હીરાનંદાણી પોપટી રામચંદ (કુમારી)

February, 2009

હીરાનંદાણી, પોપટી રામચંદ (કુમારી) [જ. 17 સપ્ટેમ્બર 1924, હૈદરાબાદ, સિંધ (હાલ પાકિસ્તાનમાં); અ. 17 ડિસેમ્બર 2005, મુંબઈ] : સિંધી સાહિત્યનાં નીડર લેખિકા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવેલી. તેઓ કે. સી. કૉલેજ, મુંબઈમાંથી સિંધી વિભાગનાં વડાં તરીકે સેવાનિવૃત્ત થયાં હતાં.

12 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થતાં નબળી આર્થિક સ્થિતિનો સામનો કરવો પડેલો. 23 વર્ષની ઉંમરે લગ્નની બાબતમાં દહેજપ્રથાનો સખત વિરોધ કરવા સાથે જીવનપર્યંત અપરિણીત રહેવાનો સંકલ્પ કર્યો અને તેમણે તેમનાં ભાઈ-બહેનોનાં ઉછેર અને શિક્ષણમાં યોગદાન આપ્યું.

તેમણે 1979-82, 1988-92 દરમિયાન ભારત સરકારના શિક્ષણ મંત્રાલયમાં સલાહકાર બોર્ડ(સિંધી)નાં સભ્ય; સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ખાતે જનરલ કાઉન્સિલ અને કારોબારી મંડળનાં સભ્ય તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ ઑલ ઇન્ડિયા સિંધી લૅન્ગ્વેજ ઍન્ડ લિટરેચરનાં જનરલ સેક્રેટરી રહ્યાં હતાં.

તેમણે સિંધીમાં 42 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રુહ સન્ડી રુંચ’ (1975); ‘મેં સિંધી’ (1988) બંને કાવ્યસંગ્રહો; ‘પુકાર’ (1953); ‘જિંદગી-અ જી-ફોતરી’ (1993) વાર્તાસંગ્રહો; ‘સૈલભ જિંદગી-અ-જો’ (1980) નવલકથા; ‘સિંધી કલહેં આજુ’ (1985) નિબંધસંગ્રહ; ‘શાહ-સિંધી-તહઝીબ જો રૂહ’ (1983) સાહિત્યિક વિવેચન; ‘ભાષાશાસ્ત્ર’ (1962); ‘માણિક-મોતીલાલ’ (1993) ચરિત્ર; ‘મહિંજી હયાતિ અ જ સોના રૂપા વર્ક’ (1980) તેમની આત્મકથા છે. અંગ્રેજીમાં ‘હિસ્ટરી ઑવ્ સિંધી લિટરેચર’ (1984) ગ્રંથ આપ્યો છે. વળી તેમણે અંગ્રેજીમાંથી ‘શ્રીમદ્ ભાગવત’ અને હિંદીમાંથી ‘કબીર’ના અનુવાદ કર્યા છે. તેમની કેટલીક વાર્તાઓ અંગ્રેજી, ગુજરાતી, મરાઠી અને હિંદીમાં અનૂદિત કરવામાં આવી છે.

તેમની આત્મકથાને 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 1990માં ઇન્ટરનૅશનલ લતીફ ઍવૉર્ડ, દુબઈ; એશિયન સિંધી ઍવૉર્ડ, દુબઈ; મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર; 1993માં મહારાષ્ટ્ર સિંધી અકાદમી ઍવૉર્ડ તથા સિંધી કલ્ચરલ ઍસોસિયેશન, મુંબઈ તરફથી ‘નવરત્ન’નો ખિતાબ તેમને આપવામાં આવેલા. વળી અખિલ ભારત લેખિકા સંઘ તરફથી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

તેમની પુરસ્કૃત કૃતિ ‘મહિંજી હયાતિ અ જ સોના રૂપા વર્ક’માં તેમણે મહિલા-અધિકારો માટેની કરેલી લડત, માતૃભાષા સિંધીને બચાવવાના તેમણે કરેલા પ્રયાસો તથા વિભાજન પછીના કાળમાં સિંધી સમાજની વિટંબણાઓનો સામનો કરીને પુરુષાર્થ કરવાની તાસીર વગેરેના નિરૂપણના કારણે ભારતીય સિંધી સાહિત્યમાં તેનું સ્થાન અનોખું છે.

જયન્ત રેલવાણી