હેમન્ત ઋતુ : ભારતના ષટ્ઋતુચક્રમાં પહેલી ઋતુ. ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્થિતિને અનુલક્ષીને શિયાળો, ઉનાળો અને ચોમાસુ ત્રણ ઋતુઓ મુખ્ય છે. આ ત્રણ ઋતુઓને પેટાવિભાગોમાં વહેંચી છ ઋતુઓ માનવામાં આવે છે. આ છ ઋતુઓ આ પ્રમાણે છે – હેમન્ત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ઉત્તર ગોળાર્ધમાં તે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન પ્રવર્તે છે. ધ્રુવીય પ્રદેશમાં તે થોડા વધુ સમય માટે પ્રવર્તે છે. આ સમયગાળા દરમિયાન ત્યાં હવામાન અતિશય ઠંડું થઈ જાય છે. અલબત્ત, ઉષ્ણ કટિબંધના પ્રદેશોમાં તેની અસર જોવા મળતી નથી.
ભારતીય ઋતુચક્ર સૂર્યના રાશિપ્રવેશ કે સંક્રાન્તિ સાથે સંબંધિત છે. ઘણું કરીને દેવપ્રબોધિની એકાદશી તુલસીવિવાહ કે કાર્તિકી પૂનમ આસપાસ વૃશ્ચિક રાશિનો સૂર્ય થતાં હેમન્ત ઋતુનો આરંભ થાય છે. વૃશ્ચિક અને ધન સંક્રાન્તિના બે માસ હેમન્ત ઋતુ સાથે સંબંધિત છે. આથી સામાન્ય રીતે કાર્તિકી પૂનમથી પોષી પૂનમ પર્યંત તેનો વિસ્તાર મનાય છે. મકરના સૂર્ય થતાં આ ઋતુ સમાપ્ત થાય છે. આથી 16 નવેમ્બરથી 16 જાન્યુઆરી સુધી આ ઋતુનો ગાળો સામાન્ય રીતે મનાય છે. સાયન અને નિરયન પ્રમાણે આ તારીખોમાં ફેરફાર પણ જોવા મળે છે. સૂર્યના રાશિપ્રવેશને ગ્રહની ગતિ સાથે સંબંધ છે. આ નિર્ણય માટે સૂક્ષ્મ ગતિને ધ્યાનમાં લેવાને બદલે મધ્યમ ગતિને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઋતુ દરમિયાન હેમન્તોત્સવ ઉજવાય છે. આ ઋતુના અંતિમ ગાળામાં સ્થાનભેદે વનસ્પતિ તેમનાં પાન પણ ખેરવી નાખે છે. ઉત્તર ભારત અને મધ્ય ભારતના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી નીચું અનુભવાય છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમમાં હિમવર્ષા થતી જોવા મળે છે, જેથી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને બિહારનાં રાજ્યોમાં તીવ્ર ઠંડી અનુભવાય છે; જ્યારે દક્ષિણ ભારતના પ્રદેશોમાં થોડા પ્રમાણમાં વરસાદ પડે છે.
નીતિન કોઠારી