હસુરુ હોન્નુ (1978) : કન્નડ કવિ. બી. જી. એલ. સ્વામી-રચિત કૃતિ. આ કૃતિને 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.
કૃતિના શીર્ષકનો અર્થ થાય છે ‘લીલું સોનું’. તેમાંથી ફલિત થાય છે કે તેઓ વનસ્પતિસૃષ્ટિને અપાર પ્રેમ કરે છે. તેઓ કેટલાક છોડવાનો, વનસ્પતિજગતનો વાચકને પરિચય કરાવવા માંગે છે.
આ પુસ્તકનાં પાનાંમાંથી પસાર થનારને હજારો છોડવાનો પરિચય થાય છે. છોડવાના વર્ગીકરણની પદ્ધતિ પણ તેમણે સમજાવી છે. આ પુસ્તકમાં ખીચોખીચ ચિત્રો છે. વળી લેખકે પોતે કરેલાં રેખાંકનો પણ છે. આ કૃતિની વિશેષતા તેની સાહિત્યિક શૈલી છે; તેમાં સ્પષ્ટતા તથા સરળતા સાથે તાદૃશ ચિત્રાત્મકતા છે. તે એક ગણનાપાત્ર સાહિત્યિક કૃતિ હોવા ઉપરાંત લોકભોગ્ય વૈજ્ઞાનિક લેખનના ઉત્તમ દૃષ્ટાંતરૂપ કૃતિ પણ છે.
મહેશ ચોકસી