હસન ગૌસી (મુહમ્મદ બિન) ગુજરાતી–મંડવી (સોળમો–સત્તરમો સૈકો)

February, 2009

હસન ગૌસી (મુહમ્મદ બિન) ગુજરાતી–મંડવી (સોળમો–સત્તરમો સૈકો) : સાધક અને ફારસીના પ્રથમ પંક્તિના કવિ તથા લેખક. આખું નામ મુહમ્મદ બિન હસન ગૌસી. તેમના ફારસી ચરિત્ર-લેખ-સંગ્રહ ‘ગુલઝારે અબ્રારે’ તેમને અનન્ય ખ્યાતિ અપાવી છે.

મુહમ્મદ બિન હસન ગૌસીનો જન્મ જૂન 1555માં માન્ડુ શહેરમાં થયો હતો જે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું ઐતિહાસિક અને રાજધાનીનું નગર છે. તેમના પિતા શેખ હસન અમદાવાદમાં રહેતા હતા; પરંતુ ગુજરાત ઉપરના હુમાયૂંના હુમલા સમયે તેઓ અમદાવાદ છોડી માળવામાં આવેલ માન્ડુ પાસે રહીને કાગળ વેચવાનો વ્યવસાય કરવા લાગ્યા હતા. તેઓ વિદ્વાન હતા એ સાથે ઈશ્વરી પ્રેમનો અંશ પણ રાખતા હતા. ગૌસીના મામાનું નામ શેખ મિયાં જીવ હતું અને તેઓ અમદાવાદના પ્રખ્યાત સંત સૈયદ જલાલ ઇબ્ને સૈયદ અહમદ જાફર રફાઈના મુરીદ (આધ્યાત્મિક શિષ્ય) હતા. શેખ મિયાં જીવ શેખ સદ્રૂદ્દીન ઝાકિરના ખલીફા હતા.

ગૌસીએ માન્ડુમાં રહીને પોતાના પિતાની ઇચ્છાનુસાર ધાર્મિક અને આધ્યાત્મિક અભ્યાસ કર્યો હતો. તેઓ ગ્વાલિયરના શત્તારી સૂફી પંથના વડા પીર હઝરત ગૌસ ગ્વાલિયરીના મુરીદ થયા હતા તેથી તેમનું ઉપનામ ગૌસી પડ્યું હતું. તેઓ 1582માં અમદાવાદ આવીને ખાનપુરમાં જેમનો મજાર છે તે હઝરત શાહ વજીહુદ્દીન અલવી(અ. 1589)ના મદ્રેસામાં દાખલ થયા અને વિવિધ વિષયોનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ આશરે 1586માં માન્ડુ પાછા ફર્યા હતા.

ગૌસીની દીર્ઘકાલીન ખ્યાતિ જેના ઉપર આધારિત છે તે ચરિત્ર-લેખસંગ્રહ ‘ગુલઝારે અબ્રાર’ની રચના તેમણે 1605 અને 1613નાં વર્ષો દરમિયાન કરી હતી. આ ફારસી પુસ્તકમાં ગૌસીએ તેરમા સૈકાથી લઈને સત્તરમા સૈકામાં થઈ ગયેલ આશરે 612 પ્રસિદ્ધ વ્યક્તિઓનાં જીવનચરિત્રો તથા તેમની ઉપલબ્ધિઓનો ચિતાર આપ્યો છે. આમાં વિદ્વાનો, સૂફીઓ, ચિંતકો તેમજ ચિશ્તી, કાદરી, સુહરવર્દી, નકશબંદી અને શત્તારી આધ્યાત્મિક પંથોનો પરિચય કરાવ્યો છે. ‘ગુલઝારે અબ્રાર’ એક સંપૂર્ણ ચરિત્ર-લેખસંગ્રહ ઉપરાંત તેમના સમયની ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિસ્થિતિનો એક કીમતી દસ્તાવેજ છે.

ગૌસીએ પોતાની કૃતિ જ્યારે પરિપૂર્ણ કરી ત્યારે જહાંગીરનું રાજ્ય હતું. તેથી તેમણે ‘ગુલઝારે અબ્રાર’ જહાંગીરને સમર્પિત કર્યું હતું.

ગૌસી એક સારા કવિ પણ હતા. તેમની કવિતા આધ્યાત્મિક પ્રેમના રંગમાં રંગાયેલી છે; પરંતુ તેમણે બીજા કોઈ કવિનું અનુકરણ પસંદ નથી કર્યું. ‘ગુલઝારે અબ્રાર’માં પાને પાને તેમની કવિતાનાં મોતી વિખરાયેલાં છે.

તેમની ફારસી કૃતિનો ઉર્દૂ ભાષામાં અનુવાદ ‘અઝકારે અબ્રાર’ નામથી ફઝલ અહમદ જ્યુરીએ 1908માં કર્યો હતો. ‘ગુલઝારે અબ્રાર’ (ફારસી) અને ‘અઝકારે અબ્રાર’ (ઉર્દૂ અનુવાદ) અનેક વાર પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. ઉર્દૂ અનુવાદની છેલ્લી આવૃત્તિ 2006માં પ્રગટ થઈ છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી