હસન

February, 2009

હસન : કર્ણાટક રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 12° 31´થી 13° 33´ ઉ. અ. અને 75° 33´થી 76° 38´ પૂ. રે. વચ્ચેનો 6,814 ચોકિમી.

હસન જિલ્લો

જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો પ્રમાણમાં નાનો છે અને રાજ્યનો 3.55 % વિસ્તાર રોકે છે. તેની આજુબાજુ છ જિલ્લા આવેલા છે. તે ઉત્તર અને વાયવ્ય તરફ ચિકમાગલુર જિલ્લાથી, પૂર્વ અને અગ્નિ તરફ ટુમ્કુર અને માંડ્ય જિલ્લાઓથી, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ મૈસૂર અને કોડાગુ જિલ્લાઓથી તથા પશ્ચિમ તરફ દક્ષિણ કન્નડ જિલ્લાથી ઘેરાયેલો છે. જિલ્લામથક હસન જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.

જિલ્લાનું નામ હસન જિલ્લામથક પરથી પડેલું છે. હસન નામ સિંહાસનપુર પરથી ઊતરી આવ્યાનું કહેવાય છે. સિંહાસનપુર નામ અર્જુનના પૌત્ર જન્મેજય સાથે સંકળાયેલું છે. વધુ પ્રચલિત માન્યતા એવી છે કે આ સ્થળની કુળદેવી હસનમ્બા પરથી હસન નામ ઊતરી આવ્યું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : પશ્ચિમ ઘાટનાં કેટલાંક શિખરો જિલ્લાના પશ્ચિમ ભાગમાં કુદરતી સીમા બનાવે છે. પશ્ચિમ ઘાટ જિલ્લાની નજીકમાં થઈને પસાર થતો હોવાથી આ જિલ્લાની આબોહવા ગિરિમથક જેવી રહે છે, તેથી આ સ્થળ ગરીબોના ‘ઊટી’ની ગરજ સારે છે. જિલ્લાનો કેટલોક ભાગ જંગલ-આચ્છાદિત ટેકરીઓવાળો છે, ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડે છે. આખો જિલ્લો ટેકરીઓ તથા અસમતળ મેદાની ભાગોથી બનેલો છે. જિલ્લાની ટેકરીઓનાં શિખરો 900 મીટરથી 1,700 મીટરની ઊંચાઈ ધરાવે છે.

આ જિલ્લાની જળપરિવાહ રચનામાં હેમાવતી નદી મહત્વનું સ્થાન ધરાવે છે. યાગાચી નદી હેમાવતીની સહાયક નદી છે, જ્યારે હેમાવતી કાવેરીની સહાયક નદી છે. આ ઉપરાંત અહીં ઘણાં નાનાં નાનાં નદીનાળાં પણ વહે છે. સિંચાઈ માટે કાવેરી, હેમાવતી અને યાગાચી નદીઓનાં પાણી ઉપયોગમાં લેવાય છે.

આબોહવા : અહીં ખંડસ્થ આબોહવા હોવાથી ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. વરસાદ 400 મિમી.ની આસપાસ પડે છે.

ખેતીપશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર ખેતીના પાકો અને બાગાયતી પેદાશો પર આધારિત છે. મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, રાગી, કઠોળ, શેરડી, મગફળી, બટાટા અને મરચાં તથા બાગાયતી-રોકડિયા પાકોમાં કૉફી, ઇલાયચી, મરી, કેળાં, નારંગી, કેરી, નારિયેળ, સોપારી, ફળો તેમજ શાકભાજીનો સમાવેશ થાય છે આ જિલ્લામાં દુધાળાં ઢોર અને ઘોડાઓનો ઉછેર થાય છે. તેમની ઓલાદ સુધારવાનાં મથકો ઊભાં કરાયાં છે.

ઉદ્યોગો : જિલ્લામાં ઉદ્યોગોનું સ્થાન મહત્વનું છે. અહીં ઓજારો અને સાધનો બનાવવાનો ઉદ્યોગ કર્ણાટક ઇમ્પ્લીમેન્ટ્સ ઍન્ડ મશીનરી કંપની દ્વારા કાર્યરત છે. અહીં ઍસ્બેસ્ટૉસ કંપની, કૉફી ઉદ્યોગ, ડાંગરની મિલો, તેલ મિલો, જીનિંગ-પ્રેસિંગ કારખાનાં, કાથી ઉદ્યોગ મુખ્ય છે. નાના પાયાના એકમોમાં ઇજનેરી અને ઑટોમોબાઇલ વર્કશોપ, સાબુ બનાવવાના એકમો, નળિયાં બનાવવાના એકમો, હાથસાળ-વણાટના એકમો, ઊન વણાટના એકમો (ધાબળા), પિત્તળનો ધાતુ ઉદ્યોગ, ચામડાં, સાદડીઓ, ટોપલીઓ, કુંભારીકામ, સુથારીકામ, સોનીકામના એકમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મધમાખી ઉછેર કેન્દ્રો (મધ અને મીણ ઉત્પાદન માટે), રેશમ માટે રેશમના કીડાનાં ઉછેરકેન્દ્રો પણ વિકસ્યાં છે.

વેપાર : આ જિલ્લામાં ખાદ્યાન્ન, કાપડ, ખાદ્ય અને અખાદ્ય તેલો, તમાકુ, ખાંડ, લાકડાં, પ્લાસ્ટિકનાં પતરાં, કૃત્રિમ રેઝિન, તાંબાનાં અને પિત્તળનાં પતરાંની આયાત કરવામાં આવે છે. અહીં દીવાસળી, બીડી, સીંગતેલ, તાંબા-પિત્તળનાં વાસણો, જુદાં જુદાં કદનાં કાપેલાં લાકડાં તૈયાર કરવામાં આવે છે. મુખ્ય નિકાસી ચીજોમાં ઇલાયચી, કૉફી દાણા, બટાટા, ડાંગર, રાગી, ગોળ, સોપારી, તમાકુ, નારિયેળ, કોપરાં, પ્લાયવુડ અને કાથીની પેદાશોનો સમાવેશ થાય છે. વેપાર અને વાણિજ્ય અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. જિલ્લાનાં મુખ્ય શહેરો ખાતે વેપારી કેન્દ્રો ઊભાં કરાયાં છે. વેપારીઓ અને ખેડૂતો માટે બૅંકોની સુવિધા છે.

પરિવહન : જિલ્લામાં માર્ગોની ગૂંથણી સારી રીતે વિકસેલી છે. જિલ્લાનાં મુખ્ય મથકો અન્યોન્ય તેમજ બૅંગલોર, મૈસૂર, શિમોગા અને મેંગલોર સાથે સંકળાયેલાં છે. અહીં માર્ગોની કુલ લંબાઈ 4,625 કિમી. જેટલી છે. તે પૈકી રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગોનો સમાવેશ થઈ જાય છે. આ પૈકી 3,013 કિમી.ના ગ્રામમાર્ગો આવેલા છે. હસન-મેંગલોર રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. હસન રેલમાર્ગ મારફતે મુંબઈ અને બૅંગલોર જોડાયેલાં છે. અહીં મીટરગેજ રેલમાર્ગ આવેલો છે, તેની કુલ લંબાઈ 196 કિમી. જેટલી છે.

પ્રવાસન : જિલ્લાનાં નગરો પૈકી બેલૂર, હસન અને શ્રવણબેલગોડા વધુ મહત્વનાં છે. અહીં અર્કલગુડ ખાતે ગૌતમ બુદ્ધે આશ્રમ સ્થાપેલો અને અર્કેશ્વરની પ્રતિમા સ્થાપેલી. અહીંનાં ઈશ્વરમંદિર અને સહસ્રકૂટ જિનાલય તેમનાં સ્થાપત્ય માટે જાણીતાં છે. આ સ્થળે દર વર્ષે 40 દિવસનો ગણેશ ઉત્સવ યોજાય છે આ ઉપરાંત ગોવિંદરાજ સ્વામી મંદિર તથા વેંકટરમણ સ્વામી મંદિર પણ જાણીતાં છે. જૂના વખતના બે કિલ્લાનાં ખંડિયેર અહીં આવેલાં છે. હેમાવતી નદીનું જળાશય તથા તેને કાંઠે આવેલાં મંદિરો પણ ઉલ્લેખનીય છે. આ જિલ્લામાં ટીપુ સુલતાને 1792માં અહીં આજુબાજુ ખાઈવાળો મંજરાબાદ કિલ્લો બંધાવેલો.

1117 સ્તંભોવાળું ચેન્નાકેશવ મંદિર

યાગાચી નદી કાંઠે બેલૂરનું જાણીતું પ્રવાસન-મથક આવેલું છે. અહીં ચન્નાકેશવ(વિજયનારાયણ)ની ચાર મીટર ઊંચી પ્રતિમા છે. તેના પૂર્વ દ્વારે અલભ્ય એવી રતિ-મન્મથની મૂર્તિઓ મૂકેલી છે. અહીં ચૈત્ર સુદના દિવસો દરમિયાન ચન્નાકેશવની વાર્ષિક રથયાત્રા નીકળે છે. આ માટે તાજેતરમાં સાત મજલાનો રથ તૈયાર કરાયો છે. 13મી સદીમાં થઈ ગયેલા કન્નડ કવિ રાઘવંકની કબર અહીં બેલૂર ખાતે આવેલી છે. 13મી સદીનું લક્ષ્મી-નરસિંહ મંદિર પણ જાણીતું છે.

