હસન નિઝામી નિશાપુરી (તેરમો સૈકો)

February, 2009

હસન નિઝામી નિશાપુરી (તેરમો સૈકો) : હિન્દુસ્તાનના સૌથી પ્રાચીન અને ગુલામવંશના શરૂઆતના બે સુલતાનો કુતુબુદ્દીન ઐબક (1206–1210) તથા શમ્સુદ્દીન ઈલતુતમિશ(1210–1236)ના સમયના ફારસી ઇતિહાસ તાજુલ મઆસિરના લેખક અને કવિ. તેમનો જન્મ ઈરાનના પ્રાચીન ઐતિહાસિક નગર નિશાપુરમાં થયો હતો. તેઓ પોતાનું વતન છોડીને પહેલાં ગઝની (અફઘાનિસ્તાન) અને ત્યાંથી દિલ્હી આવ્યા હતા. તેમણે 1206માં ઇતિહાસ લખવાનું શરૂ કર્યું હતું જે 1194થી 1220 સુધીના સમયને આવરી લે છે.

તાજુલ મઆસિરમાં આપવામાં આવેલી ઐતિહાસિક વિગતો ઉપરાંત લેખકની અલંકૃત ગદ્યશૈલી માટે તે અત્યંત નોંધપાત્ર ગણાયું છે. આ પુસ્તકમાં કુલ બાર હજાર પંક્તિઓ છે જેમાં સાત હજાર અરબી-ફારસી કાવ્યપંક્તિઓ અને બાકીના કાવ્યમય ગદ્યનો સમાવેશ થાય છે. હસન નિઝામીએ ગદ્ય-પદ્ય સાહિત્યમાં પોતાની અસામાન્ય પ્રવીણતાનાં દર્શન કરાવ્યાં છે અને તેમની ગદ્ય કૃતિ સંપૂર્ણપણે અલંકૃત અને અસ્વાભાવિક શૈલી ઉપર આધારિત હોવા છતાં ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન આધારભૂત જણાય છે. તે હિન્દુસ્તાનના પ્રથમ ઇતિહાસકાર છે જેની ફારસી કૃતિ સચવાઈ રહી છે. આ ઇતિહાસ દ્વારા કુત્બુદ્દીન ઐબકની કારકિર્દીની વિગતો પણ સુરક્ષિત રહી છે તથા સૈનિક કાર્યવાહીઓ ઉપર પ્રકાશ પડે છે. આધુનિક સમયમાં તાજુલ મઆસિરને તેની અઘરી ગદ્ય-શૈલીને કારણે મહત્વ આપવામાં આવતું નથી; પરંતુ તેના લેખકના અનુગામી એવા બધા ફારસી ઇતિહાસકારોએ તેનો આધાર લીધો છે એ હકીકત મધ્યયુગમાં તેમની લોકપ્રિયતા દર્શાવે છે.

હસન નિઝામી ફારસીના સારા કવિ હતા. તેમણે પોતાના ઇતિહાસમાં સુલતાન કુત્બુદ્દીન ઐબકના વિવિધ માનવીય ગુણો તથા યુદ્ધો વિશે સુંદર શૈલીમાં આકર્ષક કાવ્યપંક્તિઓ લખી છે. ઉપરાંત સુલતાનના મૃત્યુ પ્રસંગે સમયોચિત શોક-કાવ્ય પણ રચ્યું છે. હસન નિઝામીની ગદ્યશૈલીની તુલનામાં તેમની કાવ્ય-શૈલી સરળ અને સ્વાભાવિક તથા લાગણીસભર છે. આવા નોંધપાત્ર લેખક અને કવિની જન્મ તથા અવસાનની તારીખો નોંધાઈ નથી.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી