હારગ્રીવ્ઝ, જેમ્સ (જ. 1722 ? બ્લૅકબર્ન, લૅંકેશાયર; અ. 22 એપ્રિલ 1778, નૉટિંગહામશાયર, ઇંગ્લૅન્ડ) : સ્પિનિંગ જેનીનો અંગ્રેજ શોધક. તે બ્લૅકબર્ન પાસે સ્ટૅન્ડહિલમાં રહેતો ગરીબ, અભણ, કાંતવા–વણવાનો કારીગર હતો. તેણે 1764માં સ્પિનિંગ જેનીની શોધ કરી. તેનાથી એકસાથે ઘણા વધારે તાર કાંતી શકાતા હતા. જેમ્સે તેનાં કેટલાંક નવાં મશીન બનાવ્યાં અને વેચવા માંડ્યાં, તેથી જૂના રેંટિયા વાપરનારા કાંતનારા કારીગરો બેકારીની કલ્પનાથી ભયભીત થયા; અને 1768માં તેમણે તેના ઘરમાં લૂંટ કરીને સ્પિનિંગ જેની અને સાળને નુકસાન કર્યું. તે પછી હારગ્રીવ્ઝ નૉટિંગહામ જતો રહ્યો. ત્યાં તેણે ભાગીદારીમાં એક નાની મિલ શરૂ કરી. તેમાં નવી સ્પિનિંગ જેનીનો ઉપયોગ કર્યો. ઈ. સ. 1770માં તેણે તે શોધની પેટન્ટ મેળવી. તેના અવસાન પછી થોડા સમયમાં ઇંગ્લૅન્ડમાં 20,000 કરતાં વધારે સ્પિનિંગ જેનીનો ઉપયોગ થતો હતો; પરંતુ તેણે લીધેલી પેટન્ટથી તેને આર્થિક લાભ થયો નહિ અને તેના અવસાન-સમયે તેની આર્થિક સ્થિતિ સુધરી નહોતી.

હસમુખ વ્યાસ

જયકુમાર ર. શુક્લ