હેમેટાઇટ : આર્થિક દૃષ્ટિએ અત્યંત મહત્વ ધરાવતું લોહઅયસ્ક. રાસા. બં. : Fe2O3. તેના શુદ્ધતમ સ્વરૂપમાં તે 70 % લોહમાત્રા ધરાવતું હોય છે. સ્ફ. વ. : હેક્ઝાગોનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો પાતળાથી જાડા મેજ આકાર, રહોમ્બોહેડ્રલ, પિરામિડલ, ભાગ્યે જ પ્રિઝમેટિક. મેજ આકાર સ્ફટિકો ક્યારેક ગુલાબની પાંખડીઓ જેવી ગોઠવણીમાં મળતા હોઈ તેને ‘લોહગુલાબ’ તરીકે ઓળખાવાય છે. બેઝલ પિનેકૉઇડ મોટે ભાગે રેખાંકિત. સામાન્યત: દળદાર, ઘનિષ્ઠ, સ્તંભાકાર, રેસાદાર; જ્યારે વૃક્કાકાર હોય ત્યારે તેને ‘વૃક્ક ધાતુખનિજ’ કહેવાય છે; દ્રાક્ષના ઝૂમખા જેવા, અધોગામી સ્તંભરૂપે, અબરખ પતરીઓ જેવા, તકતી આકાર; દાણાદાર, કંકરમય, રવાદાર, મૃણ્મય. વર્ણક તરીકે વપરાતું લાલ ગેરુ હેમેટાઇટનું મૃણ્મય સ્વરૂપ હોય છે. યુગ્મતા (0001) ફલક પર. આંતરગૂંથણી યુગ્મતાવાળા કે પર્ણ જેવી યુગ્મતાવાળા (0001) પણ મળે. ભીંગડાં જેવાં સ્વરૂપોને બાદ કરતાં ખનિજ અપારદર્શક. સંભેદ : અભાવ, પરંતુ યુગ્મતાને કારણે (0001) કે (10 1) ફલક પર વિભાજકતા દર્શાવે. પ્રભંગ : ખરબચડાથી આછો વલયાકાર, બરડ. ચમક : ધાત્વિક, મંદધાત્વિક, બિલકુલ મંદ. રંગ : પોલાદ જેવા રાખોડીથી લોહસમ કાળો, ક્યારેક ખુલ્લી રહેલી સપાટીઓ રંગવૈવિધ્ય દર્શાવે. પાતળા ટુકડા લોહી જેવો ઘેરો લાલ રંગ બતાવે. દળદાર અને મૃણ્મય જાત મંદ કથ્થાઈ–લાલથી તેજસ્વી લાલ હોય. (હેમેટાઇટનો અર્થ થાય છે લોહી જેવું લાલ.) ચૂર્ણરંગ : ઘેરો લાલથી કથ્થાઈ–લાલ, ચેરી રાતો. કઠિનતા : 5થી 6. વિ. ઘ. : 5.26. પ્રકા. અચ. : w = 3.22,  = 2.94 (l = 589 mm).  પ્રકા. સંજ્ઞા : –Ve.

પ્રાપ્તિસ્થિતિ : અતિવિપુલ પ્રમાણમાં લોહધાતુખનિજ તરીકે મળે છે. જળકૃત ઉત્પત્તિજન્ય વિસ્તૃત, જાડા સ્તરોમાં; અગ્નિકૃત ખડકોમાં અનુષંગી ખનિજ તરીકે પણ મળે છે; શિરાનિક્ષેપોમાં સપાટી આચ્છાદન રૂપે લાવવાની ઊર્ધ્વપાતન પેદાશ તરીકે; ઘણા વિકૃત ખડકોમાં સંપર્ક વિકૃતિજન્ય નિક્ષેપોમાં પણ મળે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ.નાં ઉત્તરનાં રાજ્યોમાં લેક સુપીરિયર વિસ્તારમાં 300 મીટરની જાડાઈના વિપુલ નિક્ષેપો જગપ્રસિદ્ધ છે, અન્ય રાજ્યોમાં પણ મળે છે; કૅનેડા, મેક્સિકો, ક્યુબા, વેનેઝૂએલા, બ્રાઝિલ, ઇંગ્લૅન્ડ, નૉર્વે, સ્વીડન, ફ્રાન્સ, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રિયા, જર્મની, રુમાનિયા, ચેકોસ્લોવેકિયા, રશિયા, ઑસ્ટ્રેલિયા, ચીન, ચિલી, દ. આફ્રિકા અને ભારતમાં મળે છે.

ભારત : બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ચેન્નાઈ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, ઓરિસા, પંજાબ, રાજસ્થાન; પશ્ચિમ બંગાળમાં પણ હેમેટાઇટના જથ્થા મળી આવે છે.

ગિરીશભાઈ પંડ્યા