 

લક્ષ્મી-નરસિંહ મંદિર, ઈ. સ. 1246

દક્ષિણમાં આવેલું શ્રવણબેલગોડા જૈનોનું મુખ્ય યાત્રાધામ છે, ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ મહત્ત્વ ધરાવે છે. આ નગર બે ટેકરીઓ વચ્ચે આવેલું છે. દોદાબેટા અથવા વિંધ્યગિરિ અથવા ઇન્દ્રગિરિ નામની મોટી ટેકરી પર અંદાજે 17 મીટર ઊંચાઈ ધરાવતી ગોમટેશ્વરની મહાકાય પ્રતિમા ગોઠવેલી છે. 978–983ના ગાળામાં ચાવુંડરાયે આ પ્રતિમા બનાવરાવેલી. દર બાર વર્ષે ગોમટેશ્વરની પ્રતિમા પર મહામસ્તકાભિષેક યોજાય છે. ભારતભરમાંથી એ વખતે જૈનો અહીં દર્શનાર્થે ઊમટી પડે છે અને લહાવો માણે છે.

ગોમટેશ્વરની પ્રતિમા : ઈ. સ. 978–993

વસ્તીલોકો : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 17,21,319 જેટલી છે, તેમાં સ્ત્રી-પુરુષોની સંખ્યા એકસરખી છે; 90 % ગ્રામીણ વસ્તી છે, 10 % શહેરી વસ્તી છે. જિલ્લાના લોકો કન્નડ, હિન્દી, મલયાળમ, તમિળ, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓનો ઉપયોગ કરે છે. જિલ્લામાં હિન્દુઓની વસ્તી વિશેષ છે, જ્યારે મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, શીખ લોકોની વસ્તી અનુક્રમે ઓછી છે. જિલ્લાની કુલ વસ્તીના 60 % લોકો શિક્ષિત છે. જિલ્લાનાં બધાં જ નગરોમાં શિક્ષણની સુવિધા સારી રીતે વિકસેલી છે. અંદાજે 25 જેટલી કૉલેજો આ જિલ્લામાં આવેલી છે. જિલ્લાનાં નગરોમાં દવાખાનાં, ચિકિત્સાલયો તથા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો આવેલાં છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને 8 તાલુકાઓમાં વહેંચેલો છે, અહીં 13 નગરો અને 2,552 (183 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આ જિલ્લાનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. શ્રવણબેલગોડા એવું એક પ્રાચીન સ્થળ છે. ત્યાં આવેલી જૈન ધર્મની ગોમટેશ્વરની ભવ્ય પ્રતિમા 17 મીટરની ઊંચાઈ ધરાવે છે અને 25 કિમી. દૂરથી જોઈ શકાય છે. તે એક હજાર વર્ષની પુરાણી માનવામાં આવે છે. તે સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો ગણાય છે. આ વિસ્તારમાં પ્રાચીન સમયમાં જૈન ધર્મનો ફેલાવો થયો હતો. આ સ્થળે ધાર્મિક ઉત્સવો ઊજવાય ત્યારે હજારો શ્રદ્ધાળુઓ ભેગા થાય છે. પૌરાણિક કથા પરથી જાણવા મળે છે કે રાક્ષસોના ગુરુ શુક્રાચાર્યે ‘મૃતસંજીવની મંત્ર’ મેળવવા વાસ્તે, કાવેરી નદીના કિનારે, રામનાથપુરામાં તપ કર્યું હતું. અગ્નિદેવે સ્વયંભૂ શિવને રીઝવવા વાસ્તે રામનાથપુરામાં તપ કર્યું હતું. ભગવાન રામચન્દ્રે લંકાવિજય બાદ, વનવાસમાંથી અયોધ્યા પાછા ફરતાં, બ્રહ્મહત્યા દોષમાંથી મુક્ત થવા, આ સ્થળે શિવલિંગની પૂજા કરી હતી. વિશ્વામિત્ર, અગસ્ત્ય, ગૌતમ વગેરે ઋષિઓએ આ પ્રદેશમાં તપ કર્યું હતું, એમ માનવામાં આવે છે. આ બધી માહિતી પુરવાર કરે છે કે આ પ્રદેશનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. ઈ. સ. 1832થી આ પ્રદેશને અષ્ટગ્રામ ડિવિઝનમાં સમાવી લેવામાં આવ્યો. ઈ. સ. 1886માં હસન જિલ્લાની પુનર્રચના કરવામાં આવી. 1941માં આલુર તાલુકો તેમાં ઉમેરવામાં આવ્યો. આ જિલ્લાનું મુખ્ય મથક હસન નગર છે.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