હસન બિન સબ્બાહ (જ. ? ; અવસાન : 1124) : મુસલમાનોના શીઆ સંપ્રદાયના ઇસ્માઇલીઓના વિખ્યાત ધર્મગુરુ તથા શીઆ વિચારધારા વિશેનાં પુસ્તકોના લેખક. હસન બિન સબ્બાહે અગિયાર અને બારમા સૈકાઓમાં શીઆ ઇસ્માઇલીઓના પ્રચારક (દાઈ) તરીકે સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હતું. તેમણે ઈરાન તથા ઇજિપ્તમાં ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું અને ઇજિપ્તના પાટનગર કેરોથી ઇસ્માઇલીઓના પેટા-પંથ ‘નિઝારીઓ’ના પ્રચારક તરીકે ઈરાનમાં આવી અલ-મૂત નામના પર્વત ઉપર પોતાનું કેન્દ્ર સ્થાપ્યું હતું. હસન બિન સબ્બાહના પિતા ઇશ્નાઅશરી શીઆ સંપ્રદાયના અનુયાયી હતા. તેમણે કૂફાથી હિજરત કરીને ઈરાનના પ્રખ્યાત શહેર કુમમાં નિવાસ કર્યો હતો જ્યાં હસનનો જન્મ થયો હતો. હસન બિન સબ્બાહ પણ ઇશ્નાઅશરી હતા પરંતુ ઇસ્માઇલી સંપ્રદાયના પ્રખ્યાત પ્રચારક અને ફારસી ભાષાના લેખક નાસિર ખુસ્રુના પ્રભાવ હેઠળ આવી તેમણે ઇસ્માઇલી ધર્મ અંગીકાર કર્યો હતો અને નાસિર ખુસરુની સાથે જ તેમણે ઇજિપ્તનો પણ પ્રવાસ કર્યો હતો.
હસન બિન સબ્બાહ એક ધર્મપુરુષ ઉપરાંત તત્વજ્ઞાની, ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી પણ હતા. તેમણે અલ-મૂતના ગઢમાં એક વેધશાળા તથા પુસ્તકાલય પણ સ્થાપ્યાં હતાં. તેમણે ઇસ્માઇલી નિઝારી પંથની કરેલી સેવા બદલ તેમને હુજ્જતે આઝમ(મહાન પુરાવા)નો ઇલકાબ આપવામાં આવ્યો હતો. હસન બિન સબ્બાહે ઇસ્માઇલીઓમાં તેમના સંપ્રદાયના ઇમામ પ્રત્યે શ્રદ્ધા તથા સેવાની ઊંડી ભાવના પેદા કરી હતી અને ઇસ્માઇલી દાવત પ્રચારનું સંગીન તથા સુવ્યવસ્થિત તંત્ર રચ્યું હતું. તેમના યુગના સલ્જૂકી વંશના રાજવીઓ તેમની અદેખાઈ કરતા અને અવારનવાર ઇસ્માઇલી કેન્દ્રો ઉપર ચઢાઈ કરતા હતા. આવા અજમાયશભર્યા વાતાવરણમાં પણ હસન બિન સબ્બાહે ઇસ્માઇલી માન્યતાઓ તથા શિક્ષણને લગતી કૃતિઓની રચના કરી હતી. જોકે પાછળથી આવેલી પડતીને કારણે તેમનું પુસ્તકાલય નષ્ટ પામતાં હવે હસન બિન સબ્બાહની જૂજ કૃતિઓ પ્રાપ્ય છે. તેમની નોંધપાત્ર કૃતિ ‘ફસ્લુલ મુબારક’ છે જેમાં ઇસ્માઇલી ધર્મના સિદ્ધાંતો ઉપર સારો પ્રકાશ નાંખવામાં આવ્યો છે.
હસન બિન સબ્બાહના પાત્ર તથા તેમની ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિઓ અંગે ઇતિહાસકારોમાં ઘણા મતભેદ જોવા મળે છે. એક તરફ ઇસ્માઇલી ગ્રંથકારો તેમની પ્રશંસા કરે છે તો બીજી તરફ ઈરાન અને કેટલાક યુરોપીય ઇતિહાસકારોએ તેમના વિચારો તથા તેમની કાર્યપદ્ધતિની ટીકા કરી છે. એક આરોપ એવો મૂકવામાં આવ્યો હતો કે તેમણે અલ-મૂત પર્વત ઉપર ‘સ્વર્ગ’ ઊભું કર્યું હતું અને અનુયાયીઓને નશીલા પદાર્થોનું સેવન કરાવતા હતા; પરંતુ આ એક નિર્વિવાદ હકીકત છે કે હસન બિન સબ્બાહે ઇસ્માઇલી નિઝારી પંથનો મજબૂત પાયો નાંખ્યો હતો જેની ઉપર ઇસ્માઇલી ધર્મગુરુ(ઇમામ-આગાખાન)એ મજબૂત ઇમારત ચણી છે. તેમનું અવસાન 90 વર્ષની ઉંમરે 1124માં થયું હતું.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી