હસુરકર શ્રીનાથ એસ.

February, 2009

હસુરકર, શ્રીનાથ એસ. (જ. 1924) : સંસ્કૃતના સાહિત્યકાર. તેમનો જન્મ પાંડિત્યની લાંબી પરંપરા ધરાવતા યશસ્વી પરિવારમાં થયો હતો. તેમની ઐતિહાસિક નવલકથા ‘સિંધુકન્યા’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે આધુનિક શિક્ષણ મેળવવા ઉપરાંત પરંપરાગત ભારતીય ઇતિહાસ તથા સંસ્કૃતિની બુનિયાદ ધરાવતી પ્રાચીન પદ્ધતિનું શિક્ષણ પણ મેળવ્યું હતું. સંસ્કૃતમાં એમ.એ., સાહિત્યાચાર્ય તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ 1982માં મધ્યપ્રદેશની શિક્ષણસેવામાં જોડાયા અને 1982માં આચાર્યપદેથી નિવૃત્ત થયા.

તેમણે સંસ્કૃતમાં 4 નવલકથાઓ તથા અંગ્રેજીમાં 15 સંશોધન-પત્રો લખ્યાં છે.

પુરસ્કૃત કૃતિ સિંધ ઉપર આરબોની જીતના વિષય પર આધારિત ઐતિહાસિક નવલકથા છે. સંમોહક લાલિત્ય, સ્વાભાવિક વર્ણનશૈલી, ચિત્રાત્મક પાત્રસૃષ્ટિ તથા કથાબંધનું રસમય આયોજન જેવી વિશેષતાઓને કારણે આ પુરસ્કૃત કૃતિ સંસ્કૃત સાહિત્યમાં ગણનાપાત્ર ઉમેરણ ગણાય છે.

મહેશ ચોકસી