હેમુ (અ. 5 નવેમ્બર 1556, દિલ્હી) : સૂરવંશના દિલ્હીના સુલતાન આદિલશાહ(1554–56)નો હિંદુ વજીર અને શૂરવીર સેનાપતિ. તે રેવાડીનો વતની અને ધૂસર જ્ઞાતિનો વણિક હતો. તે ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો અને કરિયાણાની દુકાન ચલાવતો હતો. સૂરવંશના સુલતાન ઇસ્લામશાહે (1545–1554) તેને દિલ્હીના બજારોના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (શહના) નીમી દારોગા-ઈ-ડાક-ચૉકી અને લશ્કરના સેનાપતિ તરીકે બઢતી આપી હતી. સુલતાન આદિલશાહે તેની મહાન શક્તિઓને ઓળખી અને તેને વજીર (વડો પ્રધાન) નીમીને આખા રાજ્યના વહીવટની જવાબદારી સોંપી હતી. આદિલશાહ સામે બળવા થયા તે કચડી નાખવામાં હેમુએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. તેણે લડાઈઓમાં ઘણી મુશ્કેલીઓ પાર કરીને બળવાખોરો સામે વિજયો મેળવ્યા હતા. હેમુ જે લડાઈઓ લડ્યો અને વિજયો મેળવ્યા તેનો હેવાલ અબુલ ફઝલે ‘અકબરનામા’ તથા અબ્દુલ-કાદર બદાઉનીએ ‘મુન્તખબુત્-તવારીખ’માં આપ્યો છે. તેઓ મુઘલોના આશ્રિત અને હેમુના વિરોધી હોવા છતાં તેની લશ્કરી કુશળતા અને બહાદુરીની પ્રશંસા કરી છે. તેથી હેમુની શક્તિઓનું મહત્વ સમજી શકાય છે. હેમુએ સુલતાન આદિલશાહના બનેવી ઇબ્રાહીમખાન અને બંગાળના સુલતાન મુહમ્મદ શાહને હરાવ્યા હતા. મુબારીઝખાન(આદિલશાહ)ના વિરોધીઓ સામે તેણે બાવીસ લડાઈઓ લડીને તેમાં વિજયો મેળવ્યા હતા. હુમાયૂંના મૃત્યુ બાદ કાલાનોરમાં અકબરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને તાર્દીબેગને દિલ્હીનો ગવર્નર નીમવામાં આવ્યો. હેમુ દિલ્હીનું તખ્ત કબજે કરવા અને હિંદુ રાષ્ટ્રનો શાસક બનવા માગતો હતો. તેણે આગ્રા અને દિલ્હી તાર્દીબેગ પાસેથી કબજે કર્યાં અને 160 હાથી, 1000 અરબી ઘોડા તથા વિપુલ સમૃદ્ધિ મેળવી. યુદ્ધની લૂંટમાંથી મળેલી સમૃદ્ધિ વહેંચીને તેણે અફઘાન સરદારોને પોતાના તરફી કરી દીધા. પોતે ગાદીએ બેસી સ્વતંત્ર શાસક જાહેર કર્યો. પોતાના નામના સિક્કા પડાવ્યા અને ‘વિક્રમાદિત્ય’ કે ‘રાજા વિક્રમજિત’ નામ ધારણ કર્યું.

સગીર વયના મુઘલ શાસક અકબરના વાલી બૈરમખાનને સલાહ આપવામાં આવી કે તે અકબરને લઈને ભારત છોડીને ચાલ્યો જાય. તે સલાહની અવગણના કરીને તેણે હેમુ સામે જવાનો નિર્ણય કર્યો. હેમુનું લશ્કર મુઘલ સૈન્ય કરતાં ઘણું મોટું હતું. પાણીપતના મેદાનમાં 5મી નવેમ્બર, 1556ના રોજ લડાઈ થઈ. હેમુએ તેની કુશળતાથી વિરોધી લશ્કરની જમણી અને ડાબી બંને પાંખોમાં અવ્યવસ્થા સર્જી અને તેનો નિર્ણાયક વિજય હાથવેંતમાં હતો; પરંતુ કમનસીબે એકાએક તેની આંખમાં એક તીર વાગ્યું અને તેને મગજમાં ઈજા થવાથી, તે બેભાન થઈ ગયો. ભારતનું લશ્કર તેનો સેનાપતિ ગુમાવ્યા પછી કદી ટકતું નથી. હેમુના સૈનિકો તરત જ જુદી જુદી દિશાઓમાં નાસવા લાગ્યા અને વધુ સામનો કર્યો નહિ. હેમુને વિજય ન મળ્યો તે ખરેખર અકસ્માત હતો. તેને વિજય મળે એવી પૂરેપૂરી શક્યતા હતી. હેમુ હાર્યો તેને માત્ર દુર્ભાગ્ય કે કમનસીબ ગણી શકાય એમ સર વુલ્ઝલી હેગ, વિન્સન્ટ સ્મિથ વગેરે ઇતિહાસકારો માને છે. બેભાન અવસ્થામાં હેમુને પકડવામાં આવ્યો. બૈરમખાનની ઇચ્છા મુજબ કિશોર વયના અકબરે હેમુની કતલ કરીને ‘ગાઝી’નો ખિતાબ મેળવ્યો. તેનું મસ્તક કાબુલમાં પ્રદર્શિત કરવા મોકલવામાં આવ્યું અને તેનું ધડ દિલ્હીના એક દરવાજે લટકાવવામાં આવ્યું. ફક્ત આટલેથી જ કરુણ ઘટનાનો અંત આવ્યો નહિ; અકબરના સૈન્યે અલ્વરનો પ્રદેશ જીતી, હેમુનું રહેઠાણ હતું તે ગામમાં મુઘલ અધિકારી ગયો. અકબરનો વિશ્વાસુ મિત્ર અને તવારીખકાર અબુલ ફઝલ જણાવે છે કે, તે સ્થળે પ્રવેશવા માટે લાંબો સમય લડાઈ થઈ. તે પછી હેમુના પિતાને પકડીને તેને ધર્મપલટો કરવા દબાણ કરવામાં આવ્યું. તે 80 વર્ષના વૃદ્ધે ખુમારીથી ઇનકાર કરવાથી તેની નિર્દયતાથી કતલ કરવામાં આવી. હેમુ એક એવો મહાન હિંદુ હતો, જેણે મુસલમાનોના શાસનમાં તથા સમાજમાં સર્વત્ર મુસ્લિમોનું વર્ચસ્ હોય તે પરિસ્થિતિમાં સામાન્ય વ્યક્તિમાંથી દિલ્હીના સિંહાસન સુધી પહોંચ્યો હતો; પરંતુ કમનસીબે હેમુનો ઇતિહાસ તે સમયના તેના દુશ્મનો અને તેનાથી ગભરાતા હતા એવા લોકોએ લખ્યો છે. તેથી તેનામાં રહેલા મહાન સદગુણો, તેની શક્તિ, આવડત, હોશિયારી, કુશળતા, બુદ્ધિ, સૂઝ વગેરેની પૂરતી નોંધ લેવામાં આવી નથી. તેની સિદ્ધિઓની પૂરતી નોંધ લેવાઈ ન હોવાથી, દેશવાસીઓમાં તે ભુલાઈ ગયો છે.

ઈશ્વરલાલ ઓઝા

જયકુમાર ર. શુક્લ