હસન ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul)

February, 2009

હસન, ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul) (જ. 1940, લાહોર) : અગ્રણી પાકિસ્તાની ચિત્રકાર. એમણે વૈધિક તાલીમ વિના પંદર વર્ષની ઉંમરે ચિત્રો આલેખવાં શરૂ કર્યાં હતાં. લાહોર ગવર્નમેન્ટ કૉલેજ અને પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને અંગ્રેજી ભાષામાં સ્નાતક અને અનુસ્નાતક થયા. એ પછી કેમ્બ્રિજ જઈ તેમણે ટ્રાઇપોસ મેળવ્યો.

ઇજાઝ ઉલ હસનનું એક ચિત્ર : ‘ક્વેટાના એક મકાનનું આંગણું’

એ પછી 1962માં લંડન ખાતેની સેંટ માર્ટિન્સ સ્કૂલ ઑવ્ આર્ટમાં તેમણે ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો, પણ એ અભ્યાસ એમણે પડતો મૂક્યો, કારણ કે એમાં તેઓ મન પરોવી શક્યા નહિ. એમણે પાકિસ્તાન જઈ ચિત્રો આલેખવાં શરૂ કર્યાં. અમેરિકા-વિયેતનામ યુદ્ધનો ભોગ બનેલા વિયેતનામવાસીઓની વ્યથાનું સચોટ આલેખન કર્યું. 1974માં તેમણે પાકિસ્તાનના લેખકો, નાટ્યકારો, ફિલ્મ દિગ્દર્શકો, નટનટીઓ, પત્રકારોના સંગઠન ‘પાકિસ્તાન આર્ટિસ્ટ્સ ઇક્વિટી’ની તેમણે સ્થાપના કરી. પાકિસ્તાનના સામાજિક-રાજકીય પ્રશ્નોને કલા દ્વારા વાચા આપવી એ સંગઠનનો હેતુ હતો.

અમિતાભ મડિયા