હસ્સાન બિન સાબિત (જ. 563, યસ્રિબ, મદીના; અ. 677) : અરબી ભાષાના પ્રખ્યાત કવિ. તેમને પયગંબર મુહમ્મદ સાહેબ(સ. અ. વ.)ના સહાબી (companion) બનવાનું અને તેમની પ્રશંસામાં કાવ્યો લખવાનું બહુમાન મળ્યું હતું. તેમનો જન્મ ઇસ્લામ પૂર્વે થયો હતો અને તેઓ યુવાવસ્થામાં ગસ્સાની વંશના અરબ રાજવીઓના દરબારી કવિ હતા અને તેમની પ્રશંસામાં કાવ્યો લખતા હતા. તે સમયનાં તેમનાં કાવ્યો ઘણી મહત્વની ઐતિહાસિક સામગ્રી ધરાવે છે. ખાસ કરીને ગસ્સાની વંશના છેલ્લા રાજવી જબલા ઇબ્ન અયહમના દરબારના વૈભવ તથા વિલાસનું વર્ણન તેમની કવિતામાં આબેહૂબ જોવા મળે છે.
ઇસ્લામના ઉદય (610) બાદ, હસ્સાન પયગંબરસાહેબના પડખે ઊભા રહ્યા હતા. જ્યારે ઇસ્લામ તથા પયગંબરસાહેબ(સ. અ. વ.)ના વિરોધીઓ પયગંબરસાહેબ ઉપર નિંદાત્મક કટાક્ષકાવ્યો લખતા ત્યારે હસ્સાન તેમને પોતાની કવિતામાં જડબાતોડ જવાબ આપતા હતા. આ કાવ્યો ઇસ્લામની શરૂઆતના ઇતિહાસના અભ્યાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને તેઓ અરબી ભાષાની પણ શ્રેષ્ઠ કૃતિઓ તરીકેની પ્રતિષ્ઠા પણ ધરાવે છે.
હસ્સાને પયગંબરસાહેબ પછીના પ્રથમ ત્રણ ખલીફાઓ – હ. અબૂબક્ર; હ. ઉમર અને હ. ઉસ્માન–નો સમય જોયો હતો તથા આ ત્રણેયના અવસાન નિમિત્તે મરશિયાં (શોક-કાવ્યો) પણ લખ્યાં હતાં. તેમનું અવસાન એકસો ચૌદ વર્ષની લાંબી વયે થયું હતું.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી