હસ જૉન

February, 2009

હસ, જૉન (જ. 1372, હુસિનેક, બોહેમિયા; અ. 6 જુલાઈ 1415, કૉન્સ્ટન્સ, જર્મની) : 15મી સદીનો મહત્વનો ચેક (Czech) ધર્મ-સુધારક. તેણે 1401માં પાદરીની દીક્ષા લીધા પછી પ્રાગ શહેરમાં પાણીદાર ધાર્મિક પ્રવચનો કર્યાં. તેનાં પ્રવચનોમાં તે પોપ, ધર્માધ્યક્ષ, કાર્ડિનલ વગેરેની તથા ચર્ચના ભ્રષ્ટાચારની કડક શબ્દોમાં આકરી ટીકા કરતો. તેના કેટલાક અનુયાયીઓ પણ થયા. તેણે ચર્ચમાં તથા ધર્માધ્યક્ષો વગેરેના જીવનમાં સુધારા સૂચવ્યા. અંગ્રેજ ધર્મસુધારક જૉન વિકલીફનાં કાર્યોથી તે પ્રભાવિત થયો હતો. તેણે આગળ વધીને પોપના હોદ્દાને ‘શેતાનની સંસ્થા’ કહી.

ઈ. સ. 1409માં હસ યુનિવર્સિટી ઑવ્ પ્રાગનો રેક્ટર બન્યો. જર્મનોએ પ્રચાર કર્યો કે હસ કુખ્યાત પાખંડી છે. ઈ. સ. 1414માં હસને જર્મનીના કૉન્સ્ટન્સ નગરમાં ચર્ચના આગેવાનોની સભામાં નિમંત્ર્યો. તેને હાજર રહીને પોતાનો મત રજૂ કરવા દેવાની અને સલામતીની ખાતરી આપવામાં આવી. છતાં ત્યાં તેની વિરુદ્ધ ચુકાદો આપીને તેને બાળી નાખવામાં આવ્યો. ત્યાર પછી તેણે આરંભેલી સુધારણાની ચળવળ ઘણાં વર્ષો સુધી ચાલુ રહી. તેના અનુયાયીઓ હસાઇટસ (Hussites) કહેવાતા હતા.

જયકુમાર ર. શુક્લ