હારવિચ (Harwich) : ઇંગ્લૅન્ડના ઇસેક્સ પરગણાના તેન્દ્રિન્ગ જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન : 51° 57´ ઉ. અ. અને 1° 17´ પૂ. રે.. તે સ્તોવ અને ઑરવેલ નદીઓના નદીનાળમાં પ્રવેશતી ભૂશિરના છેડે આવેલું છે.

નદી પરથી દેખાતું હારવિચ અને તેની ગોદીઓ

885માં આલ્ફ્રેડે અહીંના બારામાં થયેલી લડાઈમાં ડેનિશ જહાજોને હરાવેલાં. અહીં ચૌદમી સદીમાં દરિયાઈ વેપાર ધીમે ધીમે વિકસતો ગયેલો. સત્તરમી સદીમાં અહીં જહાજબાંધકામનો ઉદ્યોગ એક મહત્વનો ઉદ્યોગ હતો. ત્યાર બાદ રેલમાર્ગના વિકાસની સાથે સાથે તે લંડનના એક બાહ્ય બંદર તરીકે ઉત્તર સમુદ્રમાં જવા-આવવા માટેનું ફેરીસેવાનું મથક બની રહેલું. આ બંદર માલવાહક જહાજોને સુવિધા પૂરી પાડતું મથક પણ બન્યું. ધીમે ધીમે તે યુરોપ સાથેના વેપાર માટેનું મુખ્ય બંદર બની રહ્યું. આજે અહીં નાના પાયા પરના ઇજનેરી એકમો તેમજ મત્સ્ય-એકમો વિકસ્યા છે. અહીંના ડોવરકૉર્ટ નામના પરા ખાતે વિશ્રામાલયની સુવિધા છે.

ગિરીશભાઈ પંડ્યા