હસન અબુલ (Hasan Abul)

February, 2009

હસન, અબુલ (Hasan, Abul) (જ. આશરે 1570, ઈરાન; અ. આશરે 1640, દિલ્હી, ભારત) : મુઘલ ચિત્રકલાનો પાયો નાંખનાર ચિત્રકાર. અકબરે ખાસ આમંત્રણ આપી તેને ઈરાનથી ભારત બોલાવીને આમરણાંત રાખ્યો હતો. અકબરના મૃત્યુ પછી જહાંગીરનો તેમજ તે પછી શાહજહાંનો પણ તે પ્રીતિપાત્ર બનેલો. મુઘલ રાજદરબારીઓ અને ત્યાંના મુલાકાતીઓનાં વ્યક્તિચિત્રો ઉપરાંત પશુપંખીઓના આલેખનમાં પણ તેણે અનન્ય નિજી શૈલી ઉપજાવેલી, જેમાં માદરેવતન પરંપરાગત પર્શિયન (ઈરાની) લઘુચિત્રકલાની ભારોભાર અસર છે. આ પર્શિયન અસર તેણે પોતાના શિષ્યો અને અનુગામી ભારતીય મુઘલ ચિત્રકારો દસાવંત તથા બેસાવનને પણ વારસામાં આપી. હાથીનાં આલેખનોમાં પણ હસનની અનન્ય છટા જોવા મળે છે. કાશ્મીરનાં અને ઈરાનનાં ચિનારનાં વૃક્ષો અને એની પર ખિસકોલીઓની ક્રીડાઓનાં આલેખનો કરવામાં તે માહેર હતો. જહાંગીરે તેનું ‘નાદિર-ઉઝ-ઝમાન’ ખિતાબથી સમ્માન કરેલું.

અમિતાભ મડિયા