમ્બર્ગ : જર્મનીનું બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 53° 33´ ઉ. અ. અને 9° 59´ પૂ. રે.. તે જર્મનીના હૅમ્બર્ગ વહીવટી વિભાગનું પાટનગર પણ છે. તેનો વિસ્તાર 760 ચોકિમી. જેટલો છે. આ રીતે તે શહેર હોવા ઉપરાંત આજુબાજુના ઉત્તર જર્મનીના પ્રદેશને આવરી લેતું રાજ્ય પણ છે. વળી તે યુરોપમાંનાં મોટાં દરિયાઈ બંદરો પૈકીનું એક બંદર પણ છે.

આ શહેર ઉત્તર સમુદ્ર પરના નદીમુખથી આશરે 110 કિમી.ને અંતરે અંદરના ભૂમિભાગમાં તે એલ્બ નદી પર વસેલું છે. એલ્સ્ટર નદી હેમ્બર્ગમાં થઈને વહે છે, આ નદીએ બિનેન એલ્સ્ટર અને ઑસ્મેન એલ્સ્ટર નામથી ઓળખાતાં બે મોટાં સરોવરો પણ બનાવ્યાં છે. આ ઉપરાંત સાંકડી નહેરો પણ આ શહેરમાં આડીઅવળી ગૂંથાયેલી છે.

હૅમ્બર્ગ ઉત્તર જર્મની વિસ્તારનું મહત્વનું ઔદ્યોગિક મથક બની રહેલું છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં તેલ-શુદ્ધીકરણ, રાસાયણિક એકમો, લોખંડ-પોલાદનાં કારખાનાં, લાટીઓ, વીજસામગ્રીના એકમો તથા ખાદ્યપ્રક્રમણના એકમોનો સમાવેશ થાય છે. અન્ય ઔદ્યોગિક એકમો ખેતીની, લોહઅયસ્ક અને ધાતુઓની તથા લાકડાં અને તેના માવાની પેદાશો તૈયાર કરે છે. શહેરમાં માછલી, માંસ તેમજ તમાકુ પર પ્રક્રમણ થાય છે. અહીં જહાજવાડાનું કામ પણ ચાલે છે.

એલ્બ નદી પર આવેલું બંદર હૅમ્બર્ગના અર્થતંત્રની ધરી બની રહેલું છે. અહીં જહાજી ઉદ્યોગનો વિકાસ થયેલો હોવાથી તે દેશ-વિદેશનું જહાજી મથક બની રહેલું છે. મોટરગાડીઓ, યંત્રસામગ્રી, તેમજ પ્રકાશીય સાધનસામગ્રી જેવી ઔદ્યોગિક પેદાશોની અહીંથી નિકાસ થાય છે; જ્યારે કૉફી, ફળો, કાગળ અને તમાકુની આયાત કરવામાં આવે છે.

હૅમ્બર્ગ એ જર્મનીનાં મુખ્ય રેલમથકો પૈકીનું એક રેલમથક છે; આ શહેર અને યુરોપના બધા જ ભાગો વચ્ચે મોટા પાયા પર રેલવ્યવહાર ચાલે છે. જર્મનીનાં કેટલાંક રાષ્ટ્રીય પ્રકાશનો, સ્થાનિક દૈનિકપત્રો અને સામયિકો આ શહેરમાંથી પ્રગટ થાય છે.

હૅમ્બર્ગની વસ્તી 2000 મુજબ 17,04,700 જેટલી છે. શહેરમાં 74 % પ્રૉટેસ્ટંટ અને 8 % રોમન કૅથલિક છે. 1510માં શહેનશાહ મૅક્સમિલિયન પહેલાએ હૅમ્બર્ગને મુક્ત શહેર બનાવેલું. 1871માં તે જર્મન સામ્રાજ્ય પૈકીનું એક રાજ્ય પણ બન્યું છે.

હૅમ્બર્ગ રાજ્ય : હૅમ્બર્ગ એક શહેર હોવા ઉપરાંત ઉત્તર જર્મનીનું એક રાજ્ય પણ છે. જર્મનીની સંસદમાં તેનું પ્રતિનિધિત્વ હોય છે. હૅમ્બર્ગ રાજ્યને 1952માં મંજૂર કરવામાં આવેલું પોતાનું બંધારણ પણ છે, તેને પોતાની સંસદ (રાજ્યસભા) પણ છે. રાજ્યની પ્રજા સંસદ માટે ચારવર્ષીય મુદત માટે 120 સભ્યોને ચૂંટે છે. સંસદસભ્યો 15 સભ્યોની સેનેટ રચે છે, તે ધારાઓનો વહીવટ કરે છે. સેનેટનું સંચાલન મુખ્ય અધિકારીની દોરવણી હેઠળ ચાલે છે. વહીવટી સરળતા માટે હૅમ્બર્ગને સાત વિભાગોમાં વહેંચી નાખેલું છે.

ઇતિહાસ : જર્મનીનું સૌથી વધારે મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર. તે યુરોપમાં સૌથી મોટાં બંદરોમાંનું એક છે. હૅમ્બર્ગ એલ્બી નદી પર આવેલું છે.

ઉત્તર જર્મનીનું શહેર હૅમ્બર્ગ

દ્વિતીય વિશ્વવિગ્રહ (1939–45) દરમિયાન હૅમ્બર્ગ શહેર પર પુષ્કળ બૉમ્બવર્ષા થઈ હતી. આગ ચાંપનાર બૉમ્બ નાખવામાં આવ્યા અને તેનાથી વારંવાર પ્રચંડ આગ લાગી હતી. તેનાથી બંદરનો વિશાળ પ્રદેશ અને વેપાર-રોજગારના વિસ્તારો નાશ પામ્યા. અનેક જૂનાં ચર્ચ અને મકાનોને ખૂબ નુકસાન થયું કે વિનાશ થયો. યુદ્ધ પશ્ચાત્ બંદર તથા વેપાર-રોજગારનાં સ્થળો પુન: બાંધવામાં આવ્યાં. ટાઉનહૉલ, નવું ઓપેરા હાઉસ તથા અનેક આધુનિક ઇમારતો બંધાવાથી હૅમ્બર્ગ શહેરની શોભામાં વૃદ્ધિ થઈ છે. હેગનબેક પ્રાણીસંગ્રહાલય, યુનિવર્સિટી ઑવ્ હૅમ્બર્ગ (સ્થાપના 1919) અને અનેક સંગ્રહાલયો ત્યાં આવેલાં છે. આ શહેર જર્મનીની રાજકીય તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મથક છે.

ઈસુની 13મી સદીમાં હૅમ્બર્ગ હેનસિયાટિક લીગનું આગળ પડતું સભ્ય હતું. તે ઉત્તર જર્મનીનાં શહેરોનો વ્યાપારી સંઘ હતો. 19મી સદીમાં તથા 20મી સદીની શરૂઆતનાં વર્ષોમાં તે જર્મન સામ્રાજ્યમાં અને વીમાર રિપબ્લિકમાં એક રાજ્ય હતું.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