હસન બસરી (જ. 642, મદીના; અ. 728) : ઇસ્લામના શરૂઆતના કાળના પ્રસિદ્ધ વિદ્વાન અને સૂફી સંત. તેમણે એક તરફ પવિત્ર કુરાનના ખરા અર્થઘટન (તફસીર) અને બીજી તરફ બધા જ વર્ગોના લોકોને નૈતિક શિખામણ આપવાનું કામ કર્યું હતું.

તેમના પિતાનું નામ યસાર અને માતાનું નામ ખૈરા હતું. હસન બસરીનો ઉછેર મદીનામાં બનૂ સલ્મા નામના એક અન્સારી ખાનદાનમાં થયો હતો. આ જ ખાનદાનના અબૂ સલ્મા મખ્ઝૂમીનીએ પત્ની ઉમ્મે સલમાએ હસન બસરીને પવિત્રતા બક્ષી હતી જે ઉમ્મે સલમાનો, પ્રથમ પતિના અવસાન બાદ, ઇસ્લામના પયગંબર (સ. અ.) સાથે વિવાહ થયો હતો.

હસન બસરીએ મદીનામાં ચૌદ વર્ષની ઉંમરે પવિત્ર કુરાન મોઢે કરી લીધું હતું અર્થાત્ તેઓ હાફિઝે કુરાન બન્યા હતા. ઉપરાંત તેમને પયગંબર સાહેબ(સ.અ.વ.)ના આશરે ત્રણસો જેટલા સહાબા(અંતેવાસીઓ)ની સંગત પ્રાપ્ત થઈ હતી.

તેઓ 657માં આશરે પંદર વર્ષની વયે મદીનાથી ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં આવેલ બસરા નગર ચાલ્યા ગયા હતા, જ્યાં વિદ્વાન સહાબાઓ તથા આગેવાન મુસ્લિમોએ વસવાટ શરૂ કર્યો હતો. હસન બસરીને સહાબાઓ પાસેથી પયગંબર સાહેબનાં સુવચનો સાંભળવા મળ્યાં હતાં, જેને આધારે તેમણે પવિત્ર કુરાનનું અર્થઘટન કર્યું હતું. બસરાના નિવાસ દરમિયાન તેમને એક તાબિઈ (અર્થાત્ જેમને પયગંબર સાહેબના સહાબાઓ –અંતેવાસીઓની સંગત મળી હોય) તરીકે ઘણું સન્માન મળ્યું હતું. તેઓ પોતાની પાઠશાળામાં ધર્મ તથા નીતિશાસ્ત્રનું શિક્ષણ તથા ઉપદેશ આપતા હતા. તેમના શિષ્યોમાં પ્રખ્યાત ધર્મશાસ્ત્રીઓ તથા સૂફી સંતોનો સમાવેશ થાય છે. કેટલાંક જાણીતાં નામ આ પ્રમાણે છે : રબી બિન સબીહ (હદીસશાસ્ત્રી); બક્ર બિન અબ્દુલ્લા અલ-મઝની (કાયદાશાસ્ત્રી); માલિક બિન દીનાર અને સાબિત અલ-બનાની (સૂફી સંતો).

હસન બસરીના સમયમાં સૂફીમતની અલગ શાખા થઈ ન હતી. વિદ્વાન મુસ્લિમો સાદું અને પવિત્ર જીવન ગુજારતા અને ખાસ કરીને ધનાઢ્ય અને સત્તાધારી વર્ગને શિખામણ આપતા હતા. હસન બસરી જેવા વિદ્વાનો અને વૈભવમાં જીવન ગુજારનારા સંસારી લોકો વચ્ચે ઘણો ભેદ હતો, તેથી પાછળના ઇતિહાસ તથા વૃત્તાંતના લેખકોએ પવિત્ર અને સાદું જીવન ગુજારી લોકોને ઈશ્વરી પયગામ આપનાર હસન બસરી જેવા વિદ્વાનો તથા ધર્મશાસ્ત્રીઓને સૂફી સંતનું બિરુદ આપ્યું હતું.

હસન બસરી પોતાની પાઠશાળામાં પવિત્ર કુરાનનું અર્થઘટન, પયગંબર સાહેબનાં સુવચનો(હદીસ)ના આધારે કરતા હતા તેથી પાછળના તફસીર-શાસ્ત્રીઓએ તેમનાં અવલોકનોને માનભર્યું સ્થાન આપ્યું છે તથા તફસીરમાં તેમનું અનુકરણ પણ કર્યું છે. જોકે તફસીર-શાસ્ત્રમાં હસન બસરીની કોઈ સ્વતંત્ર કૃતિ નથી. આવી જ રીતે કેટલાક ધાર્મિક વિષયો ઉપર તેમણે ટૂંકાં લખાણો કર્યાં હતાં તે પણ હવે પ્રાપ્ય નથી અને તેમનામાંથી કેટલાંકનાં નામ બાકી રહ્યાં છે. હસન બસરીને કાયમી અને વૈશ્વિક ખ્યાતિ અપાવનાર તેમનાં નીતિ-વિષયક ઉચ્ચારણો તથા ટૂંકી પ્રસંગ-કથાઓ છે જેમને પાછળના બધા સૂફી સંતોએ પોતાની કૃતિઓમાં સ્થાન આપીને તેમની લોકપ્રિયતામાં વધારો કર્યો છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી