હાયડન, ફ્રાન્ઝ જૉસેફ (Haydn, Franz Joseph) [જ. 31 માર્ચ 1732, રોહ્રો (Rohro), ઑસ્ટ્રિયા; અ. 31 મે 1809, વિયેના, ઑસ્ટ્રિયા] : પ્રશિષ્ટ યુરોપિયન સંગીતના એક અગ્રણી સંગીતકાર અને સંગીતનિયોજક તથા સિમ્ફનીના આધુનિક સ્વરૂપના ઘડવૈયા. હાયડનનું બાળપણ ગરીબી અને રઝળપાટમાં વીતેલું. તેમના પિતા ગાડાનાં પૈડાં બનાવનાર સુથાર હતા તથા માતા ધનિકોને ત્યાં રસોઇયણ હતી. છ વર્ષની ઉંમરે હાયડને ગૃહત્યાગ કરી હેઇનબર્ગના એક ચર્ચના કોયરમાં સામેલ થઈ, ખ્રિસ્તી ધાર્મિક સંગીત ગાવાનું શરૂ કર્યું. કૌટુંબિક હૂંફ અને માવજત વિના તેઓ જાતે જ ઊછર્યા. આઠ વર્ષની ઉંમરે 1740માં તેઓ વિયેનાના સેંટ સ્ટીફન કૅથીડ્રલના કોયરમાં ગાયક તરીકે જોડાયા; પરંતુ 1748માં સત્તર વર્ષની ઉંમરે તેમનો અવાજ ફાટતાં તેમને આ કોયરમાંથી કાઢી મુકાયા. ચીંથરેહાલ હાયડને વિયેનામાં સંગીતશિક્ષકની નોકરી શોધી. પછી તેમણે સ્વરનિયોજિત સંગીત લખવું શરૂ કર્યું. શરૂઆત ચાર તંતુવાદ્યોના ‘સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ’-સ્વરૂપથી શરૂ કરી. વિયેનાના ધનાઢ્ય પરિવારોના સંગીતશિક્ષક તથા સંગીતનિયોજક તરીકે પણ તેમણે કામ શરૂ કર્યું. સાથે સાથે ઇટાલિયન સંગીતનિયોજક નિકોલા પોર્પોરા પાસેથી સંગીતશિક્ષણ ગ્રહણ કર્યું. 1759માં વિયેનાના ધનાઢ્ય પ્રિન્સ મિકલોસ એસ્ટર્હેઝીએ પોતાના કોયર તથા ઑર્કેસ્ટ્રાના સંચાલક તરીકે તથા 1766માં નિયામક તરીકે હાયડનની નિમણૂક કરી. અહીં વિશાળ કોયર અને ઑર્કેસ્ટ્રાને માટે હાયડને અલગ અલગ ઘાટઘૂટમાં ઑરેટોરિયો, માસ, સિમ્ફની, કન્ચર્ટો જેવાં ઘણાં સ્વરૂપો પર હાથ અજમાવ્યો. 1767માં હાયડનની મુલાકાત તેનાથી 24 વર્ષ નાની ઉંમરના મોત્સાર્ટ સાથે થઈ, જે આજીવન ઘનિષ્ઠ મિત્રતામાં પરિણમી. બંને વચ્ચે ઉંમરમાં 24 વર્ષનો તફાવત હોવા છતાં બંનેને એકમેકમાંથી પ્રેરણા પામી નવસર્જન કરવાનો ઉન્મેષ સાંપડ્યો. હાયડન પ્રેમમાં પડ્યો; પરંતુ પ્રેમિકા સાધ્વી થઈ જતાં તેની મોટી બહેન સાથે પરણ્યો. સંગીતમાં કોઈ જ દિલચસ્પી નહીં ધરાવનારી આ યુવતી ઝઘડાળુ અને કજિયાખોર નીકળી. હાયડને આ લગ્ન આજીવન નિભાવ્યું. તેમને કોઈ સંતાન પણ જન્મ્યું નહીં; પરંતુ મેત્ઝો-સોપ્રાનો ગાયિકા લુઇજિયા પોલ્ત્ઝેલી સાથે હાયડનને આજીવન પ્રેમસંબંધ રહ્યો.

ફ્રાન્ઝ જૉસેફ હાયડન

ફળદ્રૂપ દિમાગ ધરાવનારા હાયડને 84 સ્ટ્રિન્ગક્વાર્ટેટ, 104 સિમ્ફનીઓ, 50 પિયાનો-સૉનાટા, 14 માસ, બે ઑરેટોરિયો (‘ધ ક્રિયેશન’ તથા ‘ધ સિઝન્સ’) અને એક કેન્ટાટા (‘ધ સેવન લાસ્ટ વડર્ઝ ફ્રૉમ ધ ક્રૉસ’) સર્જ્યાં છે.

1790માં હાયડનની કૃતિઓનું લંડનમાં ગાયનવાદન થતાં હાયડને લંડન અને જર્મનીની મુલાકાત લીધી. જર્મનીમાં બોન ખાતે 1791માં તેમની મુલાકાત 22 વર્ષના સંગીતકાર લુડવિગ વાન બીથોવન સાથે થઈ. થોડા સમય માટે હાયડન બીથોવનના સંગીત-શિક્ષક પણ બન્યા. 1791માં ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ‘ડૉક્ટર ઑવ્ મ્યુઝિક’ની માનાર્હ પદવી વડે હાયડનનું સન્માન કર્યું હતું.

અમિતાભ મડિયા