હસ્સુખાં (જ. ?; અ. 1859, ગ્વાલિયર) : ઓગણીસમી સદીના હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના દિગ્ગજ કલાકાર. અત્યંત મધુર અવાજ ધરાવતા આ કલાકાર ગ્વાલિયર દરબારમાં દરબારી ગાયક તરીકે સેવાઓ આપતા હતા. તેમના દાદાનું નામ નત્થન પીર બખ્શ, પિતાનું નામ કાદિર બક્ષ અને નાના ભાઈનું નામ હદ્દુખાં હતું. આ ત્રણેય તેમના જમાનામાં તેમની ગાયનકલાને લીધે ખ્યાતનામ બન્યા હતા. જયપુર ઘરાનાની ગાયકી કરતાં ગ્વાલિયર ઘરાનાની ગાયકી વધુ ચઢિયાતી છે. આ વાત હસ્સુખાં અને હદ્દુખાં – બંનેએ સાબિત કરી આપી હતી. તેમના નાનપણમાં પિતાનું અવસાન થયેથી હસ્સુખાં અને હદ્દુખાંનું પાલન-પોષણ તેમના પિતામહ નત્થન પીર બખ્શે કર્યું હતું. મૂળભૂત રીતે એમના પરિવારનું વતન લખનૌ ગણાય; પરંતુ ગ્વાલિયર દરબારમાં દરબારી ગાયક તરીકે તત્કાલીન ગ્વાલિયર નરેશ દૌલતરાવ શિંદે આ બંને ભાઈઓને લઈ ગયા હોવાથી તેમણે તેમના જીવનનાં મોટા ભાગનાં વર્ષો ગ્વાલિયરમાં ગાળ્યાં હતાં.

ગ્વાલિયર દરબારમાં આયોજિત એક સંગીત-સમારોહમાં એક વાર હસ્સુખાંનું ગાયન ચાલતું હતું ત્યારે તેમના પર હૃદયરોગનો જીવલેણ હુમલો થયો, જેને કારણે થોડાક જ દિવસ પછી 1859માં આ યુવાન અને આશાસ્પદ કલાકારનું અવસાન થયું. નાની ઉંમરે, યુવાઅવસ્થામાં હસ્સુખાંના થયેલ અવસાનનું દુ:ખ તેમના નાના ભાઈ હદ્દુખાં જીરવી શક્યા નહિ અને થોડાક સમય માટે ખિન્ન અવસ્થામાં તેઓ ગ્વાલિયર છોડીને લખનૌ જતા રહેલા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે