હાબેરમાસ યુરગન  (જ. 18 જૂન 1929, ડૂસલડૉર્ફ, જર્મની) : વીસમી સદીના ઉત્તરાર્ધના ખૂબ જ પ્રભાવક જર્મન ચિન્તક. તેમણે ગોટિન્જન, ઝ્યૂરિક અને બૉન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો. 1956માં તેમણે ફ્રેન્કફર્ટની સામાજિક સંશોધનની સંસ્થામાં એકૉર્નો અને હૉર્કહાયમર પાસે અભ્યાસ કર્યો હતો. 1971થી 1983 સુધી હાબેરમાસે માર્કસ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધનકાર્ય કર્યું હતું. 1983થી 1993 સુધી તેઓ ફ્રૅન્કફર્ટની વિખ્યાત સામાજિક સંશોધનની સંસ્થાના અધ્યક્ષપદે રહ્યા હતા. 2001માં ચીનમાં તેમણે વૈશ્વિકીકરણ (globalization) ઉપર વ્યાખ્યાનો આપ્યાં હતાં. બારાડોરીનું એક પુસ્તક છે : ‘Philosophy in a time of Terror; Dialouges with  Habermas and Jacques Derrida’ (2003). આ ગ્રંથમાં ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ ઉપરના 9/11ના ત્રાસવાદી હુમલા અંગે તેમજ તેના અનુસંધાનમાં રજૂ થયેલી અમેરિકન પ્રતિક્રિયાઓ અંગે અનુક્રમે હાબેરમાસના અને દેરિદાના ઇન્ટરવ્યૂનો અહેવાલ રજૂ થયો છે. 2005, 2006 અને 2007માં હાબેરમાસનાં લેખો, વ્યાખ્યાનો અને ઇન્ટરવ્યૂમાં યુરોપના એકીકરણની પ્રક્રિયાને વધુ ને વધુ મજબૂત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

હાબેરમાસ યુરગન

હાબેરમાસના મુખ્ય સિદ્ધાંતો : હાબેરમાસના મુખ્ય સિદ્ધાંતો આ પ્રમાણે છે : (1) પ્રત્યાયનાત્મક તાર્કિકતા (communicative rationality); (2) વાણીવ્યવહાર(સંભાષા)-આશ્રિત નૈતિકતા (discourse ethics); (3) વિચારવિમર્શાત્મક લોકશાહી (discursive democracy); (4) સર્વદેશીય ભાષાવ્યવહાર-વિષયક વિચાર (universal Pragmatics); (5) ચર્ચા-વિચારણાનું જાહેર ક્ષેત્ર (public sphere).

હાબેરમાસના મહત્વના ગ્રંથો : હાબેરમાસના તમામ મુખ્ય જર્મન ગ્રંથો અંગ્રેજીમાં સુલભ છે, જેમાંથી કેટલાક નીચે મુજબ છે :

1973 : ‘લેજિટિમેશન ક્રાઇસિસ’

1981 : ‘થિયરી ઑવ્ કૉમ્યૂનિકેટિવ ઍક્શન’

1985 : ‘ફિલૉસૉફિકલ ડિસ્કોર્સ ઑવ્ મૉડર્નિટી’

1993 : ‘બિટવિન ફૅક્ટસ ઍન્ડ નૉર્મ્સ કૉન્ટ્રિબ્યૂશન્સ ટૉવર્ડ્ઝ અ ડિસ્કોર્સ થિયરી ઑવ્ લૉ ઍન્ડ ડેમોક્રસી’

2002 : ‘રિલિજિયન ઍન્ડ રૅશનાલિટી’

2003 : ‘ધ ફ્યૂચર ઑવ્ હ્યૂમન નેચર’

2005 : ‘ટ્રૂથ ઍન્ડ જસ્ટિફિકેશન’

2006 : ‘ડિવાઇડેડ વૅસ્ટ’

હાબેરમાસના મૂળભૂત વિચારોનો પરિચય અને તેની સમીક્ષા માટે જે ત્રણ ગ્રંથો ખૂબ જ ઉપયોગી છે તે છે : ‘ધ કેમ્બ્રિજ કંપેનિયન ટુ હાબેરમાસ’ (1999), ‘હાબેરમાસ : અ વેરી શૉર્ટ ઇન્ટ્રોડક્શન’ (2004) અને ‘ધ કેમ્બ્રિજ કંપેનિયન ટુ ક્રિટિકલ થિયરી’ (2004).

હાબેરમાસને પ્રભાવિત કરનારા ચિન્તકો : તેમના વિચારતંત્ર(system)માં હાબેરમાસે જુદાં જુદાં ક્ષેત્રોના ચિન્તકો/સંશોધકોના વિચારો અને પદ્ધતિઓનો જરૂર હોય ત્યાં સમાવેશ કર્યો છે. હાબેરમાસને પ્રભાવિત કરનારા કેટલાક ચિન્તકો નીચે પ્રમાણે છે :

જર્મન ચિન્તકો : કાન્ટ, શેલિંગ, હેગલ, ડિલ્થે હસેર્લ અને ગાડામેર.

માકર્સ અને એડૉર્નો, હૉર્કહાય્મર તેમજ મારક્યૂસ જેવા નવ્ય-માકર્સવાદીઓ.

સમાજશાસ્ત્રીઓ : દૂરખીમ, મીડ અને પારસન્સ.

ભાષાનિષ્ઠ તત્વચિન્તકો : વિટ્ગેન્સ્ટાય્ન, ઑસ્ટિન અને સર્વ.

અમેરિકન વ્યવહારવાદીઓ : પિયર્સ અને જ્હૉન ડ્યૂઈ.

મનોવિજ્ઞાનના સંશોધકો : ઝ્યૉ પિયાઝે અને કૉલ્હબર્ગના વિકાસલક્ષી સિદ્ધાન્તો.

આધુનિક યુરોપીય પ્રબોધનયુગનાં તાર્કિક મૂલ્યોને અને તેના અધૂરા રહેલા આધુનિકતાના પ્રૉજેક્ટને આગળ વધારવા માટે હાબેરમાસે પ્રયત્નો કર્યા છે તે સંદર્ભમાં તેમણે દેરિદા લ્યોતાર અને ફૂકોના સિદ્ધાંતોનો અસ્વીકાર કર્યો છે.

હાબેરમાસ અને ફ્રૅન્કફર્ટ સંપ્રદાય : હાબેરમાસ ફ્રૅન્કફર્ટ સંપ્રદાયના બીજી પેઢીના ચિન્તક છે. એડૉર્નો (1900–1993), મૅક્સ હૉર્કહાય્મર (1825–1873) અને હર્બર્ટ મારક્યૂસ (1898–1979)  એ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ રિસર્ચમાં પ્રથમ પેઢીના મુખ્ય ચિંતકો હતા. હિટલરના જુલમી શાસનના ત્રાસને લીધે આ સંસ્થા 1934માં ન્યૂયૉર્કમાં ખસેડવામાં આવી હતી. 1949માં ફરી વાર એ જ સંસ્થા ફ્રૅન્કફર્ટમાં સ્થાપવામાં આવી હતી. આ સંસ્થાનો અભિગમ ‘ક્રિટિકલ થિયરી’ (Critical theory) ‘સમીક્ષાત્મક સિદ્ધાંત’ તરીકે ઓળખાય છે. વ્યક્તિ અને સમાજનાં મુક્તિલક્ષી (emancipatory) હિતોને બાધક એવી રાજ્યની અને સમાજની અન્યાયી અને જુલમી વ્યવસ્થાઓની સર્વાંગી સમીક્ષા માટે કેવળ તથ્યો ઉપર આધારિત અને કેવળ તથ્યોનો જ ખુલાસો કરતાં પ્રત્યક્ષવાદી (positivist) સમાજવિજ્ઞાનો અપર્યાપ્ત છે તેવું સમીક્ષાત્મક દૃષ્ટિબિંદુ આ સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવ્યું. ફ્રૅન્કફર્ટ સંપ્રદાયના પ્રારંભિક અભિગમને પરંપરાગત માર્કસવાદથી જુદો એવો પશ્ચિમ-યુરોપીય નવ્ય-માર્કસવાદ તરીકે સમજવામાં આવ્યો છે, જેમાં જૂના માર્કસવાદની કેટલીક સ્વીકૃતિઓ પડતી મૂકવામાં આવી છે. ક્રાંતિ અનિવાર્ય છે અને શ્રમિક વર્ગ જ ક્રાંતિકારી છે તે વિચાર પડતો મુકાયો હતો.

હાબેરમાસનું ચિન્તન તો પ્રારંભિક ફ્રૅન્કફર્ટ સંપ્રદાય-સમ્મત નવ્ય-માર્કસવાદ કરતાં પણ ઘણું જુદું પડે છે, તેનું કારણ એ છે કે હાબેરમાસે યુરોપીય જ્ઞાનપ્રકાશયુગ(1700–1770)નાં સર્વદેશી નૈતિકતા અને તાર્કિકતાનાં આધુનિક મૂલ્યોને નવેસરથી ફરી વાર સ્થાપવાનો નવો પ્રૉજેક્ટ હાથ ધર્યો છે. જોકે હાબેરમાસનું લક્ષ્ય પણ ‘ફ્રૅન્કફર્ટ સ્કૂલ’ના પહેલાંના ચિન્તકોની જેમ જ મુક્તિલક્ષી હિતોને બાધક એવી સમાજવ્યવસ્થાઓની મૂલ્યાંકનાત્મક સમીક્ષા કરવાનો જ હતો; પરંતુ તેમ કરવામાં તેઓને મનુષ્યોના ભાષાવ્યવહારમાં અભિપ્રેત તાર્કિકતાનાં સ્વરૂપના વિચારને માકર્સના ઉત્પાદનની તરેહોના વિચાર કરતાં વધુ મહત્વ આપ્યું છે. હાબેરમાસ મુજબ, સંવાદ દ્વારા બીજી વ્યક્તિને પોતાની વાત પહોંચાડવાનું સામર્થ્ય (communicative competence) ભાષક (speaker) તરીકે દરેક વ્યક્તિમાં હોય છે. પરસ્પર સમજૂતી અને સહમતી સ્થાપવાનું લક્ષ્ય હોય તેવા સંવાદમાં વક્તા પોતાની રજૂઆતો માટે વાજબી તાર્કિક કારણો આપે અને શ્રોતા વક્તાની આ કારણ-નિરૂપક પ્રવૃત્તિ પ્રત્યે સંવેદનશીલ બનીને તેની સમીક્ષા કરે તો અને તો જ તેના વાણીવ્યવહારમાં તાર્કિકતા (rationality) સિદ્ધ થાય છે તે હાબેરમાસનો મુખ્ય વિચાર છે. પ્રત્યાયનાત્મક વાકકર્મ(communicative speech-act)નું વિસ્તૃત નિરૂપણ – એ હાબેરમાસનું મુખ્ય યોગદાન રહ્યું છે. આ કાર્ય બીજાંને ગમે તે રીતે પ્રભાવિત કરનાર વ્યૂહાત્મક કાર્યથી તદ્દન ભિન્ન છે.

પ્રત્યાયનાત્મક કાર્યનો સિદ્ધાંત (theory of communicative action) : હાબેરમાસ માને છે કે મનુષ્યોના વાણીવ્યવહારનું મુખ્ય લક્ષ્ય પરસ્પર સમજૂતી તેમજ સહમતી સ્થાપવાનું છે. મનુષ્યોમાં આવા વાણીવ્યવહારનું સામર્થ્ય છે જ અને તે તેને ઉત્ક્રાંતિના ક્રમમાં પ્રાપ્ત થયું છે. તાર્કિકતા આવા સંવાદનિષ્ઠ સામર્થ્યની અંદર જ રહેલી છે; પરંતુ તાર્કિકતાની ક્ષમતા બજારતંત્ર, રાજ્યતંત્ર અને અસમાનતાયુક્ત મૂડીવાદી વ્યવસ્થાઓને લીધે સ્થગિત થઈ ગઈ છે, દબાઈ ગઈ છે. તેનું કારણ એ છે કે વાસ્તવિક રોજિંદા લૌકિક ક્ષેત્ર (life-world) ઉપર, આર્થિક/રાજકીય તંત્રોની સાધનરૂપ તાર્કિકતા છવાઈ ગઈ છે. લોકોનાં સાર્વત્રિક મુક્તિલક્ષી (emancipatory) હિતોને આગળ કરનારી પ્રત્યાયનાત્મક તાર્કિકતાને હાબેરમાસ કેન્દ્રમાં મૂકે છે. કેવળ વ્યૂહાત્મક/સાધનરૂપ કાર્યો નિખાલસતાથી કરેલાં સમજૂતીસાધક કાર્યોને માટે કોઈ ક્ષેત્ર જ રહેવા ન દે એટલી હદે લોકોના જીવનક્ષેત્ર ઉપર તંત્રોનો પ્રભાવ પડી રહ્યો છે. નિખાલસ પારસ્પરિક સમજૂતીસાધક સંવાદને ઘાતક એવાં સમાજતંત્રોનાં પરિબળોને ઓળખવાં તેથી જ જરૂરી બને છે. તેવાં પરિબળોથી ચિન્તન-મનન દ્વારા કે સમીક્ષાત્મક વિચારણા દ્વારા જ મુક્ત થઈ શકાય છે. ‘ડિસ્કોર્સ’ વાગ્વ્યવહાર, સંભાષા એટલે પ્રત્યાયનાત્મક કાર્યનું આદર્શ સ્વરૂપ. બળજબરી કે દબાણથી મુક્ત પ્રત્યાયનાત્મક કાર્ય જ સહમતીસાધક બને છે.

મહત્વનો મુદ્દો અહીં એ છે કે હાબેરમાસ તાર્કિકતાના વિચારને પરસ્પરના સમજૂતી-સાધક પ્રત્યાયન(communication)ના સંદર્ભમાં રજૂ કરે. તેથી જ કેવળ જ્ઞાતા વ્યક્તિકેન્દ્રી (subject-centered) એકવ્યક્તિ-આશ્રિત તાર્કિકતા(manological rationality)ને સ્થાને વિચારવિમર્શમાં સહભાગી થતી વ્યક્તિઓના સંવાદને કેન્દ્રમાં મૂકતી તાર્કિકતા(dialogical rationality)ને હાબેરમાસ વધુ મહત્વ આપે છે. તેથી જ, ભાષાના વ્યાવહારિક સ્વરૂપનો સાર્વત્રિક વિચાર (universal pragmatics) તેમનાં ચિન્તનમાં મહત્વનો બને છે. તેમનો નૈતિકતા-વિચાર પણ ‘discourse ethics’ તરીકે ઓળખાય છે. હાબેરમાસ પ્રમાણે શ્રેષ્ઠ તાર્કિક દલીલો સિવાય જેમાં કશાયનો પ્રભાવ ન હોય તેવાં પ્રત્યાયનકાર્યમાં જ આદર્શ તાર્કિકતા અને નૈતિકતા બંને સિદ્ધ થાય છે.

યથાર્થતાના દાવાઓ(validity claims)ના વિચાર દ્વારા હાબેરમાસ વાણીવ્યવહારને તાર્કિકતા સાથે અને ચર્ચાવિચારણાના જાહેર ક્ષેત્ર(public sphere)ના વિચારથી તાર્કિકતાને વિચારવિમર્શાત્મક (deliberative) લોકશાહી સાથે જોડે છે. યુરોપમાં અઢારમી સદીમાં ચર્ચાવિચારણાનું જે જાહેર ક્ષેત્ર હતું તેવું ક્ષેત્ર જ સર્જવાની બૌદ્ધિકો અને પ્રબુદ્ધ પ્રજાજનોની પ્રવૃત્તિ હોવી જોઈએ.

પ્રત્યાયનાત્મક વાક્કર્મમાંની આદર્શ સ્થિતિમાં સમીક્ષા કરી શકાય તેવા યથાર્થતાના દાવાઓ (criticizable validity claims) રજૂ થતા હોય છે. સંવાદમાં ભાગ લેતી વ્યક્તિઓ આવા દાવાઓ પ્રત્યે સ્વીકાર કે અસ્વીકારનું સ્વાતંત્ર્ય (communicative freedom) ધરાવે છે. યથાર્થતાના ત્રણ પ્રકારના દાવાઓ છે : (1) કથનની સત્યતા અંગેનો; (2) ધોરણોનાં ઔચિત્ય અંગેનો અને (3) સ્વ-અભિવ્યક્તિઓની, સ્વપસંદગીઓની સચ્ચાઈ(truthfulness)નો દાવો.

