હીરા દખણ (બિયાનો ગુંદ)

February, 2009

હીરા દખણ (બિયાનો ગુંદ) : બિયાના વૃક્ષમાંથી પ્રાપ્ત થતો ચીકણો રસ કે ગુંદર. તેનું સ્વરૂપ અને ગુણ ખાખરાના ગુંદની સાથે મળતાં આવે છે.

વિવિધભાષી નામો : સં. વિજયસાર, બીજક નિર્યાસ; હિં. હીરાદોખી, હીરા દક્ખણ, ચિનાઈ ગોંદ; ગુ. હીરા દખણ; મ. બિબળા; ક. કેપિનહોન્ને; ફા. દમ્મુલ અખબીન; અં. મલબાર કિનો; લૅ. Pterocarpus marsupium.

ગુણધર્મો : હીરા દખણ સ્વાદે કડવો અને બદસ્વાદ; ગુણમાં શીતળ, ગ્રાહી (સંકોચક), કીટાણુનાશક, રક્તસ્રાવ અટકાવનાર, વ્રણ રૂઝવનાર, યકૃત માટે બલપ્રદ, પીડા તથા તાણ(આક્ષેપ)નાશક અને ઝાડા, મુખપાક, પિત્તપ્રકોપ, આંખની બળતરા, ફોલ્લા-ફોલ્લી, પરમિયાથી થતો મૂત્રાશયનલિકાનો સોજો, ખરજવું, દંતશૂળ, દાહ અને પ્રમેહાદિ વિકારો મટાડનાર છે. તે મૂત્રપિંડના દર્દી માટે હાનિકારક છે.

માત્રા : હીરા દખણનું ચૂર્ણ 240 મિગ્રા.થી 600 મિગ્રા..

ઔષધિપ્રયોગો : (1) ઝાડા, મરડો : હીરા દખણ 500 મિગ્રા., ખસખસ 1 ગ્રા. તથા તજ ચૂર્ણ 2 ગ્રા. સવાર-સાંજ અને રાત્રે પાણી કે દૂધ સાથે લેવામાં આવે છે. (2) મોંનાં છાલાં, ફોલ્લા, જખમ, રક્તસ્રાવ : કાથા સાથે હીરા દખણનું બારીક ચૂર્ણ, છાલાં, ફોલ્લા કે જખમ ઉપર ભભરાવવામાં આવે છે. (3) મારથી પેટ કે છાતીમાં લોહીનું જામી જવું કે અસ્થિભંગ (fracture) : હીરા દખણનું ચૂર્ણ 1 ગ્રા. જેટલું દૂધ સાથે દિવસમાં ત્રણ વાર લેવાથી લાભ થાય છે. (4) દંતશૂળ : સડેલી દાઢના પોલાણમાં હીરા દખણનું ચૂર્ણ ભરી દેવાથી કે દંતમંજનમાં મેળવીને વાપરવાથી દંતપીડા મટે છે. (5) હાથીપગું : હીરા દખણનું 1-1 ગ્રા. ચૂર્ણ મધ સાથે ચાટીને ઉપર તાજું ગોમૂત્ર પીવાથી લાંબે ગાળે દર્દમાં ફાયદો થાય છે.

આ હીરા દખણના અભાવે ખાખરાનો ગુંદ લેવામાં આવે છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા