હીરાફૂદું : કોબી, ફ્લાવર, રાયડાના પાકો પરની નુકસાનકારક ફૂદાની જાત. અંગ્રેજીમાં ડાયમંડ બૅક મૉથ (Diamond back moth) તરીકે ઓળખાતી આ જીવાતનું વૈજ્ઞાનિક નામ પ્લુટેલ્લા ઝાયલોસ્ટેલા (Plutella xylostella Linn.) છે. તેનો સમાવેશ રોમપક્ષ શ્રેણીના પ્લુટેલિડી (Plutellidae) કુળમાં થયેલ છે. તેનો ફેલાવો લગભગ દુનિયાના બધા જ દેશોમાં થયેલો છે. આ કીટક કોબી, રાઈ, કોબી ફ્લાવર, નોલકોલ, અસાળિયો વગેરેમાં નુકસાન કરતું નોંધાયેલ છે. આ ફૂદાં ઘણાં નાનાં 8-12 મિમી. જેટલાં લાંબાં, બદામી કે ભૂખરા રંગનાં હોય છે. અગ્ર પાંખોની પાછળની ધારે મધ્યમાં સફેદ ટપકાં હોઈ, બંને પાંખો બંધ હોય ત્યારે પીઠ પર હીરાના પાસા જેવાં ત્રણ ટપકાં દેખાય છે; તેથી તેમને ‘હીરાફૂદાં’ તરીકે ઓળખવામાં આવે છે. માદા ફૂદી સંભોગ બાદ ફિક્કાં સફેદ રંગનાં ઈંડાં એકલ-દોકલ અથવા હારમાં 2-40ની સંખ્યામાં પાનની નીચેની બાજુએ મૂકે છે. એક માદા તેના જીવનકાળ દરમિયાન 18થી 356 જેટલાં ઈંડાં મૂકે છે. આ અવસ્થા લગભગ એક અઠવાડિયાની રહે છે. ઈંડાંમાંથી નીકળેલ ઇયળો શરૂઆતમાં પાનની પેશીઓ નીચલી બાજુએથી ખાય છે અને પછી પાનમાં કાણાં પાડે છે. ઉપદ્રવ વધુ હોય તો ફક્ત પાનની નસો જ બાકી રહે છે અને છોડ ઝાંખરાં જેવો દેખાય છે. ઇયળો પીળાશ પડતા લીલા રંગની, 12 મિમી. જેટલી લાંબી, મધ્યમ બાંધાની અને બંને છેડે પાતળી અને સુંવાળી તેમજ છૂટાછવાયા કાળા વાળવાળી હોય છે. પુખ્ત ઇયળ લગભગ એક સેમી. જેટલી લાંબી હોય છે. ઇયળો ખૂબ જ ચંચળ હોય છે. આવી નુકસાનકારક ઇયળ-અવસ્થા 14 દિવસની હોય છે. આ ઇયળો પુખ્ત થતાં પાન ઉપર પાતળા રેશમી અસ્તરમાં કોશેટા-અવસ્થામાં પરિણમે છે અને તેમાં એક અઠવાડિયા જેટલો સમય રહે છે. આ અવસ્થા પૂર્ણ થતાં તેમાંથી ફૂદાં નીકળે છે અને નવી પેઢી આગળ ધપાવે છે. વર્ષમાં લગભગ 5થી 7 પેઢી થાય છે. આ જીવાતનો ઉપદ્રવ સપ્ટેમ્બરથી માર્ચ દરમિયાન જોવા મળે છે.

આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે તે માટે ટમેટી આંતરપાક તરીકે રોપવી જોઈએ. પિંજરપાક તરીકે રાયડાનું વાવેતર કરી શકાય. ફેરોમોન ટ્રૅપ હેક્ટરદીઠ 10ની સંખ્યામાં ગોઠવવાથી વસ્તી વધતી અટકાવી શકાય. જૈવિક નિયંત્રક કોટેસિયા પ્લુટેલી(Cotesia plutellae) કોબી અને કોબી ફ્લાવરનાં હીરાફૂદાંની ઇયળોનું પરજીવીકરણ કરી 70 % જેટલી વસ્તી ઘટાડી શકે છે. આ ભમરી ઑગસ્ટસ-પ્ટેમ્બર માસમાં વધુ સક્રિય જોવા મળે છે, જ્યારે ઠંડી ઋતુમાં તેની પ્રવૃત્તિ ઘટવા પામે છે. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજ 500 ગ્રામ અથવા લીમડાયુક્ત તૈયાર દવા (5 ઈસી) 10 મિલિ.થી (0.15 ઈસી) 40 મિલિ. અથવા બેસિલસ થુરિન્ઝિન્સિસી 10 ગ્રામ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જરૂરી છે. વધુ ઉપદ્રવ જણાય તો એન્ડોસલ્ફાન 35 ઈસી 20 મિલિ. અથવા ડાયક્લોરવૉશ 76 ઈસી 7 મિલિ. અથવા ક્વિનાલફોસ 25 ઈસી 20 મિલિ. અથવા મેલાથિયૉન 50 ઈસી 10 મિલિ. અથવા ફેન્વાલેરેટ 20 ઈસી 5 મિલિ. 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાની હિમાયત કરાય છે. આ જીવાત ખૂબ જ નઠારી હોઈ જંતુનાશકો સામે જલદીથી પ્રતિકારકતા કેળવે છે. તેથી જરૂરિયાત મુજબના છંટકાવ વખતે દવા બદલતા રહેવું જોઈએ. પાક લેવાઈ ગયા બાદ ખેતર ખેડી અવશેષો વિણાવી તેનો નાશ કરવો જરૂરી છે. વિદેશમાં થયેલ એક અભ્યાસનું તારણ દર્શાવે છે કે ફુવારા પિયત-પદ્ધતિથી કોબીજ ઉછેરવાથી આ જીવાતનો ઉપદ્રવ સામાન્ય પિયત-પદ્ધતિ કરતાં ઓછો રહે છે.

રસિકલાલ કરમશીભાઈ ઠુમર

પરબતભાઈ ખીમજીભાઈ બોરડ