હેમન્સ, કૉર્નેલી (જ. 28 માર્ચ 1892, ઘેન્ટ, બેલ્જિયમ; અ. 18 જુલાઈ 1968) : સન 1938ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કાર વિજેતા. તેમને આ સન્માન શ્વસનક્રિયાના નિયમનમાં શીર્ષધમની-વિવર (carotid sinus) અને મહાધમની(aorta)માંની ક્રિયાપ્રવિધિઓ દ્વારા ભજવાતા ભાગને શોધી કાઢવા માટે મળ્યું હતું. મહાધમની અને શીર્ષધમની(carotid artery)ના ફૂલેલા પોલાણ – વિવર – જેવા ભાગોમાંના રાસાયણિક સ્વીકારકો (chemoreceptors) દ્વારા શ્વસનક્રિયાનું નિયમન થાય છે અને પ્રદમ સ્વીકારકો (baro-receptors) અથવા દાબસ્વીકારકો (pressure receptors) દ્વારા લોહીના દબાણ(પ્રદમ)નું નિયમન થાય છે તેવું તેમણે શોધી કાઢ્યું હતું. તેમણે શ્વસનક્રિયા, રુધિરાભિસરણ, ચયાપચય વગેરેનો દેહધાર્મિક અને ઔષધવિદ્યાના સંદર્ભે અભ્યાસ કર્યો હતો અને તેને લગતાં સંશોધનો કર્યાં હતાં. આ જ તેમનું સંશોધનક્ષેત્રે પ્રમુખ પ્રદાન રહ્યું હતું.

કૉર્નેલી હેમન્સ

તેમના પિતા જે. એફ. હેમન્સ ઔષધવિદ્યાના પ્રાધ્યાપક હતા અને તેમણે ઘેન્ટ વિશ્વવિદ્યાલય અંતર્ગત જે. એફ. હેમન્સ ઔષધવિદ્યા (pharmacology) અને ચિકિત્સાવિદ્યા(therapeutic)નું સંસ્થાન સ્થાપ્યું હતું. કૉર્નેલીએ ઘેન્ટમાં જ માધ્યમિક અને આયુર્વિજ્ઞાનનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ સન 1920માં ડૉક્ટર બન્યા. ત્યારબાદ તેમણે ફ્રાન્સ તથા વિયેના(ઑસ્ટ્રિયા)માં અનુભવ પ્રાપ્ત કર્યો. 1922માં તેઓ ઘેન્ટ વિશ્વવિદ્યાલયમાં ઔષધપ્રચલનશાસ્ત્ર(pharmacody-namics)માં વ્યાખ્યાતા બન્યા અને સન 1930માં તેઓ તેમના પિતાને સ્થાને પ્રાધ્યાપક બન્યા. તેઓ ઔષધવિદ્યા, ઔષધપ્રચલનશાસ્ત્ર તથા વિષવિદ્યા (toxicology) વિભાગના વડા અને જે. એફ. હેમન્સ સંસ્થાન(institute)ના નિયામક પણ બન્યા. સન 1963થી તેઓ પ્રમાનનીય પ્રાધ્યાપક (emeritus professor) બન્યા હતા.

તેમણે શીર્ષધમની-મહાધમનીના રાસાયણિક અને પ્રદમ (દાબ) સ્વીકારકો દ્વારા અનુક્રમે શ્વસનક્રિયા અને લોહીના દબાણનું નિયમન થાય છે તેવું શોધ્યું. તે ઉપરાંત તેમણે મસ્તિષ્ક(મગજ)ના રુધિરાભિસરણ, લોહીના વધેલા દબાણ(અતિરુધિરદાબ, hypertension)ના રોગમાં મસ્તિષ્ક અને મૂત્રપિંડના વિકારોનો ફાળો, કસરત વખતે સ્નાયુઓના રુધિરાભિસરણમાં આવતા ફેરફારો, રુધિરાભિસરણ અટકી પડે તે પછી મગજનાં વિવિધ ચેતાકેન્દ્રોની સજીવતા ટકી રહેવી કે પુન:પ્રાપ્ત થવી તે અંગેનાં નિરીક્ષણો, કોષીય ચયાપચય(cellular metabolism)માં ઉત્તેજન કરતાં ઔષધો તથા ફેફસાંના રોગોમાં ઉપયોગી ઔષધો અંગે પણ ઘણાં સંશોધનો કર્યાં હતાં.

તેમણે 800થી વધુ શોધપત્રો પ્રકાશિત કર્યાં હતાં. તેઓ આંતરરાષ્ટ્રીય ઔષધપ્રચલનશાસ્ત્ર અને ચિકિત્સાવિદ્યાના સંગ્રહગ્રંથો(archives)ના પ્રકાશક અને પ્રમુખ સંપાદક રહ્યા હતા. સન 1945થી 1962 સુધી તેમણે યુરોપનાં વિવિધ વિશ્વવિદ્યાલયોમાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. તેમણે બેલ્જિયમ સરકારના વિશિષ્ટ ધ્યેયાધિષ્ઠા(missions)ના ભાગ રૂપે ભારત (1953), ઇજિપ્ત (1955), કૉન્ગો (1957), લૅટિન અમેરિકા (1958), ચીન (1959), જાપાન (1960), ઇરાક (1962), ટ્યૂનિસિયા (1963) અને કૅમેરૂન(1963)ની મુલાકાતો લીધી હતી. તેઓ વિવિધ આંતરરાષ્ટ્રીય આયુર્વિજ્ઞાનીય વ્યાવસાયિક સંસ્થાઓના પ્રમુખપદે રહ્યા હતા અને તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત કર્યાં હતાં.

તેઓ સન 1921માં બર્થ મે સાથે પરણ્યા અને તેમનાથી તેમને 4 સંતાનો થયાં હતાં, જેનાથી 18 પ્રસંતાનો (પૌત્રો, પૌત્રીઓ, દોહિત્રો, દોહિત્રીઓ) પ્રાપ્ત થયાં હતાં. તેમને ચિત્ર દોરવામાં આયુર્વિજ્ઞાનના ઇતિહાસને લગતાં પૌરાણિક લખાણોમાં તથા શિકારમાં રસ હતો.

શિલીન નં. શુક્લ