સત્યતા અંગેનો દાવો બાહ્ય જગતનાં તથ્યો સાથે; ધોરણો અંગેનાં પ્રામાણ્યનો દાવો આન્તર-વૈયક્તિક વર્તનનાં ક્ષેત્ર સાથે અને સ્વ-અભિવ્યક્તિઓ કે રુચિઓ, પસંદગીઓ, સંસ્કૃતિવિશિષ્ટ મૂલ્યો અંગેનો દાવો તે દાવો કરનાર વ્યક્તિની સચ્ચાઈ (authenticity) સાથે સંકળાયેલો છે; તેથી તે જ્ઞાતા વ્યક્તિના ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. સત્યતા અંગેનો દાવો કથનાત્મક વાક્કર્મ દ્વારા, ધોરણો અંગેનો દાવો વર્તન-નિયંત્રક વાકકર્મો દ્વારા અને સચ્ચાઈ અંગેનો દાવો અભિવ્યક્તિ-સ્વરૂપનાં વાકકર્મો દ્વારા (expressive speech-acts) વ્યક્ત થાય છે.

આ ત્રણ દાવામાંથી કેવળ તથ્યપરક અને ધોરણવિષયક દાવાઓનું જ સાર્વત્રિક વસ્તુલક્ષી તાર્કિક સર્વસંમત સમર્થન થઈ શકે છે; જ્યારે સ્વપ્રસ્તુતિરૂપ અભિવ્યક્તિઓ(self presentations)નું તેવું દલીલાશ્રિત સમર્થન શક્ય નથી. વ્યક્તિની અભિવ્યક્તિની સચ્ચાઈને તો તેના પછીના વર્તન સાથેની તે અભિવ્યક્તિની સુસંગતતા તપાસ્યા પછી જ સ્વીકારી શકાય. હાબેરમાસ પ્રમાણે સંસ્કૃતિવિશિષ્ટ જીવનશૈલીઓની મૂલ્યો-આધારિત પસંદગીઓનું કે વ્યક્તિના મનોભાવો કે ઇચ્છા કે ઇરાદાની અભિવ્યક્તિને લગતા દાવાઓનું સમર્થન જ્ઞાન કે ધોરણવિષયક દાવાઓના સમર્થન કરતાં જુદું પડે છે. સંવાદમાં સત્ય અંગેના અને નૈતિક ધોરણને લગતા દાવાઓને તાર્કિક દલીલોને આધારે સમીક્ષા સામે બચાવી લેવાની ક્રિયા(redemption of validity claims)ને હાબેરમાસ સંવાદનિષ્ઠ તાર્કિકતાને માટે મહત્વની ગણે છે.

સંનિષ્ઠ પ્રત્યાયનાત્મક કર્મમાં સહુને પોતાનું કથન કરવાની એકસરખી તક મળવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કથનને રજૂ કરી શકે અને બીજી કોઈ પણ વ્યક્તિના કથનને પડકારી શકે તેવી છૂટ સાચા સંવાદમાં હોવી જોઈએ. કોઈની વાતને દબાવી દેવી જોઈએ નહિ. કેવળ શ્રેષ્ઠ દલીલનું જ દબાણ વગરનું બળ (unforced force of an argument) પ્રવર્તે તે જ સાચી તાર્કિકતા.

હાબેરમાસે સમજૂતી પ્રત્યે અને સહમતી પ્રત્યે અભિમુખ એવા વાણીવ્યવહારની સર્વદેશીય કાયમી અફર પૂર્વશરતો નક્કી કરી છે. ભાષાવિચારને તાર્કિકતા અને નૈતિકતા સાથે જોડીને, તેનો તાર્કિક પ્રવિધિઓ (procedure) સાથેનો સંબંધ સ્થાપીને તેનો આટલો વિસ્તૃત વિચાર હાબેરમાસ પહેલાં કોઈએ કર્યો નથી.

મધુસૂદન બક્ષી